BCCI દ્વારા IPLમાંથી સ્મિથ-વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ

ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા આગામી ઇન્ડિયન પ્રીમિયર લિગમાંથી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ તથા ઉપ-કેપ્ટન ડેવિડ વોર્નરની એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા બંને ખેલાડીઓ પર એક વર્ષનો અને સાથી બૅટ્સમૅન કેમરૂન બૅનક્રૉફ્ટ પર નવ માસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આઈપીએલ દ્વારા પ્રતિબંધ

આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાના કહેવા પ્રમાણે, "જરૂરી વિચારણા કર્યા બાદ તેમની ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

"ટીમો વૈકલ્પિક ખેલાડીઓની પસંદગી કરી શકશે."

અગાઉ રાજસ્થાન રોયલ્સે ટીમના કેપ્ટનપદેથી સ્ટિવ સ્મિથના સ્થાને અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવ્યા હતા.

ક્રિકેટર મોહમ્મદ કૈફે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, જો ડેવિડ વોર્નર પણ સ્વૈચ્છાએ હૈદરાબાદ સનરાઇઝર્સમાંથી હટી જાય તો પ્રથમ વખત એવું બનશે કે આઈપીએલની તમામ આઠ ટીમોના કેપ્ટન ભારતીય હોય.

બંનેના કોન્ટ્રાક્ટ સરેરાશ 20 લાખ ડોલરના છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દ્વારા બેન

ઓસ્ટ્રેલિયાના બોર્ડે સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો જ્યારે અન્ય એક બૅટ્સમૅન કેમરૂન બૅનક્રૉફ્ટ પર નવ માસનો પ્રતિબંધ મૂક્યો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે દક્ષિણ આફ્રિકા ખાતેના બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટિવ સ્મિથ પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે દંડ પણ ફટકાર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો