આધારકાર્ડે ખોવાયેલા બાળકનું કઈ રીતે માતાપિતા સાથે મિલન કરાવ્યું?

- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, પાનીપત
વિનોદ અને ગીતા માટે આ લડાઈ પાણીપતની લડાઈથી કંઈ ઓછી નહોતી - તેમનો ચાર વર્ષનો દિકરો એક દિવસ અચાનક ગાયબ થઈ ગયો.
તે રવિવારનો દિવસ હતો, વર્ષ હતું ...કદાચ 2015, જ્યારે 'ચાર વર્ષનો સૌરભ રમતો રમતો ગાયબ થઈ ગયો.'
ગીતાની આંખોમાં આજે પણ તે દિવસને યાદ કરીને આંસું આવી જાય છે, તેઓ કહે છે, "રડતા રડતા ચારે બાજુ તપાસ કરી, રેલવે સ્ટેશન સુધી ગયા. મારા એક વર્ષથી નાના દિકરાને પડોશીના ભરોસે મૂકીને બહુ ભટક્યા, પણ મારો દીકરો ક્યાંય મળ્યો નહીં."

ક્યારેક મજૂરી કરીને કે ક્યારે ફળોની લારી કાઢીને વિનોદ ગુજરાન ચલાવતો હતો.
પોતાના છોકરાને શોધવા માટે હરિયાણાનાં શહેરોમાં ફરીને તે દિલ્હી સુધી આવ્યો હતો.
એમ વિનોદ કહે છે, "ગુરુદ્વારા, મંદિરો, ચાંદની ચોક અને અને એવી અનેક જગ્યાએ તપાસ કરી, પણ ક્યાંય સૌરભ મળ્યો નહીં"
કોઈ જૂની દુકાન કે ગેરેજની જગ્યાએ ઘર બનાવ્યું હોય તેવું તેનું ભાડાનું ઘર છે.
આવા ઘરમાં ઉદાસ ચહેરે તે કહે છે, "ગીતા બીજા છોકરાઓને રમતા જુએ ત્યારે સૌરભને યાદ કરીને આજે પણ રડવા લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અને અચાનક એક દિવસ ફોન આવ્યો...

ઇમેજ સ્રોત, Getty Images
આ ફોન હતો ખોવાયેલા બાળકોને શોધવાનું કામ કરવી એનજીઓ સલામ બાળક ટ્રસ્ટમાંથી.
નિર્મલા દેવી કહે છે, 'સૌરભને સ્કૂલમાં દાખલ કરવા માટે તેનુ આધાર કાર્ડ બનાવવાનું હતું."
"તે માટે ફિંગરપ્રિન્ટ લેવાઈ ત્યારે અગાઉથી તેની ફિંગરપ્રિન્ટ હોવાનો ખ્યાલ આવ્યો. પાણીપતમાં તે કાર્ડ બન્યું હતું અને તેમાં એક મોબાઇલ નંબર પણ હતો."
"અમે તે નંબર પર ફોન કર્યો ત્યારે ખબર પડી તે તેમનો દીકરો સૌરભ કેટલાંય વર્ષોથી ગુમ થઈ ગયો હતો."
"આધાર કાર્ડનાં કારણે બાળકનું તેના માતાપિતા સાથે પુન:મિલન થયું હોય તે આ સૌપ્રથમ કિસ્સો હતો", એમ નિર્મલા દેવી કહે છે.

સલામ બાળક ટ્રસ્ટે ગયા વર્ષે આવાં સાત બાળકોનું તેમના માતાપિતા સાથે મિલન કરાવ્યું હતું.
આ બાળકોની ઓળખ તેમના આધાર કાર્ડના ડેટાને કારણે થઈ હતી.
રખડતા મળતા બાળકોને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની ચાઇલ્ડ લાઇન હોમમાં રાખવામાં આવે છે.
તેમાં આ બધાં બાળકો હતાં અને પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડથી અહીં પહોંચ્યાં હતાં.
ટ્રસ્ટના દિલ્હી ખાતેના સંયોજક સંજય દુબે કહે છે, "2017માં અમારી પાસે આવેલાં 927 બાળકોમાંથી અમે 678ને તેના વાલીઓ સુધી પહોંચાડી શક્યા છીએ."
"કાર્યકરોનું નેટવર્ક, તેમના દ્વારા તપાસ અને સ્થાનિક તંત્રની મદદથી આ કામ કરવામાં આવે છે."

આધાર કાર્ડ કઈ રીતે કામઆવ્યું?
આધાર કાર્ડની ઉપયોગીતા વિશે સંજય દુબે કહે છે, 'નિર્મલા દેવીએ જે સાત બાળકોની વાત કરી તેમાં અમને આધાર કાર્ડની મદદ મળી હતી."
"જોકે અમારી સંસ્થા વર્ષોથી બાળકોને પરિવાર સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તે વખતે આધાર કાર્ડ પણ હતાં નહીં."
તેઓ કહે છે, "હા, આધાર કાર્ડને કારણે કામ થોડું સરળ થાય ખરું. ખાસ કરીને જે બાળકો માનસિક રીતે કમજોર હોય અને પોતાના વિશે કશું જણાવી શકે તેમ ના હોય ત્યાં આધાર કાર્ડ ઉપયોગી થાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












