Top News: એપલ વિકલાંગ લોકો માટે નવાં ઇમોજીસ લાવશે. કેવાં હશે આ ઇમોજીસ?

ઇમેજ સ્રોત, APPLE/UNICODE
એપલ હવે વિકલાંગ લોકો માટે નવાં ઇમોજીસ લાવવા માટે ઇચ્છી રહ્યું છે.
એક ગાઇડ ડોગ, આ વ્હિલચેર યુઝર અને કૃત્રિમ અંગો સાથેનાં કેટલાંક ઇમોજીસ એપલ લાવવા માંગી રહ્યું છે.
કંપનીના કહેવા પ્રમાણે એવાં બહુ ઓછાં ઇમોજીસ છે કે જે હાલ વિકલાંગ લોકોના હાવભાવો દર્શાવી શકે છે.
એપલે આ ઇમોજી અંગેની ભલામણ હાલ યુનિકોડ કન્સોર્ટિયમને કરી છે. આ સંસ્થા નવા ઇમોજીસની ભલામણો પર સમીક્ષા કરે છે.
પોતાના આ નવા ઇમોજીસ પર એપલે કહ્યું, "હાલના ઇમોજીસ વિશાળ શ્રેણીમાં વિકલ્પો પુરા પાડે છે, પરંતુ તેમાં વિકલાંગોના ભાવ વ્યક્ત કરે તેવાં ઇમોજીસ ઓછાં છે."
એપલે આ પ્રકારનાં નવાં 13 ઇમોજીસની ભલામણ કરી છે.

અમિત શાહ શા માટે જુઠ્ઠાણાં ફેલાવો છો?: નાયડુ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ મુજબ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયુડુએ અમિત શાહ પર પલટવાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના અધ્યક્ષ અમિત શાહે એનડીએથી છેડો ફાડવા બદલ ટીડીપીની ટીકા કરી હતી.
અમિત શાહે એક પત્ર લખીને ટીડીપીની ટીકા કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલાં ત્રણ વર્ષોમાં આંધ્ર પ્રદેશના અવિકસિત જિલ્લાઓના વિકાસ માટે 1,050 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું.
પત્રમાં લખવામાં આવ્યું છે કે આ ફંડમાંથી આંધ્રની સરકાર માત્ર 12 ટકા રકમ જ વાપરી શકી છે. બાકીની 88 ટકા રકમ તો હજી પડી રહી છે.
નાયડુના એનડીએમાંથી નીકળી જવાના નિર્ણયને રાજકીય નિર્ણય ગણાવતાં કહ્યું હતું કે આ નિર્ણય સાથે વિકાસની વાતને કોઈ લેવા દેવા જ નથી.
હવે અમિત શાહના આ પ્રહારનો જવાબ આપતાં નાયડુએ કહ્યું છે કે તમે શા માટે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છો?
અમારી સરકારના સમયમાં રાજ્યમાં સારો જીડીપી રહ્યો છે, ખેતીમાં પણ પ્રગતિ થઈ છે અને અમને ઘણા એવૉર્ડ પણ મળ્યા છે.

અનંતનાગમાં એન્કાઉન્ટર: બે ઉગ્રવાદીઓનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં બે ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અનંતનાગના દૂરુ વિસ્તારના શિસ્ત્રગામમાં ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની ચોક્કસ બાતમીને આધારે સુરક્ષા દળોએ શુક્રવાર રાત્રે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને શોધ અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, નાકાબંધી કર્યા બાદ સામ-સામે ગોળીબાર થયો હતો અને ત્યારબાદ આ કાર્યવાહીને રાત્રી પૂરતી સ્થગિત કરી દેવાઈ હતી.
આજે સવારે ફરી વખત સશસ્ત્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં બે ઉગ્રવાદીઓનાં મોત થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, માર્યા ગયેલા ઉગ્રવાદીઓની ઓળખ અને તેઓ કયા જૂથ સાથે જોડાયેલા હતા તે પ્રસ્થાપિત કરવાનું હજી બાકી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે અને ઘટનાસ્થળેથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યસભામાં ભાજપ હવે સૌથી મોટો પક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર શુક્રવારના રોજ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની નવ બેઠકો પર ભાજપ વિજયી થતા હવે તે રાજ્યસભામાં સૌથી વધુ બેઠકો ધરાવતો પક્ષ બની ગયો છે.
ઉત્તર પ્રદેશમાં કુલ દસ બેઠકમાંથી ભાજપે નવ બેઠક મેળવી છે જ્યારે સમાજવાદી પાર્ટીને એક બેઠક મળી છે.
જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને તેના ધારાસભ્યોની સંખ્યાની સરખામણીએ એક બેઠક વધુ મળી છે.
અહીં બીએસપી-એસપી-કૉંગ્રેસ ગઠબંધન અને ક્રોસ વોટિંગના વિવાદ વચ્ચે ભાજપને આ એક વધારાની બેઠક મળી છે.
આમ હવે રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ છે અને તે રાજ્યસભામાં સૌથી વધુ બેઠકો ધરાવતો પક્ષ બની ગયો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
સૌથી મહત્ત્વપૂર્ણ બાબત ભાજપના અનિલ અગ્રવાલે બીએસપીના ભીમરાવ આંબેડકરને હરાવતા ભાજપને એક વધુ બેઠક મળી તે છે.
ભાજપે સાત રાજ્યોમાં 26 બેઠકોમાંથી 12 બેઠકો પર વિજય મેળવ્યો છે.
ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકા, તેલંગણા, ઝારખંડ, છત્તીસગઢ અને કેરળમાં આ ચૂંટણીઓ યોજાઈ હતી.

ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યમાં ગરીબી રેખા હેઠળ દરરોજના 26 પરિવારો વધે છે.
રાજ્યમાં 31,46,413 પરિવારો ગરીબી રેખા હેઠળ જીવે છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં તેમાં 18392 પરિવારોનો વધારો થયો છે.
આ માહિતી ગ્રામ્ય વિકાસ મંત્રી બચુભાઈ ખાબડે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહને આપી હતી.
અહેવાલ મુબજ બનાસકાંઠામાં સૌથી વધુ 2.36 લાખ પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે.
કૉંગ્રેસના દાવા મુજબ રાજ્યની ચોથા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે.
ગરીબી રેખા હેઠળ જીવતી પરિવારોની સંખ્યામાં વધારામાં અમરેલી સૌથી ઉપર છે.
અહીં 4248 પરિવારો વધ્યા છે. જ્યારે નવસારીમાં 4120, રાજકોટમાં 3203 અને મોરબીમાં 2299 તથા જૂનાગઢમાં 1070 પરિવારો વધ્યા છે.
વળી નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી જિલ્લામાં આવા પરિવારની સંખ્યા જરાય નથી વધી.

ફિલ્મ અભિનેત્રી ઝીનતે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ઇમેજ સ્રોત, Getty Images
'સંદેશ'ના અહેવાલ અનુસાર 68 વર્ષીય ફિલ્મ અભિનેત્રી ઝીનત અમાને 38 વર્ષના એક ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદને પગલે જૂહુ પોલીસે ઉદ્યોગપતિની ધરપકડ કરી છે.
અહેવાલ અનુસાર ઉદ્યોગપતિની ઓળખ મહંમદ સરફરાઝ તરીકે થઈ છે.
ઝીનત અમાને ઉદ્યોગપતિ પર મહિના પૂર્વે તેમનો પીછો કરવાનો, 15 કરોડની છેતરપિંડીનો અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
અત્રો નોંધવું રહ્યું કે, ઝીનત અમાને સત્યમ શિવમ સુંદરમ, યાદો કી બારાત અને લાવારિસ જેવી સુરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












