હથિયારો માટે બીજા દેશોના ભરોસે ક્યાં સુધી રહેશે ભારતીય સેના?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત વર્ષે જ ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ભારત એકસાથે અઢી મોરચે યુદ્ધ માટે સક્ષમ છે. બિપિન રાવતની આ ટિપ્પણીને ચીન અને પાકિસ્તાનની મીડિયામાં ખૂબ કવરેજ મળ્યું હતું

આત્મવિશ્વાસથી ભરપૂર નિવેદન બાદ હવે બિપિન રાવતે ચીનની વધતી સૈન્ય શક્તિને રેખાંકિત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના આધારે, બુધવારે બિપિન રાવતે કહ્યું કે, પાડોશી દેશ ચીન પોતાની વધતી આર્થિક શક્તિની સાથે સેનાનું આધુનિકીકરણ પણ કરી રહ્યું છે.

વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યું, "તેઓ અમારા વિચાર્યા પહેલા જ આવી ગયા છે."

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે કહ્યું કે ચીન આર્થિક પ્રગતિ તો કરી જ રહ્યું છે, પરંતુ સાથે જ સૈન્ય શક્તિનો પણ વિસ્તાર કરી રહ્યું છે.

તેમણે કહ્યું, "ચીને એ વાત સુનિશ્ચિત કરી છે કે આર્થિક પ્રગતિ સાથે સૈન્ય શક્તિ પણ વધે. આ માટે તે વિશ્વમાં એક શક્તિ તરીકે સ્થાપિત થયું છે.

"હવે તે અમેરિકાને પડકાર આપી રહ્યું છે. અત્યાર સુધી તે જ સમગ્ર દુનિયામાં એકમાત્ર સુરક્ષા પ્રદાન કરવા વાળો દેશ રહ્યો છે."

સેના પ્રમુખના નિવેદનમાં વિરોધાભાસ

જનરલ બિપિન રાવત કાલ સુધી અઢી મોરચે એકસાથે યુદ્ધની વાત કરી રહ્યા હતા.

ત્યારે હવે તેમનું નિવેદન ભારતીય સૈન્ય શક્તિ મામલે ચિંતિત કરનારું છે?

શું સમયની સાથે સેના પ્રમુખના પોતાના જ નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે?

વિવેકાનંદ ફાઉન્ડેશન સાથે કામ કરી ચૂકેલા અને હાલમાં ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સુશાંત સરીન કહે છે:

"આર્મી પ્રમુખના નિવેદનમાં વિરોધાભાસ છે. વધુ એક નિવેદન ગળા નીચે ઉતરી નથી રહ્યું, જેમાં સેનાના ઉપપ્રમુખે સંસદની સામે કહ્યું હતું કે સેનાના 68 ટકા હથિયાર જૂના થઈ ગયા છે.

"તેમણે આર્મીની તૈયારી અને સંસાધનોની ખામીની વાત રાખી છે. આ સાથે જ તેમણે સેનાના આધુનિકીકરણમાં આવનારી સમસ્યાઓની વ્યાખ્યા કરી છે.

"જો સેનાના ઉપપ્રમુખનું અને સેના પ્રમુખનું નિવેદન જોવામાં આવે તો બન્ને ખૂબ અટપટાં લાગે છે."

તૈયાર નથી સેના?

સુશાંત સરીને કહ્યું, "આ વાત તો ઠીક છે કે ભારત માટે પડકાર બે મોરચાનો છે.

"જે રીતે પાકિસ્તાન અને ચીનની મિત્રતા ગાઢ બની રહી છે તેનાથી કોઈ ઇનકાર કરી શકતું નથી પણ સવાલ એ છે કે શું આપણી તૈયારી એ સ્તરની છે?

"જો તમારી તૈયારી છે પણ, તો શું બે મોરચા સામે પડકારનો સામનો કરવો જોઈએ કે કૂટનીતિનો સહારો લેવો જોઈએ.

"દુનિયાના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ દેશે બે મોરચા સામે લડાઈ કરી છે તો તેની સામે સમસ્યા વધી છે અને તે સહેલું રહ્યું નથી.

"આપણે તેમાંથી શીખવું જોઈએ અને આર્મી પ્રમુખે આ પ્રકારના નિવેદન આપવાથી બચવું જોઈએ."

ભારતીય સેના આત્મનિર્ભર કેમ બની શકતી નથી?

ગત અઠવાડિયે જ ગ્લોબલ ઇન્ડેક્સ 2017નો એક રિપોર્ટ આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે કુલ 133 દેશોની યાદીમાં ભારત સૈન્ય શક્તિના મામલે ચોથા નંબર પર છે.

આ યાદીમાં ભારતથી ઉપર માત્ર અમેરિકા, ચીન અને રશિયા છે.

આ રિપોર્ટ બાદ સોમવારે સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ આવ્યો અને તેમાં ભારતને દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાતકર્તા દેશ ગણાવવામાં આવ્યો.

છેલ્લા પાંચ વર્ષોમાં ભારતની હથિયાર આયાત 24 ટકા વધી છે. આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો દુનિયાભરના કુલ આયાત થતાં હથિયારોમાં 13 ટકા ભાગ છે.

ભારત હથિયાર આયાત મામલે સાઉદી અને ઇજિપ્તની સાથે ઊભું છે.

આ રિપોર્ટ અનુસાર ભારત રશિયા પાસેથી સૌથી વધારે 62 ટકા હથિયાર આયાત કરે છે. રશિયા બાદ ભારત અમેરિકા પાસેથી સૌથી વધારે હથિયાર ખરીદે છે.

તેનો મતલબ છે ભારત પાસે જે સૈન્ય શક્તિ છે, તે બીજા દેશોના હથિયારો પર નિર્ભર છે.

આખરે ભારત સૈન્ય શક્તિના મામલે આત્મનિર્ભર બન્યા વગર પોતાને શક્તિશાળી કેવી રીતે બતાવી શકે છે?

ભાજપ નેતા શેષાદ્રી ચારી પણ આ વાતને ચિંતાજનક માને છે. તેમનું માનવું છે કે ભારતે આ મામલે જે રિસર્ચ અને આધુનિકીકરણ કરવાની જરૂર હતી તે આટલા વર્ષોમાં કર્યું નથી.

આયાત પર નિર્ભર સેના

સુશાંત સરીન પણ ભારતની આ સૌથી મોટી નિષ્ફળતા માને છે.

તેમણે કહ્યું, "આપણે લાઇસન્સ પ્રોડક્શન સિવાય કંઈક કરી શકતા નથી. આપણી ક્ષમતા એટલી કમજોર છે કે ઘણી વખત ડર લાગે છે."

સુશાંત સરીનનું કહેવું છે કે જ્યારે દુનિયા પાસાં બદલે છે તો વિશ્વ સંબંધોમાં સહયોગી બદલતા અને પાછળ હટતા વાર લાગતી નથી.

તેમણે કહ્યું કે જો 60થી 70 ટકા સૈન્ય સામાનની જરૂરિયાત રશિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે અને રશિયાની પ્રાથમિકતા બદલે છે તો આપણે ક્યાં જઈશું?

સરીને કહ્યું, "આજે અમેરિકા સાથે આપણા સંબંધો સારા થઈ રહ્યા છે. પરંતુ તેની કોઈ ગૅરંટી નથી કે અમેરિકા હંમેશા મિત્ર રહેશે. જો સંબંધ ખરાબ થયા તો આપણે શું કરીશું?"

2014માં સત્તા સંભાળ્યા બાદ મોદી સરકારે સંરક્ષણના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 'મેક ઇન ઇન્ડિયા' પ્રોગ્રામની શરૂઆત કરી હતી.

તેના અંતર્ગત સંરક્ષણના ક્ષેત્રે FDIની સીમા ખતમ કરી 100 ટકા કરી દેવામાં આવી હતી. શું મોદી સરકારની આ પહેલ કામ કરી શકી?

મેક ઇન ઇન્ડિયા કેમ અસરકારક સાબિત ન થયું?

મોદી સરકારમાં રક્ષા રાજ્ય મંત્રી સુભાષ ભામરેએ સંસદમાં જે આંકડાકીય માહિતી આપી છે તે ઘણી નિરાશાજનક છે.

સંરક્ષણ ક્ષેત્ર પર બનેલી સંસદીય સમિતિના રિપોર્ટમાં પણ ભારતની સૈન્ય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ભાજપ સાંસદ મેજર જનરલ બીસી ખંડૂરીની અધ્યક્ષતા વાળી સમિતિ મંગળવારના રોજ સંસદમાં અહેવાલ રજૂ કર્યો હતો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સેનામાં આધુનિકીકરણ માટે 21,338 કરોડ રૂપિયાની રાશિ પર્યાપ્ત નથી.

આ રિપોર્ટમાં નેવી અને એરફોર્સના આધુનિકીકરણની ધીમી ગતિ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સેનાના હથિયાર જૂના થઈ ગયા છે અને સાથે જ ગોળાબારૂદનો સંગ્રહ પણ પર્યાપ્ત નથી.

આખરે ભારતીય સેનાની સ્થિતિ આવી કેમ છે? ઇન્સ્ટિટ્યુટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના ડાયરેક્ટર લક્ષ્મણ કુમાર બેહરા કહે છે:

"ભારતીય સેના સાથે જોડાયેલા આંકડા જણાવે છે કે આપણી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી કેટલી હદે પાછળ છે.

"એ વાત રસપ્રદ છે કે આપણી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનો આકાર ખૂબ મોટો છે પણ ઇનોવેશનના મામલે કદ ખૂબ નાનું છે.

"આ જ કારણોસર ભારત આત્મનિર્ભર થઈ શકતું નથી. મોદી સરકારે મેક ઇન ઇન્ડિયાના રૂપમાં સારો પ્રયાસ કર્યો છે. પણ તેને પણ લાગૂ કરવા મામલે ઘણી સમસ્યાઓ છે."

રક્ષાના ક્ષેત્રમાં FDI પર લક્ષ્મણ કુમાર બેહરા કહે છે, "ડિફેન્સમાં FDI એકદમ અલગ છે. અહીં ખરીદદાર એક જ હોય છે પરંતુ અન્ય સેક્ટરમાં ખરીદદાર ઘણાં હોય છે.ૉ

"તેવામાં જ્યાં સુધી એક ખરીદદારની પ્રતિબદ્ધતા અનૂકુળ નહીં હોય તો કોઈ પૈસા લગાવવા માગતા નથી. ભારત સરકારની પ્રતિબદ્ધતા એ સ્તર સુધી પહોંચી શકી નથી."

"આપણે 60 ટકા હથિયાર આયાત કરીએ છીએ જ્યારે લક્ષ્ય 30 ટકાનો છે. આપણે ત્યાં DRDO જેવી સંસ્થાઓ પણ છે પરંતુ તેમાં ખૂબ ખામીઓ છે જેને જેમ બને તેમ જલદી દૂર કરવાની જરૂર છે."

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે ભારત સંરક્ષણ બજેટ પર જેટલી રકમ ફાળવે છે તેનો 80 ટકા કરતા વધારે ભાગ સંરક્ષણ કર્મીઓના વેતન અને અન્ય ભથ્થા પર ખર્ચ થાય છે.

તેવામાં આધુનિકીકરણ માટે ફંડ ખૂબ ઓછું બચે છે. તે છતાં ગત વર્ષે સંરક્ષણ બજેટના 6,886 કરોડ રૂપિયા આર્મી ઉપયોગ કરી શકી ન હતી.

ધ સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં સૈન્ય ખર્ચમાં દર વર્ષે 1.2 ટકાનો વધારો થઈ રહ્યો છે.

આ રિપોર્ટ અનુસાર, દુનિયાભરના સૈન્ય ખર્ચમાં માત્ર અમેરિકા 43 ટકા સાથે સૌથી આગળ છે.

ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચાર સ્થાયી સભ્ય આવે છે. જોકે, બાકીના સભ્યો અમેરિકાની આસપાસ પણ જોવા મળતા નથી.

ચીન સાત ટકા સાથે બીજા નંબર પર છે. ત્યારબાદ બ્રિટન, ફ્રાન્સ અને રશિયા લગભગ ચાર ટકા આસપાસ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો