You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કશ્મીરની આ બે વિધવાઓ કે જેમના પતિ જુદી જુદી રીતે મર્યા
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે
ભારત પ્રશાસિત કશ્મીરના અનંતનાગમાં રહેતી 50 વર્ષની જવાહિરાના એક ઓરડા વાળા ઘરમાં એકાંત અને નિરાશા છવાયેલાં છે.
અહીં થોડે દૂર જવાહિરા જેવી જ એક અન્ય વિધવા પણ રહે છે.
જવાહિરા બાનો અને 40 વર્ષીય રૂબી જાનની જિંદગીમાં ફરક માત્ર એટલો છે કે એકનો પતિ ઉગ્રવાદી હોવાને કારણે માર્યો ગયો અને બીજીનો પતિ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કામ કરવાને કારણે માર્યો ગયો.
બંને વિધવા જિંદગીનો જંગ લડી રહી છે. બંને તેમના પતિઓને શહીદ કહીને યાદ કરી રહી છે.
1990માં કશ્મીરમાં હથિયાર સાથે આંદોલનની શરૂઆત થઈ હતી, એ વર્ષે જ જવાહિરા બાનોના પતિનું મોત થયું.
દુઃખથી ભરેલી જિંદગી
જવાહિરા કહે છે, "શરૂ-શરૂમાં મારા પતિ બશીર અહેમદ ઘરે રહેતા ન હતા. બાદમાં મારા પડોશીઓએ મને જણાવ્યું કે તમારા પતિ ઉગ્રવાદીઓ સાથે ઉઠે-બેસે છે. મેં અનેકવાર મારા પતિને પૂછયું પણ ખરું કે તમે આવું શા માટે કરો છો? પરંતુ તેઓ ન માન્યા. તે મારી સાથે ઝઘડો કરતા. એ સમયે અમારા લગ્નના છ વર્ષ વીતી ગયાં. હું તેમને આ કામથી દૂર કરવા માટે વધારે દબાણ પણ કરતી નહોતી. વિચારતી કે તેમની પાસે હથિયાર છે, તે મારી નાખશે. નાનાં-નાનાં બાળકો હતાં. પછી અચાનક સુરક્ષાદળોએ તેમની ધરપકડ કરી અને શહીદ કરી દીધા. ત્યારથી મારી જિંદગી નરક બની ગઈ છે."
જવાહિરા હાલ તેમના માતા-પિતાના ઘરમાં રહે છે.
વાતો કરતાં-કરતાં જવાહિરાની આંખમાં આસું આવી જાય છે, પછી તે જાણે લાગણીઓ આગળ મજબૂર થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રડતાં-રડતાં તેણે આગળ વાત કરી, "પછી મારા દીકરાએ અભ્યાસ અધૂરો છોડી દીધો. હવે અમારી પાસે ફી જમા કરાવવા માટે પણ પૈસા નથી. પછી તેણે ઓટો રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. દીકરીએ પણ ભણવાનું છોડી દીધું. પછી તેને હદયની બીમારી થઈ ગઈ. તે પૂછ્યા રાખે છે કે મારા પપ્પા ક્યાં ગયા? મારા પરિવારને પાળવા માટે મેં ઘરે ઘરે જઈને મજૂરી કરી."
આખી રાત ઊંઘી શકતી નથી
જવાહિરા બાનો એ દિવસોને યાદ કરે છે જ્યારે તેમના પતિનું મોત થયું હતું. "મને મારી પડોશણે જણાવ્યું કે તારા પતિ બશીર અહેમદને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે. હું હોસ્પિટલ તેને જોવા પહોંચી. જ્યારે હું પરત આવવા નીકળી તો પાછળથી ગોળીઓનો અવાજ સંભળાયો. એટલામાં હું ઘરે પહોંચી તો બીજા પડોશીને કોઈએ કહ્યું કે બશીર અહેમદને મારી નાખ્યો છે. પછી આગળના દિવસે પાસેની શહીદ મઝાર પર તેને દફન કરી દેવામાં આવ્યા."
જવાહિરા કહે છે કે જ્યારથી તેના પતિને મારી નાખવામાં આવ્યા છે ત્યારથી તે શાંતિથી ઊંઘી શકી નથી. "હું આખી રાત જાગતી રહું છું. મને બાળકોની મુશ્કેલીઓ યાદ આવે છે. તે જીવતા હોત તો સૂકો રોટલો ખાઈને પણ જીવી લેતાં."
જવાહિરા કહે છે ન તો સરકારે તેમની મદદ કરી કે ન કોઈ અન્ય લોકોએ.
તે કહે છે કે સરકારે એમ કહીને ના પાડી દીધી કે તેમનો પતિ ઉગ્રવાદી હતો. વર્ષમાં એક કે બે વખત સરકાર તરફથી છસો કે ચારસો રૂપિયાની મદદ મળે છે.
રૂબી જાનની આપવીતી
રૂબીના ઘરમાં દાખલ થતાની સાથે અહીં પણ ખામોશી છવાયેલી જોવા મળે છે. પતિના મોત અને ત્યારબાદ સરકાર તરફથી કોઈ મદદ ન મળવાથી રૂબી પરેશાન છે.
રૂબીના પતિ એજાઝ અહમદ તૌરનું વર્ષ 2004માં ઉગ્રવાદી હુમલામાં મોત થયું હતું.
એજાઝ સરકારી બંદૂક બરદારના રૂપમાં કામ કરતો હતો.
વર્ષ 1995ની વાત છે, જ્યારે કેટલાંક સક્રિય ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કરી સરકાર સાથે મળીને ઉગ્રવાદીઓની વિરૂદ્ધ કામ કરવાનું શરૂ કર્યું હતું. આવા લોકોએ પોતાના સંગઠનનું નામ 'ઈખ્વાનુલ મુસલિમીન' રાખ્યું હતું. કશ્મીરના દરેક વિસ્તારમાં તેમનું જોર વધ્યું હતું. અનંતનાગમાં તો આ સંગઠનનો દબદબો હતો.
એજાઝ પણ આ ટૂકડીનો સભ્ય બની ગયો. એક દિવસ અચાનક ઉગ્રવાદીઓએ તેને અને તેના એક સાથીને મારી નાખ્યા.
રૂબી કહે છે, "આ 2004ની વાત છે, જ્યારે મારા પતિ 'ઈખ્વાન' માટે કામ કરતા હતા. અહીં ઘરની બહાર ભીડની વચ્ચે કોઈ આવી ગયું અને તેને ગોળી મારી દીધી. તેમના શહીદ થયાનાં 13 વર્ષ બાદ પણ સરકારે મદદ કરી નથી. મારા પતિએ સરકાર માટે જીવ આપ્યો. મારા ઘરમાં અનેક મુશ્કેલીઓ છે. દીકરાને ભણાવી રહી છું. છેલ્લાં તેર વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહી છું. પરંતુ દરેક વખતે મને ખાલી હાથે પરત ફરવું પડે છે. અધિકારીઓ કહે છે કે તમને ન્યાય મળશે, પરંતુ ક્યારે?"
મજૂરી કરીને ઘર ચલાવ્યું
રૂબી કહે છે કે 'ઈખ્વાન'માં રહ્યાનાં કેટલાંક વર્ષો બાદ એજાઝને પોલીસમાં એસપીઓ(સ્પેશિયલ પોલીસ ઓફિસર)ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમને પંદરસો રૂપિયા પગાર મળતો હતો.
રૂબી જાણતી હતી કે એજાઝ 'ઈખ્વાન'માં કામ કરે છે. તે કહે છે કે હું મારા પતિને હંમેશા કહેતી કે તમે 'ઈખ્વાન'માં કામ ન કરો.
તેણે કહ્યું, "મેં અનેકવાર તેમને કહ્યું કે તમે ઈખ્વાનમાં કામ ન કરો, પરંતુ તેઓ કહેતા કે પોલીસમાં ભરતી થયા બાદ 'ઈખ્વાન'સાથે નહીં રહું. પરંતુ આ સમય દરમિયાન જ તેઓ શહીદ થઈ ગયા."
રૂબી કહે છે કે આઠ વર્ષ સુધી તેણે મજૂરી કરી અને ઘર ચલાવ્યું. રૂબી સાથે બે દીકરા અને તેની સાસુ પણ રહે છે.
રૂબીના દિલમાં કોઈ માટે નફરત નથી. રૂબી કહે છે કે જો હવે તેનો પુત્ર પણ હથિયારના રસ્તે ચાલશે તો તે પુત્રની સાથે સંબંધ તોડી નાખશે.
સરકારે ઉગ્રવાદીઓ સંબંધિત મામલાઓમાં થયેલા જાનમાલના નુકસાન અંગે વળતરની ખાસ નીતિ રાખી છે.
જવાહિરા અને રૂબી બંને તેમના પતિઓને શહીદ કહીને યાદ કરે છે.