પ્રેસ રિવ્યૂ: ગુજરાતી પટેલનું અમેરિકામાં લોન કૌભાંડ, થઈ 25 વર્ષની જેલ

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ઑર્લેન્ડોના બિઝનેસમેન નિકેશ પટેલને 17.9 કરોડ ડૉલરના લોન કૌભાંડમાં 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મૂળ ગુજરાતી નિકેશ ઉર્ફે નિક પટેલ પર 2010થી 2014 દરમિયાન લગભગ 1150 કરોડ રૂપિયાના લોન કૌભાંડનો આરોપ સાબિત થયો હતો.

લોન વેચવાના બહાને નિક પટેલે લગભગ 26 જેટલી બનાવટી લોનની રકમ પોતાની કંપની માટે મેળવી લીધી હતી. આ રકમ તેમણે પોતાની ભવ્ય લાઇફસ્ટાઇલ પાછળ ખર્ચી નાખી હતી.

આ લોન કૌભાંડમાં સપ્ટેમ્બર 2014માં નિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. 2016માં દોષિત જાહેર થયા પછી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

તમામ કંપનીઓને પૈસા પાછા આપી દેવાની ખાતરી આપીને 2016માં જામીન મેળવ્યા બાદ પણ ફરીથી 1.9 કરોડ ડૉલર એટલે કે અંદાજે 123 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કર્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

છઠ્ઠી જાન્યુઆરીએ ફ્લોરિડાથી ઇક્વાડૉર ભાગી જવાની ગોઠવણ કરી રહેલા નિક પટેલની પોલીસે અટકાયત કરી હતી.

આઠમી માર્ચે શિકાગોની કોર્ટે તેમને ગુનેગાર ઠેરવ્યા હતા અને તેમને 25 વર્ષની જેલની સજા ફટકારી હતી.

50 કરોડથી વધુની લોન માટે પાસપોર્ટ જરૂરી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આર્થિક ગુના કરીને વિદેશ ભાગી જવાની ક્રમશ: બની રહેલી ઘટના બાદ સરકારે 50 કરોડ રૂપિયા કે તેનાથી વધારેની લોન માંગનારાઓ માટે પાસપોર્ટ વિગત આપવી જરૂરી બનાવી દીધી છે.

પાસપોર્ટની જાણકારી મળવાથી બેંકો સમયસર કાર્યવાહી કરવા અને કોભાંડીઓને દેશ છોડીને જતા રહેવા પર રોક લગાવવા સંબંધિત ઑથોરિટીને સૂચના આપવામાં મદદ મળશે.

ફાઇનાન્શિયલ સર્વિસના સેક્રેટરી રાજીવકુમારે આ બાબતે ટ્વીટ કર્યું હતું.

નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને જતિન મહેતા જેવા ડિફોલ્ટર્સ આવી રીતે જંગી રકમની લોન ન ભરપાઈ કરી શકવાના કારણે દેશ છોડીને જતા રહ્યા છે.

'આધાર સાથે 32 કરોડ વોટર આઈડી લિંક થયા'

ડીએનએમાં પ્રકાશિત અહેવાલ મુજબ અત્યાર સુધી 32 કરોડ આધારકાર્ડ નંબરને મતદાર ઓળખપત્ર સાથે જોડી દેવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ વધારે 54.5 કરોડ કાર્ડને જલ્દીથી લિંક કરી દેવાશે.

તેઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસના 14માં રાષ્ટ્રીય સંમેલનમાં પત્રકારો સાથે ચર્ચામાં આ વાત કરી હતી.

હવે બાકીના ઓળખપત્રોને આધાર સાથે લિંક કરતા કેટલો સમય જશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે 32 કરોડ કાર્ડને ત્રણ માસમાં જ લિંક કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો