You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાબરકાંઠા: રોડ પર લઈ જઈ દલિત યુવકની મૂછો મૂંડી નાખી, ઢોર માર માર્યો
ગુજરાતમાં ફરી એક દલિત સાથે ભેદભાવ અને મારઝૂડનો મામલો સામે આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોરલ ગામમાં એક દલિત યુવકને મૂછો રાખવાના મામલે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઇડર તાલુકા પોલીસ સ્ટેશનમાં શિડ્યૂલ કાસ્ટ્સ અને ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રૉસીટીઝ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં નોંધેલી વિગતો મુજબ કથિત રીતે અલ્પેશ પંડ્યા નામના દલિત યુવકને ગામના જ અન્ય સમાજના લોકોએ માર મારી રેઝર વડે મૂછો કાઢી નાખી હતી.
જોકે, આરોપીના સંબંધીઓ આ વાતને નકારી રહ્યા છે.
શું હતી ઘટના?
મૂછો રાખવાના મામલે બનેલી આ કથિત ઘટનામાં અલ્પેશ પંડ્યા નામના દલિત યુવકને માર માર્યો હોવાની પણ વાત સામે આવી છે.
અલ્પેશના પિતા કાંતિભાઈના જણાવ્યા પ્રમાણે, "અલ્પેશ અને તેના મિત્રો રાત્રે વિષ્ણુ મંદિરે જતા હતા ત્યારે કેટલાક લોકો તેની પાછળ બાઇકસ લઈને પહોંચ્યા હતા."
"અલ્પેશને ઊભો રાખીને તેમણે કહ્યું કે મૂછો કેમ રાખે છે? એમ કહીને તેને મારવા લાગ્યા. ડરીને અલ્પેશ પોતાના બચાવ માટે બાજુના એક ઘરમાં જતો રહ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
તેમના પિતાના કહેવા પ્રમાણે, "અલ્પેશને ઘરની બહાર કાઢીને ફરીથી તેને ઢોર માર મારવામાં આવ્યો. તેના કપડાં ફાડી નાખવામાં આવ્યાં."
પીડિત યુવક અલ્પેશે આ ઘટના અંગે બીબીસીને જણાવતાં કહ્યું, "મને ઘરમાંથી બહાર કાઢી રોડ પર લઈ જવામાં આવ્યો. આટલી ધમાલ થતાં ગામના અનેક લોકો ત્યાં એકઠાં થઈ ગયાં હતાં."
"સોથી દોઢસો લોકોની વચ્ચે એ લોકોએ રેઝર લાવી મારી મૂછો મૂંડી નાખી હતી. આરોપીઓએ કહ્યું કે દલિતો થઈને મૂછો રાખીને, ચશ્મા લગાવીને ફરે છે તો તું શું સમજે છે? અમે ઠાકરડા હોઈએ તો મૂછો રાખીએ તમે શું મૂછો ચડાવો છો?"
અલ્પેશના કહેવા પ્રમાણે, "મારા માતા મને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ એ લોકોએ લાફો માર્યો હતો."
તેમના પિતા કહે છે કે તે બાદ અમને જાણ થતાં અમે અલ્પેશને ઘરે લાવ્યા હતા.
આ મામલે ડીવાયએસપી બી.સી. બારોટે કહ્યું, "આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કાર્યવાહી કરતાં તે જ રાત્રે આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં જ છે."
જેમાં ઠાકરડા ભાવેશકુમાર દલાભાઈ, ઠાકરડા કાનજીભાઈ ચનાભાઈ સહિત અન્ય છ વ્યક્તિઓ ધરપકડ કરવામાં આવી છે.
અલ્પેશના પિતાનો આક્ષેપ છે કે તેનો પુત્ર મૂછો રાખી ગામમાં ફરતો હોવાથી આ ગામના અન્ય સમાજના લોકોને આ વાત ગમી નહીં.
જેથી દલિત હોવાના કારણે મારા પુત્રને માર મારવામાં આવ્યો છે. હાલ અલ્પેશ હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોપીઓનું શું કહેવું છે?
આરોપીઓના સંબંધી રાજુભાઈ ઠાકરડા સાથે બીબીસીએ કરેલી વાતચીતમાં તેણે સમગ્ર ઘટના નકારી હતી.
રાજુભાઈએ કહ્યું, "છોકરાએ ખુદે જ મુછ કાઢી નાખી હશે. અમે તેની મૂછ કાઢી નથી."
રાજુભાઈ આક્ષેપ કરતાં કહે છે કે અલ્પેશે થોડા સમય પહેલાં એક છોકરીને લાફો માર્યો હતો. જેના કારણે તેમના પરિવારે આ ઝઘડો કર્યો હશે.
જોકે, બીજી તરફ છોકરીને લાફો મારવાની વાતને નકારતા અલ્પેશના પિતા આ વાત ઉપજાવી કાઢી હોવાનું કહે છે.
ગામના સરપંચ જયંતિભાઈ પટેલના કહેવા મુજબ થોડા સમય પહેલાં અલ્પેશનો કોઈ મામલે ગામમાં ઝઘડો થયો હતો.
અલ્પેશનું કહેવું છે કે વર્ષોથી ગામમાં અન્ય જ્ઞાતિના લોકો અમારી સાથે ભેદભાવ રાખે છે.
આ પહેલાં પણ દલિતો સાથે બન્યા હતા આવા બનાવો
ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં બે દલિત યુવાનોને મૂછો રાખવા બદલ અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરના લિંબોદરા ગામે પીયુષ પરમાર નામના યુવકે ગત વર્ષે ફરિયાદ નોંધાવી હતી કે મૂછ રાખવા બદલ તેમને ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોએ માર માર્યો હતો.
પીયુષે પણ ફરિયાદમાં એવું લખાવ્યું હતું કે ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોએ મૂછો કેમ રાખી છે એમ કહીને તેમને માર માર્યો હતો.
આ ઘટનાના સોશિયલ મીડિયા પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને દલિત યુવકોએ #DalitWithMoustacheની સાથે મૂછો સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો