પંજાબ નેશનલ બૅન્કે હવે કોહલીને લઈને કેમ આપ્યું નિવેદન?

ઇમેજ સ્રોત, Getty Images
દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બૅન્ક પંજાબ નેશનલ બૅન્કમાં થયેલું લગભગ 11,400 કરોડનું કૌભાંડ ઘણા દિવસોથી ચર્ચામાં છે.
જે બાદ પંજાબ નેશનલ બૅન્ક સતત સમાચારોમાં છવાયેલી રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પીએનબીના બ્રાન્ડ ઍમ્બૅસેડર છે અને બૅન્ક સાથે તે લગભગ બે વર્ષથી જોડાયેલા છે.
કોહલી પંજાબ નૅશનલ બૅન્કની કેટલીક જાહેરાતોમાં પણ જોવા મળ્યા છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કોહલી હવે આ બૅન્ક સાથે કરાર તોડવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી કદાચ હવે 'પીએનબી મેરા અપના બૅન્ક' એવું કહેતા નજરે નહીં પડે.
જોકે, સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ શુક્રવારે પીએનબીએ એક નિવેદન જારી કરીને આ અટકળોને પાયાવિહોણી ગણાવી હતી.
બૅન્કે કહ્યું કે વિરાટ કોહલી તેમના બ્રાન્ડ ઍમ્બૅસેડર બની રહેશે. સાથે બૅન્કે એ વાતોને પણ ફગાવી દીધી હતી કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નીરવ મોદી અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવેલા 11,400 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ ઑડિટ કંપની પ્રાઇસ વૉટર હાઉસ કૂપર્સ દ્વારા કરાવવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કૌભાંડ મુંબઈની એક શાખામાં થયું હતું અને આ કૌભાંડને ભારતના બૅન્કિંગ સેક્ટરના ઇતિહાસમાં સૌથી મોટી છેતરપીંડી માનવામાં આવી રહી છે.
એ ઉપરાંત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બૅન્કનું કામકાજ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. પૈસા ઉપાડવા પર પ્રતિબંધ અંગેની તમામ ખબરો માત્ર અફવા છે.
નિવેદન પ્રમાણે, "વિરાટ કોહલી અમારા ઍમ્બૅસેડર છે. ઍમ્બૅસેડર તરીકે બૅન્કથી અલગ થવાના મીડિયા રિપોર્ટ્સ ખોટા છે."
બૅન્કે એ પણ કહ્યું કે અત્યારસુધી 18,000 કર્મચારીઓની બદલી અંગેની ખબરમાં પણ કોઈ તથ્ય નથી. હકીકત એ છે કે માત્ર 1,415 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જે બૅન્કના નિયમ મુજબ જ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













