નીરવ મોદી મામલે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલ કેમ અચકાય છે?

    • લેેખક, રશીદ કિદવઈ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

નરેન્દ્ર મોદી સરકારના ચોથા વર્ષમાં કોંગ્રેસને રાજકીય રીતે પ્રહાર કરવા માટે પહેલીવાર સોનેરી તક મળી છે.

પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ અને નીરવ મોદીનું વિદેશ ભાગી જવું કોંગ્રેસને મોદી અને એનડીએ સરકારને પરેશાન કરવા માટે પૂરતો મસાલો આપે છે.

જોકે, રાહુલ ગાંધી તેનો સંપૂર્ણ રીતે તેનો ફાયદો લેતા હોય એવું નથી દેખાઈ રહ્યું.

પડદાની પાછળ કોંગ્રેસના રણનીતિકાર પોતાનો ભૂતકાળનો હિસાબ કિતાબ જોવામાં અને પોતાને બચાવવામાં કામે લાગ્યા છે.

વિપક્ષની એકતાની આડમાં તેઓ ધરણાં પ્રદર્શન અને સંયુક્ત સંસદીય સમિતિની માગથી બચી રહ્યા છે.

નવાઈની વાત તો એ છે કે ડૉ. મનમોહન સિંહ તો સ્વયં એક અર્થશાસ્ત્રના નિષ્ણાંત છે. તેઓ પણ હજી ખુલીને સામે આવ્યા નથી.

કંઈક આવી જ હાલત પ્રણવ મુખર્જીની છે જેવો યૂપીએના સમયમાં નાણાંમંત્રી અને સંકટમોચનનું કામ કરતા હતા.

રાહુલે આક્રમક બનવું જરૂરી

જો રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સામે પોતે આક્રમક બનીને જનતા વચ્ચે પોતાની શાખ જમાવવી હોય તો પોતાને બચાવવાના પ્રયાસોની રણનીતિઓથી બચવું પડશે.

યાદ રાખો કે મોદી વારંવાર 'ન ખાઇશ ન ખાવા દઇશ' કહેતા રહે છે. હવે જ્યારે નીરવ મોદી વિદેશ ભાગી ગયા તે અંગે સરકાર પાસે કોઈ સંતોષજનક જવાબ નથી.

આ સમયે રાહુલે જનતા વચ્ચે ભ્રષ્ટાચારને લઈને 'ઝીરો ટોલેરન્સ' બતાવવું જોઈએ.

જો મોદી સરકાર કોઈ કોંગ્રેસના નેતા સામે મજબૂત મામલો લાવે તો રાહુલે આવા કોંગ્રેસી માટે સહાનુભૂતિ ના બતાવવી જોઈએ.

વાસ્તવમાં કોંગ્રેસની સમસ્યા અંદરનો વિરોધાભાસ અને નિર્ણય ન લેવાની ક્ષમતા છે. રાફેલ ડીલ કે અન્ય ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલાઓ પર કોંગ્રેસ ઇચ્છે તો પણ આક્રમક થઈ શકતી નથી.

'સોનિયા ગાંધીની કોંગ્રેસ'ને જુદી બનાવવી પડકારજનક

વકીલો અને અર્થશાસ્ત્રીની ભરમાર રાહુલ ગાંધીને કઠિન નિર્ણય લેતા રોકે છે અને ભ્રમનો માહોલ બનાવે છે.

રાહુલે પોતાને સોનિયા ગાંધીની કોંગ્રેસથી જુદા દેખાડવા જોઈએ. જે તેઓ પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડમાં અત્યારસુધી કરી શક્યા નથી.

કોંગ્રેસમાં પેંતરાબાજોની કમી નથી. જ્યારથી પંજાબ નેશનલ બૅન્કનું કૌભાંડ સામે આવ્યું છે, બૅન્કોનું રાષ્ટ્રીયકરણ, સરકારી બૅન્કોના કર્મચારીઓ, બૅન્કોનું ખાનગીકરણના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ થઈ ગઈ છે.

જોકે, પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડને બૅન્કોના સરકારીકરણ કે ખાનગીકરણ સાથે કોઈ સંબંધ જ નથી.

હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી પોતાના રાજનૈતિક વિવેકથી નિર્ણયો લે. પોતાના વિશ્વાસપાત્ર લોકો પર ભરોસો કરે.

જો કોંગ્રેસે ખરેખર ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોઈ પ્રકારની કુરબાની આપવી હોય તો રાહુલ ગાંધીએ અચકાવું ના જોઈએ.

કદાચ મોદી સરકારને રાહુલ અને કોંગ્રેસના અન્તર્વિવાદ અને અનિર્ણય પર ભરોસો છે.

રાહુલ ગાંધીએ આ વાતને ખોટી સાબિત કરવી પડશે. કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં પંજાબ નેશનલ બૅન્કનું કૌભાંડ કોંગ્રેસ માટે સંજીવનીનું કામ કરી શકે છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો