સરકારે કહ્યું બિટકૉઇન માન્ય ચલણ નહીં, હવે રોકાણકારોનું શું થશે?

મોદી સરકારના નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં બજેટ રજૂ કરતી વેળા બિટકૉઇન સત્તાવાર કરન્સી નહીં હોવાની જાહેરાત કરી છે.

ભારતમાં બિટકૉઇનમાં રોકાણ કરનારાઓ માટે અરુણ જેટલીની આ જાહેરાત મહત્ત્વપૂર્ણ છે.

કેમ કે, ભારતમાં બિટકૉઇનના મોટાપાયે ટ્રાન્ઝેક્શન થતા હોવાના અહેવાલ છે.

અરુણ જેટલીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું, "સરકાર ક્રિપ્ટોકરન્સીને કાનૂની ચલણી નાણાં તરીકે માન્ય નથી ગણતી."

"ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં વપરાતી આ પ્રકારની ક્રિપ્ટોકરન્સીના વપરાશને રોકવા માટે સરકાર તમામ પ્રકારના પગલા લેશે."

"અથવા ચૂકવણીની સિસ્ટમમાં પણ જો ક્રિપ્ટોકરન્સી વપરાય છે,તો તેનો વપરાશ અટકાવવામાં આવશે."

લાંબા સમયથી ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે અટકળો ચાલી રહી હતી.

ભારતમાં મોટા પ્રમાણમાં બિટકૉઇન (ક્રિપ્ટોકરન્સી)ના ટ્રેડર અને રોકાણકર્તા છે.

અત્રે નોધવું રહ્યું કે, સરકારી તંત્રએ હવે બિટકૉઇનના ટ્રેડરો પર પણ કાર્યવાહી આરંભી છે.

જોકે, ડિજિટલ કરન્સી બિટકૉઇનનું ચલણ વિશ્વમાં વધી રહ્યું છે.

આ માટે કોઈ ચોક્કસ કાનૂની માળખું નહીં હોવાથી બિટકૉઇનના 'ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ' નિરંકુશપણે કાર્યરત છે.

પણ દક્ષિણ કોરિયા અને ચીન પણ ક્રિપ્ટોકરન્સી મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

શું છે બિટકૉઇન?

બિટકૉઇનનું લોન્ચિંગ 2009માં કરવામાં આવ્યું હતું. એ પછી તેના મૂલ્યમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા હતા.

બિટકૉઇન કમ્પ્યૂટર કોડથી બનેલી ડિજિટલ કરન્સી કે વર્ચ્યૂઅલ કરન્સી છે. લોકો તેને ઓનલાઇન 'કેશ' તરીકે પણ ઓળખે છે.

એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બિટકૉઇન એક કમ્પ્યુટર ફાઇલ છે, તેનો સંબંધ કોઈ બેંક કે સરકાર સાથે નથી.

આ મુદ્રા કોઈ બેંકે બહાર પાડી ન હોવાથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.

બિટકૉઇન ગુપ્ત કરન્સી છે અને તેને સરકારથી છૂપાવીને રાખી શકાય છે.

બિટકૉઇનની મદદથી તમે સામાન કે સર્વિસ માટે ચૂકવણી કરી શકો છો.

જોકે, બિટકૉઈન બહુ ઓછી બાબતો માટે વાપરી શકાય છે. કેટલાક દેશોમાં તો બિટકૉઇનનો વપરાશ પ્રતિબંધિત છે.

કેવી રીતે થાય છે બિટકૉઇનનો ઉપયોગ?

ટેક્નોલૉજીને સારી રીતે સમજી ન શકતી વ્યક્તિ પણ બિટકૉઇનનો ઉપયોગ કરી શકે છો.

ઉપયોગકર્તા બિટકૉઇનને કમ્પ્યૂટર કે મોબાઇલ ફોન પર બિટકૉઇન વૉલેટ ઍપ્લિકેશન મારફત તેને ઇન્સ્ટૉલ કરી શકતા હોય છો.

વૉલેટના માધ્યમથી બિટકૉઇન મોકલી શકાય છે અથવા મેળવી શકાય છે. લેવડદેવડની તમામ વિગત 'બ્લોક ચેઇન'માં નોંધાય છે.

બ્લોક ચેઇન એક ડેટાબેઝ સિસ્ટમ છે અને તેમાં તમામ વિગત નોંધવામાં આવે છે.

પૈસાની લેવડદેવડ માટે બેંકની જરૂર નથી રહેતી. બિટકૉઇનના બધા જ વપરાશકારો બ્લૉક ચેઇનથી જોડાયેલા હોય છે.

આ કરન્સી માત્ર કોડમાં જ રહે છે, જેથી તેને જપ્ત પણ નથી કરી શકાતી અને તેનો નાશ પણ નથી થતો.

કેવી રીતે ખરીદાય છે બિટકૉઇન?

બિટકૉઇન ત્રણ રીતે મેળવવામાં આવે છે.

  • પૈસા આપીને બિટકૉઇન ખરીદવામાં આવે છે.
  • કોઈ સામાન વેંચી બિટકૉઇનના સ્વરૂપમાં પેમેન્ટ લઈને.
  • અથવા કમ્પ્યૂટરના માધ્યમથી.

બિટકૉઇનની કિંમત

બિટકોઇન અંગેની વેબસાઇટ 'બ્લોક ચેઇન' અનુસાર બે વર્ષ પહેલા બિટકૉઇનનો ભાવ 700 ડોલર (લગભગ 45 હજાર રૂપિયા ) પર હતો.

જેનો ભાવ 16 હજાર ડોલર એટલે કે લગભગ સાડા દસ લાખ રૂપિયા પર પહોંચી ગયો હતો.

તેનો મતલબ એ છે કે બિટકૉઇનના ભાવમાં 2100 ટકાનો ઉછાળો નોંધાયો છે અને હજુ વધારો થવાની શક્યતા છે.

બિટકૉઇનના વધતા ભાવને પગલે તેમાં લોકોનો રસ પણ ખૂબ વધી રહ્યો છે.

જોકે, અત્રે આ વાત પણ મહત્ત્વની છે કે ડિસેમ્બર-2017માં બિટકોઇનના ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો હતો.

તેનો ભાવ દસ હજાર ડોલરથી નીચે જતો રહ્યો હતો પણ બાદમાં તેમાં થોડી રિકવરી થઈ હતી.

કેવી રીતે બિટકૉઇન જનરેટ થાય છે?

બિટકૉઇનને લોકો 'માઇનિંગ' તરીકે પણ ઓળખે છે કેમ કે, આ મુદ્રા સરકારે બહાર પાડેલી નથી.

બિટકૉઇનને જનરેટ કરવા માટે કમ્પ્યૂટરની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની કમ્પ્યૂટર સિસ્ટમ અન્ય લોકોને ટ્રેડિંગ માટે આપી શકે છે.

કેટલીક કમ્પ્યૂટર ટેકનિકનો ઉપયોગ કર્યા બાદ એક બ્લૉક બને છે જેમાં વેચાણની માહિતી રેકોર્ડ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઇનામ તરીકે બિટકૉઇન મળી શકે છે.

વધુને વધુ લોકો બિટકોઈન મેળવવા માટે સુપરકમ્પ્યૂટર તૈયાર કરી રહ્યા છે અને મોટા કમ્પ્યુટર્સ વડે તેનું ધંધાદારી ધોરણે માઇનિંગ કરી રહ્યા છે.

જો તમે હાલ માઇનિંગ શરૂ કરો તો તમારે એક બિટકૉઇન મેળવવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડે એવું બની શકે.

તમારે એક બિટકૉઇન મેળવવા માટે બિટકૉનની કિંમત કરતા પણ વધારે નાણાં ચૂકવવાં પડે એવું પણ બને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો