You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાસગંજ ગ્રાઉન્ડ રિપોર્ટ: 'તિરંગાનું સન્માન કરવાનું ઇનામ મોત હોય તો મનેય ગોળી મારી દો'
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, કાસગંજથી, બીબીસી ગુજરાતી માટે
"મારો દીકરો ગુંડાગીરી નહોતો કરી રહ્યો, તે તિરંગા યાત્રા કાઢી રહ્યો હતો."
આ શબ્દ છે, કાસગંજમાં તિરંગા યાત્રા કાઢતી વખતે મોતને ભેટેલા અભિષેક ઉર્ફે ચંદન ગુપ્તાના પિતા સુશીલ ગુપ્તાના.
અકાળે મૃત્યુ પામેલા જુવાનજોધ દીકરા વિશે વાત કરતા જ તેઓ રડી પડે છે.
આક્રોશમાં સુશીલ કહે છે, "જો તિરંગાનું સન્માન કરવાનું ઇનામ ગોળી અને મોત હોય તો મને પણ ગોળી મારી દો."
તમને આ પણ વાંચવું ગમશે
સુશીલ ગુપ્તાના 20 વર્ષીય પુત્ર ચંદન બી.કૉમનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ કહે છે, "મારો દીકરો ભણવામાં હોંશિયાર હતો, હંમેશા."
પ્રજાસત્તાક દિવસે કેટલાક યુવાનો તિરંગા યાત્રા કાઢી રહ્યા હતા, જેમાં ચંદન ગુપ્તા પણ સામેલ હતા.
અમે એ જૂથના અન્ય યુવાનો સાથે અમે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વારંવાર રક્તદાન કરતા
આ યુવકો તિરંગા યાત્રા દરમિયાન ચંદન સાથે શું થયું હતું, તેની માહિતી તો આપે છે, પણ કોઈ પોતાનું નામ આપવા નથી માંગતું.
ચંદનના પાડોશમાં રહેતા અન્ય એક યુવક ચંદન સાથેની તસવીર મોબાઇલ પર દેખાડી અને કહ્યું, "ચંદન અને હું અનેક વર્ષોથી એકબીજાને ઓળખતા હતા.
"ચંદન ભણવામાં સરેરાશ હતો, પરંતુ સામાજિક અને સેવા કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લેતો. અમે વારંવાર રક્તદાન કરતા અને જો કોઈને લોહીની જરૂર પડે તો જરૂરી વ્યવસ્થા કરી આપતા."
એ યુવકે અમને તેમના સામાજિક કાર્યોની કેટલીક તસવીરો અને કાપલીઓ પણ દેખાડી હતી.
સામાજિક કાર્યોમાં રુચિ
જોકે, ચંદનના ઘરની બહાર બેઠેલા તેના પિતા સુશીલ તથા અન્યોના કહેવા પ્રમાણે, ચંદન ભણવામાં હોંશિયાર હતો. તે સેવાકાર્યોમાં પણ ઉત્સાહભેર ભાગ લેતો.
શું દર વર્ષે તિરંગા યાત્રા કાઢવામાં આવતી હતી કે માત્ર આ વર્ષે જ આયોજન કરવામાં આવ્યું હતું? આ અંગે પાડોશીઓમાં એકમત નથી.
કોઈનું કહેવું છે કે બે વર્ષથી, કોઈ કહે છે ગત વર્ષથી તો કોઈ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તિરંગા યાત્રા કાઢવામાં આવતી હતી.
જોકે, બડ્ડૂનગરના જે વિસ્તારમાં તણાવ પેદા થયો, ત્યાં તિરંગા યાત્રા પહેલી વખત યોજાઈ હતી, એ વાત પર લગભગ બધાય એકમત છે.
સામાજિક સૌહાર્દની વાત
ચંદનની સાથે તિરંગામાં સામેલ થયેલા અન્ય એક યુવકે જણાવ્યું, "અમને લાગતું હતું કે આ વખતે અમારી સરકાર છે. હિંદુઓની સરકાર છે, એટલે સમર્થન મળશે."
"પરંતુ, પહેલા એ લોકોએ અને પછી પોલીસે અમારી ઉપર લાઠીચાર્જ કર્યો."
ચંદનના ખાસ મિત્રોના જણાવ્યા પ્રમાણે, આ બાબત દેશપ્રેમ તથા સામાજિક સૌહાર્દ સંબંધિત હતી, એટલે જ ચંદન તેમાં જોડાયા હતા.
ચંદનના પાડોશી દેવી પ્રસાદના કહેવા પ્રમાણે, "પાડોશમાં ક્યારેય તેને આડુંઅવળું કામ કરતા નથી જોયો. ક્યારેય કોઈ સાથે ઝગડતો ન હતો.
"ઉલ્ટું રક્તદાન તથા શ્રમદાન જેવા કામોમાં ઉત્સાહભેર જોડાતો. તે અમારું ગૌરવ હતો."
તિરંગા યાત્રા
ચંદન તથા તેમના મિત્ર કથિત રીતે 'સંકલ્પ' નામના સંગઠન માટે કામ કરતા હતા.
પરંતુ ચંદનના પિતા સુશીલ ગુપ્તાના કહેવા પ્રમાણે, ચંદન ઔપચારિક રીતે કોઈ સંગઠન સાથે જોડાયેલા ન હતા કે સક્રિય રીતે સંકળાયેલા ન હતા.
તિરંગા યાત્રાનું આયોજન કરનાર એબીવીપી (ભાજપની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કહેવા પ્રમાણે, ચંદન તેમની સાથે સંકળાયેલા ન હતા.
ચંદનના પરિવારજનોનું પણ કહેવું છે કે, તેઓ એબીવીપી સાથે જોડાયેલા ન હતા. ચંદનના મિત્રો આ વાત નકારે છે.
મિત્રોના કહેવા પ્રમાણે, ચંદન એબીવીપી તથા વિશ્વ હિંદુ પરિષદના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા. મિત્રોના કહેવા પ્રમાણે, એ કાર્યક્રમોમાં તેઓ પણ સાથે હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો