આઈપીએલમાં ગેલ પર આ રીતે થયો ખેલ!

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હરાજી શરૂ થઈ તો ટી-20ના સૌથી મશહૂર બેટ્સમેનોમાં સામેલ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલને કઈ ફ્રેન્ચાઇઝી ખરીદશે તેના પર બધાની નજર હતી.
પરંતુ જેવી રીતે ક્રિકેટને અનિશ્ચિતતાની રમત માનવામાં આવે છે, હરાજીમાં પણ ગેલની સાથે આવું જ થયું.
ચોથા નંબર પર હરાજી માટે ગેલનું નામ બોલાયું પરંતુ આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝીમાંથી કોઈએ તેના નામની બોલી ના લગાવી.
પહેલીવારની હરાજીમાં ગેલને ખરીદવા એકપણ ફ્રેન્ચાઇઝી આગળ ના આવી.

તો શું એનું કારણ ગેલની બેઝ પ્રાઇઝ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
જવાબ હા પણ ના હોઈ શકે, કારણ કે ગેલની બેઝ પ્રાઇઝ માત્ર 2 કરોડ રૂપિયા હતી અને તેની સામે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સને રાજસ્થાન રૉયલ્સે સાડા બાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
એટલું જ નહીં મનીષ પાંડે અને કે. એલ. રાહુલ જેવા ઊભરતા ભારતીય ક્રિકેટરોને 11-11 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા.
એવું લાગ્યું કે પ્રથમ દિવસે હરાજીમાં ના વેચાયેલા ક્રિસ ગેલને બીજા દિવસે રવિવારે તો કોઈ ફ્રેન્ચાઇઝી ખરીદી લેશે. પરંતુ તેને ખરીદવા માટે કોઈ આગળ ના આવ્યું.
તો શું આઇપીલએલ-11 આ તોફાની ડાબેરી બેટ્સમેન વિના જ રમાવાની હતી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે 39 વર્ષના થઈ રહેલા ક્રિસ ગેલ માટે હરાજીનો એક વધારે રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો અને પ્રીતિ ઝિંટાની કિંગ્સ ઇલેવન પંજાબે તેને બે કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.

આઇપીએલમાં રસપ્રદ એન્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images
ટી-20ના મોટાભાગના રેકૉર્ડ પોતાના નામે કરી ચૂકેલા ગેલની રૉયલ ચેલેન્જર્સ બેંગલોરમાં પણ નાટકીય રીતે એન્ટ્રી થઈ હતી.
વર્ષ 2011માં ગેલનું નામ હરાજીમાં સામેલ થયું હતું પરંતુ ત્યારે પણ કોઈ ફ્રેન્ચાઇઝીએ તેને ખરીદવામા રસ દાખવ્યો ન હતો.
જોકે, રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનો ડિક નેન્સ ઘાયલ થતાં તેના બદલામાં ગેલને ટીમમાં સ્થાન મળ્યું હતું.
બસ અહીંથી આ તોફાની બેટ્સમેને પોતાના બેટની કમાલ બતાવવાનું શરૂ કર્યું. તેણે 2011,2012 અને 2013માં દર વર્ષે 600થી વધુ રન બનાવ્યા.
2013માં પુણે વૉરિયર્સની સામે 30 બૉલમાં ટી-20ના ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી.
આઇપીએલમાં સિક્સ મારવાના મામલામાં ગેલ તેના પ્રતિસ્પર્ધીઓથી ક્યાંય આગળ છે. ગેલ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 265થી વધારે સિક્સ મારી ચૂક્યો છે.
સિક્સ મારવાના રેકૉર્ડમાં તેની નજીક સુરેશ રૈના છે, જેના નામે 173 સિક્સ છે.

ઇમેજ સ્રોત, Getty Images
એટલું જ નહીં આઇપીએલમાં સૌથી વધારે 175 રનોનો વ્યક્તિ સ્કૉરનો રેકૉર્ડ પણ ગેલના નામે જ છે.
આઇપીએલના 101 મેચમાં ગેલે 41થી વધારેની સરેરાશથી 3626 રન બનાવ્યા છે અને સ્ટ્રાઇક રેટ 151ની છે.
જોકે, એ વાત પણ સત્ય છે કે ગેલ આંતરરાષ્ટ્રીય સ્તર પર છેલ્લા કેટલાક મેચમાં પોતાની ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નથી.
ગેલની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તે દુનિયાભરમાં આયોજીત કરવામાં આવતી ટી-20 લીગ્સમાં રમી ચૂક્યો છે.
પછી ભલે એ દેશ શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય કે પછી ઑસ્ટ્રેલિયા હોય.
ગેલને આઇપીએલમાં કોલકતા નાઇટરાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સિવાય બારિસાલ બર્નર્સ, ઢાકા ગ્લૈડિએટર્સ, લાહોર ક્વાલૅન્ડર્સ, માતાબેલેલૅન્સ, તુર્કસ, મેલબર્ન રેનેગેડ્સ, સેંટ કિટ્સ નેવિસ પેટ્રિયૉર્ટ્સ, સ્ટેનફોર્ડ સુપરસ્ટાર્સ અને સિડની થંડર જેવી ટી-20 ફ્રેન્ચાઇઝી ટીમો સાથે રહી ચૂક્યો છે.
ગેલે આઈપીએલમાં 2008ની પહેલી સીઝનને છોડીને બાકી બધી જ સીઝનોમાં ક્રિકેટ પ્રેમિઓનું મનોરંજન કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












