ગુજરાતમાં રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત', સુપ્રીમે હટાવ્યો પ્રતિબંધ

ઇમેજ સ્રોત, PADMAVAT/FILM
સંજય લીલા ભણસાળીની બહુ ચર્ચિત ફિલ્મ 'પદ્માવત' પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે.
ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાં 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જેની સામે ફિલ્મના પ્રોડ્યૂસર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
આજે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
હવે દેશભરમાં ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
આ પહેલાં ફિલ્મને રિલીઝ કરવાની હતી, પરંતુ રાજપૂતોના વિરોધને જોતાં ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Twitter/deepikapadukone
ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
જે બાદ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાણી, પ્રોડ્યૂસર અને માર્કેટિંગ રાઇટ્સ હોલ્ડર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની માગ હતી કે, સુપ્રીમ કોર્ટ નિર્દેશ આપે કે ઉપરોક્ત રાજ્યોમાં ફિલ્મને રિલીઝ કરવા દેવામાં આવે.
કોર્ટમાં અરજીકર્તાઓની દલીલ હતી કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC) દ્વારા ફિલ્મ રિલીઝનું પ્રમાણપત્ર આપ્યા બાદ આ રીતે રાજ્ય સરકારો ફિલ્મને રોકી ના શકે.

ફિલ્મ પર વિવાદનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મમાં રાણી પદ્મીનીના ચરિત્રને ખોટી રીતે દર્શાવવાનો આરોપ છે. જેનો વિરોધ કરણી સેના કરી રહી છે.
કરણી સેનાના કહેવા પ્રમાણે ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.
કરણી સેના વિરોધ અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્મીનીના મામલે છે.
રાજપૂતોએ ફિલ્મમાં સામેલ કરવામાં આવેલા ઘૂમર સોંગનો પણ વિરોધ કર્યો છે. જોકે, નિર્માતાઓએ તેની સામેના દરેક વાંધાઓ પર પોતાનો પક્ષ રાખ્યો છે.

ફિલ્મમાં શું ફેરફાર કરવામાં આવ્યા?

ઇમેજ સ્રોત, Twitter@Ranveerofficial
સીબીએફસીએ પ્રમાણપત્ર આપતા પહેલાં ફિલ્મમાં પાંચ ફેરફારો સૂચવ્યા હતા. જેમાં ફિલ્મનું નામ 'પદ્માવતી'માંથી બદલીને 'પદ્માવત' કરવામાં આવ્યું.
ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની શરૂઆતમાં ઐતિહાસિક ઘટનાઓને લઈને એક ડિસ્ક્લેમર મૂક્યું છે. ઉપરાંત બીજું એક ડિસ્ક્લેમર મૂકવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ સતિપ્રથાને પ્રોત્સાહન આપતી નથી.
ઘૂમર સોંગમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડાયલોગ્સ અને રેફરન્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












