પ્રેસ રીવ્યુ : એક વિરોધ અને પોલીસે 10 હજાર સેલફોન ટેપ કર્યા

ઉત્તર પ્રદેશમાં બટેટા ઉત્પાદકોને યોગ્ય વળતર ન મળતા યોગી આદિત્યનાથ સામે કરેલા દેખાવોમાં રાજ્યની પોલીસે 10 હજાર સેલફોન્સ ટેપ કરવાનું સામે આવ્યાનો અહેવાલ એનડીટીવીમાં પ્રકાશિત થયો છે.

બટેટા ઉત્પાદકો કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલી એમની ઊપજો લઈને બહાર રસ્તા પર ફેંકી રહ્યાના અહેવાલો છે, જેમાં મોટભાગના વિરોધકર્તાઓ સમાજવાદી પાર્ટીના હોવાનું ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે.

લખનૌ સ્થિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરની સામે ખેડૂતોએ રસ્તા પર બટેટા ઠાલવીને તેમને તેમની ઊપજ માટે યોગ્ય વળતર ન મળવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ઉત્તર પ્રદેશમાં ભારતના 35% બટેટાનું ઉત્પાદન થાય છે ત્યાં ખેડૂતોને કોલ્ડ-સ્ટોરજમાં બટેટા રાખવા એટલે મોંઘા પડે છે કારણ કે તેમને બટેટાનો યોગ્ય બજાર ભાવ નથી મળતો.

જેથી ગુસ્સે ભરાયેલા ઉત્તર પ્રદેશના બટેટા ઉત્પાદક ખેડૂતોએ વિરોધ દર્શાવવા બટેટા કોલ્ડ-સ્ટોરેજમાંથી લઈને રસ્તા પર ઠાલવાનું ચાલુ કર્યું છે.

આથી ઉત્તર પ્રદેશ પોલીસે ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ અને 10 હજાર સેલ-ફોન્સ ટેપ કરીને આવો વિરોધ દર્શાવનારા લોકો પર નજર રાખવાનું અભિયાન હાથ ધર્યું હોવાનું એનડીટીવી જણાવી રહ્યું છે.

અમદાવાદમાં માંજાથી એક જ દિવસમાં 100 પક્ષીઓ ઈજાગ્રસ્ત

અમદાવાદ સ્થિત જીવદયા સંસ્થાના જણાવ્યા મુજબ એક જ દિવસમાં 98 પક્ષીઓ પતંગ ઉડાડવા માટે વપરાતા માંજાથી (દોરીથી) ઘાયલ થયાનો અહેવાલ ડીએનએ અખબારે પ્રકાશિત કર્યો છે.

આ 98 પક્ષીઓ જે ઘાયલ થયા છે તેમાં ઇજિપ્શિયન ગીધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે જીવદયાના જણાવ્યા મુજબ આ આંકડો ગતવર્ષની સરખામણીએ નીચો છે.

મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં લઈને પતંગ ચગાવવા વપરાતા માંઝાની ધારને કારણે પક્ષીઓ ઘાયલ થયાની પરિસ્થિતિને પહોંચી વળવા જંગલ ખાતાએ 30 સ્વયંસેવી સંસ્થાઓની મદદથી એક હજાર સ્વયંસેવકોની ટુકડી ખડેપગે રાખી હોવાનું ડીએનએ લખી રહ્યું છે.

બોટ દુર્ઘટનામાં ત્રણ કિશોરીઓ ડૂબી

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના (પીટીઆઈના) અહેવાલ મુજબ શનિવારે મહારાષ્ટ્રમાં દહાણૂના દરિયામાં સ્કૂલના બાળકો ભરેલી બોટ પલ્ટી જતા 3 બાળકોના મોત નિપજ્યાના સમાચાર છે.

સેલ્ફી લેવાના હેતુથી બોટની એક તરફ બાળકો ઘસી આવતા બોટનું સંતુલન ન જળવાયું જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યાનું અહેવાલમાં જણાવાયું છે.

સ્થાનિક માછીમારો, કોસ્ટ ગાર્ડ અને પોલીસની મદદથી મૃત્યુ પામનાર સોનલ ભગવાન સુરતી, જાહન્વી હરીશ સુરતી અને સંસ્કૃતિ માયાવંશીના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા.

મૃત્યુ પામનારમાં ત્રણ વિદ્યાર્થીનીઓ દહાણુનાં મસોલી વિસ્તારમાં આવેલા આંબેડકરનગરની રહેવાસી હતી.

અહેવાલ મુજબ 32 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ બોટમાં સવાર બાળકો કે. એલ. પૌંડા સ્કુલના વિદ્યાર્થીઓ છે જેઓ પિકનિક મનાવવા ગયા હતા.

આ દુર્ઘટના કિનારાથી લગભગ 2 નોટીકલ માઇલના અંતરે બની હતી.

ઘટનાની જાણ થતા વહીવટીતંત્ર દ્વારા ટીમ મોકલી બચાવ કાર્ય આરંભી દેવામાં આવ્યું હતું.

દુર્ઘટના થયા બાદ દહાણું પોલીસે બોટના માલિક ધીરજ આંબીરે, પાર્થ આંબીરે અને સહાયક મહેન્દ્ર આંબીરની ધરપકડ કર્યાનું પીટીઆઈ અહેવાલમાં લખાયું છે.

ઓએનજીસીના હેલીકોપ્ટરની મુંબઈના સમુદ્રમાં જળસમાધિ

ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ મુંબઇમાં પવન હંસ કંપનીનું ચોપર (હેલિકોપ્ટર) ક્રેશ થઈ જતા સાત લોકો મૃત્યુ પામ્યા હતા.

હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા જેમા ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ) કંપનીના પાંચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

હેલિકોપ્ટરમાં બે પાયલોટ પણ હતા અને આ હેલિકોપ્ટર મુંબઇના સમુદ્રમાં ક્રેશ થઈ ગયાનું અહેવાલમાં લખાયું છે.

સવારે ૧૦.૪૦ કલાકે હેલિકોપ્ટરનો સંપર્ક તુટી ગયો હતો અને ત્યારથી તેઓ ગુમ હતા.

હેલિકોપ્ટર મુંબઈના જુહુ હેલિકોપ્ટર મથકથી અરબી સમુદ્રમાં આવેલી ઓએનજીસીની ઓફશોર સાઇટ નોર્થ ફિલ્ડ પર જવા રવાના થયું હતું.

હેલીકૉપ્ટર સમય પર સાઇટ પર ન પહોંચતા અને હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી જતા ઓએનજીસી કંપનીએ સર્ચ ઓપરેશન આદર્યું હતું. જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી પણ જોડાયાં હતાં.

અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બાકીના લોકો પણ મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે.

હેલીકૉપ્ટરનો કાટમાળ પણ અરબી સમુદ્રમાંથી મળી આવ્યો છે અને જે મૃતદેહો મળી આવ્યા છે તેની ઓળખ ચાલુ છે.

ઓએનજીસીના જે અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા તેમાં ત્રણ ડેપ્યુટી જનરલ મેનેજર કક્ષાના હતા.

દુર્ઘટના પાછળનું કારણ હજુ જાણી નથી શકાયું.

જ્યારે બીજી તરફ ઓએનજીસીના ચેરમેન શશી શંકર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મુંબઈ પહોંચ્યા છે.

કંપનીના ચેરમેન પોતે સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યાનું એનડીટીવી જણાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો