પ્રેસ રિવ્યૂ : બાળકોનાં શેડાં લૂછવાના 1 લાખ રૂપિયા ના હોય : રૂપાણી

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની હળવી શૈલીમાં ફી વધારાને લઈને શાળા સંચાલકો પર કટાક્ષ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે પહેલા ધોરણના બાળકનાં શેડાં લૂછવાના એક લાખ રૂપિયા ન હોય.

વધુમાં તેમણે કહ્યું હતું કે પહેલા ધોરણમાં બાળકને સાચવવાનું, સંભાળવાનું વધારે હોય છે. છતાં વાલીઓ લાખ રૂપિયા ફી આપે છે અને લેવાય પણ છે.

આ કાર્યક્રમ અમદાવાદ શહેર-ગ્રામ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીના સન્માનનો હતો.

'કેન્દ્રીય વિદ્યાલયોમાં હિંદી અને સંસ્કૃતમાં પ્રાર્થના કેમ?'

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રાર્થના અંગે કરાયેલા આદેશ મામલે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે અને જવાબ માગ્યો છે.

સુપ્રીમે આ મુદ્દે સરકારને પૂછ્યું છે કે પ્રાર્થનામાં હિંદી અને સંસ્કૃતને પ્રાધાન્ય શા માટે અપાય છે.

સંસ્કૃત પ્રાર્થના ફરજિયાત બનાવવા સામે મધ્ય પ્રદેશના રહેવાસી વિનાક શાહે જાહેર હિતની અરજી કરી હતી.

અરજીમાં કહેવાયું છે કે આ પ્રાર્થનાથી હિન્દુ ધર્મનો પ્રચાર થાય છે, જેથી તેને મંજૂરી ન આપવી જોઇએ. કારણ કે કેન્દ્રીય વિદ્યાલયો સરકાર સંચાલિત છે.

આધારની ગુપ્તતા માટે વર્ચ્યુઅલ આઈડી

નવગુજરાત સમયના અહેવાલ મુજબ આધાર કાર્ડ ધારક વેબસાઇટ પરથી 16 આંકડાની 'વર્ચ્યુઅલ આઈડી' જનરેટ કરી શકશે અને વિવિધ હેતુ માટે તેને રજૂ કરી શકશે.

આ માટે હવે વાસ્તવિક 12 આંકડાની બાયોમેટ્રિક આઈડી રજૂ કરવાની જરૂર નહીં પડે.

નવી 'વર્ચ્યુઅલ આઈડી' જનરેટ થશે તે સાથે જ જૂની 'વર્ચ્યુઅલ આઈડી' કેન્સલ થઈ જશે.

UIDAIએ આ સાથે 'લિમિટેડ KYC'નો કન્સેપ્ટ રજૂ કર્યો છે. જે અંતર્ગત જરૂરી હશે તેટલી જ વિગત જે-તે એજન્સીને મળશે.

આમ કરવાથી વિવિધ એજન્સીઓ અત્યારે જે મોટાપાયે લોકોના આધાર નંબર માગીને તેમના ડેટા એકત્ર કરવા લાગી છે તેના પર અંકુશ આવી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો