16 વર્ષ સુધી ક્યાં હતો ગુલબર્ગ હત્યાકાંડનો આરોપી?

ગુજરાતની છબી બદલી નાખનારા વર્ષ 2002ના તોફાનોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના આરોપી આશિષ પાન્ડેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 16 વર્ષ બાદ બુધવારે ઝડપી લીધા છે.

અમદાવાદ પોલીસના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દીપેન ભદ્રને બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અમદાવાદ ડીસીબીની ટીમ દ્વારા આશિષ પાન્ડેની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું, “ધરપકડ બાદ તેમને વર્ષ 2002ના તોફાનોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ- એસઆઈટી)ને સોંપી દેવામાં આવ્યા છે. તેમને ગુરુવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.”

તમને આ વાંચવું પણ ગમશે:

આશિષ પાન્ડે ગુલબર્ગ હત્યાકાંડમાં હજી પણ ભાગતા ફરી રહેલા પાંચ આરોપીઓમાંથી એક છે. ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ અસલાલી વિસ્તારથી કરી હતી.

આ કેસમાં હજી પણ ચાર આરોપીઓ ભાગતા ફરે છે.

પોલીસના જણાવ્યા અનુસાર પાન્ડે મૂળ તેમના પરિવાર સાથે નરોડા વિસ્તારમાં રહેતા હતા.

આ ઘટના બાદ તેમનું નામ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નોંધાતા, ધરપકડ ટાળવા માટે તે હરિદ્વાર અને વાપી સહિતના વિવિધ શહેરોમાં ફરતા રહ્યા.

તેમણે આ દરમિયાન ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં અલગ અલગ સ્થળે કામ કર્યું હતું.

પોલીસને એવી બાતમી મળી હતી કે તે તેમના કામના સંદર્ભે અમદાવાદ આવ્યા છે અને એ રીતે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

સીટની માટેની ખાસ કોર્ટે જુન 2016માં ગુલબર્ગ હત્યાકાંડ કેસના 24 આરોપીઓને ગુનેગાર સાબિત કર્યા હતા અને તેમાંથી 11 ને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

જ્યારે 36 આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

શું થયું હતું ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં?

અમદાવાદમાં મુસ્લિમ રહિશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.

સંખ્યાબંધ મુસ્લિમોએ ટોળાના હુમલાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશ્રય લીધો હતો.

ટોળાએ આખી સોસાયટીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ઘણા લોકોને જીવતા સળગાવી દેવાયાં હતાં.

અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરીએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ પોલીસ અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈએ તેમની મદદ નથી કરી.

જાકિયા જાફરીએ જુન 2006માં ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને અપીલ કરી હતી કે, નરેન્દ્ર મોદી સહિત કુલ 63 લોકો સામે એફઆઈઆર નોંધવી જોઈએ.

જાકિયા જાફરીનો આરોપ હતો કે મોદી સહિત તમામ લોકોએ તોફાનો દરમિયાન જાણીજોઈને પીડિતોને બચાવવાની કોશિશ કરી ન હતી.

ડીજીપીએ તેમની અપીલ રદ કરી ત્યારે જાકિયા જાફરીએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ વર્ષ 2007માં હાઈકોર્ટે પણ તેમની અરજીને નામંજૂર કરી હતી.

સુપ્રીમ કોર્ટની દખલ

માર્ચ 2008માં જાકિયા જાફરી અને બિન-સરકારી સંગઠન ‘સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ’ દ્વારા સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં પ્રશાંત ભૂષણની અદાલત મિત્ર (એમાઇકસ ક્યૂરી) તરીકે નિયુક્તિ કરી હતી.

એપ્રિલ 2009માં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે પહેલેથી જ નિમાયેલી એસઆઈટીને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા.

એસઆઈટીએ વર્ષ 2010ની શરૂઆતમાં નરેન્દ્ર મોદીને પૂછપરછ માટે બોલાવ્યા અને મે 2010માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો.

ઓક્ટોબર 2010માં પ્રશાંત ભૂષણ આ કેસથી છૂટા પડ્યા અને સુપ્રીમ કોર્ટે રાજૂ રામચંદ્રનને અદાલત મિત્ર નિયુક્ત કર્યા. રાજૂ રામચંદ્રને જાન્યુઆરી 2011 માં સુપ્રીમ કોર્ટેને પોતાનો રિપોર્ટ સોંપ્યો.

માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે એસઆઈટીને વધુ તપાસ કરવાના આદેશ આપ્યા કારણ કે એસઆઈટીએ આપેલા પુરાવા અને તેના નિષ્કર્ષ વચ્ચે કોઈ તાલમેલ નહોતો.

મે 2011માં સુપ્રીમ કોર્ટે અદાલત મિત્રને સાક્ષીઓ અને એસઆઈટીના અધિકારીઓને મળવાનો આદેશ કર્યો.

સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે મોદીની સામે એફઆઈઆર કરવાનો આદેશ તો ન આપ્યો પરંતુ એસઆઈટીને નીચલી કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.

આ બાબતને મોદી અને જાકિયા જાફરી બન્નેએ પોતાની જીત તરીકે દર્શાવી.

ફેબ્રુઆરી 2012માં એસઆઈટીએ પોતાનો રિપોર્ટ અમદાવાદની નીચલી કોર્ટમાં રજૂ કર્યો.

મોદીને ક્લીન ચિટ

મીડિયામાં સૂત્રોના હવાલાથી એવા સમાચારો આવવા લાગ્યા કે એસઆઈટીએ નરેન્દ્ર મોદીને એમ કહીને ક્લીન ચિટ આપી દીધી કે તેમની સામે કોર્ટમાં કેસ ચલાવી શકાય તેટલા પૂરતા પુરાવા નથી.

જાકિયા જાફરીએ નીચલી કોર્ટમાં એસઆઈટીનો રિપોર્ટ માંગ્યો હતો.

આઠમી ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ મામલો બંધ કરવાનો રિપોર્ટ સોંપ્યો, જેવી સામે જાકિયા જાફરીએ 15 એપ્રિલ 2013માં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ અદાલતે એક મહિનામાં રિપોર્ટની એક નકલ જાકિયા જાફરીને આપવાનો આદેશ કર્યો.

જાકિયા જાફરીની અરજી પર તેમના અને એસઆઈટીના વકીલો વચ્ચે પાંચ મહિના સુધી દલીલો ચાલી.

ત્યારબદા જાકિયા જાફરીના વકીલે 18 સપ્ટેમ્બરે અને એસઆઈટીના વકીલે 30 સપ્ટેમ્બરે પોતાનું સોગંદનામુ રજૂ કર્યું.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી જે ગણાત્રા 28 ઓક્ટોબરે તેમનો ચૂકાદો આપવાના હતા, ત્યારબાદ તેના માટે 26 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો