રજનીનો રાજકીય દાવ, ભાજપ માટે શું છે સંકેત?

રજનીકાન્ત

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી હિન્દી માટે

સુપરસ્ટાર રજનીકાન્તના રાજકારણમાં આવવાના નિર્ણયથી તમિલનાડુમાં અડધી સદીથી પણ જૂના દ્રવિડ રાજકારણનું ભાવિ બદલાઈ શકે છે. પરંતુ તે રજનીકાન્તની સફળતા પર નિર્ભર કરશે.

બે દાયકાથી હા-ના કરતા-કરતા આખરે 2017ના અંતિમ દિવસે રજનીકાન્તે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી જ દીધી.

રજનીકાન્તે કહ્યું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. રજનીકાન્તની જાહેરાતથી તેમના સમર્થકો અને દ્રવિડ રાજકારણના વિરોધીઓમાં આશા જાગી છે.

તમને આ પણ વાંચવું ગમશે

અત્યારે તમિલનાડુના રાજકારણમાં કરવા જેવું ઘણું છે. જે રજનીકાન્ત અને કમલ હાસન જેવા સુપરસ્ટાર સારી રીતે જાણે છે.

line

અન્નાદ્રમુકની અંદરનું રાજકારણ

રજનીકાન્ત

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યના શક્તિશાળી નેતા જયલલિતાનાં નિધન બાદ રાજકારણમાં ખાલીપો છે.

જયા એક તાકાતવર નેતા હતાં અને તેઓ પોતાની શરતો પર કેન્દ્રને પણ નચાવતાં હતાં.

જયલલિતા અને રજનીકાન્તમાં સમાનતા એ છે કે બન્નેની પૃષ્ઠભૂમિ સિનેમા છે.

રાજનૈતિક વિશ્લેષક બી.આર.પી. ભાસ્કર કહે છે "દ્રવિડ રાજકારણથી આવનાર જયલલિતાની જગ્યા રજનીકાન્ત ભરશે એમ વિચારવાનું કોઈ કારણ નથી. જયલલિતાનાં મૃત્યુ બાદ રાજકારણમાં ઉથલ-પાથલ છે."

"આ ઉથલ-પાથલ કહી શકીએ કે પરિવર્તનું પહેલું પગલું છે. પરંતુ હજુ ઘણું દૂર જવાનું છે."

જયલલિતાનાં નિધન બાદ અન્નાદ્રમુકમાં સત્તાના સૂત્રો સંભાળવા માટે પણ ખેંચતાણ છે.

line

દ્રવિડ રાજકારણ

રજનીકાન્ત

ઇમેજ સ્રોત, KABALI MOVIE POSTER

રાજનૈતિક વિશ્લેષક કે.એન. અરુણ કહે છે જયલલિતાની અનુપસ્થિતિમાં જે રીતે પાર્ટીમાં જૂથબંધી છે ત્યારે રજનીકાન્તનો રાજકારણમાં પ્રવેશ માટે સારો મોકો છે.

દ્રવિડ રાજકારણના બીજા જૂથ દ્રમુકના સુપ્રીમો એમ. કરુણાનિધિનું સ્વાસ્થ્ય પણ સારું નથી. તેઓ જ જયલલિતાના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા.

કરુણાનિધિ બાદ હવે તેમના પુત્ર એમ.કે. સ્ટાલિન કારભાર સંભાળી રહ્યા છે.

પરંતુ સ્ટાલિન સામે પણ ઓછી સમસ્યા નથી. તેમને તેમના ભાઈ એમ.કે. અલાગિરી પડકાર આપી રહ્યા છે.

ભાસ્કર કહે છે "સ્ટાલિન સામે સમસ્યા છે પણ તેઓ પોતાને દ્રવિડ રાજકારણના ઉત્તરાધિકારી તરીકે પ્રસ્થાપિત કર્યા છે."

"હવે જોવાનું એ છે કે દ્રવિડ રાજકારણ કઈ તરફ પડખું ભરે છે. જોવાનું એ પણ છે કે દ્રવિડ રાજકારણની ધરતી સિનેમાથી આવનાર ખસાવી શકે છે કે નહીં."

line

રાજનૈતિક ધરતી

રજનીકાન્ત અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Twitter

રજનીકાન્તે જાહેરાત વખતે આધ્યાત્મિક્તા અને રાજકારણનો હવાલો આપ્યો છે.

તેમના આ સંદર્ભથી ભાજપમાં આશાનું કિરણ જાગ્યું છે. કારણ કે ભાજપ વર્ષોથી તમિલનાડુની રાજનૈતિક ધરતી કબજે કરવા ઝઝૂમી રહ્યો છે.

જોકે, રજનીકાન્તના આધ્યાત્મિક્તાના સંદર્ભને અરુણ અસામાન્ય નથી માની રહ્યા.

તેઓ કહે છે "રજનીકાન્ત આધ્યાત્મિક પ્રવૃત્તિના વ્યક્તિ છે. દ્રવિડ સંસ્કૃતિ છતાં પણ તમિલનાડુમાં આધ્યાત્મિક્તાની એક મોટી જગ્યા રહી છે."

"જેને ભાજપ ક્યારેય અંકે નથી કરી શકી. સંભવ છે કે રજનીકાન્ત પોતાના પક્ષમાં તેનો ઉપયોગ કરી શકે."

રજનીકાન્તના પોસ્ટર સાથે તેમના સમર્થકો

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ રાજનૈતિક વિશ્લેષક માલન અરુણ આ દલીલને અલગ રીતે જૂએ છે.

માલન કહે છે "રજનીકાન્ત પોતાની ભાજપના નજીકના હોવાની ઇમેજમાંથી બહાર નીકળવા માગે છે."

"હકીકતમાં ભાજપ, કોંગ્રેસ અને વિજયકાન્તની ડીએમડીકેની જેમ બધા જ દ્રવિડ વિરોધી મતો અંકે કરવાની તેઓ કોશિશ કરશે."

"અન્નાદ્રમુકમાંથી પણ લોકોને તેમના પક્ષમાં લાવવાના પ્રયત્નો થશે. નિ:સંદેહ તેઓ દ્રવિડ પક્ષો સામે મોટો પડકાર બનવા જઈ રહ્યા છે."

પરંતુ કડવું સત્ય એ છે કે રાજકારણમાં સફળતા પ્રશંસકોના દમ પર સંપૂર્ણપણે હાંસલ કરી શકાતી નથી. પ્રશંસકો માટે પાર્ટીની કેડર બનવાની મજબૂરી હશે.

અરુણ કહે છે "રજનીકાન્તને એક પાકા રાજકારણીની જેમ પ્રવૃત્તિઓનું સંકલન કરવું પડશે. જો તેઓ આમ ન કરી શક્યા તો રાજકીય જવાબદારી નિભાવવી સહેલી નહીં હોય."

line

મતદાન કેન્દ્રની રેસ

રજનીકાન્તના પોસ્ટર પર દૂધથી અભિષેક કરતા પ્રશંસકો

ઇમેજ સ્રોત, Getty Images

રસપ્રદ વાત એ છે કે રજનીકાન્તે વર્ષ 2021માં તામિલનાડુમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી લડવાની વાત કહી છે.

અલબત્ત તે પહેલાં તેઓ પોતાના પક્ષને ઊભો કરશે. આગામી વર્ષે સ્થાનિક ચૂંટણીઓમાં તેમણે ભાગ નહીં લેવાનું પણ કહ્યું છે.

સુપરસ્ટાર માટે એક રાજનૈતિક દાવ ચાલવો ફિલ્મ રિલીઝ જેવું જ હોય છે.

ફિલ્મની સફળતા બોક્સ ઓફિસ પર નક્કી થાય છે અને રાજકીય નસીબની સ્પર્ધા મતદાન મથકથી શરૂ થાય છે.

જો રજનીકાન્ત અભિનેતામાંથી નેતા બનવામાં સફળ થાય છે તો તમિલનાડુના 50 વર્ષીય દ્રવિડિયન રાજકારણમાં ફેરફાર ચોક્કસ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો