Birthday Special : રાજેશ ખન્નાની બાદશાહતથી ગુમનામી સુધીની સફર

બોલિવુડ સ્ટાર રાજેશ ખન્નાનો આજે 76મો જન્મ દિવસ છે. આ પ્રસંગે રાજેશ ખન્નાની કેટલીક રસપ્રદ વાતો અને ફોટો અમે બીબીસીનાં વાચકો માટે લઇને આવ્યા છીએ.

એક ફિલ્મની શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને મુમતાઝ (ઉપરની તસવીરમાં). આ જોડીએ 'આપકી કસમ', 'દો રાસ્તે', 'દુશ્મન', 'રોટી' અને 'સચ્ચા જૂઠા' જેવી સુપરહીટ ફિલ્મો આપી હતી.

એમના સાથી મનોજ કુમારે બીબીસીને કહ્યું, "રાજેશ ખન્નાનો સુપરસ્ટારડમનો સમય ભલે નાનો રહ્યો, પરંતુ જેટલી અપાર લોકપ્રિયતા તેમની હતી એટલી કદાચ જ કોઈ અભિનેતાને નસીબ થાય." 70ના દાયકામાં તેમના સુપરસ્ટારડમ દરમિયાન એક ફિલ્મના સેટ પર શૂટિંગ પછી આરામ કરતા રાજેશ ખન્ના.

એક ફિલ્મના સેટ પર રાજેશ ખન્ના તેમના સહ કલાકારો આગા અને ઓમ પ્રકાશ સાથે હસી-મજાક કરતા દેખાઈ રહ્યા છે.

રાજેશ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરી ચૂકેલા જુનિયર મહેમુદે કહ્યું, "કાકા સેટ પર કોઈની સાથે વાત કરતાં નહોતા. જુનિયર કલાકારો અને આસિસ્ટન્ટની સામે તો જોતા પણ નહોતા."

પ્રેમ ચોપડા રાજેશ ખન્ના વિશે કહે છે, "સામાન્ય રીતે એવી ધારણા છે કે રાજેશ ખન્ના અભિમાની હતા. પરંતુ તેઓ એવું નથી માનતા. એ ગુપ્ત રીતે લોકોની મદદ કરતાં હતા. એ મદદ વિશે કોઈને જાણ થવા દેતા નહીં.

પ્રેમ ચોપડા કહે છે, "રાજેશ બદલાતા સમય સાથે પોતાની જાતને બદલી શક્યા નહીં, જે કામ અમિતાભ બચ્ચને કર્યું તે રાજેશ ખન્ના ના કરી શક્યા. એ તેમની જૂની સફળતામાં જ ડૂબેલા રહ્યા."

જૂની દોસ્ત અનિતા અડવાણી સાથે રાજેશ ખન્ના. તેમના જીવનના અંતિમ વર્ષો રાજેશ ખન્નાએ તેમના બંગલો 'આશીર્વાદ'માં અનીતા અડવાણી સાથે વિતાવ્યા.

વર્ષો સુધી રાજેશ ખન્નાના મેનેજર રહેલા અશ્વિન ઠક્કરે અમને 'કાકા'ના વિવિધ ફોટોગ્રાફ ઉપલબ્ધ કરાવ્યા. રાજેશ ખન્ના એમની દીકરીઓ ટ્વિંકલ અને રિંકી ખન્નાની ખૂબ નજીક હતા.

એમના જમાઈ અક્ષય કુમારના કહેવા પ્રમાણે, રાજેશ ખન્ના સાથે તેમના સંબંધો મૈત્રીપૂર્ણ હતા.

રાજેશ ખન્નાના યુવાનીના દિવસોના સાથી રઝા મુરાદ કહે છે કે, રાજેશ ખન્નાએ એમના જીવનમાં શિસ્તનું પાલન ના કર્યું. એ બહુ દારુ પીતા હતા. એટલે જ અપાર સફળતા પછી પણ તેમનું સ્ટારડમ લાંબુ ના ટક્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો