પટનામાં બકરીનું દૂધ હજાર રૂપિયે લીટરના ભાવે વેચાઈ રહ્યું છે

બિહારના પાટનગર પટનામાં બકરીનાં દૂધની માગ એટલી વધી છે કે તેની કિંમત પ્રતિ લીટર 1000 રૂપિયા સુધી પહોંચી છે.

આ ભાવવધારો તેની પૌષ્ટિકતાના કારણે નહીં પરંતુ ડેન્ગ્યુના વધી રહેલા કેસના કારણે છે.

પટનાના કંકડબાગ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દૂધ લેવા આવેલા શ્યામના પંદર વર્ષના પુત્રને પણ ડેન્ગ્યુ થયો છે.

તેઓ કહે છે, "મારા પુત્રને એક મહિના પહેલાં ડેન્ગ્યુ થયો હતો. બિમારી તો મટી ગઈ પરંતુ મારો પુત્ર હજુ પણ નબળાઈ અનુભવે છે. તેથી અમે તેને આ દૂધ પીવડાવી રહ્યાં છીએ."

તમને આ પણ વાંચવું ગમશે

શ્યામનું કહેવું છે કે ડૉક્ટરે આ દૂધ પીવડાવવાની સલાહ નથી આપી પરંતુ અન્ય લોકોનું કહેવું છે કે બકરીનું દૂધ પીવડાવવાથી ડેન્ગ્યુના દર્દીને રાહત મળે છે.

શ્યામ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી રોજ દૂધ લેવા અહીં આવે છે.

આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પટનાના કેટલાક વિસ્તારો ડેન્ગ્યુના સકંજામાં આવ્યા હતા અને પછી બકરીનાં દૂધની માગ અચાનક વધી હતી.

પટનાના દુસાધપકડી વિસ્તારમાં રહેનારા ફૂલમણીદેવીએ બકરીઓ પાળી છે.

તેઓ કહે છે, "એક મહિનાથી પણ વધારે સમયથી લોકો અહીં બકરીનું દૂધ લેવા આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમનાં ઘરમાં ડેન્ગ્યુનાં દર્દી છે."

"બકરીનાં બચ્ચાને અપાતાં દૂધમાં કાપ મૂકીને મેં લોકોની સારવાર માટે દૂધ આપ્યું છે."

એક ગ્લાસની કિંમત દોઢસો રૂપિયા

સુરેશ પાસવાના 'ડૉક્ટર્સ કોલોની વિસ્તાર'માં બકરીનું દૂધ વેચે છે. તેઓ કહે છે, "સપ્ટેમ્બર મહિનામાં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે વહેલી સવારથી જ દૂધ ખરીદવા આવતા લોકોની મોટી ભીડ જોવા મળતી."

"ચાના એક ગ્લાસ જેટલાં દૂધનો ભાવ દોઢસો રૂપિયા છે."

જો કે કદાચ એવું સંભવિત છે કે કોઈ એક વ્યક્તિ એક લિટર દૂધ ન ખરીદતી હોય પરંતુ જે દરે દૂધ વેચવામાં આવે છે તે રીતે દૂધના પ્રતિ લીટરે એક હજાર રૂપિયા સુધીનો ભાવ થાય છે.

પટનાના મુન્નાચક વિસ્તારમાં રહેનારા અરુણ કુમાર પણ ગત કેટલાંક સમયથી બકરીનું દૂધ ખરીદી રહ્યા છે. તેઓ કહે છે, "દિવાળીના તહેવારો આસપાસ મારી માતાને ડેન્ગ્યુ થયો હતો."

"ત્યારે ડૉક્ટરની સલાહની અનુસરી મારી માતાએ એક મહિના સુધી સવાર-સાંજ બકરીનું દૂધ પીધું હતું."

દેશી નુસખા

એવું નથી કે લોકો દેશી નુસખા તરીકે માત્ર બકરીના દૂધનો જ ઉપયોગ કરે છે, કેટલાક લોકો ગધેડીના દૂધનો પણ ઉપયોગ કરે છે.

પત્થલકટ સમુદાયના લોકો ભારે પથ્થરોમાંથી સામાન બનાવવાનો વ્યવસાય કરતા હોય છે. તેઓ ભારે સામાનનું પરિવહન કરવા ગધેડાં પાળે છે.

આ સમુદાયની એક વ્યક્તિ કરણ શાહ કહે છે, "શિયાળાની ઋતુમાં ગધેડીના દૂધની માગ વધી જાય છે."

"ટીબીનાં દર્દીઓ આ દૂધનો વધારે ઉપયોગ કરે છે. આવા પ્રકારનાં દર્દીઓ સૂર્યોદય પહેલાં દૂધ લેવા માટે આવે છે."

જો કે ડૉક્ટરોનું કહેવું છે કે આ પ્રકારની સારવારને કોઈ તબીબી સમર્થન નથી મળ્યું.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પટનાના અધ્યક્ષ ડૉક્ટર એસએનપી સિંહ કહે છે, "ક્યાંક આ વાતનો ઉલ્લેખ થયો હશે એટલે લોકો બકરીનાં દૂધનો ઉપયોગ કરવા લાગ્યા છે."

"ગાય અને બકરીનાં દૂધમાં રહેલા પોટેશિયમ, કેલ્શિયમ અને ચરબી જેવા પોષકતત્વોમાં વધુ તફાવત નથી. દરેક પ્રકારનાં દૂધમાં પોષકતત્ત્વો હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો