#BBCGujaratOnWheels ડાયરી: બનાસકાંઠાની મહિલાઓનાં જીવનનો અંધકાર રાત કરતાં ઘાટો છે

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

“અણદીઠને દેખવા, અણતલ લેવા તાગ, સતની સીમો લોપવા, જોબન માંડે જાગ.”

કવિ ઝવેરચંદ મેધાણીની આ પંક્તિઓને સાર્થક કરવાનો પ્રયાસ બીબીસી ન્યૂઝ ગુજરાતીએ હાથ ધર્યો છે. બીબીસીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખાસ હાથ ધરી, 'બીબીસી ગુજરાતઓનવ્હિલ્સ'.

ગુજરાતના અંતરિયાળ ગામોમાં મહિલાઓની શું સ્થિતિ છે. મહિલાઓના શું પ્રશ્નો છે, એ શહેરી મહિલાઓ દ્વારા જાણવાનો પ્રયાસ એટલે 'બીબીસીગુજરાતઓનવ્હિલ્સ'

આ ઝૂંબેશ અંતર્ગત ગુજરાતની ચાર મહિલા બાઇકર્સ ગુજરાતના ચાર જિલ્લા, બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદની મુલાકાત લેશે. અહીંની મહિલાઓના પ્રશ્નોને વાચા આપશે.

તમને આ વાંચવું પણ ગમશે :

ટ્વિન્કલ કાપડી, શ્લોકા દોષી, મોનિકા અસવાની અને લિન્સી માઇકલ આ ચાર બાઇકર્સ સાથે સફરની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદથી શરૂ થયેલો પ્રવાસ બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં પહોંચ્યો છે.

અમદાવાદથી બનાસકાંઠા વચ્ચેની આ સફર માત્ર બીબીસીની ટીમ માટે જ નહીં, પણ મહિલાઓ માટે પણ યાદગાર બની રહી છે.

‘આવી દુનિયા પહેલી વખત જોઈ’

બનાસકાંઠાનાં ઘોડા-ગાંજી ગામમાં જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે અહીંની સ્થિતિ જોયા બાદ સૌથી વધુ આઘાત મહિલા બાઇકર્સને જ લાગ્યો હતો.

ગામમાં વાતચીત દરમિયાન મોનિકાએ મને કહ્યું કે તેમણે 'આવી દુનિયા' પ્રથમ વખત જોઈ છે.

પોતાની બાઇક પર દેશમાં હજારો કિલોમીટર ખૂંદી વળનારાં મોનિકાએ તેમનાં ચાર દાયકાનાં જીવનમાં પ્રથમ વખત આટલી ગરીબી, આટલી નિરક્ષરતા જોઈ છે.

ઘોડા-ગાંજી બનાસકાંઠા જિલ્લાનું આદિવાસી ગામ છે. જ્યાં મોટાભાગે ભીલ આદિવાસીઓ રહે છે. ગામમાં પાકા મકાનો ખૂબ જ ઓછા છે. જે છે એમની હાલત પણ ખસ્તા છે.

અરવલ્લીની ગિરિમાળામાં આવેલો આ વિસ્તાર જેટલો રળિયામણો છે, એટલો જ ગરીબ પણ.

મહિલાઓ માટે બહાર ઉપરાંત ઘરનું કામ પણ હોય છે જ

લોકો દિવસ-રાત કાળી મજૂરી કરે છે. એમાં પણ સૌથી વધુ જહેમત મહિલાઓને પડે છે. મહિલાઓ માટે બહારની મજૂરી ઉપરાંત ઘરનું કામ પણ 'ફરજિયાત' થોપાયેલું છે.

ગામનાં બહું ઓછાં બાળકો શાળાએ જાય છે. જે જાય છે એમના અભ્યાસમાં પણ 'સરકારની બેદરકારી' છતી થઈ જાય છે.

'સરકારની બેદરકારી'ની રાવ અંહીનો આદિવાસી સમાજ અમારા જેવા `બહારના લોકો' સાથે ભાગ્યે જ કરે છે.

પણ પાલનપુરના વાલ્મિકી સમાજે વિકાસની વ્યવસ્થામાં થઈ રહેલી પોતાની અવગણનાની ફરિયાદ દિલ ખોલીને કરી.

'અંધારું થાય ત્યાં સુધી' હાજત રોકવી પડે છે

અમારી ટીમે વાલ્મિકી સમુદાય પાલનપુરમાં જ્યાં રહે છે એ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે આ ફરિયાદ સામે આવી.

કેટલાય વર્ષોથી અહીં રહેતા વાલ્મિકી લોકોના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે. લોકો એ લોકો સરકાર સમક્ષ 'રોટી, કપડા ઔર મકાન'ની માંગ કરી રહ્યાં છે.

છૂટક મજૂરીએ જતા અહીંના લોકોને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની રોજગારી અપાઈ નથી. પુરુષો અને સ્ત્રીઓ 'જે મળે એ કામ' કરે છે અને એવી રીતે 'પેટ ભરે' છે.

આ વિસ્તારમાં શૌચાલયની સુવિધા જ નથી અને સૌથી કફોડી હાલત મહિલાઓની છે. બીબીસી સાથેની વાતચીતમાં અહીંની મહિલાઓએ જણાવ્યું કે ખુલ્લામાં જાજરૂ જતાં ભારે ડર લાગે છે.

કુદરતી હાજતને 'અંધારું થાય ત્યાં સુધી' રોકી રાખવી પડે છે અને 'અંધારું થયા બાદ ભય પણ વધી જાય' છે.

આ લખું છું ત્યારે અડધી રાત થઈ ગઈ છે. રાતનાં અંધકારને જોઈને પ્રશ્ન થાય છે કે શું અહીંની મહિલાઓના જીવનમાં ફેલાયેલો હાડમારીનો અંધકાર આનાથી પણ વધું ગાઢ હશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો