પ્રેસ રિવ્યૂ : હાર્દિક પટેલના આરોપ, ભાજપ ગોલમાલ કરી ચૂંટણી જીતશે

NDTVના અહેવાલ મુજબ ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે આરોપ મૂક્યો છે કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ ગેરરીતિ આચરી શકે છે.

હાર્દિકે ટ્વીટ કર્યું, "ચૂંટણી પંચના પ્રથમ સ્તરના પરિક્ષણમાં 3500 જેટલા VVPAT (વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ) નિષ્ફળ થયા છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ભાજપ ગુજરાતની ચૂંટણીમાં ગેરરીતિ આચરશે."

VVPAT ફેઇલ થવાં અંગે ચૂંટણી પંચે તેની પ્રતિક્રિયા આપી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા લેખના મુજબ ચીફ ઇલેક્ટોરલ ઑફિસર બી.બી. સ્વાઇને હાર્દિકના આરોપો નકાર્યાં છે.

બી.બી.સ્વાઇને કહ્યું છે કે ચૂંટણી પહેલા નિયમોના આધારે VVPAT મશીનનું પ્રથમ સ્તરનું પરિક્ષણ કરાયું હતું.

જેમાં 3550 VVPAT મશીનમાં ખામી જોવા મળતાં તે મશીનોને હટાવી દેવાયા છે.

મહત્વનું છે કે 9 અને 14 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાશે. આ માટે 70,182 VVPAT મશીનનો ઉપયોગ કરાશે.

રાષ્ટ્રગાન સમયે ઉભા ન થવું દેશદ્રોહ નથી

DNAમાં છપાયેલા અહેવાલ અનુસાર, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું છે કે રાષ્ટ્રગાન સમયે ઊભા થવા કે ન થવાથી કોઈ દેશપ્રેમી કે દેશદ્રોહી નથી બની જતું.

DNAને આપેલા ઇન્ટર્વ્યૂમાં નક્વીએ કહ્યું, "વંદે માતરમ ગાવું કે ન ગાવું એ જે-તે વ્યક્તિની મરજીની વાત છે. તેનાથી કોઈ દેશદ્રોહી નથી બની જતું."

વધુમાં તેમણે ઉમેર્યું, "જો કોઈ ઇરાદાપૂર્વક વંદે માતરમ કે જન ગણ મનનું અપમાન કરે, તો તે એક અલગ બાબત છે."

'GST સુરત અને દેશના નાના વેપારીઓ પર આક્રમણ'

રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસર્જન યાત્રા અંતર્ગત સુરતમાં સભા સંબોધી હતી.

સંદેશના અહેવાલ અનુસાર, સભામાં રાહુલે કહ્યું હતું કે દેશમાં નોટબંધી બાદ GSTએ નાના અને મધ્યમ કદના વેપારીઓ પર એક પ્રકારે હુમલો કર્યો છે.

શહેરના સૌરાષ્ટ્ર પાટીદાર બહુલ વિસ્તારમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા નોટબંધી અને GSTના ખોટી રીતે થયેલા અમલને મુદ્દો બનાવી દેશનાં અર્થતંત્રને ફટકો પડ્યો હોવાનું જણાવ્યું હતું.

રાહુલે એમ પણ જણાવ્યું કે ચીન સાથે સ્પર્ધા કરવા સુરત અને દેશના નાના વેપારીઓ સક્ષમ છે, તેમને શક્તિ આપવાની જરૂર છે.

પરંતુ GSTના ખોટા અમલને કારણે વેપાર પડી ભાંગ્યો છે.

સંદેશના અહેવાલ અનુસાર, રાહુલ ગાંધીએ સુરતને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતની શક્તિ હોવાનું જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો