You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગુજરાતીઓ દિવાળી ઊજવી શકે માટે ચૂંટણીની તારીખો જાહેર ન થઈ'
ગુજરાતીઓ દિવાળી ઊજવી શકે એટલે ગુજરાતની વિધાનસભાની સાલ ૨૦૧૭માં યોજાનારી ચૂંટણીની તારીખોની ઘોષણા હજુ કરી નથી.
તેવું દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગુજરાતની વિધાનસભાની સાલ 2017માં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે.
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પણ ગુજરાતના સતત પ્રવાસ કરી રહ્યા છે.
તમને આ વાંચવું પણ ગમશે :
ગુજરાતની ચૂંટણીને લઈને ઊઠી રહેલા સવાલો અંગે જોતીએ બીબીસી સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે.
ઉત્તર-ગુજરાતમાં પુનર્વસનનું કાર્ય
ગુજરાતમાં ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર ન કરવા બાબતે જોતીએ એમ કહ્યું કે ૨૭મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્ય સચિવે તેમને એક પત્ર મોકલ્યો હતો.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર-ગુજરાતમાં આવેલા પૂરને કારણે 45 ગામડાઓમાં 229 લોકોએ જીવ ગુમાવ્યો હતો, હાલ એ વિસ્તારોમાં પુનર્વસનનું કાર્ય ચાલું છે.
જો આવા સમયે ચૂંટણીની તારીખો જાહેર થશે તો ચૂંટણીલક્ષી આચારસંહિતા લાગુ પડતા ઉત્તર ગુજરાતના 45 માંથી ૩૫ ગામડાઓમાં હજુ જે પુનર્વસનની કાર્યવાહી ચાલુ છે તે ખોરંભે ચડી જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાતનાં લોકોને પારાવાર નુકસાની સહન કરવી પડશે.
દિવાળીનું પર્વ
ચૂંટણીની તારીખો જાહેર કરવામાં હવે કેમ વાર લાગી રહી છે?
આ પ્રશ્નના જવાબ માં જોતીએ કહ્યું, “હાલ ગુજરાતમાં દિવાળીનો તહેવાર હતો. દિવાળી ગુજરાતીઓ માટે ખાસ કરીને વેપારીઓ માટે મહત્વનો તહેવાર હોવાથી રાજ્ય આખામાં રજાનો માહોલ હોય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “લોકો ઉત્સાહથી આ તહેવાર ઉજવી શકે તે કારણે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી.”
જોતીએ એમ પણ કહ્યું કે, ભારતની ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે 21 દિવસ પહેલાં ચૂંટણી યોજવાનો વિકલ્પ છે.
તેમણે કહ્યું કે, ચૂંટણીની તારીખ અને જાહેરાત વચ્ચે ઓછામાં ઓછો 21 દિવસનો ગાળો હોવો જરૂરી છે.
બંગલા પર વિવાદ
ન્યૂઝ વેબસાઇટ 'ધી વાયરે' એક લેખમાં દાવો કર્યો હતો કે એ કે જોતીએ ગુજરાત સરકાર પાસે પોતાના સરકારી નિવાસસ્થાન તરીકે બંગલોની માગણી કરી હતી.
ગુજરાત સરકારે તેમને આ બંગલો જ્યારે તે ચીફ સેક્રેટરી હતા ત્યારે તેમના સરકારી નિવાસસ્થાન તરીકે આપ્યો હતો.
આ સંદર્ભે જોતીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમની પાસે હાલમાં દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી તેમણે ગુજરાત સરકારને તેમનું ગુજરાત ખાતેનું નિવાસ્થાન ખાલી ન કરાવવા વિનંતી કરી હતી.
તેના સિવાય તેમણે ગુજરાત સરકાર પાસે કોઈ સહાય કે મદદ માંગી નથી. કોઈ એક પક્ષની તરફદારી કરવા માટેના આક્ષેપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે એવું તો નથી કે માત્ર નરેન્દ્ર મોદી જ ગુજરાતમાં પ્રચાર અને પ્રવાસ કરી રહયા છે.
રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રવાસ અને પ્રચાર કરી રહયા છે. કોઈની તરફદારી કરવાના આરોપો પાયાવિહોણા છે.
કોણ છે એ કે જોતી?
જોતી 1975ની બૅચનાં ગુજરાત સંવર્ગના આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે, તેમણે નિવૃત્તિ પહેલાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે જાન્યુઆરી 2010થી જાન્યુઆરી 2013 સુધી રાજ્યનો વહીવટ સંભાળ્યો હતો.
આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા.
નિવૃત્તિ બાદ ગુજરાતમાં તેમને રાજ્ય સરકારના ચીફ વિજિલન્સ કમિશનર તરીકે પુનઃનિયુક્તિ આપવામાં આવી હતી. જ્યાં તેમણે 2013થી 2015 સુધી કામગીરી કરી હતી.
ત્યારબાદ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રચાયેલી ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોની સરકારમાં વર્ષ 2015થી તેમને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
આ વર્ષે 6 જુલાઈથી તેમણે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એ કે જોતી પાસે સરકારમાં વહીવટનો 42 વર્ષનો બહોળો અનુભવ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો