સરદાર પટેલ સાથે કોંગ્રેસે શું વ્યવહાર કર્યો? : મોદી

ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન સમારોહમાં મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Twitter/Amit Shah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ કેન્દ્રિય ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ જાહેર કરશે. જોકે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર અને એકબીજા પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે.

ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચ્યા હતા.

આ કાર્યક્રમમાં મોદીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને 'મેન ઑફ ધી મેચ' કહ્યા હતા.

ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ સહિત બીજી ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે અમિત શાહ પર યશનો કળશ ઢોળ્યો હતો.

વડાપ્રધાન મોદીની આજની રેલી પર વિરોધીઓની પણ નજર હતી.

તમને આ પણ વાંચવું ગમશે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે સવારે ટ્વીટ કરીને કહ્યું હતું, "ચૂંટણી પહેલાં ગુજરાતમાં જુમલાનો વરસાદ થશે."

મોદી પણ આ કાર્યક્રમમાં વિરોધીઓ પર વાર કરવાનું ચૂક્યા ન હતા.

મોદીએ કહ્યું, "જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે, કોંગ્રેસને વધારે તાવ આવે છે, વધારે તકલીફ થાય છે."

વાંચો મોદીના ભાષણની ખાસ સાત વાતો

ભાષણ આપતા નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, BJP

  • જે કોંગ્રેસ પાર્ટીએ મોટામોટા નેતાઓ આપ્યા, તેમની ભાષા આટલા નીચલા સ્તર સુધી પહોંચશે તે કદી વિચાર્યું પણ ન હતું.
  • સરદાર પટેલ અને તેમના પુત્રી મણિબહેન પટેલ સાથે કોંગ્રેસે શું વ્યવહાર કર્યો તેનો ઇતિહાસ સાક્ષી છે. હું તેને ફરી દોહરાવવા માગતો નથી.
  • મને જેલમાં મોકલવા માટે કોંગ્રેસે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી અમિત શાહને જેલમાં પૂરવામાં નહીં આવે ત્યાં સુધી મોદી સુધી પહોંચી શકાશે નહીં.
  • પંડિત નહેરુએ નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો હતો, પરંતુ યોજના એટલા માટે તમારી આંખમાં ખૂંચતી હતી કે તેની પરિકલ્પના સરદાર પટેલે કરી હતી.
  • કોંગ્રેસ હંમેશા વિકાસના મુદ્દા પર ભાગતી રહી છે. મારી ખૂબ જ ઇચ્છા હતી કે કોંગ્રેસ વિકાસના મુદ્દા પર ચૂંટણી લડે.
  • આ લોકોને ભાજપ, ગુજરાત, સરદાર પટેલ અને જનસંઘ પસંદ ન હતા. અમદાવાદમાં જ્યોતિસંઘ નામની એક સંસ્થા ચાલી રહી છે.
  • મેં સાંભળ્યું છે કે નહેરુ જ્યોતિસંઘના કાર્યક્રમમાં જ્યોતિસંઘ બોલવાનું ભૂલી જતા હતા અને વારંવાર જનસંઘ બોલતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો