નરેન્દ્ર મોદીની રેલી અને ગુજરાતની ચૂંટણીની તારીખનો ખેલ?

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક મહિનામાં ચાર વખત ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે. સોમવારે ફરી વખત તેઓ તેમના રાજ્યના પ્રવાસ આવ્યા હતા.
એ વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે આ વખતની ચૂંટણી આસાન નહીં હોય.
ડિસેમ્બરમાં રાજ્ય વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે, છતાં હજી સુધી ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી કરી.
તમને આ વાંચવું પણ ગમશે :
કોંગ્રેસનો આરોપ છે કે, સોમવારે વડાપ્રધાનનો પ્રવાસ નિયત કરેલો હતો એટલા માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી.

ગૌરવ મહાસંમેલન

ઇમેજ સ્રોત, Getty Images
એમ કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ભાજપના લગભગ સાત લાખ કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે.
આ ગૌરવયાત્રા 1 ઑક્ટોબરે શરૂ થઈ હતી અને તેમાં ભાજપનાં ઘણા સીનિઅર નેતાઓએ રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી 149ની મુલાકાત લીધી છે અને પાંચ હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
આ પહેલાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જયવીર શેરગિલે બીબીસીને કહ્યું હતું કે જો મોદીની 16 ઑક્ટોબરની રેલી પહેલાં રાજ્યમાં ચૂંટણી જાહેર નહીં થાય તો કોંગ્રેસ ચૂંટણી પંચમાં રજૂઆત કરશે.
શેરગિલના જણાવ્યા મુજબ સરકારને એ વાતનો ખ્યાલ છે કે, દલિત, યુવાનો, ખેડૂતો અને વેપારીઓ નારાજ છે. એટલે આ રેલીમાં તેમને આકર્ષવા માટેનાં વાયદા કરવામાં આવે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "જો ચૂંટણીની તારીખો નક્કી થઈ જાય તો આચાર સંહિતા લાગૂ થઈ જાય. એટલે એવી લોકપ્રિય જાહેરાતો એ ન કરી શકે."

આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડે

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય તો રાજ્યમાં આચારસંહિતા લાગી જાય છે. ત્યારબાદ
- મંત્રીઓ ચૂંટણી પ્રચાર માટે સરકારી પ્રવાસો ન કરી શકે.
- ચૂંટણીના કામમાં સરકારી સાધનો અને કર્મચારીઓનો ઉપયોગ ન કરી શકે
- મંત્રીઓ અને અન્ય અધિકારીઓ વિકાસ માટે મળેલા નાણાની ફાળવણી કોઈ ગ્રાન્ટ તરીકે અથવા ચૂકવણા પેટે ન કરી શકે
- કોઈ નવી યોજનાનું ભૂમિપૂજન અથવા ઉદઘાટન ન કરી શકે
- રસ્તા બનાવવાના, પીવાનું પાણી પહોંચાડવા અથવા જાહેર હિતમાં હોય તેવી અન્ય કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવાના વાયદા પણ ન કરી શકે.
- સરકાર અને સરકારી નાણાથી ચાલતી સંસ્થામાં કોઈ નવી નિમણૂક ન થઈ શકે, જેનો ઉપયોગ પક્ષ માટે વધુ મત લેવા માટે થઈ શકે.

કોંગ્રેસના આક્ષેપનો રદિયો

ઇમેજ સ્રોત, INC
ચૂંટણી પંચ પર દબાણ હેઠળ કામ કરવાના કોંગ્રેસે લગાવેલા આરોપને ભાજપે રદિયો આપી દીધો છે.
ગત શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ચૂંટણીની તારીખો પર કૉંગ્રેસે સવાલ ઉઠાવતા તેમણે અગાઉની બે વિધાનસભા ચૂંટણીઓની તારીખો કઢાવી હતી. જેમાં સામે આવ્યું કે આ તારીખોમાં પણ ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓ વચ્ચે એક મહિનાનું અંતર હતું.
તેમણે કહ્યું,"2007માં હિમાચલમાં ચૂંટણીની તારીખ 20 ઑક્ટોબર હતી જ્યારે ગુજરાતમાં તે 21 નવેમ્બર હતી. 2012ના વર્ષમાં ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાની તારીખ 17 નવેમ્બર જ્યારે હિમાચલ પ્રદેશમાં 10 ઑક્ટોબર હતી."
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે કૉંગ્રેસ પહેલા પણ કૅગ અને અફઝલ મામલે સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓ પર પાયાવિહોણા આરોપ લગાવી ચૂકી છે.

અન્યો તરફથી પણ સવાલ

ઇમેજ સ્રોત, AFP
ચૂંટણી પંચના નિર્ણય પર એટલા માટે પણ સવાલ ઉઠી રહ્યા છે કેમકે અત્યાર સુધી એક જ સમયે અથવા 6 મહિનાની અંદર જે રાજ્યોમાં ચૂંટણી થવાની હોય તેની તારીખો એક સાથે જ જાહેર કરી દેવામાં આવતી હતી.
એક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે ન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર'ને જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર નહીં કરીને ચૂંટણી પંચે તેની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે.
વળી,હાલના ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતીએ કહ્યું કે રાજ્યમાં 46 દિવસથી વધુ સમય સુધી આચાર સંહિતા લાગેલી ન રહે એટલા માટે ગુજરાતની ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર નથી કરાઈ. પણ ટૂંક સમયમાં જ તેની ઘોષણા કરી દેવાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












