દોઢ અબજ વસતીવાળા ભારતમાં હજુ વધુ બાળકો પેદા કરવાની માગ કેમ ઊઠી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી ન્યૂઝ
સંયુક્ત રાષ્ટ્રનાં અનુમાનો અનુસાર, ગત વર્ષે ચીનને પાછળ મૂકીને ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની ગયો હતો.
લગભગ 1.45 કરોડ લોકોની વસતી સાથે તમે એવું વિચારી રહ્યા હશો કે દેશ હવે વધુ બાળકો પેદા કરવાની વાત મામલે મૌન સાધી લેશે. પરંતુ ઊલટું આ મામલે ચર્ચા વધુ તેજ બની છે.
દક્ષિણ ભારતનાં બે રાજ્યો આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના નેતાઓએ હાલમાં જ વધુ બાળકો પેદા કરવાની વાતની વકીલાત કરી છે.
ઓછા થતા જતા જન્મદર અને વૃદ્ધ થતી જતી વસતીનો હવાલો આપીને આંધ્ર પ્રદેશ વધુ બાળકો પેદા કરવાની વાતને પ્રોત્સાહન આપવા વિશે વિચારી રહ્યું છે. રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની નીતિને પણ રદ કરી દેવાઈ અને રિપોર્ટોમાં કહેવાયું કે પાડોશી રાજ્ય તેલંગાણા પણ નજીકના ભવિષ્યમાં આ પગલાનું અનુસરણ કરી શકે છે.
વધુ એક પાડોશી રાજ્ય તામિલનાડુ પણ આ જ પ્રકારના દાવા વધુ જોરશોરથી કરી રહ્યું છે.
ભારતના પ્રજનનદરમાં ઘટાડો થયો છે અને 1950માં પ્રતિ મહિલા 5.7ની સરખામણીએ તે ઘટીને હાલના સમયમાં બે થઈ ગયો છે.
29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 17માં પ્રજનનદર પ્રતિ મહિલા બે જન્મ કરતાં પણ ઘટી ગયો છે. (પ્રજનનદર જ્યારે 2.1 પર પહોંચવાની સ્થિતિને 'રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી' કહેવાય છે. આ આંકડા સુધી પહોંચવાનો અર્થ છે કે ત્રણથી ચાર દાયકામાં દેશની વસતી સ્થિર થઈ જશે.)

દક્ષિણ ભારતીય રાજ્યોને શી ચિંતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણનાં પાંચ રાજ્યો ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીએ રિપ્લેસમેન્ટ લેવલના પ્રજનનદરને હાંસલ કરવામાં ઘણાં આગળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેરળે આ ઉપલબ્ધિ વર્ષ 1988માં, તામિલાનાડુએ 1993માં અને અન્યોએ 2000ના દાયકાના મધ્ય ભાગ સુધી હાંસલ કરી લીધી હતી.
આજે, દક્ષિણનાં પાંચ રાજ્યોનો કુલ પ્રજનનદર 1.6 કરતાં ઓછો છે, જેમાં કર્ણાટકનો પ્રજનનદર 1.6 અને તામિલનાડુનો 1.4 છે. બીજા શબ્દોમાં, આ રાજ્યોનો પ્રજનનદર મોટા ભાગના યુરોપિયન દેશોની બરાબર કે તેના કરતાં પણ ઓછો છે.
પરંતુ આ રાજ્યોને બીક છે કે જુદાં જુદાં રાજ્યોમાં વસતીના અંતરની સાથોસાથ ભારતનું બદલાતું જતું વસતીનું ચિત્ર નિશ્ચિતપણે ચૂંટણીમાં પ્રતિનિધિત્વ, સંસદીય બેઠકોની રાજ્યવાર ફાળવણી અને રાજસ્વને અસર કરશે.
ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉપ્યુલેશન સાયન્સિઝમાં વસ્તીશાસ્ત્રના પ્રોફેસર શ્રીનિવાસ ગોલીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સારા આર્થિક પ્રદર્શન અને સંઘીય રાજસ્વમાં સારું એવું યોગદાન કરવા છતાં તેમને પોતાની અસરકારક વસતીનિયંત્રણનીતિ માટે પોતાને દંડિત કરાશે એવો ભય છે."
દક્ષિણનાં રાજ્યો વધુ એક મોટી ચિંતા સામે ઝઝૂમી રહ્યાં છે, કારણ કે 1976 બાદ ભારત, 2026માં પરિસીમનની તૈયારી કરી રહ્યું છે.
આ કવાયત વસતીમાં થયેલા ફેરફારોનું પ્રતિબિંબ ઝીલવા માટે ચૂંટણીલક્ષી પરિસીમાને ફરી એક વખત નિર્ધારિત કરશે, જેના કારણે આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ રાજ્યોની સંસદીય બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના છે.
સરકારી રાજસ્વની વહેંચણી રાજ્યની વસતીની દૃષ્ટિએ થતી હોવાથી, ઘણાં રાજ્યોને એ વાતની બીક છે કે આના કારણે તેમની આર્થિક મુશ્કેલી હજુ વધી શકે છે અને નીતિઘડતર માટેની તેમની સ્વાયત્તતા મર્યાદિત બની શકે છે.
વસતીશાસ્ત્રના વિશેષજ્ઞ કે. એસ. જેમ્સ અને શુભ્રા કૃતિનું અનુમાન છે કે પરિસીમનથી ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં ગીચ વસતીવાળાં ઉત્તર ભારતીય રાજ્યોને વધુ બેઠકો મળશે, જ્યારે તામિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશ જેવાં દક્ષિણનાં રાજ્યોને નુકસાન વેઠવું પડી શકે છે અને આનાથી રાજકીય પ્રતિનિધિત્વમાં વધુ બદલાવ આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા લોકોએ સંકેત આપ્યા છે કે રાજસ્વમાં ભાગીદારી અને સંસદીય બેઠકોની વહેંચણી અંગે કોઈ ઉતાવળ નહીં કરાય.
શ્રીનિવાસ ગોલી કહે છે કે, "વસતીશાસ્ત્રનો વિશેષજ્ઞ હોવાને કારણે મને નથી લાગતું કે આ રાજ્યોએ આ મુદ્દા અંગે વધુ ચિંતા કરવાની જરૂર છે. આ મુદ્દાનું નિરાકરણ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે રચનાત્મક વાતચીત મારફતે લાવી શકાય છે."
'ધનિક થતા પહેલાં ગરીબ થતું જતું ભારત'

ઇમેજ સ્રોત, Getty Images
વસતીશાસ્ત્રના નિષ્ણાતો પ્રમાણે, મુખ્ય પડકાર એ છે કે પ્રજનનદરમાં ઘટાડાની સાથોસાથ ભારતની વસતી વૃદ્ધ થતી જઈ રહી છે.
શ્રીનિવાસ ગોલી કહે છે કે ફ્રાન્સ અને સ્વીડને પોતાની વૃદ્ધ થતી જતી વસતીનું પ્રમાણ સાત ટકાથી 14 ટકા કરવામાં એટલે કે બમણું કરવામાં ક્રમશ: 120 અને 80 વર્ષ લીધાં હતાં, આશા છે કે ભારત આ ઉપલબ્ધિ માત્ર 28 વર્ષમાં હાંસલ કરી લેશે.
વસતીના વૃદ્ધ થવાની આ તીવ્ર ઝડપનો સંબંધ, પ્રજનનમાં થયેલા ઘટાડામાં ભારતની અનોખી સફળતાને કારણે છે.
મોટા ભાગના દેશોમાં, જીવનસ્તર અને શિક્ષણમાં સુધારા અને શહેરીકરણ સ્વાભાવિકપણે પ્રજનનને ઘટાડી દે છે, કારણ કે બાળકોના જીવિત રહેવાની શક્યતામાં સુધારો થાય છે.
પરંતુ ભારતમાં મામૂલી સામાજિક અને આર્થિક પ્રગતિ છતાં પ્રજનનદરમાં ઝડપી ઘટાડો નોંધાયો, તેનું કારણ આક્રમક પરિવારનિયોજન કાર્યક્રમ હતા, જેમણે લક્ષ્ય, પ્રોત્સાહન અને હતોત્સાહિત કરનારા ઉપાયો થકી નાના પરિવારોની વાતને આગળ ધપાવી.
ગોલી કહે છે કે તેનાં કેટલાંક એવાં પણ પરિણામો આવ્યાં જેની અપેક્ષા નહોતી. આંધ્ર પ્રદેશનું જ ઉદાહરણ જોઈ લો. આ રાજ્યનો પ્રજનનદર સ્વીડનની બરોબર એટલે કે દોઢ ટકા છે, પરંતુ તેની પ્રતિ વ્યક્તિ આવક તેના કરતાં 28 ગણી ઓછી છે.
વધતા જતા દેવા અને સીમિત સંસાધનો સાથે શું આવાં રાજ્યો પોતાની ઝડપથી વૃદ્ધ થતી જતી વસતી માટે ઊંચી પેન્શન કે સામાજિક સુરક્ષા પૂરી પાડી શકશે? આ મુદ્દા અંગે ગહન વિચાર કરવાની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના લેટેસ્ટ ઇન્ડિયા એજિંગ રિપોર્ટ અનુસાર, 40 ટકાથી વધુ વૃદ્ધ ભારતીય (60+ વર્ષ) સંપત્તિ વહેંચણી બાબતે વસતીના નીચલા 20 ટકામાં આવે છે.
બીજા શબ્દોમાં ગોલી આ વાતને કંઈક આ રીતે મૂકે છે, "ભારત અમીર થતા પહેલાં ગરીબ બની રહ્યું છે."
ઓછાં બાળકોનો અર્થ વૃદ્ધાવસ્થા નિર્ભરતા પ્રમાણમાં વૃદ્ધિ પણ છે, જેનાથી વધતી જતી વૃદ્ધ વસતીની સારસંભાળ કરનારાની સંખ્યા પણ ઘટે છે.
વસતીશાસ્ત્રના વિશેષજ્ઞોએ ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતની સ્વાસ્થ્યસેવા, સામુદાયિક કેન્દ્ર અને વૃદ્ધાશ્રમો આ બદલાવ માટે તૈયાર નથી.
શહેરીકરણ, પ્રવાસન અને બદલાતું જતું શ્રમબજાર પણ પરંપરાગત પારિવારિક સપૉર્ટને વધુ નબળો બનાવી રહ્યા છે, જે ભારતનું મજબૂત પાસું રહ્યું છે, આના કારણે વૃદ્ધ લોકો વધુ પાછળ છૂટતા જઈ રહ્યા છે.
જોકે, ગીચ વસતીથી ઓછી વસતીવાળાં રાજ્યોમાં સ્થળાંતર, કામકાજની ઉંમરના અંતરને હળવી બનાવે છે, પરંતુ આ બાબત સ્થાંતરવિરોધી ચિંતાઓનું પણ કારણ બને છે.
મોટા રોકાણની જરૂરિયાત

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીનિવાસ ગોલી કહે છે કે, "વૃદ્ધ થતી વસતીનીની સારસંભાળ માટે રોકથામ, ઉપચારાત્મક દેખરેખ અને સામાજિક માળખાગત સુવિધાઓમાં મોટા રોકાણની તાત્કાલિક જરૂર છે."
દક્ષિણનાં રાજ્યોની ચિંતાઓ જ પૂરતી ન હોય એમ, આ મહિનાની શરૂઆતમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખે દંપતીઓને અપીલ કરી કે તેઓ ભારતના ભવિષ્યને સુરક્ષિત રાખવાના હેતુસર ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરે.
હાલમાં જ થયેલી એક મિટિંગ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કથિતપણે કહ્યું, "વસતીશાસ્ત્ર અનુસાર, જ્યારે વૃદ્ધિદર 2.1થી નીચે જાય ત્યારે સમાજ આપમેળે ખતમ થઈ જાય છે. તેને કોઈ નષ્ટ નથી કરતું."
વસતીશાસ્ત્રના વિશેષજ્ઞો અનુસાર એવું બની શકે કે ભાગવતની ચિંતાનો કોઈક આધાર હોય, પરંતુ આ વાત સંપૂર્ણપણે સત્ય નથી.
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં વસતીશાસ્ત્રના વિશેષજ્ઞ ટીમ ડાયસને બીબીસીને જણાવ્યું કે એક કે બે દાયકા બાદ, "પ્રજનનનું ખૂબ નીચી સપાટીએ રહેવું, વસતીમાં ખૂબ ઝડપી ઘટાડાનું કારણ બનશે."
પ્રતિ મહિલા 1.8 જન્મનો પ્રજનનદર ધીમી ગતિના અને મૅનેજ કરી શકાય તેવા વસતીઘટાડા તરફ લઈ જાય છે. પરંતુ 1.6 કે તેના ઓછાનો દર 'તીવ્ર ગતિના અને જેને કાબૂ ન કરી શકાય એવા વસતીઘટાડાનું' કારણ બને છે.
ડાયસન કહે છે કે, "બહુ ઓછી સંખ્યામાં લોકો કામકાજની અને પ્રજનન માટે લાયક ઉંમરના તબક્કે પહોંચશે, અને આ વાત સામાજિક, રાજકીય અને આર્થિક દૃષ્ટિએ વિનાશાકારક સાબિત થશે.આ વસતીશાસ્ત્ર સંબંધિત પ્રક્રિયા છે, જેની અસરોને પાછી વાળવું એ અત્યંત મુશ્કેલ કામ છે."
વિશ્વના અન્ય દેશોના હાલ

ઇમેજ સ્રોત, AFP
આ પ્રક્રિયા વિશ્વના અન્ય દેશોમાં ચાલી જ રહી છે.
મે માસમાં દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે જાહેર કર્યું કે દેશનો રેકૉર્ડ નીચો જન્મદર એક રાષ્ટ્રીય ઇમર્જન્સી છે અને એક વિશેષ સરકારી મંત્રાલયની યોજનાની જાહેરાત કરી હતી.
ગ્રીસમાં પ્રજનનદર 1.3 કરતાં પણ ઓછો છે. વર્ષ 1950ની સરખામણીએ આ દર અડધો થઈ ચૂક્યો છે અને તેના કારણે વડા પ્રધાન કીરિયાકોસ મિત્સોતાકિસે વસતી સંબંધિત 'અસ્તિત્વ'ના ખતરા અંગે ચેતવણી જાહેર કરવી પડી હતી.
પરંતુ વસતીશાસ્ત્ર વિશેષજ્ઞોનું કહેવું છે કે લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરવું એ અર્થહીન વાત છે.
ડાયસન કહે છે કે, "સામાજિક બદલાવો પર ધ્યાન આપીએ તો, આજના સમયમાં સ્ત્રીઓને ભોગવવી પડતી લૈંગિક અસમાનતામાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે, જેના કારણે સ્ત્રીઓની પુરુષ સમોવડી બનવાની પ્રક્રિયામાં ઝડપ નોંધાઈ છે, આ વલણ પાછું ઠેલાય એ અસંભવ લાગે છે."
કામકાજ કરનારી વસતીમાં ઘટાડાની સમસ્યાનો સામનો કરી રહેલાં તામિલનાડુ અને કેરળ જેવાં ભારતીય રાજ્યો માટે, મુખ્ય પ્રશ્ન તો એ છે કે આ અંતર કોણ પૂરશે? ઘટતા જતા પ્રજનને ઊલટવામાં અસફળ રહેલા વિકસિત દેશ સ્વસ્થ અને સક્રિય વૃદ્ધત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ સક્રિય જીવનને પાંચથી સાત વર્ષ સુધી વધારવા અને વૃદ્ધ વસતીમાં ઉત્પાદકતાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
વસતીશાસ્ત્રના વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતે સેવાનિવૃત્તિની ઉંમરને અર્થપૂર્ણ રીતે વધારવાની જરૂર પડશે અને એવી નીતિઓને પ્રાથમિકતા આપવી જોઈએ જેથી સારી સ્વાસ્થ્ય સુવિધાઓથી જીવનનાં સ્વસ્થ વર્ષોમાં વધારો થાય.
સાથે જ વૃદ્ધ વસતી સક્રિય અને ઉત્પાદક હોય એ માટે, બીજા શબ્દોમાં સંભવિત 'સિલ્વર ડિવિડન્ડ'સુનિશ્ચિત કરવા માટે મજબૂત સામાજિક સુરક્ષાની જરૂર છે.
ભારતે પોતાના ડેમોગ્રાફિક ડિવડન્ડનો પણ સારી રીતે લાભ ઉઠાવવો જોઈએ, એટલે કે એવો આર્થિક વિકાસ જે દેશમાં ભારે સંખ્યામાં કામકાજની ઉંમરમાં આવતી વસતીને કારણે થાય છે.
શ્રીનિવાસ ગોલીનું માનવું છે કે અર્થતંત્રમાં તેજી, કામકાજની ઉંમરવાળી વસતીને નોકરી આપવા અને વૃદ્ધો માટે સંસાધન ફાળવણી માટે વર્ષ 2047 સુધી તક છે.
તેઓ કહે છે કે, "આપણે ડિવિડન્ડની આ પરિસ્થિતિનો 15-20 ટકા સુધી જ લાભ ઉઠાવી શકી રહ્યા છીએ. આપણે આનાથી વધુ સારું કરી શકીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












