You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના સૌથી વૃદ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષની વયે ઈંડું મૂક્યું, કેવી રીતે થયું ટ્રેક?
- લેેખક, રૉબર્ટ ગ્રીનૉલ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાના જીવવિજ્ઞાનીના જણાવ્યા મુજબ વિશ્વના સૌથી વૃદ્ધ જંગલી પક્ષીએ લગભગ 74 વર્ષની વયે ઈંડું મૂક્યું છે.
વિસડમ નામના લેસન ઍલ્બટ્રૉસ પ્રજાતિનું માદા પક્ષી પ્રશાંત મહાસાગરમાં આવેલા મિડવે અટોલ નૅશનલ વાઇલ્ડલાઇફ રેફ્યૂજ ખાતે યુએસ ફિશ ઍન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ (યુએસએફડબ્લ્યૂએસ) દ્વારા લેવાયેલા એક વીડિયોમાં સાથી પક્ષી સાથે ઈંડાની સંભાળ લેતા દેખાયું હતું.
આ પ્રજાતિનાં પક્ષીનું આયુષ્ય સામાન્યપણે 12-40 વર્ષનું હોય છે. જોકે, વિસડમને વર્ષ 1956માં જ્યારે પાંચ વર્ષનું હતું ત્યારે ટૅગ મારવામાં આવ્યો હતો.
છેલ્લે આ પક્ષીએ વર્ષ 2021માં મૂકેલા ઈંડામાંથી બચ્ચું જન્મ્યું હતું. આ માદા પક્ષીએ પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન 30 બચ્ચાંને જન્મ આપ્યો હોવાનું મનાય છે.
યુએસએફડબ્લ્યૂએસે એક્સ પર લખ્યું હતું કે વિસડમ આ વખત નવા પાર્ટનર સાથે હતું અને તેનો અગાઉનું સાથી પક્ષી અકીકામી ઘણાં વર્ષોથી નથી જોવા મળ્યું.
સામાન્યપણે આ પ્રજાતિનાં પક્ષી પોતાના સંપૂર્ણ જીવનકાળમાં માત્ર એક જ સાથી સાથે રહે છે, પરંતુ વિસડમના ઓછામાં ઓછા ત્રણ સાથીદારો રહ્યા છે.
સૌથી મોટી ઉંમરનું પક્ષી
આ રેફ્યૂજના સુપરવાઇઝરી વાઇલ્ડલાઇફ જીવવિજ્ઞાની જોન પ્લિસનરે બીબીસી રેડિયો 4ના પ્રોગ્રામમાં કહ્યું હતું કે વિસડમ પ્રજનન માટે મિડવે સુધી પ્રવાસ ખેડતાં 20થી 30 લાખ લેસન ઍલ્બટ્રૉસ પક્ષીઓ પૈકી એક છે.
તેમણે કહ્યું કે જીવવિજ્ઞાનીઓ વિસડમની ઉંમરની આસપાસેય હોય એવા કોઈ પક્ષીથી વાકેફ નથી. વિસડમ પછી સૌથી મોટી ઉંમરનું પક્ષી 45 વર્ષનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "આ ખરેખર અદ્ભુત વાત છે. વિસડમ સમગ્ર વિશ્વમાં લોકો માટે કૌતુક સર્જે છે. અમે દર વર્ષે તેની અધીરાઈપૂર્વક રાહ જોતા હોઈએ છીએ."
તેમણે કહ્યું કે હજુ વિસડમમાં વધુ એક બચ્ચાનો ઉછેર કરવાની ઊર્જા અને પ્રેરણા છે. જોન પ્લિસનર આગળ જણાવે છે કે ઈંડામાંથી બચ્ચું નીકળવાની શક્યતા 70-80 ટકા હોય છે.
ઍલ્બટ્રૉસ પ્રજાતિનાં સાથી પક્ષીઓમાં નર-માદા ઈંડું સેવવાની ડ્યૂટી વહેંચી લેતાં હોય છે. આ સિવાય બચ્ચું બહાર નીકળે એ બાદ તેનું પેટ ભરવાની ફરજ પણ નર-માદા સાથે મળીને પૂરી કરતાં હોય છે.
વર્ષ 1956માં ઈંડું મૂક્યા બાદ વિસડમને પ્રથમ વખત ટૅગ કરાયું હતું.નોંધનીય છે કે આ પ્રજાતિનાં પક્ષીઓ સામાન્ય રીતે પાંચ વર્ષની ઉંમર પહેલાં પ્રજનન કરતાં નથી.
મિડવે અટોલ એ હવાઈ દ્વીપસમૂહનો ભાગ છે, પરંતુ એ અમેરિકાના હવાઈ રાજ્યની હદમાં નથી. મિડવેનો અમેરિકાના અસંગઠિત ક્ષેત્ર તરીકે ઉલ્લેખ કરાય છે.
આ રેફ્યૂજ એ વિશ્વમાં ઍલ્બટ્રૉસ પક્ષીઓની સૌથી મોટી વસાહત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન