You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-બાંગ્લાદેશ સંબંધો: 'ભરોસાપાત્ર મિત્રતા'માં કેવી રીતે તિરાડ ઊંડી થઈ રહી છે?
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આજથી દસ વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે પહેલી વખત સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાષણ આપી રહ્યા હતા.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, "આપણું ભવિષ્ય આપણા પડોશ સાથે જોડાયેલું છે. આ જ કારણથી મારી સરકારે પહેલા દિવસથી જ પડોશી દેશો સાથે મિત્રતા અને સહયોગ વધારવાને પ્રાથમિકતા આપી છે."
પીએમ મોદીએ આ અમેરિકન પ્રવાસ દરમિયાન ન્યૂ યૉર્કમાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના સાથે પોતાની પ્રથમ મુલાકાત પણ કરી હતી.
ત્યારબાદ આગામી દસ વર્ષ સુધી મોદી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય બેઠકોની સંખ્યા વધતી ગઈ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોનો ગ્રાફ પણ ઊંચો જતો રહ્યો.
2023-24 દરમિયાન એક વર્ષમાં બંને નેતાઓ એકબીજાને દસ વખત મળ્યા હતા અને આ માહિતી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી.
આ વર્ષે જૂનમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા અને જાન્યુઆરીમાં શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશનાં વડાં પ્રધાન બન્યાં હતાં.
મોદીના શપથગ્રહણના કેટલાક દિવસો પછી શેખ હસીના ભારત આવ્યાં હતાં. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા ત્યાર પછી ભારતમાં કોઈ વિદેશી નેતાનો આ પહેલો રાજકીય પ્રવાસ હતો.
સાથે સાથે જાન્યુઆરીમાં ફરીથી વડાં પ્રધાન બન્યા પછી શેખ હસીનાનો પણ કોઈ પણ દેશનો આ પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ વડાં પ્રધાન હસીનાએ કહ્યું હતું કે, "ભારત અમારો મુખ્ય પડોશી, વિશ્વાસુ મિત્ર અને પ્રાદેશિક ભાગીદાર છે. બાંગ્લાદેશ-ભારત સંબંધો ઝડપથી મજબૂત બની રહ્યા છે. હું વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની મુલાકાત લેવા આમંત્રણ આપું છું."
આ ઘટનાક્રમથી બંને દેશો કેટલા નજીક આવ્યા તેનો અંદાજ લગાવી શકાય છે.
લગભગ દોઢ મહિના પછી શેખ હસીના ફરી એકવાર ભારત આવ્યાં, પરંતુ વડા પ્રધાન તરીકે નહીં. આ વખતે જ્યારે તેઓ ભારત પહોંચ્યા ત્યારે બાંગ્લાદેશમાં લાખો વિદ્યાર્થીઓ અને લોકો રસ્તા પર હતા.
શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને બાંગ્લાદેશમાં નોબલ પુરસ્કાર વિજેતા 84 વર્ષના મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા.
વચગાળાની સરકાર રચાયા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને હવે ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પછી બંને દેશો વચ્ચે ખૂબ જ આકરી રાજદ્વારી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પાછલા દિવસોમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાનૂની સલાહકાર આસિફ નઝરુલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું, "ભારતે એ સમજવું પડશે કે આ શેખ હસીનાનું બાંગ્લાદેશ નથી."
બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને ભારતનાં સમર્થક તરીકે જોવામાં આવે છે.
શેખ હસીનાના કાર્યકાળમાં ભારત-બાંગ્લાદેશ સંબંધ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાર હજાર કિલોમીટર લાંબી સરહદ છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો છે.
બાંગ્લાદેશની સરહદ ભારત અને મ્યાનમાર સાથે લાગેલી છે પરંતુ 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે. તેથી બાંગ્લાદેશને 'ઇન્ડિયા લોક્ડ' દેશ કહેવામાં આવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશ ભારત માટે એક મોટા બજાર તરીકે ઊભરી આવ્યું છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.
વર્ષ 2022-23માં બાંગ્લાદેશ ભારતમાં પાંચમા ક્રમે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું. નાણાકીય વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર 15.9 અબજ ડોલરનો હતો.
પિનાક રંજન ચક્રવર્તી એક નિવૃત્ત ભારતીય ડિપ્લોમેટ અને બાંગ્લાદેશમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશ્નર રહ્યા છે.
પિનાક રંજન ચક્રવર્તી કહે છે, "શેખ હસીનાના સમયે ભારત બાંગ્લાદેશ સાથે ખભે ખભા મેળવીને આગળ વધી રહ્યું હતું. બંને દેશો વચ્ચે રેલ કનેક્ટિવિટીથી લઈને વીજળીનો પૂરવઠો વધ્યો હતો."
"આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર અને લોકોનું આવન-જાવન પણ વધ્યું હતું. બંને દેશના સંબંધો પણ ઐતિહાસિક રીતે વધી રહ્યા હતા, પરંતુ હવે આ બધી ચીજોને અસર થઈ છે."
ગયા વર્ષે બંને દેશો વચ્ચે ભારત-બાંગ્લાદેશ સરહદે ગેસ પાઈપલાઈન શરૂ કરવામાં આવી હતી.
આ પાઇપલાઇનને ભારત સરકારે 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી છે, જેમાં બાંગ્લાદેશમાં પડતો હિસ્સો 285 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો છે.
વર્ષ 2023માં જ અખૌરા-અગરતલા રેલ લિંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે બાંગ્લાદેશ તથા ઇશાન ભારતને ત્રિપુરા મારફત જોડે છે.
આ ઉપરાંત વર્ષ 2015માં ભારત અને બાંગ્લાદેશે જમીની સરહદ કરાર અને પ્રાદેશિક સમુદ્રી વિવાદ જેવા ઘણા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાને સફળતાપૂર્વક ઉકેલ્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 50થી વધુ નદીઓ છે, પરંતુ અત્યાર સુધી માત્ર બે સંધિઓ (ગંગા જળ સંધિ અને કુશિયારા નદી સંધિ) પર સંમતિ થઈ છે.
તિસ્તા અને ફેની નદીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ સાધી શકાઈ નથી.
શેખ હસીના પછી બાંગ્લાદેશ સાથે સંબંધો
શેખ હસીનાના વિદાય પછી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ. યેલ યુનિવર્સિટીના લેક્ચરર સુશાંત સિંહના મતે આ ભારતની કૂટનીતિક નિષ્ફળતા હતી.
ફોરેન પોલિસીના એક લેખમાં સુશાંત સિંહે લખ્યું છે, "હસીનાએ આર્થિક વિકાસને વેગ આપ્યો અને સેના સહિત તમામ સરકારી સંસ્થાઓને નિયંત્રિત કરી. તેના કારણે ભારતે એવું માની લીધું કે વિરોધ છતાં તેઓ સત્તા ટકાવી રાખશે."
"પરંતુ આશ્ચર્યજનક રીતે ભારતીય ગુપ્તચર અને રાજદ્વારી નિષ્ફળતાને કારણે સેનાએ આ મહિને (ઓગસ્ટમાં) હસીનાને દેશ છોડવા માટે કહ્યું, ત્યારે ભારત આશ્ચર્યચકિત થયું હતું. કોઈ પશ્ચિમી સરકારે તેમને આશરો ન આપ્યો. તેના કારણે તેઓ દિલ્હીમાં જ રહી ગયાં."
બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સત્તા પર આવ્યા પછી તેમણે શેખ હસીનાના નિર્ણયોને ઉલ્ટાવવાનું શરૂ કર્યું. એક મહિનાની અંદર જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો.
તે વખતે જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીક-ઉર-રહેમાને કહ્યું હતું, "અમે માનીએ છીએ કે ભારત અંતમાં બાંગ્લાદેશ સાથે પોતાના સંબંધોમાં પોતાની વિદેશનીતિનું પુનઃમૂલ્યાંકન કરશે. અમને લાગે છે કે આપણે એકબીજાની આંતરિક બાબતોમાં દખલ દેવી ન જોઈએ."
જમાત-એ-ઇસ્લામી દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી છે અને તેની છબી ભારત વિરોધી રહી છે. શેખ હસીના તેને આતંકવાદી સંગઠન ગણાવતાં હતાં.
પ્રોફેસર હર્ષ વી પંત નવી દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં અભ્યાસ અને વિદેશ નીતિ વિભાગમાં ઉપાધ્યક્ષ છે.
જમાતના સવાલ પર પ્રોફેસર પંત કહે છે, "શેખ હસીનાથી પહેલાં પણ બીએનપી અને જમાત ખુલીને ભારત વિરોધી વલણ અપનાવતા હતા."
તેઓ કહે છે, "તેનાથી તેઓ એવી કોશિશ કરે છે કે ઇસ્લામિક કટ્ટરવાદીઓ પર પોતાની પકડ મજબૂત બનાવી શકાય અને ભારત વિરોધી લાગણીઓને ભડકાવીને રાષ્ટ્રવાદી ભાવનાને મજબૂતી બનાવી શકાય."
"બંને આજે પણ આવું જ કરે છે અને ભારતે તેના માટે તૈયાર રહેવું જોઈએ."
"બાંગ્લાદેશથી અગાઉ માલદીવમાં પણ ભારત વિરોધી ભાવનાઓ ખુલીને બહાર આવી રહી હતી. મોહમ્મદ મોઈજ્જુ ઇન્ડિયા આઉટના નારા પર રાષ્ટ્રપતિ બન્યા હતા. હાલમાં મામલો શાંત થયો હોય તેવું લાગે છે."
બાંગ્લાદેશમાં તેનાથી ઊંધું છે, દિવસ વીતવાની સાથે સાથે ભારત વિરુદ્ધ આક્રમકતા વધતી જાય છે.
હવે ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પછી સ્થિતિ વધારે ખરાબ થાય તેવું લાગે છે.
ભારત તરફથી સતત કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે તમામ લઘુમતિની સુરક્ષા માટે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ કહે છે, "ઇસ્કૉનની વૈશ્વિક પ્રતિષ્ઠા છે અને સામાજિક સેવાના ક્ષેત્રમાં તેને મજબૂત રેકોર્ડ છે. ચિન્મયદાસની ધરપકડ ચિંતાજનક મામલો છે."
બાંગ્લાદેશની 17 કરોડની વસતીમાં આઠ ટકા હિંદુઓ છે. આ વર્ષે ઑગસ્ટ મહિનામાં શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી હિંદુઓ પર હુમલાની કેટલીક ઘટનાઓ જાણવા મળી છે.
મંગળવારે બીએનપીના મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ ભારતની આકરી ટીકા કરી હતી.
રૂહુલ કબીર રિઝવીએ કહ્યું, "અમે ભારતના ગુલામ બનવા માટે આઝાદ નથી થયા. અમે ભારતના ઉગ્રવાદી હિંદુઓને કહેવા માંગીએ છીએ કે તમારી મિત્રતા શેખ હસીના સાથે છે."
"આ મિત્રતાને બચાવવા માટે બાંગ્લાદેશના લોકો સાથે ખુલ્લેઆમ દુશ્મની કરવી એ સારા પડોશીનો વ્યવહાર ન કહી શકાય. હજારો લોકોના જીવ લીધાં પછી હસીનાએ તમારે ત્યાં શરણ લીધી છે."
આવા માહોલમાં સવાલ થાય છે કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો ક્યારે ફરીથી પાટે ચઢશે?
પ્રોફેસર પંત કહે છે, "યુનુસ સરકારની કોઈ બંધારણીય માન્યતા નથી. જ્યાં સુધી ત્યાં ચૂંટણી ન થાય, ત્યાં સુધી ભારત-બાંગ્લાદેશ સંબંધોને ફરી પાટે ચઢાવવા ખૂબ મુશ્કેલ છે."
"ચૂંટણી અગાઉ ભારતને ટાર્ગેટ કરવાનું ચાલુ રહેશે કારણ કે તેનાથી દરેક રાજકીય પક્ષને ફાયદો થઈ રહ્યો છે. કોઈ એવું રાજકીય જૂથ નથી જે ભારતનો સકારાત્મક પક્ષ લઈને આગળ વધી શકે."
'વાતચીત એકમાત્ર વિકલ્પ'
બાંગ્લાદેશની સરકારમાં માહિતી અને કૉમ્યુનિકેશન ટેકનૉલૉજીમાં સલાહકાર તરીકે કામ કરતા નાહિદ ઇસ્લામે ભારત સરકારની ટીકા કરતી વખતે ભાજપનો ઉલ્લેખ કર્યો છે.
નાહિદ ઇસ્લામે લખ્યું છે, "ભારતનો સત્તાધારી વર્ગ વિભાજનની રાજનીતિ અને બાંગ્લાદેશ વિરોધી નિવેદનોમાં લાગેલો છે."
"ભાજપ બાંગ્લાદેશને ભારત માટે એક આંતરિક રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરે છે. આવું થશે તો તે ભારતના સ્થાનિક રાજકારણ માટે નુકસાનકારક રહેશે."
બાંગ્લાદેશના આ વલણ પર પિનાક રંજન ચક્રવર્તી કહે છે, "ત્યાં જે ગેરબંધારણીય સરકાર છે તેમાં શેખ હસીના પ્રત્યે ગુસ્સો છે. ભૂતકાળમાં અમારા શેખ હસીના સાથે સારા સંબંધ હતા અને હાલમાં તેઓ ભારતમાં છે."
"હાલમાં સત્તા પર આવેલા લોકોનું માનવું છે કે હસીના આપખુદ શાશક હતાં. પરંતુ બાંગ્લાદેશે પોતાની હાલની સ્થિતિ વિશે વિચારવું જોઈએ કારણ કે ભારત તેમનો પડોશી છે."
બાંગ્લાદેશ હાલમાં લઘુમતીના મામલાને પોતાની આંતરિક બાબત ગણાવે છે, પરંતુ ભારતે પણ કેટલીક વખત આવું કર્યું છે.
ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ 16 સપ્ટેમ્બરે 'મુસ્લિમો જ્યાં ભયંકર સ્થિતિનો સામનો કરે છે' તેવા દેશોની યાદીમાં ગાઝા અને મ્યાનમારની સાથે ભારતને પણ સામેલ કર્યું હતું.
આના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે લઘુમતી વિશે નિવેદન આપતા દેશોએ બીજા દેશો વિશે અભિપ્રાય આપતા પહેલાં પોતાનો રેકોર્ડ જોવો જોઈએ.
બાંગ્લાદેશની વચગાળાની સરકાર વારંવાર એ વાત પર ભાર મૂકી રહી છે કે ભારત સરકારે બાંગ્લાદેશને અવામી લીગની દૃષ્ટિએ જોવાનું છોડી દેવું જોઈએ.આવામાં ભારત પાસે કેવા વિકલ્પો છે?
'ધ હિન્દુ' સાથે વાત કરતા બાંગ્લાદેશના મેજર જનરલ (રિટાયર્ડ) એએનએમ મુનીરુઝમાન કહે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોની વર્તમાન સ્થિતિમાં ભારત માટે પરંપરાગત મુત્સદ્દીગીરી માટે અવકાશ નથી.
તેઓ કહે છે, "ભારતે બાંગ્લાદેશના રાજકીય ક્ષેત્રના તમામ પક્ષો સાથે વાતચીત કરવી જોઈએ. પાંચમી ઓગસ્ટની ઘટના પછી બાંગ્લાદેશનું રાજકારણ ઘણું અલગ થઈ ગયું છે."
"આવી સ્થિતિમાં વર્ષોથી ચાલી આવતી કૂટનીતિ કામ નથી આવી શકતી અને ભારતે તેને ઝડપથી સમજવાની અને નીતિને રિસેટ કરવાની જરૂર છે."
મેજર જનરલ (રિટાયર્ડ) એએનએમ મુનીરુઝમાન કહે છે કે હસીના સરકારના અંતને દ્વિપક્ષીય સંબંધોના અંત તરીકે જોવો ન જોઈએ અને બાંગ્લાદેશના અસલી લોકો સાથે વાતચીત થવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન