You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૃત તળાવોને નવજીવન આપનારી ત્રણ મહિલા, જેમણે જ્ઞાતિના ભેદભાવને ટક્કર આપી
- લેેખક, નિતેશ રાઉત અને પ્રાજક્તા ધુલપ
- પદ, બીબીસી મરાઠી
શાલૂ કોલ્હે, સરિતા મેશ્રામ અને કવિતા મૌજે નામની આ મહિલાઓ રસોડાં અને બાળકો સિવાયની દુનિયાને ઓળખતી ન હતી. તેઓ મૂળપરૂપે ધીવર સમાજમાંથી આવે છે. આ સમાજની મહિલાઓને લગ્ન સમારંભ વાસણ ધોઈને પોતાનું ઘર ચલાવે છે તે સિવાય બહારની દુનિયા સાથે તેમને કંઈ લેવા દેવા નથી.
આ મહિલાઓને બેવડા ધોરણોનો પણ સામનો કરવો પડે છે. જેમાં એક છે જ્ઞાતિને કારણે થતો ભેદભાવ જેને ધીવર સમાજે સહન કરવો પડે છે અને બીજો છે લિંગભેદ જે કારણે મહિલાઓને સમાજે નકારી દીધી હતી. આ ત્રણેય મહિલાઓ સમાજમાં મહિલાઓને સન્માન મેળવવા માગતી હતી.
આ મહિલાઓના આત્મસન્માનની યાત્રા તળાવોના સંરક્ષણથી શરૂ થઈ. મૃત તળાવોને જીવંત કરવાની કહાણી એક તરફ અને તેમના આત્મસન્માનની કહાણી એક તરફ.
"પહેલાં મને પૂલમાં ઊતરવામાં પણ ડર લાગતો હતો. જોકે મને હવે 100 ટકા લાગે છે કે હું હવે તળાવની ડૉક્ટર બની ગઈ છું. મને તળાવ વિશે કોઈપણ કામ કરવા માટે કહો તો હું હંમેશાં તૈયાર છું. અમારા માછલી પકડતા સમાજ પાસે તળાવને લગતી જે જાણકારી છે તે કોઈ અન્ય પાસે નથી. ત્યારે જ મને વિચાર આવ્યો કે જો આ કામમાં મહિલાઓને સામેલ કરવા માટે આપણે શું કરી શકીએ."
આ શબ્દો છે મહારાષ્ટ્રના ગોંદિયા જીલ્લામાં આવેલા નીમગાંવનાં શાલૂ કોલ્હેના.
મહારાષ્ટ્રમાં ભયંકર ગરમી, ખૂબ ઓછા વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ માટે જાણીતા વિદર્ભના વિમુક્ત સમુદાયોમાં ધીવર સમાજ મુખ્ય રૂપે માછલી પકડવાનું કામ કરે છે. જોકે આઠ વર્ષ પહેલાં માછલી પકડવાનો આ વ્યવસાય માત્ર પુરુષોના હાથમાં જ હતો અને તેમની કમાણી પણ ઘટી રહી હતી.
મૃત તળાવને જીવંત કરવામાં મદદ કરતી સંસ્થા એફઈઈડી અને કોરો નામની રિસોર્સ ઑર્ગેનાઇઝેશન સમિતિની મદદથી ધીવર સમાજની મહિલાઓએ તળાવોને ફરીથી જીવંત કરવાનો સંકલ્પ લીધો.
કઈ માછલીને કારણે તળાવો સુકાઈ ગયાં?
એફઈઈડીના નિદેશક મનીષ રાજનકરે કહ્યું, "ભંડારા અને ગોંદિયા જિલ્લા પ્રાકૃતિક તળાવોના જિલ્લા તરીકે જાણીતા છે. સિંચાઈ ઉપરાંત આ તળાવોનો ઉપયોગ માછલી પકડવા માટે પણ કરવામાં આવે છે. મહારાષ્ટ્રના અન્ય તળાવોની જેમ અહીં પણ હેકટર દીઠ માછલીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આ કારણે માછલી પાલનના વ્યવસાય સાથે જોડાયેલ સમાજ પણ ચિંતિત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભૂતકાળમાં જ્યારે સ્થાનિક માછલીઓ હતી ત્યારે મહિલાઓ પણ માછલીઓ પકડતી. જોકે વધારે ઊપજ આપતી વિદેશી પ્રજાતિની માછલીને કારણે અને વધારે વહેંચાણને કારણે મહિલાઓની ભાગીદારી ઘટતી ગઈ."
"માછલી પકડનારી સમિતિઓમાં પણ પુરુષોનું વર્ચસ્વ હતું. માછલીની વિદેશી પ્રજાતિઓને કારણે તળાવોની પ્રાકૃતિક વ્યવસ્થા ખતરામાં છે."
મનીષે સ્થાનિક લોકો સાથે વાત કરીને આ સમસ્યનો ઉકેલ પણ કાઢ્યો. તેમણે કહ્યું કે આ સમુદાયના લોકો પાસે તળાવોને ફરીથી જીવંત કરવા માટે પરંપરાગત ઉપાય હતો જેનાથી મને મદદ મળી.
મનીષ રાજનકર 1996થી તળાવના સંરક્ષણ પર કામ કરી રહ્યા છે. તેમણે 2014માં શાલૂ કોલ્હેની મદદથી તળાવોને ફરીથી જીવંત કરવાનો એક રસ્તો ગોત્યો.
શાલૂએ કહ્યું, "આ સમુદાય પાસે ખેતી છે. જોકે મોટા ભાગનાં ખેતરોને શાહુકારો પાસે ગિરવી મૂકેલાં છે. તેઓ બે સમયનું ભોજન મળી રહે તે માટે અથાગ મહેનત કરે છે. આ કારણે જ સમાજે પોતાના મુખ્ય વ્યવસાય માટે ધ્યાન દેવાની જરૂર છે અને તેમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂર છે."
સમાજનો વિરોધ હોવા છતાં શાલૂ અને તેમનાં મિત્રો કામ પર જતાં.
શાલૂ કોલ્હેએ કહ્યું, "ગ્રામસભામાં અમારા પણ મૌલિક અધિકારોનું સ્થાન છે. પરંતુ ઓછામાં ઓછી પાંચ મહિલાઓ પોતાના સવાલો ઉઠાવવા માટે હાજર તો રહેવી જોઈએ. આ માટે ઘરે-ઘરે જઈને મહિલાઓને સંગઠિત કરવાની જરૂર છે જેથી કરીને તેમને સમાજમાં પોતાની ભયાનક પરિસ્થિતિનો અહેસાસ થાય."
શાકાહારી અને માંસાહારી માછલી
મહિલાઓએ 43 ગામમાં જઈને 63 તળાવો વિશે જાણકારી એકઠી કરી હતી. લોકોને નીમગાંવના તળાવનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી અને આ તળાવનો ઉપર અનેક પ્રયોગો કરવામાં આવ્યા. નીમગાંવના તળાવમાં જૈવ વિવિધતાનું સંતોલન ખોરવાઈ ગયું હતું.
શાલૂ કોલ્હેએ શરૂઆતી દિવસો વિશે યાદ કરતા કહ્યું કે અમારી ટીમે તળાવનું સર્વેક્ષણ શરૂ કર્યું. તળાવમાં પહેલાં શું હતું અને હવે શું છે? વનસ્પતિ કેમ અને કેવી રીતે ખતમ થઈ ગઈ? આ સવાલોના જવાબ અભ્યાસ દરમિયાન મળ્યા.
તેમણે ઉમેર્યું, "ગ્રામસભામાં પ્રશ્નો ઉઠાવવામાં પણ અમને તકલીફો પડી. જોકે, અમે કામને આગળ વધારતા અમે એક ગામમાં 16 મહિલાઓનો સમૂહ બનાવીને સોસાયટીએ ચાર તળાવમાંથી એક તળાવને અમારા માટે અનામત રાખવાની દરખાસ્ત કરી."
"સંકલ્પને સ્વીકારી લેવામાં આવ્યો પરંતુ તળાવ ખતમ થઈ ગયું હતું અને તેમાં ખૂબ જ કાંપ હતો. અને તળાવમાં વનસ્પતિ ન હોવાને કારણે માછલી પકડવાના વ્યવસાયમાં પણ નુકશાન થઈ રહ્યું હતું. કાંપને હટાવો કોઈ મોટી સમસ્યા ન હતી પરંતુ સમસ્ચા હતી કે વનસ્પતિના છોડને જીવિત કેવી રીતે રાખવા. અમે જળચર છોડોનાં મૃત્યુ પાછળનાં કારણોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું."
અભ્યાસ થકી જાણવા મળ્યું કે જેમ-જેમ તળાવમાં રહેલી વનસ્પતિ મરતી ગઈ તે જ રીતે માછલીઓ પણ જીવી શકી.
"અમે જોયું કે બંગાળી માછલીઓ માંસાહારી હોવાની સાથે શાકાહારી પણ છે અને પોતાના વજનથી ચાર ગણા વધારે છોડવાઓ ખાય છે. કાર્પ જ્યાં ઘાસ ખાય છે ત્યારે કાલ્પ મૂળ ખાય છે આ કારણે વનસ્પતિ જલદી નષ્ટ થઈ જાય છે. માછલીઓના સંરક્ષણમાં એક મોટી સમસ્યા હતી."
શાલૂએ જે પ્રજાતિઓ વિશે વાત કરી તે તળાવની જૈવ વિવિધતાને જાળવી રાખવા માટે અવરોધ બની રહી હતી.
તળાવ ખેડવું અને વાવેતર કરવું
તળાવને ફરીથી જીવંત કરવા માટે તળાવને ખેડવાનું હતું. પ્રથમ વરસાદ પહેલાં નીમગાંવના તળાવને ખેડી નાખવામાં આવ્યું હતું.
શાલૂ કોલ્હેના સમૂહે નીમગાંવના તળાવ ખેડીને વાવેતર શરૂ કર્યું. માછલી માટે જોખમી નીંદણને દૂર કરવામાં આવ્યું. સ્થાનિક માછલીઓને પોષણ મળી રહે તે માટે સ્થાનિક છોડવાઓ લગાડવામાં આવ્યાં. તેમણે દેહાંગો, પત્તેદાર, ચિઉલ, ચૌરા અને પોવનની ખેતી કરી.
શાલૂએ કહ્યું કે આ ખેતી માટે પુરુષો અને મહિલાઓ બન્નેને સમાન વેતન આપવામાં આવ્યું હતું. જોકે, આ વૃક્ષારોપણને સફળ બનાવવા માટે પુરુષો કરતાં મહિલાઓએ વધારે મદદ કરી હતી.
બચત જૂથ અને ગ્રામ પંચાયતે નીમગાંવ તળાવની યોગ્ય જાળવણીના એક વર્ષમાં જ પરિણામો દેખાવાં લાગ્યાં. આવક વધી હતી.
"નીમગાંવના બંઘારા તળાવમાં પહેલા 50 હજાર રૂપિયાની માછલી પકડવાનું કામ થતું જ્યારે તળાવ જીવંત થયા પછી પહેલા જ વર્ષે બે લાખ 75 હજાર રૂપિયાની માછલી પકડવામાં આવી હતી. આ સ્થાનિક માછલીઓ છે."
65 તળાવોને જીવંત કર્યા
આ સફળ પ્રયોગ પછી મહિલાઓએ તળાવ માટે પોષણયુક્ત છોડવાઓના બીજનું સંરક્ષણ કરવાનું કામ શરૂ કર્યું. તળાવોને ફરીથી જીવંત કરીને તેમાં દેશી માછલીઓ છોડવામાં આવે છે.
શાલૂએ કહ્યું, "સ્થાનિક માછલીઓ પ્રાકૃતિક રૂપે વૃદ્ધિ પામે છે. આ કારણે બારે મહિના આવક મળી રહે છે અને આવક વધે પણ છે."
"જીરા માછલીની જગ્યાએ અમે બોટકુલી માછલીનાં બીજનો ઉપયોગ કર્યો. સૃષ્ટિ અને મકામ સંસ્થા દ્વારા વાંસના પાંજરા બનાવી બોટકુલી માછલીના સંરક્ષણની કામગીરી કરવામાં આવી હતી."
"માછલીઓની ચોરી અટકાવવા માટે અમે રાત્રે તળાવની રખેવાળી કરતાં. દરેક માછલીનું વજન દોઢથી બે કિલો સુધી વધવા લાગ્યું. આ કારણે જે લોકો અમારો વિરોધ કરી રહ્યા હતા તેઓ હવે અમારી પાસેથી બોટકુલી માછલીનાં બીજ ખરીદવાં લાગ્યાં."
શાલૂ કોલ્હે, સરિતા મેશ્રામ અને કવિતા મૌજે પોતે પણ માછલી પકડવા માટે તળાવમાં ઊતરવાં લાગ્યાં. જેથી કરીને અન્ય મહિલાઓ પણ માછલી પકડવાના વ્યવસાયમાં આગળ વધે. આજે માછલી પકડવાનો આખો વ્યવસાય મહિલાઓ જ કરે છે. તેમણે જણાવ્યું કે તળાવમાં તેમણે માછલીની 29 પ્રજાતિઓની ઓળખ કરી છે અને તેમને જીવંત રાખી છે.
એફઈઈડી સંસ્થાની મદદથી તેઓએ ભંડારા અને ગોંદિયા જિલ્લામાં અત્યાર સુધીમાં 65 મૃત તળાવોને જીવન આપ્યું છે. મત્સ્ય ઉછેર દ્વારા સ્થાનિક મહિલાઓને યોગ્ય રોજગારી મળી છે.
ધીવર સમાજ વિમુક્ત જાતિઓમાં વહેંચાયેલો છે. મુખ્ય પ્રવાહની બહારનો આ સમાજ ગ્રામ પંચાયત દ્વારા અપાતી અનેક સુવિધાઓથી વંચિત હતો.
જ્યારે તેઓ ગ્રામસભામાં પહોંચ્યાં ત્યારે તેમણે ત્યાં જાતિ ભેદભાવ જોયો.
ગ્રામસભામાં ભાગીદારીનો લાભ
કવિતા મૌજે કહ્યું, "ઉચ્ચ જાતિના ઉપસરપંચ માટે મોટી ખુરશી અને પછાત વર્ગના સરપંચ માટે નાની ખુરશી રાખવી એક સમસ્યા હતી. અમે ખુરશી બદલીને આ ભેદભાવ નાબૂદ કરવાની શરૂઆત કરી."
જયારે સરિતા મેશ્રામે કહ્યું, "અમારા ગામમાં ધીવર સમાજના 50 પરિવારો છે. તેઓ સરકારી યોજનાથી વંચિત રહી ગયા. સન્માનની વાત તો દૂર જ્યારે તેઓ કહેતા “અમે ધીવર છીએ” તો તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો."
તેમણે ઉમેર્યું કે શાલૂ કોલ્હે સાથે સંપર્કમાં આવ્યા પછી ગ્રામસભામાં મારું નેતૃત્વ વધ્યું અને ત્યાર પછી મેં કાયદાનો અભ્યાસ કર્યો. મહિલાઓ અને માછલી પકડવા દરમિયાન આવતી સમસ્યાને ગ્રામસભા સમક્ષ રજૂ કરવામાં આવી.
પહેલા મજૂરોને આઠ દિવસ જ કામ મળતું હતું. તેમણે 100 દિવસ રોજગાર મળી રહે તે માટે એક શ્રમિક સંગઠનની સ્થાપના કરી અને મજૂરોને મળતો આઠ દિવસોનો રોજગાર 100 દિવસ માટે મળવા લાગ્યો. રોજગાર ગેરેન્ટી યોજના થકી આ કામ મળવું શક્ય થયું.
મહિલાઓનો પણ બચત જૂથમાં સમાવેશ થતો ન હતો, કારણ કે સમાજના મુખ્ય રોજગારમાં તેમનું સ્થાન ન હતું. આમ મહિલાઓ કમાણી તો દૂર પણ બચત કેવી રીતે કરવી તે જાણતી ન હતી.
સરિતા મેશ્રામે કહ્યું, "અમે ધીવર સમાજ પ્રત્યે લોકોનો દ્રષ્ટીકોણ બદલવા માગતા હતા. અમને લાગ્યું કે સમાજની સામાજિક સ્થિતિ સુધારવા માટે મહિલાઓને સશક્ત બનાવવી જોઈએ. જ્યારે અમે ગ્રામસભામાં મહિલાઓની ભાગીદારી વધારી, ત્યારે અમે મહિલાઓની એકંદર સમસ્યા શું છે તેના પર કામ કર્યું. તેઓ મહિલાઓની રોજગાર અથવા માછીમારીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે."
મહિલાઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો
અત્યારે 11 ગામમાં શ્રમિક સંગઠનો સ્થાપવામાં આવ્યાં છે. સંગઠનમાં લગભગ 200થી 250 મહિલા કાર્યકરો છે. તેમની યોગ્ય રોજગારી મળી રહી છે. તેમજ વન આજીવિકા પર નિર્ભર 12,300 મહિલાઓને જોડીને તેઓ આત્મનિર્ભર બન્યા છે.
પરિણામરૂપે મહિલાઓ પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે. કારણ કે મહિલાઓને મળતી આવકને બચતના રૂપે જોવામાં આવે છે. આ મહિલાઓએ કહ્યું કે પુરુષ મજૂરો પોતાની આવકનો એક મોટો હિસ્સો નશાની લત પાછળ ખર્ચી નાખે છે જેને કારણે પારિવારિક ઝઘડાઓ વધે છે. હવે એ પણ બંધ કરવામાં આવ્યા છે.
દાયકાથી માછીમારીનું કામ કરતા પતિ રામ તુમસરેએ કહ્યું, "એક મહિલા પોતાની બધી જ આવક ઘરે લાવે છે. જ્યારે કોઈ પુરુષને દરરોજ 200 રૂપિયા મળે તો તેમાંથી 100 રૂપિયા તે નશા પાછળ ખર્ચ કરી નાખે છે. આ માટે મહિલાઓની ભાગેદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શરૂઆતમાં સમાજે તેમનો વિરોધ કર્યો પરંતુ હવે આ મહિલાઓ પુરુષો કરતા પણ આગળ વધી ગઈ છે."
આ ત્રણેયના કારણે ગામની મહિલા સંસ્થા નિર્ભય બની છે. દિવસમાં માત્ર બે ટાઇમ માટે કામ કરતો ધીવર સમુદાય તેમની પાસેથી પ્રેરણા લે છે.
તેમને મળતું માન-સન્માન એટલું વધી ગયું છે કે જો તળાવો ખરાબ હાલતમાં હોય અથવા તૂટી પડ્યાં હોય, તો તેમને પુનઃજીવિત કરવા માટે માત્ર મહારાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો તેમને બોલાવે છે.
(આ લેખ ગ્રાસરૂટ લીડરશીપ એકૅડેમી અટ્ટા દીપના સંશોધનની સહાયતા સાથે તૈયાર કરાયો છે)