ગુજરાત : ઘઉંનો હજારો હેકટરમાં ફેલાયેલો પાક ઇયળો ખતમ કરી નાખશે? બચવા શું કરવું?

"મેં ખાતર, બિયારણ, બધું મોંઘા ભાવનું લઈને વાવેલું હતું અને હવે પાકમાં ઇયળ પડી ગઈ. દવાથી પણ તેનો ઇલાજ નથી થઈ રહ્યો. હવે ઘઉં પાકવાનો સમય છે એટલે અમે કઈ કરી શકીએ તેમ નથી અને યાર્ડમાં પણ આનો કોઈ ખરીદદાર મળે એમ નથી. અત્યારે અમારા જેવા ખેડૂતો બેહાલ છે."

આ શબ્દો અમરેલી જિલ્લાના ભાડ ગામના લવજીભાઈ ધડુકના છે. તેઓ ઘઉંનું વાવેતર કરે છે.

ભાડ ગામના જ સુનીલ સાવલિયા પણ ઘઉંનું વાવેતર કરે છે. તેઓ કહે છે કે, "ઘઉંના પાકમાં મળી આવતી ઇયળ માટે કોઈ દવા બજારમાં ઉપલબ્ધ નથી. હવે જો સરકાર મદદ કરે તો જ અમારું કંઈક થાય."

આ ખેડૂતોની માફક અમરેલીમાં ઘઉંનો પાક લેનારા મોટા ભાગના ખેડૂતો પાકમાં ઇયળ પડવાને કારણે પોતાને નુકસાન થયાની વાત કરી રહ્યા છે.

આ હકીકત સામે આવી એ પહેલાં અમરેલીના ખેડૂતોને ઘઉંનું મબલખ ઉત્પાદન થવાની આશા હતી. પરંતુ હવે પાકમાં ઇયળ પડવાને કારણે ખેડૂતો નુકસાનની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.

નોંધનીય છે કે ખેડૂતો ઘઉંના પાકમાં ઇયળ પડવાની આ સમસ્યાને ‘દુર્લભ અને નુકસાનકારક’ ગણાવે છે, જ્યારે સરકારી અધિકારી અને સંશોધકો આને ‘સામાન્ય બાબત અને બિનનુકસાનકારક’ કહે છે.

સરકારી અધિકારી આ સમસ્યાને ‘પાછોતરી વાવણી’ને કારણે સર્જાયેલ ગણાવે છે.

આ ઘટના નોંધાતા ઘઉંના પાકમાં સર્જાતી ઇયળની સમસ્યા, તેનાં કારણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે ચર્ચા જોવા મળી રહી છે.

અમરેલીમાં ઘઉંમાં કેમ ઇયળ જોવા મળી?

અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ભાડ ગામમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો મોંઘું બિયારણ, ખાતર, અને મજૂરી સહિતના ખર્ચ બાદ ખેતરમાં પાક લહેરાતો જોઈ શકાતો હતો, આ જોઈને ખેડૂતો ખુશ પણ હતાં, પરંતુ અચાનક જ ખેડૂતોને પાકમાં ઇયળ હોવાનું માલૂમ પડ્યું.

ઇયળની સમસ્યા અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક એ. જે પાનસુરિયા સાથે વાત કરી. તે જણાવે છે કે, "ઘઉંના પાકમાં ઇયળ આવવી એ સામાન્ય બાબત છે."

તેઓ આની પાછળનાં કારણો જણાવતાં કહે છે કે, "જયારે વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે આવી ઇયળ આવવાની શક્યતા રહે છે. જેમ કે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફાર થાય, ભેજવાળું અથવા વાદળછાયું વાતાવરણ થાય, ધુમ્મસ થાય એટલે પાકોમાં ઇયળ આવવાની સંભાવના રહે છે.”

પાનસુરિયા કારણો અંગે વાત કરતાં આગળ કહે છે કે, “જ્યારે ડૂંડાં બંધાતાં હોય અને એ સમયે આસપાસ મકાઈ કે જુવારનો પાક હોય અને તેમાં ઇયળ કે ફૂગની સમસ્યા હોય તો એ સમસ્યા ઘઉંમાં પણ ફેલાઈ શકે છે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં ભેજનું પ્રમાણ હંમેશાં વધુ રહે છે, ત્યાં પણ પાકમાં ઇયળ પડવાની સમસ્યા રહે છે.”

“જે વિસ્તારમાં વાતાવરણમાં ફેરફારો થયા હોય ત્યાં ઇયળ જોવા મળે છે. આ વખતે અમરેલીના વાતાવરણમાં ફેરફારો થયા હશે, એટલે આ સમસ્યા અમરેલીમાં જોવા મળી છે.”

બીબીસી ગુજરાતીએ આ અંગે અમરેલીના જિલ્લા ખેતીવાડી અધિકારી જે. કે. કાનાણી સાથે વાત કરી. તેમના કહેવા મુજબ "ઘણા ખેડૂતો ખાસ કરીને કપાસનો પાક લીધા ઘઉંનું વાવે છે, એટલે ઘઉંનું વાવેતર થોડું મોડું થતું હોય છે."

"જે ખેડૂતોએ આવું કરીને ઘઉંના પાકની વાવણી 15 નવેમ્બર પછી કરી હતી, તેમના પાકમાં ઇયળ જોવા મળી છે. જે ખેડૂતો ઘઉંનું વાવેતર તેના નિશ્ચિત સમયે કરે છે તેમના પાકમાં આ સમસ્યા દેખાઈ નથી."

તેઓ કહે છે કે, “અમરેલીમાં બગસરા, બાબરા તેમજ બીજાં છૂટાંછવાયાં ખેતરોમાં ઘઉંના પાકમાં ઇયળ જોવા મળી છે. આ ઇયળ એટલી નુકસાનકારક નથી હોતી. તેનું જીવન સાત-10 દિવસનું હોય છે. ત્યાર બાદ તે નાશ પામે છે અને જો ખેડૂત તેમાં દવાનો છંટકાવ કરે તો એ નાશ પામે છે.”

અમરેલીમાં કઈ ઇયળ જોવા મળી છે?

ખેતીવાડી અધિકારી કાનાણી ઇયળનાં કારણો અંગે વાત કરતાં જણાવે છે કે, "આ ઇયળ આવવાનું કારણ સીટફ્લાય નામનો રોગ છે અને અમરેલી જિલ્લામાં 34 હજાર હેક્ટરમાં સીટફ્લાય નામના રોગના કારણે ઇયળ જોવા મળી છે, જે પાછોતરા વાવેતરને કારણે આવી છે."

આ વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આઈ.બી. કાપડિયા સાથે વાત કરી. તેઓ કહે છે કે, "જે ઇયળ અમરેલીમાં જોવા મળી છે તેને ‘ગાભમારાની ઇયળ’ કહેવાય છે. આ ઇયળ રાતાશ પડતા અને કાળા ટપકાવાળી હોય. તે પાકની ભૂંગળીની અંદર દાખલ થઈને તેના અંદરનો ગર્ભ ખાતી હોય છે. તેથી જ તેને ગાભમારાની ઇયળ કહે છે."

"તે ઘઉં, ડાંગર, મકાઈ અને જુવારમાં જોવા મળે છે. તે લાંબા પાનવાળા નીંદામણમાં જોવા મળે છે. આ ઇયળ આજુબાજુના નીંદણમાં રહેતી હોય છે અને તે ઈંડાંમાંથી નીકળીને ઘઉંની ભૂંગળીને કોરીને અંદર દાખલ થાય છે અને ઘઉંના ગર્ભને કોરી ખાય છે. તે તાતણા પરથી બીજા છોડમાં ચડી જાય છે અને આમ તેનો ફેલાવો થાય છે."

ઇયળ ઘઉંને નુકસાન પહોંચાડી શકે?

પાનસુરિયાના જણાવ્યા પ્રમાણે, "આ ઇયળ નુકસાનકારક નથી હોતી. ખેતરના ક્ષેત્રફળના એક કે બે ટકામાં ઇયળ હોય તો તે નુકસાનકારક નીવડે તેવી શક્યતાન નથી હોતી.”

જો ઇયળથી નુકસાન વધારે થયું હોય તો જંતુનાશક દવાઓ આવે છે જે નાખી શકાય. પરંતુ જો વધુ પ્રમાણમાં ઇયળ ન હોય તો દવાઓ નાખવાની જરૂર નથી. એ એક-બે અઠવાડિયાંમાં જતી રહેશે.”

ડૉક્ટર કાપડિયા નુકસાનની સંભાવના નકારતાં કહે છે કે, "આ ઇયળ અમુક વર્ષોમાં જોવા મળતી જ હોય છે. જેમ જેમ ઘઉં પાકશે તેમ તેમ આ ઇયળનો ગરમીના લીધે નાશ થઈ જશે. આમ પણ જયારે ઘઉં પાકવાની તૈયારીમાં છે ત્યારે ઘઉંમાં દવા છાંટવાની જરૂર નથી."

કઈ દવા છાંટવી અને ક્યારે?

ડૉક્ટર કપાડિયા માહિતી આપતાં જણાવે છે કે એક ચોરસ મીટરમાં જો દસ કરતાં વધારે ડૂંડાં સુકાય તો દવા છાંટવાની જરૂર છે. અન્યથા નહીં.

તેઓ નુકસાનથી બચવાના ઉપાયો અંગે કહે છે કે, “જો કોઈ છોડ તેનાથી નુકસાનીવાળો હોય તો તેને મૂળમાંથી કાઢીને નાશ કરી દેવાનો. આવું કરવાથી તેનો ફેલાવો અટકી જશે.”

“જો તેનો ઉપદ્રવ વધારે હોય તો તેના માટે ફેનિટ્રોથિઓન અથવા ક્વિનાલફોસ જેવી દવાનો ઉપયોગ કરી શકાય છે.”

ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય છે?

ગુજરાતમાં 12થી 14 લાખ હેક્ટર જમીનમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે, જેમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 50 વર્ષમાં રાજ્યમાં ઘઉંની ખેતીમાં નોંધપાત્ર વધારો થયો છે.

એક અહેવાલ પ્રમાણે 1950ના દાયકામાં ગુજરાતમાં સરેરશ ઘઉં ઉત્પાદન 647 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતું, જે 2020-21માં 495 ટકા વધીને 3,205 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ ગયું છે. આ મોટા ભાગે ઉચ્ચ ઊપજ આપતી જાતો, સુધારેલ તકનીક, નહેર સિંચાઈ જેવી સુવિધાઓ અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને આભારી છે.

ગુજરાતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે ભાલ વિસ્તારમાં થાય છે જેમાં અમદાવાદ, ભાવનગર, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને આમોદ તાલુકામાં અને પોરબંદર જિલ્લામાં પણ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઑક્ટોબરના બીજા પખવાડિયામાં ઘઉંની વાવણી કરવામાં આવે છે.

ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્રમાં ઘઉં એક મુખ્ય પાક પૈકીનો એક છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ ઘઉંની ખેતી ઉત્તરપ્રદેશમાં થાય છે. પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પંજાબ પ્રથમ ક્રમાંકે છે જે બાદ હરિયાણાનો નંબર આવે છે.

સમગ્ર વિશ્વમાં મુખ્ય ઘઉં ઉત્પાદક દેશોમાં ભારત પણ સામેલ છે. વિશ્વમાં ઘઉંની ખેતી લગભગ 239 મિલિયન હેક્ટર વિસ્તારમાં થાય છે અને કુલ 425.5 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થાય છે. ક્ષેત્રફળ અને ઉત્પાદન બંનેના સંદર્ભમાં ભારત ચોથા ક્રમે છે. ભારતમાં વાર્ષિક 44.25 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થાય છે.