50 વર્ષ બાદ માનવી ફરી ચંદ્ર તરફ પ્રયાણ માટે તૈયાર, અમેરિકાનું મૂન મિશન અવકાશમાં પહોંચીને શું કરશે?

નાસા, મૂન મિશન, આર્ટેમિસ-2, અવકાશયાન, સ્પેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA

    • લેેખક, પલ્લબ ઘોષ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા 50થી વધુ વર્ષ બાદ, ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ચાલક ટુકડી (ક્રૂ) સહિતનું મૂન મિશન લૉન્ચ કરવામાં આવશે.

આર્ટેમિસ-2 નામનું આ મિશન લગભગ દસ દિવસ ચાલશે. આર્ટેમિસ-2 તેના અવકાશયાત્રીઓને અવકાશમાંના એવા સ્થળે લઈ જશે, જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું નથી.

આ મિશનનો હેતુ 1960 અને 1970ના દાયકાના અપોલો મિશન પછી પહેલી વાર ચંદ્રની સપાટી પર માનવ ઉતરાણ માટેની વ્યવસ્થા તૈયાર કરવાનો છે.

આર્ટેમિસ-2 ક્યારે લૉન્ચ થશે?

નાસા, મૂન મિશન, આર્ટેમિસ-2, અવકાશયાન, સ્પેસ, બીબીસી ગુજરાતી

નાસાને આશા છે કે તે તેની વિશાળ સ્પેસ લૉન્ચ સિસ્ટમ (એસએલએસ) મૂન રૉકેટ અને ઓરિયન સ્પેસ કૅપ્સ્યૂલને 17 જાન્યુઆરીએ સૌપ્રથમ વિહિકલ ઍસેમ્બ્લી બિલ્ડિંગ(વીએબી)થી તેના લૉન્ચ પેડ પર લઈ જવાનું શરૂ કરશે.

ક્રોલર ટ્રાન્સપૉર્ટર-2 પરની તેની ચાર માઇલની યાત્રામાં 12 કલાક સુધીનો સમય લાગી શકે છે. ત્યાં પહોંચ્યા પછી એન્જિનિયર્સ લૉન્ચ પેડની તૈયારી તબક્કાવાર કરશે. તેમાં ઇલેક્ટ્રિકલ લાઇન્સ, ફ્યૂઅલ એન્વાયરન્મેન્ટલ કંટ્રોલ સિસ્ટમ ડક્ટ અને ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ફીડ જેવાં ગ્રાઉન્ડ સપૉર્ટ ઉપકરણોને જોડવાનો સમાવેશ થાય છે.

નાસા આખરે વેટ ડ્રેસ રિહર્સલની પ્રક્રિયા હાથ ધરશે. તે રૉકેટમાં ઇંધણ ભરવા માટેનું લૉન્ચ પહેલાંનું પરીક્ષણ છે. કોઈ સમસ્યા સર્જાશે તો નાસા લૉન્ચ પહેલાં વધારાના કામ માટે એસએલએસ અને ઓરિયનને વીએબીમાં પાછું લાવી શકે છે.

બધી સિસ્ટમ યોગ્ય હશે તો લૉન્ચની સૌથી પહેલી સંભવિત તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી હશે. રૉકેટ તૈયાર હોવાની સાથે ચંદ્ર પણ યોગ્ય જગ્યાએ હોવો જરૂરી છે. તેથી તેની સ્થિતિ અનુસાર લૉન્ચનો સમય પસંદ કરવામાં આવે છે.

વાસ્તવમાં તેનો અર્થ એ છે કે પ્રત્યેક મહિનાની શરૂઆતમાં એક સપ્તાહ દરમિયાન રૉકેટને યોગ્ય દિશામાં પૉઇન્ટ કરવામાં આવે છે. એ પછી ત્રણ સપ્તાહ એવાં હોય છે કે જેમાં લૉન્ચની કોઈ તક હોતી નથી.

તેથી 6, 7, 8, 10 અને 11 ફેબ્રુઆરી, 6, 7, 8, 9 અને 11 માર્ચ તેમજ 1, 3, 4, 5 અને છઠ્ઠી એપ્રિલે લૉન્ચ માટેની તક હશે.

આર્ટેમિસ-2ના ક્રૂમાં કોણ-કોણ છે અને તેઓ શું કરશે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આર્ટેમિસ-2ની ચાર લોકોની ચાલક ટુકડીમાં નાસાના કમાન્ડર રીડ વાઇસમૅન, પાઇલટ વિક્ટર ગ્લોવર અને મિશન સ્પેશિયાલિસ્ટ ક્રિસ્ટીના કોચનો સમાવેશ થાય છે. કૅનેડિયન સ્પેસ એજન્સીના બીજા મિશન સ્પેશિયાલિસ્ટ જેરેમી હેનસેન પણ તેમની સાથે હશે.

આ મિશનમાં એસએલએસ અને ઓરિયનની પહેલી ક્રૂ સાથેની ઉડાણ સામેલ છે.

તેઓ સલામત રીતે ભ્રમણકક્ષામાં પહોંચી ગયા બાદ અવકાશયાત્રીઓ, ઓરિયન સ્પેસક્રાફ્ટ કેવી રીતે કામ કરે છે તેનું પરીક્ષણ કરશે. એ પરીક્ષણમાં ભવિષ્યમાં ચંદ્ર પર લૅન્ડિંગ માટે અવકાશયાન ચલાવવાની અને લાઇનિંગ-અપની પ્રૅકટિસ માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં કૅપ્સ્યૂલ મેનુઅલી ઉડાડવાનો સમાવેશ હશે.

એ પછી તેઓ ઓરિયનના લાઇફ સપૉર્ટ, પ્રોપલ્શન, પાવર અને નેવિગેશન સિસ્ટમ્સને ચેક કરવા માટે ચંદ્રથી હજારો કિલોમીટર દૂર એક પૉઇન્ટ પર જશે.

આ ચાલક ટુકડી તબીબી પરીક્ષણોના વિષય તરીકે પણ કામ કરશે અને ઊંડા અંતરિક્ષમાંથી ડેટા તથા તસવીરો મોકલશે.

તેઓ ભારવિહીનતાની સ્થિતિમાં એક નાનકડી કૅબિનમાં કામ કરશે. કિરણોત્સર્ગનું પ્રમાણ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની સરખામણીએ વધુ હશે. ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં હોવા છતાં સલામત છે.

પૃથ્વી પર પાછા ફરતી વખતે અવકાશયાત્રીઓ વાયુમંડળમાંથી પસાર થવાનો અને અમેરિકાના પશ્ચિમી તટથી દૂર પ્રશાંત મહાસાગરમાં ઊતરવાનો અનુભવ મેળવશે.

આર્ટેમિસ-2 ચંદ્ર પર ઉતરાણ કરશે?

નાસા, મૂન મિશન, આર્ટેમિસ-2, અવકાશયાન, સ્પેસ, બીબીસી ગુજરાતી

આ સવાલનો જવાબ છેઃ ના. આ મિશન ચંદ્ર પર ઉતરાણની તૈયારી માટેનું છે.

નાસાનું કહેવું છે કે આર્ટેમિસ-3નું લૉન્ચિંગ 2027 પહેલાં થવાનું નથી. જોકે, નિષ્ણાતો માને છે કે તે 2028માં લૉન્ચ થાય તેવી શક્યતા છે.

ચાલક દળને ચંદ્રની સપાટી પર લઈ જનારા અવકાશયાનની પસંદગી હજુ સુધી થઈ નથી. તે કદાચ સ્પેસએક્સનું સ્ટારશિપ લૅન્ડર હશે અથવા તો જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું અવકાશયાન હશે.

અમેરિકન કંપની એક્સિઓમ દ્વારા બનાવવામાં આવનારા સ્પેસસૂટ્સ હજુ તૈયાર થયા નથી. આર્ટેમિસ-3 આખરે ઉડાણ ભરશે ત્યારે અવકાશયાત્રીઓ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ જશે.

એ પછીનું લક્ષ્ય ચંદ્ર પર માણસોની સતત ઉપસ્થિતિ જાળવી રાખવાનું હશે.

આર્ટેમિસ-4 અને આર્ટેમિસ-5 ગેટવે બનાવવાનું શરૂ કરશે, જે ચંદ્ર પર ચારે તરફ ફરનારું એક નાનકડું અવકાશમથક હશે. એ પછી વધુ મૂન લૅન્ડિંગ થશે. ગેટવેમાં વધારાના હિસ્સા જોડવામાં આવશે અને સપાટી પર નવા રોબોટિક રોવર્સ કામ કરશે. ચંદ્ર પર અને તેની આસપાસ લાંબા સમય સુધી માણસોના રહેવા તથા કામ કરવામાં વધુ દેશો સામેલ થશે.

છેલ્લું મૂન મિશન ક્યારે હાથ ધરાયું હતું?

નાસા, મૂન મિશન, આર્ટેમિસ-2, અવકાશયાન, સ્પેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1969માં ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રૉંગની તસવીર

છેલ્લું મૂન મિશન અપોલો 17 હતું, જેણે ડિસેમ્બર 1972માં ઉતરાણ કર્યું હતું અને એ જ મહિને તે પૃથ્વી પર પાછું આવ્યું હતું.

અત્યાર સુધીમાં કુલ 24 અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા છે અને એ પૈકીના 12 અવકાશયાત્રીઓએ ચંદ્રની સપાટી પર ડગલાં માંડ્યાં છે. એ બધું અપોલો મિશન દરમિયાન થયું હતું.

મુખ્યત્વે સોવિયેટ સંઘને પરાસ્ત કરીને પોતાનું ભૂરાજકીય અને ટૅક્નિકલ પ્રભુત્વ સાબિત કરવા માટે અમેરિકાનું અવકાશયાન પહેલી વાર 1960ના દાયકામાં ગયું હતું.

એ લક્ષ્ય હાંસલ થઈ ગયું પછી રાજકીય ઉત્સાહ અને લોકોનો રસ ઓછો થવાની સાથે ભવિષ્યના મૂન મિશન માટે પૈસા મળવાનું પણ ઓછું થઈ ગયું હતું.

આર્ટેમિસ પ્રોગ્રામની શરૂઆત માણસોને ચંદ્ર પર પાછા લાવવાની ઇચ્છા સાથે શરૂ થઈ હતી, પરંતુ આ વખતે તે નવી ટૅક્નૉલૉજી અને નવી વેપારી ભાગીદારી સાથે લાંબા સમય સુધીની ઉપસ્થિતિ માટે શરૂ થયું હતું.

બીજા દેશો પણ ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાના છે?

2030ના દાયકામાં ચંદ્ર પર લોકોને મોકલવાની મહત્ત્વાકાંક્ષી યોજના અન્ય અનેક દેશોની છે. આર્ટેમિસ મિશનમાં યુરોપિયન અવકાશયાત્રીઓ બાદમાં સામેલ થશે અને જાપાનીઓએ પણ પોતાની સીટ પાકી કરી લીધી છે.

ચીન તેનું પોતાનું અવકાશયાન વિકસાવી રહ્યું છે. ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે પહેલું લેન્ડિંગ કરવાનું છે. રશિયા 2030 અને 2035ની વચ્ચે અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર મોકલવાની અને એક નાનો બેઝ બનાવવાની વાતો કરી રહ્યું છે.

જોકે, પ્રતિબંધો, નાણાંની સમસ્યા અને ટૅક્નિકલ મુશ્કેલીઓનો અર્થ એ છે કે તેનું ટાઇમટેબલ વધારે પડતું આશાવાદી છે. એક દિવસ પોતાના અવકાશયાત્રીને ચંદ્રની સપાટી પર ડગલાં ભરતો જોવાની ઇચ્છા ભારતની પણ છે.

ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સફળ લેન્ડિંગ બાદ ભારતીય સ્પેસ એજન્સીએ 2040 સુધીમાં અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તે ભારતના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષાથી આગળ લઈ જવાના પ્રયાસોનો હિસ્સો હશે.

(એડિશનલ રિપોર્ટિંગ કેવિન ચર્ચ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન