ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેવી રીતે પડ્યા? અમેરિકાના રાષ્ટ્રપતિએ ખુલાસો કર્યો – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પ, હાથ ઉપરના વાદળી નિશાન, એસ્પરિન,

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાઓસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમને સંબોધન કર્યું હતું. એ સમયે તેમના હાથ ઉપર વાદળી રંગનાં નિશાન જોવા મળ્યાં હતાં, જેના વિશે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ હતી અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ત્યારે ખુદ ટ્રમ્પે જ એ નિશાન વિશે માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે, તેમનો હાથ 'ટેબલ સાથે ટકરાઈ ગયો હતો.'

એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું હતું, 'તમારા હાથ ઉપર નિશાન છે, શું તમે ઠીક છો?'

ત્યારે ટ્રમ્પે કહ્યું, "હા, હું બિલકુલ ઠીક છું. (હાથ) ટેબલ સાથે ટકરાઈ ગયો હતો, એટલે મેં થોડી ક્રીમ લગાડી લીધી."

અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન 'ઍરફોર્સ વન'માં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઍસ્પરિન અંગે પણ નિવેદન આપ્યું.

ટ્રમ્પે કહ્યું, "હું તમને કહેવા માંગીશ કે જો તમને તમારા હૃદયની ચિંતા હોય તો ઍસ્પરિન લો, પરંતુ જો તમે આવાં નિશાન ન ઇચ્છતા હો, તો ઍસ્પરિન ન લેશો."

"ડૉક્ટરે કહ્યું કે સાહેબ, તમારે આ લેવા જરૂર નથી. તમે ખૂબ જ તંદુરસ્ત છો. મેં કહ્યું કે હું કોઈ જોખમ લેવા નથી માંગતો. તો ઠીક છે, ઍસ્પરિન લેવાની આ એક આડઅસર છે."

અમદાવાદની અનેક શાળાઓમાં બૉમ્બ મુકાયાની ધમકી બાદ પોલીસ તપાસ શરૂ

અમદાવાદ, શાળાઓમાં બોમ્બની ધમકી, ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્ક્વોડ, ફોરેન્સિક વિભાગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images

શુક્રવારે સવારે સ્થાનિક મીડિયામાં અમદાવાદની અલગ-અલગ શાળાઓમાં બૉમ્બ મુકાયા હોવાની ધમકી મળી હોવાના સમાચારો મળતાં વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ટાંકતાં ન્યૂઝ એજન્સી એએનઆઇએ અમદાવાદની અલગ-અલગ શળાઓને બૉમ્બ મૂકવાની ધમકી મળી હોવાના સમાચારની પુષ્ટિ કરી હતી.

ચિંતાતુર માતાપિતા અને વાલીઓ શાળાઓએ ધસી ગયા હતા અથવા માહિતી મેળવવા માટે શાળાઓનો સંપર્ક સાધ્યો હતો.

આ ધમકી પશ્ચિમ અમદાવાદની કેટલીક શાળાઓને મળી, જેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બૉમ્બ સ્ક્વૉડ તથા ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ પણ અમદાવાદની અલગ-અલગ શાળામાં બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે શાળાઓ, વાલીઓ અને સુરક્ષા એજન્સીઓ દોડતાં થઈ ગયાં હતાં.

જોકે, બાદમાં આ ધમકીઓ માત્ર ધમકીઓ જ સાબિત થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બ્રાઝીલના રાષ્ટ્રપતિ લૂલાએ વાત કરી, આ મુદ્દે ચર્ચા થઈ

ભારત, બ્રાઝીલ, લૂલા દા સિલ્વા, નરેન્દ્ર મોદી, BRICS બેઠક, વાતચીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Press Information Bureau (PIB) / Handout /Anadolu via Getty

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા બ્રાઝીલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાની વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ છે. આ દરમિયાન બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર વાત કરી હતી.

રાષ્ટ્રપતિ લૂલાએ આ વાતની માહિતી આપતા લખ્યું, "મેં આજે (ગુરુવાર) ફોન ઉપર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. અમે તા. 19થી 21 ફેબ્રુઆરીની વચ્ચેની મારી નવી દિલ્હીની રાજકીય યાત્રા તથા દ્વિપક્ષીય એજન્ડા વિશે ચર્ચા કરી."

લૂલાએ લખ્યું, "મારી યાત્રા દરમિયાન યોજાનાર બ્રાઝીલ-ભારત બિઝનેસ ફોરમના મહત્ત્વ વિશે પણ અમે ચર્ચા કરી. આ યાત્રા દરમિયાન નવી દિલ્હી ખાતે સત્તાવાર કાર્યાલયનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે."

રાષ્ટ્રપતિ લૂલાએ લખ્યું, "અમે વૈશ્વિક સ્થિતિ અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું અને ગાઝા તથા વિશ્વમાં શાંતિ, સંરક્ષણ, બહુપક્ષવાદ તથા લોકશાહી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આના વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું:

તેમણે કહ્યું : "અમે ભારત-બ્રાઝીલ વ્યૂહાત્મક ભાગીદારી વિશે ચર્ચા કરી, જે આવનારાં વર્ષોમાં નવી ઊંચાઈઓ આંબવા માટે સજ્જ છે. ગ્લોબલ સાઉથનાં સહિયારાં હિતોને આગળ ધપાવવા અમારો નિકટનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું રાષ્ટ્રપતિ લૂલાની ભારતયાત્રા દરમિયાન તેમનું સ્વાગત કરવા માટે તેઓ આતુર છે. ભારત અને બ્રાઝીલ બંને BRICS (બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા) સમૂહના ભાગરૂપ છે. આ વર્ષે ભારત ખાતે બ્રિક્સની બેઠક યોજાશે.

ટિકટૉકે તેનો અમેરિકાનો બિઝનેસ વેચ્યો

ટિકટોક, અમેરિકા, ઓરેકલ, બાઇટડાન્સ, ડેટા સિક્યોરિટી

ઇમેજ સ્રોત, Getty Images

ચાઇનીઝ વીડિયો શૅરિંગ ઍપ ટિકટૉકે તેનો યુએસનો બિઝનેસ વેચી દીધો છે. આ સાથે જ અમેરિકાનાં અલગ-અલગ રોકાણકારો-કંપનીઓ તેમાં સૌથી મોટા હિસ્સેદાર બની ગયા છે.

નવી વ્યવસ્થા મુજબ, ટૅક કંપની ઓરેકલ, મૂળ યુએઇની રોકાણકાર કંપની એમજીએક્સ તથા અમેરિકાનું ટૅક ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ 15-15 ટકાની હિસ્સેદારી ધરાવશે. બાઇટડાન્સ પાસે 19.9 ટકા હિસ્સેદારી રહેશે. જ્યારે 35.1 ટકા સ્વામીત્વ અલગ-અલગ રોકાણકારો પાસે છે.

હવે અમેરિકા તેના કાયદા હેઠળ ઍપના ડેટા, અલ્ગોરિધમ, સૉફ્ટવૅર તથા અન્ય બાબતોની સમીક્ષા થઈ શકશે.

જાન્યુઆરી-2025માં ટ્રમ્પ ફરીથી સત્તા ઉપર આવ્યા, ત્યારથી જ ઍપ અંગે વિવાદ રહ્યો છે અને તેમણે કહ્યુ હતું કે જો બાઇટડાન્સ (ટિકટૉકની મૂળ કંપની) તેનો ધંધો અમેરિકાને નહીં વેચે તો તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

અમેરિકાના સાંસદોનું કહેવું હતું કે ચીનની સરકારના દબાણ હેઠળ અમેરિકનોનો ડેટા આપવાની ટિકટૉકને ફરજ પડી શકે છે. જોકે, ટિકટૉક તથા બાઇટડાન્સે આ દાવાઓને હંમેશાં નકાર્યા હતા.

20 કરોડ અમેરિકન નાગરિકો તથા 75 લાખ જેટલા વેપારી એકમો ટિકટૉક વાપરે છે. આને કારણે વિશ્વના અન્ય યૂઝર્સની સરખામણીમાં અમેરિકાની ઍપ અલગ હશે.

કેટલાકનું માનવું છે કે અગાઉની જે જોગવાઈઓ હતી, તેને હળવી કરીને આ ડીલ કરવામાં આવી છે.

ઝારખંડ: અનલ દત્ત સહિત 15 નક્સલવાદી માર્યા ગયા

અનલ દત્ત, ઝારખંડ, નક્સલવાદીનું મોત, અમિત શાહ, એક કરોડનું ઇનામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Jitendra Jyotish

ઇમેજ કૅપ્શન, ઝારખંડના સારંડના જંગલમાં નક્સલવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી

ઝારખંડ પોલીસના કહેવા પ્રમાણે, સારંડના જંગલમાં આવેલા કુમ્બાડીહ ગામ ખાતે ગુરુવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અનલ દત્ત સહિત 15 નક્સલવાદી માર્યા ગયા છે.

મૃતકમાંથી 11 નક્સલવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. અનલ દત્ત ઉપર એક કરોડ રૂ. નું ઇનામ હતું.

પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના પોલીસ વડા અમિત રેણુએ બીબીસીના સહયોગી મોહમ્મદ સરતાજ આલમને જણાવ્યું, "નક્સલવાદીઓ સામેના આ ઑપરેશનમાં 'અનલ' ટુકડીના કમાન્ડર અનલ દત્તના મોતની પુષ્ટિ થઈ છે."

પોલીસના કહેવા પ્રમાણે, અનલ દત્તને અનલ દા, પતિરામ માંઝી, તૂફાન, પતિરામ મરાંડી તથા રમેશ જેવાં અનેક નામોથી પણ ઓળખવામાં આવતા હતા.

નક્સલવાદીઓ સામેની આ કાર્યવાહી શુક્રવારે પણ ચાલુ રહે, તેવી શક્યતા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં લખ્યું, "આજે પશ્ચિમ સિંહભૂમમાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) તથા ઝારખંડ પોલીસના સંયુક્ત ઑપરેશનમાં રૂ. એક કરોડના કુખ્યાત ઇનામી નક્સલવાદી, સેન્ટ્રલ કમિટીના સભ્ય અનલ ઉર્ફ પતિરામ માંઝી તથા 15 અન્ય નક્સલવાદીઓનાં મોતથી નક્સલમુક્તિના અભિયાનને મોટી સફળતા મળી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન