હમાસના નેતાની હત્યા બાદ મધ્યપૂર્વમાં તણાવની ત્યાં વસતા ભારતીયો પર કેવી અસર પડશે?

હમાસ, ઇઝરાયલ, લેબનોન, મધ્યપૂર્વ, ભારત, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્માઇલ હાનિયા
    • લેેખક, શિલ્પા ઠાકુર
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મધ્યપૂર્વના દેશોમાં તણાવ છે. શુક્રવારે તેની અસર ઍર ઇન્ડિયાની ઉડાન પર પણ પડી હતી. ઍર ઇન્ડિયાએ ઇઝરાયલના શહેર તેલ અવીવ માટે તમામ ફ્લાઇટ્સ રદ કરી નાખી હતી.

ભલે ભારતે હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા મામલે કોઈ પ્રતિક્રિયા નહીં આપી હોય પરંતુ આ મામલે અમેરિકા સહિતના દેશોએ પોતાનાં નિવેદનો બહાર પાડ્યાં હતાં.

હાનિયાની નેતાની મોત પાછળ ઇઝરાયલનો હાથ હોવાના આરોપો લાગી રહ્યા છે અને તેથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ સમારોહમાં હાજરી આપવા માટે હમાસના આ નેતા ઇસ્માઇલ હાનિયા તહેરાન ગયા હતા. આ જ સમારોહમાં હાજરી આપવા માટે ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ તહેરાનમાં હાજર હતા.

હાનિયા કતારમાં જ રહેતા હતા અને તેમણે ઘણા સમયથી ગાઝાની મુલાકાત લીધી નહોતી. જ્યારે તેઓ તહેરાનમાં આ સમારોહમાં ભાગ લેવા ગયા ત્યારે બુધવારે તેમના પર હુમલો થયો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.

આ ઘટના બાદ મધ્યપૂર્વ ક્ષેત્રમાં તણાવ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. લાખો ભારતીયો અહીં કામ કરે છે. જ્યારે આ ક્ષેત્રમાં યુદ્ધનો માહોલ હોય છે ત્યારે તેની અસર અહીં રહેતા ભારતીય લોકો પર ચોક્કસ પડે છે.

યુદ્ધ ફાટી નીકળે તો ભારતને કઈ વાતની ચિંતા રહેશે?

ઇસ્માઈલ હાનિયાની હત્યા એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષની 7મી ઑક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.

બીજી તરફ ઈરાને પોતાની ભૂમિ પર થયેલી આ હત્યાનો બદલો લેવાની વાત કરી છે.

આ ક્ષેત્રના અન્ય દેશોમાં પણ આ બદલાની આગ પ્રસરે તો શું ભારતે પણ ચિંતા કરવી જોઈએ?

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સના ફેલો અને મધ્ય પૂર્વની બાબતોના નિષ્ણાત ડૉ. ફઝુર રહમાન સિદ્દીકી કહે છે, "હાનિયાનો મામલો હમાસ અને ઇઝરાયલની આંતરિક રાજનીતિનો મામલો છે. ભારત સાથે તેને કોઈ સંબંધ નથી. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો જે રીતે પ્રતિક્રિયા આપે છે તે રીતે ભારતે આ મામલામાં પોતાને સામેલ કર્યું નથી. ભારત પર તેની કોઈ અસર નહીં થાય."

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વેસ્ટ એશિયન સ્ટડીઝ વિભાગના પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા પણ આવું જ માને છે.

તેઓ કહે છે, "પેલેસ્ટાઇનને લઈને ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. તેનો હમાસ સાથે સીધો સંબંધ નથી. ભારતના સંબંધ ત્યાંની સ્થાનિક સરકાર ફતાહ સાથે છે. જ્યારે હમાસ ગાઝામાં છે. વેસ્ટ બૅન્કમાં તેની કોઈ રાજકીય ભૂમિકા નથી. હમાસ એ ભારત માટે દુશ્મન પણ નથી અને મિત્ર પણ નથી."

મધ્યપૂર્વમાં લાખો ભારતીયો વસવાટ કરે છે

હમાસ, ઇઝરાયલ, લેબનોન, મધ્યપૂર્વ, ભારત, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્ય પૂર્વના દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીયો વસે છે. તેનો અર્થ એવો થયો કે આ દેશોમાં સ્થિરતા જોખમાશે તો તેની સીધી અસર ત્યાં વસતા ભારતીયો પર પણ જોવા મળશે.

ડૉ. ફઝુર રહેમાન સિદ્દીકી આનો ઉલ્લેખ કરતાં કહે છે કે, "આ આખો પ્રદેશ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પછી તે નાની સમસ્યા હોય કે મોટી. આપણે સીરિયા, લેબનોન, યમન અને ઈરાનમાં તે જોઈ રહ્યા છીએ. પરંતુ ભારતીયો જે વિસ્તારમાં રહે છે ત્યાં હજુ સુધી ત્યાં કંઈ થયું નથી."

તેઓ કહે છે, "લગભગ 90 લાખ ભારતીયો યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાન જેવા ખાડીના દેશોમાં કામ કરે છે. છેલ્લા 9-10 મહિનાથી આ પ્રદેશોમાં કંઈ નથી થયું. ભારતે માત્ર સતર્ક રહેવાની જરૂર છે. ઈરાન કંઈક કરે તો પણ તેની અસર માત્ર ઇઝરાયલ, લેબનોન કે સીરિયા પૂરતી જ જોવા મળશે."

ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે ગયા શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે ગલ્ફ દેશોમાં વસતા ભારતીયોની સંખ્યા 90 લાખથી વધુ છે.

ગલ્ફ કૉર્પોપેશન કાઉન્સિલ (GCC)માં યુએઈમાં સૌથી વધુ 35 લાખ 54 હજાર 274 ભારતીયો વસે છે. સાઉદી અરેબિયામાં 26 લાખ 45 હજાર 302 ભારતીયો, કુવૈતમાં 10 લાખ 726, કતારમાં 8 લાખ 35 હજાર, ઓમાનમાં 6 લાખ 73 હજાર અને બહેરીનમાં 3 લાખ 50 હજાર ભારતીયો રહે છે.

આ આંકડા ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈરાનમાં 10 હજાર 320, લેબનોનમાં 3000 અને ઇઝરાયલમાં લગભગ 20 હજાર ભારતીયો રહે છે.

ઈરાનમાં ભારતના પ્રોજેક્ટ

હમાસ, ઇઝરાયલ, લેબનોન, મધ્યપૂર્વ, ભારત, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત ઈરાનમાં ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે. આ બંદરથી ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન જોડાશે. અરબી સમુદ્રમાં ચીનની હાજરીને પડકારવા માટે આ બંદર મહત્ત્વનું છે.

હવે જો ઈરાન દ્વારા કંઈક કરવામાં આવે અને અમેરિકા ફરી એકવાર પ્રતિબંધ લાદશે તો શું આ પ્રોજેક્ટને કોઈ અસર થશે?

આ અંગે ડૉ. ફઝુર રહેમાન સિદ્દીકી કહે છે, "ભારતે તાજેતરમાં જ ચાબહાર પૉર્ટ પર ઘણું કામ કર્યું છે. આ અંગે અમેરિકાનું વલણ સકારાત્મક નથી. છતાં ભારત ત્યાં હજુ પણ સતત કામ કરી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે ભારત પર આની બહુ અસર થતી નથી. વિશ્વમાં ભારતની સ્થિતિ ખૂબ મજબૂત છે."

ન વિરોધ, ન સમર્થન

હમાસ, ઇઝરાયલ, લેબનોન, મધ્યપૂર્વ, ભારત, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં બનેલી ઘટનાઓ પર ભારતે કોઈનું સમર્થન પણ નથી કર્યું અને કોઈનો વિરોધ પણ નથી કર્યો.

સિદ્દિકી તેનું કારણ જણાવતા કહે છે, "ભારત સિવાય અન્ય ઘણા દેશોમાંથી પણ સત્તાવાર નિવેદનો આવ્યાં નથી. ભારત પર તેની કોઈ સીધી અસર નથી. અહીં પહેલેથી ઘણું બધું થઈ રહ્યું છે ત્યારે ભારતે નિવેદન આપવું જરૂરી નથી. બીજી વાત એ કે હમાસના નેતાનું મોત થયું છે. ભારતે ક્યારેય હમાસની વિચારધારાને સમર્થન આપ્યું નથી."

પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા કહે છે, "ભારત ક્યારેય કોઈ સ્પષ્ટતા વગર કશું બોલતું નથી. તે મજબૂત સ્થિતિમાં છે. ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ હોય છે.

જ્યાં સુધી 1967 કે 1973 જેવું યુદ્ધ ન થાય ત્યાં સુધી ત્યાં વસતા ભારતીયોને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સાઉદી અરેબિયા કે કતાર જેવા દેશો જ્યાં સુધી તેમાં સામેલ ન થાય ત્યાં સુધી ભારતે ચિંતા કરવાની જરૂર નથી."

ઈરાન અને ઇઝરાયલ સાથે ભારતના સંબંધો

હમાસ, ઇઝરાયલ, લેબનોન, મધ્યપૂર્વ, ભારત, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઈરાન અને ઇઝરાયલ બંને સાથે ભારતના સારા સંબંધો છે.

ડૉ. ફઝુર રહેમાન સિદ્દીકી કહે છે, "એક સમયે સાઉદી અરેબિયા અને કતારના સંબંધો બહુ ખરાબ હતા. પરંતુ ભારતના સંબંધો બંને સાથે સારા હતા. ભારત સ્વતંત્ર વિદેશ નીતિ ધરાવે છે."

તેમણે કહ્યું, "ભારત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખે છે. જો એક દેશના બીજા દેશ સાથે ખરાબ સંબંધો હોય તો તે ભારત સાથેના સંબંધોને અસર નહીં કરે. ભારત કોઈ ગઠબંધનનો ભાગ નથી બનતું. તે પોતાના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈમાં સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવ્યું છે. તેમણે ઈરાનની પણ મુલાકાત લીધી છે."

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લા હેલિકૉપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરી હતી.

તેમણે લખ્યું કે તેઓ દિલ્હીમાં ઈરાનના દૂતાવાસમાં શોક વ્યક્ત કરવા ગયા હતા.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "તેમને હંમેશા ભારતના મિત્ર તરીકે યાદ કરવામાં આવશે. તેમણે ભારત-ઈરાન સંબંધોના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે."

એસ. જયશંકરે પોતાના ટ્વીટમાં લખ્યું કે "ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં ઈરાનની પડખે છે."

વિદેશમંત્રી જયશંકર આ વર્ષે 14-15 ફેબ્રુઆરીએ ઈરાનના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને મળ્યા હતા. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

વર્ષ 2017માં નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન હતા.

ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ વડાપ્રધાન મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવીને તેની ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલ સાથે એકજૂથ થઈને ઊભા છીએ."

તેમણે પોતાના સંદેશમાં પેલેસ્ટાઇનનો ઉલ્લેખ કર્યો ન હતો. હુમલાના લગભગ પાંચ દિવસ પછી ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ પ્રત્યે ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતે ફરી એક વખત આ સંઘર્ષને ઉકેલવા માટે દ્વિરાષ્ટ્ર ઉકેલની વાત કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત પેલેસ્ટાઇનના લોકો માટે સ્વતંત્ર અને સ્વાયત્ત દેશની માંગને ટેકો આપે છે. આવી સ્થિતિમાં જોવામાં આવે તો ભારતે ઈરાન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના મામલે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે.

મધ્યપૂર્વમાં હિંસા ચિંતાનો વિષય

હમાસ, ઇઝરાયલ, લેબનોન, મધ્યપૂર્વ, ભારત, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની નજીક આવી ગયાં છે. આ વર્ષે એપ્રિલમાં ઈરાને સીરિયામાં ઈરાની દૂતાવાસ પર થયેલા હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું.

ઈરાને હવાઈ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી. ત્યાર પછી બંને દેશો શાંત થઈ ગયા હતા.

જોકે, હવે ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી સ્થિતિ ફરીથી વણસી રહી છે. ઇઝરાયેલ બીજા મોરચે હિઝબુલ્લાહ સાથે પણ યુદ્ધ લડી રહ્યું છે.

રવિવારે ઇઝરાયલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ પર એક રૉકેટ હુમલો થયો જેમાં 12 બાળકો અને ટીનેજરોનાં મોત થયાં હતાં. ઇઝરાયલનો આરોપ છે કે આ હુમલો હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારથી જ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે.

પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા કહે છે, "અત્યારના મામલામાં મોટા પાયે યુદ્ધની શક્યતા ઓછી છે. આ ઘટના દર્શાવે છે કે ઈરાનની અંદર કેટલીક બાહ્ય શક્તિઓ મોટા પ્રમાણમાં હાજરી ધરાવે છે. ઈરાનના રાષ્ટ્રપતિના શપથ સમારોહમાં હાજરી આપવા આવેલા મહેમાનની હત્યા થાય તે મોટી વાત છે. ઈરાનમાં અગાઉ પણ આવા હુમલા થયા છે."

તેઓ કહે છે, "હાનિયાની હત્યા પછી ઈરાને બદલો લેવાની વાત કરી છે. થોડા મહિના અગાઉ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં તેણે આવું કર્યું નહોતું. અગાઉના મામલાને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે ઈરાન મોટા પાયે યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.