You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી બ્લાસ્ટ : 'ચાર-પાંચ મૃતદેહો મળ્યા, એક અંગ અહીં પડ્યું તો એક ક્યાંક દૂર', બ્લાસ્ટ બાદ કેવો માહોલ હતો?
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા
સોમવારે સાંજે લગભગ સાત વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો. તેમાં ઈજાગ્રસ્ત લોકોને અહીંથી માત્ર બે કિલોમીટર દૂર આવેલી લોકનાયક હૉસ્પિટલે લઈ જવાયા હતા.
હૉસ્પિટલની બહારથી લઈને ઇમરજન્સી વૉર્ડ સુધી અમને બધી તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. હૉસ્પિટલના ઇમરજન્સી બ્લૉકની બહાર મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ હતા. ઇમરજન્સી વૉર્ડની બહાર પોતાના સ્વજનની સ્થિતિ જાણવા સગાંવહાલાં એકઠા થયાં હતાં.
અમે લોકનાયક હૉસ્પિટલે રાતે લગભગ આઠ વાગ્યે પહોંચ્યા હતા. કોઈ પણ મીડિયાકર્મીને અંદર જવાની મંજૂરી ન હતી. કેટલાક મીડિયાકર્મીઓ ઍમ્બ્યુલન્સ ચાલક સાથે વાત કરતા હતા.
તેઓ કહેતા હતા, "અમને નથી લાગતું કે આ સીએનજી બ્લાસ્ટ હોય. જો એવું હોત તો એક ગાડીમાં આગ લાગી હોત, 10-15 ગાડીઓ સળગી ગઈ ન હોત. આ બધી કાર એકબીજાથી દૂર ઊભી હતી."
ઍમ્બ્યુલન્સ ચાલકે શું કહ્યું?
અમે મહમદ અસદ નામના એક ઍમ્બ્યુલન્સ ચાલક સાથે વાત કરી. તેમણે કહ્યું કે "અમને હૉસ્પિટલે જણાવ્યું કે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો છે અને અમારે ગાડી લઈને ત્યાં પહોંચવાનું છે. કૉલ પછી હૉસ્પિટલની બહાર ઊભેલી લગભગ આઠથી 10 ઍમ્બ્યુલન્સ લોકેશન પર રવાના થઈ ગઈ. ઘટનાસ્થળે અમને ચાર-પાંચ મૃતદેહ મળ્યા. તે ટુકડાઓમાં હતા. શરીરનું કોઈ અંગ અહીં પડ્યું હોય તો બીજું ક્યાંક દૂર પડ્યું હતું. અમે મૃતદેહોના ટુકડા ઉઠાવ્યા અને તેને ઉઠાવીને હૉસ્પિટલે પહોંચ્યાં. અમને ત્યાં કોઈ ઘાયલ જોવા ન મળ્યા કારણ કે તેમને કદાચ પહેલેથી હૉસ્પિટલે લઈ જવાયા હતા."
આ વાતચીત પછી થોડી વારમાં ગૃહ મંત્રી અમિત શાહ પોતાના કાફલા સાથે લોકનાયક હૉસ્પિટલમાં પહોંચતા જોવા મળ્યા.
હૉસ્પિટલના એક સ્ટાફે નામ ન આપવાની શરતે કહ્યું કે અમિત શાહે આ વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત કરી હતી. દિલ્હીના મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પણ અસરગ્રસ્તોને મળવા હૉસ્પિટલે પહોંચ્યાં.
ઈજાગ્રસ્તોના સગાંવહાલાં પરેશાન
આ દરમિયાન ઇજાગ્રસ્તોના કેટલાક સગાંવહાલાં અમને હૉસ્પિટલની બહાર મળ્યાં. પવન શર્મા નામની એક વ્યક્તિએ અમને જણાવ્યું કે તેમના બનેવી ભવાની શંકરને હાલમાં હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે, પરંતુ તેમને મળવાની મંજૂરી નથી મળતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે પવનના પિતા સાથે વાત કરી જે હૉસ્પિટલના મેઇન ગેટ પર હાજર હતા. તેમણે પણ કહ્યું કે ઇજાગ્રસ્તોના પરિજનોને મળવા નથી દેવાતા.
ભવાની શંકરની હાલત વિશે પવને કહ્યું કે, "ઘટના બની પછી તરત મારા બનેવીનો વીડિયો કૉલ આવ્યો હતો. તેમના ચહેરા પર ઈજા હતી અને હાથ પણ ઇજાગ્રસ્ત હતો. તેઓ વ્યવસ્થિત રીતે બોલી પણ શકતા ન હતા."
ભવાની શંકરના સગાંવહાલાંઓ મુજબ તેઓ લાલ કિલ્લાના વિસ્તારમાં જ ટેક્સી ચલાવતા હતા.
બીજા એક સગાં રાહુલ પણ પરિવારની એક વ્યક્તિ જોગિંદર સાથે મળવા મહેનત કરતા હતા. જોગિંદર વિશે તેમણે કહ્યું કે તેઓ એક કૅબ ડ્રાઇવર છે. બહેનને ફોન કરીને તેમણે સાંજે કહ્યું કે તેમની તબિયત બગડી રહી છે અને કદાચ કોઈ ઘટના બની છે. ત્યાર પછી તેમના પરિવારજનોને મળવાની મંજૂરી નથી મળી.
'હૉસ્પિટલવાળા કોઈને મળવા નથી દેતા'
સફાન નામની એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્તોમાં સામેલ છે. તેમને મળવા માટે તેમના કાકા તાજુદ્દીન હૉસ્પિટલની બહાર આંટા મારે છે. તેમણે કહ્યું કે "તે (સફાન) 17 વર્ષનો છે. કારનો વિસ્ફોટ થયો ત્યારે તેઓ ત્યાંથી 100 મીટર દૂર બૅટરી રિક્ષામાંથી પસાર થતા હતા. તેમને ઈજા થઈ છે અને એક કાનેથી સંભળાતું નથી."
જોકે, તેઓ કહે છે કે હૉસ્પિટલનું તંત્ર કોઈ સ્વજનને ઇજાગ્રસ્તોને મળવા દેતું નથી.
તાજુદ્દીનના કહેવા પ્રમાણે હૉસ્પિટલનું કહેવું છે કે તમામ દર્દીઓની વ્યવસ્થિત સારવાર ન થઈ જાય, ત્યાં સુધી કોઈને ઇજાગ્રસ્તોને મળવા નહીં દેવાય.
હૉસ્પિટલની અંદર અને ઇમરજન્સી વૉર્ડની બહારની સ્થિતિનો અહેવાલ આપતા તેઓ કહે છે, "અમારી જેવા બીજા લોકો પણ છે જેઓ પોતાના ઇજાગ્રસ્ત સ્વજનોને મળવા માટે હેરાન થાય છે."
ન્યૂઝમાં ભાઈની હાલત જોઈ
અત્યાર સુધીમાં રાતના લગભગ 11 વાગી ગયા હતા. અમે કોઈ રીતે હૉસ્પિટલની અંદર પ્રવેશવામાં સફળ થયા. અહીં ઇમરજન્સી વૉર્ડની બહાર અફરાતફરીનો માહોલ હતો.
પૂર્ણિમા જયસ્વાલ નામનાં મહિલા ધ્રુસકે ધ્રુસકે રડતાં હતાં. થોડી વાર પહેલાં જ તેમણે પોતાના ભાઈને ઘાયલ હાલતમાં વૉર્ડની અંદર સ્ટ્રેચર પર જતા જોયા હતા.
તેઓ કહે છે, "અમે સૌથી પહેલાં ન્યૂઝમાં તેની ઝલક જોઈ. ગૃહમંત્રી અમિત શાહ તેમને મળતા હતા. તે ઇજાગ્રસ્ત હતો. અમે તરત હૉસ્પિટલ જવા રવાના થયા. હમણાં જ તેને બહુ ખરાબ હાલતમાં અંદર જતા જોયો. તે મને મળીને જ નીકળ્યો હતો. તેના નાક પર પટ્ટી લગાવેલી હતી. હાથ અને ચહેરા પર ઈજા જોવા મળતી હતી."
થોડી વારમાં જ અમને વધુ એક મહિલાના રડવાનો અવાજ સંભળાયો. અમે જોયું કે એક મહિલા વૉર્ડની અંદરથી બહાર તરફ જતાં હતાં. આ મહિલાએ વિસ્ફોટમાં પોતાના ભાઈને ગુમાવ્યો છે.
મહિલાના ભાઈનું નામ મોહસિન મલિક હતું. તે લાલ કિલ્લા વિસ્તારમાં જ ઈ-રિક્ષા ચલાવતા હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ 28 વર્ષના હતા અને તેમને બે બાળકો છે. હૉસ્પિટલના તંત્રે તેમના પરિવારજનોને જણાવ્યું કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા.
અહીં અમારી મુલાકાત એવા કેટલાક લોકો સાથે થઈ જેમના સ્વજનો ચાંદનીચોક વિસ્તારમાં જ હતા, પરંતુ વિસ્ફોટ પછી તેમના ફોન બંધ આવતા હતા. આવા લોકો વિશે હૉસ્પિટલના વહીવટી તંત્ર કે પોલીસ પાસે કોઈ માહિતી નથી.
સ્વજનોની શોધમાં હૉસ્પિટલે પહોંચ્યા
અહીં સંદીપ નામની એક વ્યક્તિ પોતાના વેવાઈ લોકેશની શોધમાં આંટા મારતી હતી.
તેઓ બે કલાકથી ઇમરજન્સી વૉર્ડની બહાર બેઠા હતા અને પોતાના વેવાઈ લોકેશનો કોઈ પતો મળે તે માટે પ્રયાસ કરતા હતા.
તેમણે કહ્યું કે "ઘટના બની ત્યારે તેઓ ચાંદની ચોકમાં પોતાના એક પારિવારિક ડ્રાઇવરની રાહ જોતા હતા. તેમને ક્યાંક જવું હતું. કારમાં વિસ્ફોટના સમાચાર મળ્યા પછી તેમને જાણવા મળ્યું કે મૃતકોમાં એ ડ્રાઇવરનું નામ પણ છે. પરંતુ અમારા વેવાઈ વિશે કોઈ માહિતી નથી. અમે તેમને ફોન કર્યો, પરંતુ ફોન પોલીસ પાસે છે. પોલીસનું કહેવું છે કે તેમને ઘટનાસ્થળેથી ફોન મળ્યો છે. પરંતુ પોલીસ પાસે તેમના વિશે કોઈ જાણકારી નથી. પોલીસે અમને હૉસ્પિટલે જઈને ચેક કરવા કહ્યું. છેલ્લા બે કલાકથી અહીં છું, પરંતુ કોઈને કંઈ ખબર નથી."
અમારી સાથે વાત ચાલુ હતી ત્યાં વૉર્ડની બહાર ઊભેલા એક સ્ટાફના માણસે કહ્યું કે તેઓ ગેટ નંબર 4 પર જાય, કારણ કે ત્યાં તેમને કોઈ માહિતી મળી શકે છે.
છેલ્લે રાતે લગભગ અઢી વાગ્યે અમે તેમની સાથે વાત કરી. તેઓ હૉસ્પિટલમાં શબઘરની બહાર ઊભા હતા. હૉસ્પિટલવાળાઓએ તેમને ત્યાં મૃતદેહની ઓળખ કરવા કહ્યું હતું.
રાતે બે વાગ્યે અમે હૉસ્પિટલના પીઆરઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો.
છેલ્લી વાતચીત પ્રમાણે મૃત્યુઆંક આઠ હતો અને 30થી વધુને ઈજા થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન