You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા બોટ દુર્ઘટના : ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં શું માગ કરાઈ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગત 18 જાન્યુઆરીના રોજ ઘટેલી વડોદરાની બોટ દુર્ઘટનામાં કલ્પેશ નિઝામા નામની વ્યક્તિએ પોતાના પુત્રના મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં દાદ મગાઈ છે કે વડોદરાના હરણી તળાવની ઘટનાના આરોપીઓમાં માત્ર કૉન્ટ્રેક્ટર, સબ-કૉન્ટ્રેકટર જ નહીં, પરંતુ તેમાં શાળા, વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનો પણ સમાવેશ થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે વડોદરાની દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોનાં મોત થયાં હતાં. ગુજરાત સહિત ભારતમાં પણ આ બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો.
કલ્પેશભાઈએ સર્વોચ્ચ ન્યાયાલયમાં કરેલી અરજીમાં હવે તેમની સાથે બીજા 11 વાલી પણ અરજદાર તરીકે જોડાવવાની તૈયારી બતાવી રહ્યા છે.
કલ્પેશ નિઝામાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં શાળાને પણ ઘટના માટે બરાબરની જવાબદાર ગણાવી છે.
અરજી પ્રમાણે, "આ ઘટના માટે શાળાએ પણ ભૂલ કરી છે. તેણે એક નુકસાનગ્રસ્ત બોટમાં બાળકોને બેસવા દીધાં."
તેમણે એ પણ કહ્યું છે કે, "વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ આ ઘટના માટે એટલી જ જવાબદાર છે."
હજુ આ અરજીની સુનાવણી થવાનું બાકી છે.
આ અંગે વાત કરતા સાજિદ ખલીફા (જેમના પરિવારમાંથી બે બાળકો મૃત્યુ પામ્યાં છે) કહે છે કે, "હાલમાં અમારી મિટિંગ વકીલ સાથે ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં અમે પણ પિટિશનર તરીકે જોડાવવાના છીએ, અમને ન્યાય જોઈએ છે અને આ માટે અમે સૌ સાથે આવ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉન્ટ્રેક્ટર પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ
આ કેસમાં વકીલ ઉત્કર્ષ દવે સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજદારોનો પક્ષ મૂકશે.
આ અંગે વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે, “આખી ઘટનામાં સૌથી મોટો વાંક વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનો છે, કારણ કે તેમણે કોઈ પણ પ્રકારની તકેદારી લીધા વગર કૉન્ટ્રેક્ટરને હરણી તળાવ પાસે બોટિંગ શરૂ કરવાની પરવાનગી આપી હતી.”
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ આગળ કહે છે કે, "કૉન્ટ્રેક્ટર પાસે તળાવમાં માત્ર પેટ્રોલ બોટ ચલાવવાની પરવાનગી હતી, છતાં પણ તેમણે મોટર બોટ ચલાવી હતી અને તેમાં પણ કોઈ પણ પ્રકારની સેફ્ટીની ખ્યાલ રાખ્યો નહોતો."
દવેએ વધુમાં કહ્યું કે "કૉર્પોરેશને હરણી તળાવના વિકાસ અને જાળવણી માટેનો કૉન્ટ્રેક્ટ જે કૉન્ટ્રેક્ટરને આપ્યો હતો, તેમણે તકેદારીનાં કોઈ પણ પગલાં લીધાં વગર આગળ સબ-કૉન્ટ્રેક્ટ કરીને બીજાને કામગીરી સોંપી દીધી હતી."
અરજીમાં માગ કરાઈ છે કે આખી ઘટનાની તપાસ કોઈ સ્વતંત્ર તપાસ સમિતિને સોંપવામાં આવે અને તે તપાસસમિતિના કામકાજ સુપ્રીમ કોર્ટ દ્વારા નિરીક્ષણ કરાય. તેની સાથે તેમની એવી પણ માગણી છે કે મૃત્યુ પામનાર દરેક વ્યક્તિના પરિવારજનને સન્માનજનક રકમ આપવામાં આવે.
આ વિશે બીબીસી ગુજરાતી અરજદાર કલ્પેશ નિઝામા સાથે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "મને ખાતરી છે આખી ઘટનામાં શાળાની મોટી બેદરકારી છે. મારા દીકરા વિશ્વ નિઝામાની પ્રવાસમાં જવાની ઇચ્છા ન હતી, તેમ છતાં શાળાના શિક્ષકો દ્વારા વારંવાર ટકોર કરાતાં અમારે તેને આ પ્રવાસમાં મોકલવો પડ્યો હતો."
"અમે થોડા દિવસો પહેલાં જ ઉજ્જૈન અને ઓમકારેશ્વર જેવાં સ્થળો પર પ્રવાસ કરીને આવ્યા હતા અને એટલે જ મારા દીકરાને શાળાના પ્રવાસમાં કોઈ રસ નહોતો, પરંતુ સ્કૂલના દબાણના કારણે અમારે તેને પિકનિકમાં મોકલવો પડ્યો હતો."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ વધુમાં કહે છે કે અમે ન્યાયિક લડત લડીશું.
વડોદરાની હરણી તળાવની ઘટનામાં પોલીસ તપાસ કેટલે પહોંચી?
સમગ્ર ઘટના બાદ કુલ 20 આરોપી સામે વડોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બીબીસી ગુજરાતીએ આ કેસમાં તપાસ અધિકારી એચ. એ. રાઠોડ સાથે વાત કરી.
તેમણે કહ્યું કે હજી સુધી સાત લોકોની ધરપકડ થઈ ચૂકી છે, “જેમાંથી છ લોકોના રિમાન્ડ 25મી તારીખે પૂરા થઈ રહ્યા છે, જ્યારે હાલમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને તેને 31મી સુધી રિમાન્ડ પર લીધેલા છે.”
પોલીસની તપાસની અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "આખી તપાસ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન મારફતે ચાલી રહી છે, જેમાં ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તેમજ સિવિલ હૉસ્પિટલના અધિકારીઓ સાથે મળીને પોલીસ તપાસ કરી રહી છે."
એફએસએલના રિપોર્ટ સંદર્ભે તેઓ જણાવે છે કે, "રિપોર્ટથી સ્પષ્ટ સાબિત થાય છે કે બોટ ઓવરલૉડિંગને કારણે ઊંધી થઈ ગઈ હતી. હાલ એફએસએલના વિસ્તૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેમાં બોટની ગુણવત્તા તેમજ બીજી સાયન્ટિફિક માહિતી જાણવા મળશે."
જોકે, તેમણે એ પણ કહ્યું કે આખી ઘટનામાં જો વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારી કે શાળાની પણ કોઈ પણ પ્રકારની ગુનાહિત બેદરકારી જોવા મળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
વડોદરાની હરણી તળાવની ઘટના શું હતી?
વડોદરામાં 18 જાન્યુઆરીએ હરણી તળાવ ખાતે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં હતાં.
આ ઘટનામાં કંપાવનારી બાબત એ હતી કે મૃત્યુ પામેલાં તમામ બાળકોની ઉંમર આઠ-13 વર્ષ વચ્ચેની હતી.
સ્થાનિક તંત્રના અધિકારીઓ અનુસાર બોટમાં 27 લોકો સવાર હતા. જેમાં 23 બાળકો અને ચાર શિક્ષક હતાં.
મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ નામની કંપનીએ તળાવના વિકાસ ઉપરાંત નૌકાવિહાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે વડોદરા મહાનગરપાલિકા પાસેથી કૉન્ટ્રેક્ટ મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કંપનીમાં 15 ભાગીદારો હતા.
અગાઉ 11મી ઑગસ્ટ 1993ના રોજ વડોદરાના સુરસાગર તળાવમાં પણ આવી જ રીતે બોટ ઊંધી થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં.