કેમી બૅડનૉક બન્યાં બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીનાં નવાં નેતા- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
કેમી બૅડનૉક શનિવારે બ્રિટેનની કન્ઝર્વેટિવ પાર્ટીનાં નવાં નેતા બની ગયાં છે.
કેમી બૅડનૉકે કન્ઝર્વેટિવ પાર્ટીને તેના મુખ્ય સિદ્ધાંતો પર પરત લાવવાનો વાયદો કર્યો છે જેથી મતદારોનું દિલ જીતી શકાય.
44 વર્ષના કેમી બૅડનૉક બ્રેક્ઝિટના પ્રબળ સમર્થક છે. તેમણે ખુલીને પ્રવાસીઓ, ટ્રાંસ સમુદાયના અધિકારો મામલે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે.
આ પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક હતા. જેના નેતૃત્વમાં જુલાઈમાં કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી હારી ગઈ હતી. પાર્ટીએ વર્ષ 1832 બાદ પહેલી વખત આટલું ખરાબ પ્રદર્શન કર્યું હતું.
વર્ષ 2024ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી 200થી વધુ બેઠકો હારી ગઈ હતી.
મુંબઈ ટેસ્ટ: ન્યૂઝીલૅન્ડની હાલત ખરાબ, 9 વિકેટ પડી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટમૅચમાં બીજા દિવસનો ખેલ સમાપ્ત થઈ ગયો છે.
ખેલનો અંત થયો ત્યારે ન્યૂઝીલૅન્ડે બીજી ઇનિંગમાં 9 વિકેટો ગુમાવીને 171 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડ તરફથી વિલ યંગે 51 રન, કૉનવેએ 22 રન, મિચેશે 21 રન અને ફિલિપ્સે 26 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવીન્દ્ર જાડેજાએ 4, અશ્વિને 3 અને આકાશ દીપ તથા વૉશિંગ્ટન સુંદરે 1-1 વિકેટો ઝડપી.
આ પહેલાં બીજા દિવસે શરૂઆતમાં ભારતની ટીમ પહેલી ઇનિંગમાં 263 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતને 28 રનોની લીડ મળી હતી. ન્યૂઝીલૅન્ડે પહેલી ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા.
અમિત શાહ પર લગાવવામાં આવેલા કૅનેડાના મંત્રીના આરોપો પર શું કહ્યું વિદેશ મંત્રાલયે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ બ્રિફિંગ દરમિયાન જણાવ્યું કે કૅનેડા સરકાર ભારતના રાજનાયકોની ઑડિયો-વીડિયો મારફતે નિગરાની કરી રહી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં કૅનેડાના ઉપ વિદેશ મંત્રીના ભારતીય ગૃહ મંત્રી અમિત શાહ પર લગાવેલા આરોપો પર વાત કરી.
તેમણે કહ્યું, “અમે કાલે કૅનેડા સાથે જોડાયેલા નવા મામલામાં કૅનેડાના દૂતાવાસના પ્રતિનિધિને સમન્સ બજાવ્યું હતું. એક રાજનાયિક નોટ તેમને સોંપવામાં આવી જેમાં 29 ઑક્ટોબર, 2024ના રોજ ઓટાવામાં સાર્વજનિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા પર સ્થાયી સમિતિની કાર્યવાહીનો સંદર્ભ આપવામાં આવ્યો.”
“આ નોટમાં ભારત સરકારે કૅનેડાના ઉપ વિદેશ મંત્રી ડેવિડ મૉરિસન દ્વારા સમિતિ સામે ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી સામે કરવામાં આવેલી અયોગ્ય અને નિરાધાર ટિપ્પણીઓ પર જોરદાર વિરોધ કર્યો છે.”
તેમણે કહ્યું કે આ પહેલાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કૅનેડાના અધિકારીઓ જાણીજોઈને ભારતની છબી ખરાબ કરવાના અને અન્ય દેશોને પ્રભાવિત કરવાની એક રણનીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મીડિયામાં નારાધાર આરોપોને લીક કરે છે.
તેમના મત પ્રમાણે, “આ પ્રકારની ગેરજવાબદાર વર્તણૂક દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર છોડશે.”
ઉલ્લેખનીય છે કે મંગળવારે કૅનેડામાં નાગરિક અને સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા કમિટીની સુનાવણી ચાલી રહી હતી. જેમાં કૅનેડાના ઉપ વિદેશ મંત્રી ડેવિડ મૉરિસને કહ્યું હતું કે તેમણે અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટને ભારતના ગૃહ મંત્રી અમિત શાહનું નામ લીક કર્યું હતું.
ડેવિડ મૉરિસને દેશની નાગરિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા કમિટીને જણાવ્યું કે ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કૅનેડાના નાગરિકોને ધમકી આપવાના કે તેમની હત્યા કરવાના અભિયાનને મંજૂરી આપી હતી.
રણધીર જયસ્વાલે જણાવ્યું કે કૅનેડા સરકારે વાણિજ્ય દૂતાવાસના કેટલાક અધિકારીઓને સૂચિત કર્યું હતું કે તેમની ઑડિયો અને વીડિયોની નિગરાની કરવામાં આવી રહી છે અને તે ચાલતી રહેશે.
તેમણે કહ્યું, “તેમની વાતચીતમાં પણ દખલ કરવામાં આવી. અમે તેનો કૅનેડા સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો કારણકે આ પ્રકારની કાર્યવાહીને અમે રાજનાયક અને વાણિજ્યદૂત સમજૂતિનું ઉલ્લંઘન માનીએ છીએ.”
તેમણે કહ્યું કે તકનીકી બાબતોનો હવાલો આપીને કૅનેડાની સરકાર એ તથ્યને યોગ્ય નહીં સાબિત કરી શકે જેમાં તેઓ ઉત્પીડન અને ધમકીના કામમાં સામેલ હોય. તેમણે કહ્યું કે અમારા રાજનાયકો પહેલાથી જ ઉગ્રવાદ અને હિંસાના માહોલમાં કામ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું, “કૅનેડાની સરકારની આ કાર્યવાહી સ્થિતિને વધુ બગાડી રહી છે અને સ્થાપિત રાજનાયિક માપદંડો અને પ્રથાઓને અનુરૂપ નથી.”
જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથી હુમલાઓ મામલે ફારુક અબ્દુલ્લાહ શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી પાર્ટી નેશનલ કૉન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાહે શુક્રવારે સાંજે થયેલા ચરમપંથી હુમલાને લઈને નિવેદન આપ્યું.
ફારુક અબ્દુલ્લાહે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “તેની તપાસ થવી જોઈએ. જેવી સત્તા આવી(નેશનલ કૉન્ફરન્સની સત્તા) કે આમ થવા લાગ્યું છે. મને શક છે કે ક્યાંક તેઓ જ આમ નથી કરી રહ્યા ને જે સરકારને અસ્થિર બનાવવાની કોશિશમાં છે. કેમ નહીં, પહેલા આમ થતું હતું.”
તેમણે કહ્યું, “જો તેઓ પકડાઈ જાય તો ખબર પડી શકે કે આવું કોણ કરી રહ્યું છે? તેને મારવા ન જોઈએ. જીવતા પકડવા જોઈએ. પકડીને પૂછવું જોઈએ કે તેમની પાછળ કોણ છે? કોણ છે જે આવું કરે છે અને શા માટે કરે છે?”
સ્પેનમાં પૂરને કારણે ઓછામાં ઓછા 200 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેનમાં આવેલા ભયંકર પૂરને કારણે ઓછામાં ઓછા 200 લોકો મૃત્યુ પામ્યા છે તથા અનેક લોકો ગુમ છે.
સ્પેનમાં આપાતકાલીન સેવાઓ આપતી ટુકડીઓએ ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.
સ્પેનના વૅલેન્સિયા પ્રાંતમાં મોટા ભાગની ખુવારી થઈ છે અને મૃતકાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.


ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિકોનું કહેવું છે કે જો સરકારે તેમને પૂર વિશે સમયસર ચેતવણી આપી હોત તો આટલા મોટા પાયે તારાજી ન સર્જાઈ હોત.
વૅલેન્સિયાના અલ્દાઇયા શહેરમાં રહેતા જુઆલ ગોંઝાલેજે બીબીસીને કહ્યું, "અહીં ભારે નુકસાન થયું છે. અહીં અચાનક જ પૂર આવી જવાની આશંકા હંમેશાં જ રહે છે. આ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. અમારી સરકારે આનાથી બચાવ માટે કશું નથી કર્યું."
ઑગસ્ટિન નામના અન્ય એક રહીશનું કહેવું હતું, "અમે જે ફ્લૅટમાં રહીએ છીએ, તે સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. મારે મારાં પત્ની અને બાળકો સાથે મારાં માતા-પિતાના ઘરમાં આશરો લેવો પડ્યો છે."
સ્પેનમાં શનિવારે પણ ભારે વરસાદ પડવાની આગાહી છે, જેના કારણે રાહત અને બચાવકાર્યમાં અવરોધ ઊભો થઈ શકે છે તથા પરિસ્થિતિ વકરી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં બે પરપ્રાંતીયને ગોળી મારવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
મળતી માહિતી પ્રમાણે, ઉગ્રવાદીઓએ શુક્રવારે સાંજે બડગામમાં બે ઉગ્રવાદીઓને ગોળી મારી હતી.
પોલીસને ટાંકતા સમાચાર સંસ્થા પીટીઆઈ લખે છે, મૂળ ઉત્તર પ્રદેશના સુફિયાન તથા ઉસમાનને મગામના મઝમામાં ગોળી મારવામાં આવી હતી.
બંનેને તત્કાળ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ ઘટનાને પગલે વિસ્તારને કૉર્ડન કરીને કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
એજન્સી લખે છે કે તા. 18 ઑક્ટોબરથી અત્યાર સુધીમાં લગભગ એક પખવાડિયાના ગાળામાં આ પાંચમો ઉગ્રવાદી હુમલો છે.
જાણીતા ફૅશન ડિઝાઇનર રોહિત બલનું અવસાન

ઇમેજ સ્રોત, FDCI/Instagram
ભારતના વિખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બલનું હાર્ટ ઍટેકથી અવસાન થયું છે, તેઓ 63 વર્ષના હતા.
બલ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેઓ કામથી દૂર રહ્યા હતા. લગભગ એક પખવાડિયા પહેલાં જ તેમણે કમબૅક શો કર્યો હતો.
ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે રોહિત બલે તેમના સર્જનથી "ભારતીય ફૅશનને પુનઃવ્યાખ્યાયિત કરી."
બલ ભારતીય કાપડ વિશે ઊંડી સમજ ધરાવતા હતા. તેઓ ભારતના સાંસ્કૃતિક વારસાને સાંપ્રત પરિપેક્ષ્યમાં ઢાળી જાણતા હતા. રોહિત બલે ડિઝાઇન કરેલાં કપડાં અનેક હોલીવૂડ સેલિબ્રિટીઝ તથા સુપર મૉડલ્સે પહેર્યાં હતાં.
બલનો જન્મ વર્ષ 1961માં શ્રીનગર ખાતે થયો હતો. તેમણે દિલ્હીની સૅન્ટ સ્ટિફન્સ કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું, એ પછી તેઓ પરિવારના નિકાસલક્ષી ધંધામાં જોડાયા હતા.
દિલ્હીની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નૉલૉજીમાંથી અભ્યાસ કર્યા બાદ તેમણે ફૅશનજગતમાં પદાર્પણ કર્યું હતું.
રોહિત બલે 1990માં પોતાનું ફૅશન લૅબલ લૉન્ચ કર્યું અને ભારત, મિડલ ઇસ્ટ તથા યુરોપમાં પોતાના અનેક સ્ટોર ખોલ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












