71ના યુદ્ધમાં પાકિસ્તાનની પડખે ઊભા રહેનારા કિસિંજરના અપમાનનો ઇંદિરા ગાંધીએ કેવો બદલો લીધો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
કેટલાક લોકો હેનરી કિસિન્જરને કૂટનીતિ અને રાજકીય કૌશલ્યના મહારથી માનતા હતા, પરંતુ બીજા અનેક લોકો માટે તેઓ અમેરિકાની શક્તિની ધાક દેખાડીને પોતાનું કામ કઢાવી લેતા કુટિલ રાજકારણી હતા.
1971ની લડાઈમાં ભારત સાથે તેમને ગંભીર મતભેદ હતા. 2005માં વ્હાઇટ હાઉસની ગુપ્ત ટેપ જાહેર કરવામાં આવી ત્યારે તેમાં તેઓ ભારત તથા ઇન્દિરા ગાંધી માટે અપશબ્દો બોલતા સાંભળવા મળ્યા હતા. પછી તેમણે આ માટે માફી પણ માગી હતી.
1971ની લડાઈમાં અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સન અને તેમના સુરક્ષા સલાહકાર હેનરી કિસિન્જર સંપૂર્ણપણે પાકિસ્તાનની પડખે ઊભા હતા.
પાકિસ્તાની લશ્કરે આઝાદીના આંદોલનને લશ્કરી તાકાત વડે કચડવાનું શરૂ કર્યું ત્યારે અમેરિકન વિદેશ મંત્રાલયનો પહેલો પ્રતિભાવ પાકિસ્તાન લશ્કરના અત્યાચારોની ટીકા કરવાનો હતો.
એ સમયે પૂર્વ અને દક્ષિણ એશિયન મામલાઓના આસિસ્ટંટ સેક્રેટરી ક્રિસ્ટોફર વૉન હોલેને એશિયન સરવે નામના સામયિકના એપ્રિલ, 1980ના અંકમાં ધ ટિલ્ટ પૉલિસી રિવિઝિટેડ શીર્ષક હેઠળના એક લેખમાં લખ્યું હતું, "વિદેશ, સંરક્ષણ અને સીઆઈએના અધિકારીઓની આંતરવિભાગીય બેઠકમાં હેનરી કિસિન્જરના પોતાના કેટલાક સહયોગીઓ પણ સામેલ હતા."
"એ બેઠકમાં એવું નક્કી થયું હતું કે અમેરિકા પાકિસ્તાની સૈન્યની બર્બરતાના બહાને ભારતની નજીક આવી જાય તે અમેરિકાના હિતમાં છે."
જોકે, કિસિન્જર તે આકલન સાથે સહમત ન હતા. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને સ્થાનિક દૃષ્ટિકોણથી જોવાને બદલે અમેરિકા તથા સોવિયેત સંઘ વચ્ચેના તણાવના સંદર્ભમાં જોવાનું શરૂ કર્યું હતું.
હેનરી કિસિન્જરના જીવનચરિત્રમાં વૉલ્ટર આઇઝેકસન લખે છે, "કિસિન્જરે ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં નૈતિકતાને નેવે મૂકીને વાસ્તવિકતાને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે આ સંઘર્ષને સંપૂર્ણપણે સોવિયેત-અમેરિકા સ્પર્ધાના દૃષ્ટિકોણથી નાણ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પાકિસ્તાનના સમર્થનની કિસિન્જરની નીતિને અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સનના ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરોધી વલણથી વેગ મળ્યો હતો."
નિક્સન અને કિસિન્જરે ઇન્દિરા ગાંધી માટે કહ્યા અપશબ્દો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કડવાશ એટલી હદ સુધી પહોંચી હતી કે નવેમ્બર, 1971માં ઇન્દિરા ગાંધી અમેરિકાની મુલાકાતે ગયાં ત્યારે રિચર્ડ નિક્સને તેમને પોતાની ઑફિસ બહાર 45 મિનિટ સુધી રાહ જોવડાવી હતી.
ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં કેથરીન ફ્રૅન્ક લખે છે, "ઇન્દિરા ગાંધીએ તે અપમાનનો બદલો બહુ સંયમથી લીધો હતો. એ પછી યોજાયેલી બેઠકમાં તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો ન હતો અને અમેરિકાની વિદેશ નીતિ બાબતે નિક્સનને અણિયાળા સવાલ પૂછ્યા હતા."
"એક પ્રોફેસર અભ્યાસમાં નબળા વિદ્યાર્થીનું મનોબળ વધારવા માટે તેની સાથે જે રીતે વાત કરે એ રીતે ઇન્દિરાએ નિક્સન સાથે વાત કરી હતી."
નિક્સન ભાવહીન શિષ્ટતા મારફત પોતાના ગુસ્સાને ગળી ગયા હતા. બેઠક પછી કિસિન્જરે પોતાના પ્રમુખ ભરપૂર વખાણ કર્યાં હતાં અને ઇન્દિરા ગાંધી માટે બિનસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો.
‘ધ બ્લડ ટેલિગ્રામ, ઇન્ડિયાઝ સીક્રેટ વૉર ઇન ઈસ્ટ પાકિસ્તાન’ નામના પોતાના પુસ્તકમાં ગેરી બાસ લખે છે, "નિક્સને પોતાની પીઠ થાબડતાં કિસિન્જરને કહ્યું હતુઃ આપણે મામૂલી મુદ્દે એ મહિલાને કેટલીક છૂટ જરૂર આપી હતી, પરંતુ જે અસલી મુદ્દા હતા એ બાબતે આપણે એક ઈંચ પણ પાછળ હટ્યા નથી."
કિસિન્જરે તેમને મસકો મારતાં કહ્યું હતું, "તમે જોયું નહીં, આપણે તેમને ચારે તરફથી કેવા ઘેરી લીધાં હતાં. મિસ્ટર પ્રેસિડેન્ટ, તેઓ એક....છે, જે અહીંથી બહાર જઈને એ નહીં કહી શકે કે અમેરિકાએ તેના મોં પર ઘા કર્યો છે. તમે તેની સાથે કડકાઈભર્યું વર્તન ન કર્યું તે સારું કર્યું, અન્યથા તેઓ રડતાં-રડતાં ભારત પાછા ગયાં હોત."
ભારત-પાકિસ્તાન મુદ્દે કિસિન્જર અને અમેરિકન વિદેશ મંત્રાલયમાં મતભેદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ચીનની પોતાની ગુપ્ત યાત્રાએથી પાછા ફર્યા બાદ તેમણે પ્રમુખ રિચર્ડ નિક્સન અને તેમના સલાહકારો સમક્ષ પોતાની યાત્રાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું.
‘ધ પ્રાઇઝ ઑફ પાવર’ નામના પોતાના પુસ્તકમાં સેમર હર્ષે લખ્યું છે, "કિસિન્જરનું કહેવું હતું કે ભારત પાકિસ્તાન પર આક્રમણ કરશે તો ચીન પાકિસ્તાનની મદદ માટે આગળ આવશે. એવું થશે તો સોવિયેત સંઘ ભારતની તરફેણમાં મેદાનમાં ઊતરશે. અમેરિકાએ પાકિસ્તાનની પડખે ઉભું રહેવું જોઈએ, જેથી ભારત પાકિસ્તાન પર હુમલાનો વિચાર ન કરે અને સોવિયેત સંઘને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની તક ન મળે."
અમેરિકાનું વિદેશ મંત્રાલય કિસિન્જરના આ આકલન સાથે સહમત ન હતું. તેનું માનવું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો અમેરિકાએ ભારતને સાથ આપવો જોઈએ, જેથી ચીનને હસ્તક્ષેપ કરવાની તક ન મળે.
આ વાત સિનિયર રિવ્યૂ સમૂહ સામે રજૂ કરવામાં આવી ત્યારે કિસિન્જર રાતાપીળા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, "પ્રમુખ હંમેશા કહેતા રહ્યા છે કે આપણે પાકિસ્તાનને સાથ આપવો જોઈએ, પરંતુ મને તેનાથી તદ્દન ઊલટો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે. ક્યારેક મને લાગે છે કે હું એક પાગલખાનામાં બેઠો છું."
વાતચીતમાં કિસિન્જરે ભજવી સક્રિય ભૂમિકા

ઇમેજ સ્રોત, AFP
ઑગસ્ટમાં ભારતે સોવિયેત સંઘ સાથે એક મિત્રતા કરાર પર સહી સિક્કા કર્યા ત્યારે કિસિન્જર ફરી ગુસ્સે થયા હતા, પરંતુ કિસિન્જરની ચીનની ગુપ્ત યાત્રા એક રીતે ભારતનો જવાબ હતી એ વાત અમેરિકનો સમજી શક્યા ન હતા.
કિસિન્જરના જીવનચરિત્ર લેખક વૉલ્ટર આઇઝેકસન લખે છે, "પાકિસ્તાનના દોસ્ત અમેરિકાએ ચીન સાથે સંબંધ સ્થાપીને ભારતને સોવિયેત સંઘની નજીક ધકેલી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે ઇન્દિરા ગાંધી અમેરિકા ગયાં ત્યારે બન્ને તરફથી ઉદાસીનતા દર્શાવવામાં આવી હતી."
બાદમાં કિસિન્જરે એ મુલાકાતનો ઉલ્લેખ કરતાં પોતાના પુસ્તક ‘ધ વ્હાઇટ હાઉસ યર્સ’માં લખ્યું હતું, "એ નિક્સનની કોઈ પણ વિદેશી નેતા સાથેની સૌથી ખરાબ અને દુર્ભાગ્યપૂર્ણ મુલાકાત હતી."
ઇન્દિરા ગાંધીને આ વાતથી આશ્ચર્ય થયું હતું કે તે વાતચીતમાં રિચર્ડ નિક્સનને બદલે હેનરી કિસિન્જર વધારે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
નિક્સન થોડી મિનિટો સુધી વાત કરતા હતા અને પછી કિસિન્જર તરફ ફરીને પૂછતા હતા, "આ વાત સાચી છે ને હેનરી." પછી કિસિન્જર શરૂ થઈ જતા હતા.
ફરી નિક્સન બે શબ્દ બોલતા હતા અને કિસિન્જરને પૂછતા હતા,"તમે આ બાબતે કશું કહેશો." ઇન્દિરાએ બાદમાં કહ્યું હતું, "મેં નિક્સનને બદલે કિસિન્જર સાથે વાત કરી હોત તો સારું થાત."
અમેરિકન વિદેશ મંત્રાલયને પાકિસ્તાનની તરફેણ માટે રાજી કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સૈન્યએ બંગાળી અલગતાવાદીઓના સમર્થનમાં 1971ની 22 નવેમ્બરે પૂર્વ પાકિસ્તાનની સીમા પાર કરી ત્યારે કિસિન્જર દુનિયાના જૂજ લોકો પૈકીના એક હતા, જેઓ માનતા હતા કે આ ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જશે.
બીજી તરફ અમેરિકન વિદેશ મંત્રાલય આ ઘટનાક્રમને બહુ મહત્ત્વ આપતું ન હતું. પાકિસ્તાની રાષ્ટ્રપતિ યાહ્યા ખાન સુધ્ધાં કહેતા હતા કે યુદ્ધને ટાળી શકાય, એવી તેમને હજુ પણ આશા છે.
ત્રીજી ડિસેમ્બરે યોજાયેલી અમેરિકાની ક્રાઇસિસ કમિટીની બેઠકમાં કિસિન્જરે માગણી કરી હતી કે નિક્સનના પાકિસ્તાન તરફી ઝુકાવને વિદેશ મંત્રાલયે સ્વીકારી લેવો જોઈએ.
કિસિન્જરનું કહેવું હતું, "મારે દર અડધી કલાકે પ્રમુખ પાસેથી ટીકા સાંભળવી પડે છે કે આપણે ભારત પ્રત્યે આકરું વલણ અખત્યાર કેમ નથી કરતા. આપણે તેમની ઇચ્છાનું પાલન શા માટે નથી કરતા તેનું મને આશ્ચર્ય છે."
વૉલ્ટર આઇઝેકસન લખે છે, "કિસિન્જર નિક્સન તરફથી નિર્દેશ આપી રહ્યા હતા એટલું જ નહીં, તેમના ભારત પ્રત્યે આકરું વલણ અપનાવવા ઉશ્કેરી પણ રહ્યા હતા."
તેમણે પાંચમી ડિસેમ્બરે નિક્સનને કહ્યું હતું, "પાકિસ્તાન હારશે તો સોવિયેત સંઘની નજરમાં આપણી ઈજ્જત ઘટી જશે. ચીનને પણ તે નહીં ગમે, પરંતુ ભારત જીતશે તો બીજી જગ્યાએ અલગતાવાદી આંદોલન શરૂ થવું દેખીતું છે અને સોવિયેત સંઘને પણ બીજી જગ્યાએ દરમિયાનગીરી કરવાનું પ્રોત્સાહન મળશે."
બીજી એક મુલાકાતમાં તેમણે વધારે નફ્ફટ બનીને નિક્સનને કહ્યું હતું, "આપણો અને ચીનનો દોસ્ત રશિયાના દોસ્ત સાથેની લડાઈમાં પીટાઈ જાય એવું આપણે કોઈ પણ પરિસ્થિતિમાં નહીં ઇચ્છીએ."
અમેરિકા અને સોવિયેત સંઘના દબાણને લીધે ભારતે કર્યો યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, NIXON LIBRARY
ભારતે 1971ની 16 ડિસેમ્બરે યુદ્ધવિરામની દરખાસ્ત મૂકી કે તરત જ પાકિસ્તાને તે સ્વીકારી લીધી હતી.
ઇન્દિરા ગાંધીએ કાશ્મીરનો મોટો હિસ્સો કબજે કર્યા વિના યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી, પરંતુ કિસિન્જરે કહ્યું હતું,"ભારતે સોવિયેત સંઘના દબાણ હેઠળ, ખચકાતાં આ નિર્ણય કર્યો હોય એવું હું માનું છું. સોવિયેત સંઘનો નિર્ણય પણ અમેરિકાના દબાણને કારણે લેવાયો છે, જેમાં અમેરિકાએ સેવન્થ ફ્લીટને બંગાળના અખાતમાં મોકલવાના અને અમેરિકન પ્રમુખની સોવિયેત સંઘની સૂચિત મુલાકાત રદ્દ કરવાના નિર્ણયનો સમાવેશ થાય છે."
જોકે, 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપવા છતાં પાકિસ્તાની શાસકોએ હેનરી કિસિન્જરથી અંતર જાળવી રાખ્યું હતું.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો તેમને પદભ્રષ્ટ કરાયા અને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા ત્યાં સુધી એ માટે હેનરી કિસિન્જરને જવાબદાર માનતા રહ્યા હતા.
તેમનાં દીકરી બેનઝીર ભુટ્ટોએ પોતાની આત્મકથા ‘ડૉટર ઑફ ઈસ્ટ’માં લખ્યું છે, "મારા પિતાએ અંગત રીતે તેમના પતન માટે કિસિન્જરને જવાબદાર ઠેરવ્યા હતા. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના વડા પ્રધાન બન્યાં ત્યારે તેમણે અમેરિકાનું સમર્થન તો કર્યું હતું, પરંતુ હેનરી કિસિન્જર પ્રત્યેની પોતાના પિતાની દુશ્મનાવટને યથાવત રાખી હતી."
ચીનની ખાનગી યાત્રા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
હેનરી કિસિન્જરના રાજદ્વારી જીવનની સૌથી મોટી ક્ષણ, તેઓ તેમની પાકિસ્તાન યાત્રા દરમિયાન આખી દુનિયાને થાપ આપીને ચીન પહોંચી ગયા ત્યારે આવી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના 10 જુલાઈ, 1971ના અંકમાં અંદરના પાને ત્રણ લાઈનના સમાચાર છપાયા હતા કે રાવલપિંડીના ગરમ અને ભેજવાળા વાતાવરણથી બચવા માટે નિક્સનના સુરક્ષા સલાહકાર હેનરી કિસિન્જરે ઉત્તર પાકિસ્તાનના ઠંડા પહાડોમાંના નથિયાગલીમાં આખો દિવસ રોકાણ કર્યું હતું. કિસિન્જરની તબીયત બગડી હોવાના સમાચાર પણ છે.
હકીકત એ હતી કે કિસિન્જર નથિયાગલી ક્યારેય ગયા જ ન હતા. કિસિન્જરની મોટરકારોનો એક નકલી કાફલો નથિયાગલી તરફ આગળ જરૂર વધ્યો હતો, પરંતુ તેમાં કિસિન્જર ન હતા. તેમની જગ્યાએ તેમનો ‘બૉડી ડબલ’ કારમાં પ્રવાસ કરી રહ્યો હતો.
હેનરી કિસિન્જરે તેમની આત્મકથા ‘ધ વ્હાઇટ હાઉસ યર્સ’માં લખ્યું છે, "મારી યોજના એવી હતી કે પાકિસ્તાનમાં ઉતરતાંની સાથે જ પેટમાં પીડા થતી હોવાનું બહાનું કરું."
"દૂતાવાસના ડોક્ટર મને કેટલીક દવાઓ આપશે. તેનાથી મારી તબીયત સારી નહીં થાય અને પાકિસ્તાના રાષ્ટ્રપતિ યાહ્યા ખાન મને નથિયાગલી ખાતેના તેમના ગેસ્ટ હાઉસમાં એક-બે દિવસ આરામ કરવાની સલાહ આપશે."
"એ દરમિયાન હું ચીન સાથે ગુપ્ત મંત્રણા કરવા બેઇજિંગ પહોંચી જઈશ, પરંતુ ઈશ્વરે મને આ બદમાશી માટે સજા આપવાનો નિર્ણય કર્યો હતો અને મારી યાત્રામાંનો દિલ્હીનો તબક્કો પૂર્ણ થાય ત્યાં સુધીમાં મારા પેટમાં ખરેખર પીડા ઊપડી હતી અને મારે કોઈને કહ્યા વિના, તબીબી મદદ વિના એ પેટની પીડા સહન કરવી પડી હતી."
પાકિસ્તાની વિદેશ સચિવ તેમની અંગત કારમાં કિસિન્જરને ઍરપૉર્ટ મૂકવા ગયા.
પાકિસ્તાની વિદેશ સચિવ પોતાની અંગત ગાડીમાં કિસિંજરને ઍરૉર્ટ મૂકવા ગયા

1971ની નવમી જુલાઈની સવારે સાડા ત્રણ વાગ્યે કિસિન્જર ઊઠી ગયા હતા અને તેમણે ઝડપથી નાસ્તો કરી લીધો હતો.
એ પહેલાં પાકિસ્તાનના વિદેશ સચિવ સુલ્તાન મોહમ્મદ ખાન તેમની અંગત કારમાં કિસિન્જરને વિદાય કરવા માટે ગેસ્ટ હાઉસ પહોંચી ગયા હતા.
સુલતાન ખાને તેમની આત્મકથા ‘મેમ્વાર્સ ઍન્ડ રિફ્લેક્શન’માં લખ્યું છે, "વહેલી સવારે ડ્રાઇવરને બોલાવવાથી લોકોનું ધ્યાન ખેંચાય તેમ હતું એટલે મેં સરકારી કારનો ઉપયોગ કર્યો ન હતો."
"મારા દીકરા રિયાઝે રાતે એ કારનો ઉપયોગ કર્યો હતો. એ કારની ચાવી મને ન મળી એટલે હું તેની પાસે ગયો હતો."
"મેં તેને જગાડ્યો ત્યારે તેનો પહેલો સવાલ એ હતો કે અમ્મીની તબીયત તો સારી છે ને? આપણે આટલી વહેલી સવારે ડૉક્ટર પાસે જઈ રહ્યા છીએ?"
"મેં તેના સંતોષ ખાતર કહ્યું હતું કે આપણે નથિયાગલી જવાનું છે. આંખો બંધ કરતાં તે બબડ્યોઃ સવારે ત્રણ વાગ્યે નથિયાગલી? તમારી પેઢીને હું સમજી શકતો નથી."
સવારે બરાબર ચાર વાગ્યે પાકિસ્તાની સૈન્યના વાહન કિસિન્જરને ઇસ્લામાબાદના ચકલાતા ઍરપૉર્ટ પર લઈ ગયા હતા. પાકિસ્તાનના વિદેશ સચિવ સુલતાન ખાન પણ તેમની સાથે હતા.
પાકિસ્તાન ખાતેના અમેરિકાના રાજદૂત ફારલૅન્ડની સલાહ મુજબ કિસિન્જરે માથે હેટ પહેરી હતી અને સવારે ચાર વાગ્યે પણ તેમણે ગોગલ્સ પહેર્યાં હતાં, જેથી ઇસ્લામાબાદ ઍરપૉર્ટ પર કોઈ તેમને ઓળખી ન શકે.
પ્લેન યાહ્યા ખાનના અંગત પાયલોટ ચલાવી રહ્યા હતા. કિસિન્જરનું પ્લેન ચકલાટા ઍરપૉર્ટ પર જ ઊભું હતું, જેથી તેના પર નજર કરનારા પત્રકારોને એવું જ લાગે કે કિસિન્જર પાકિસ્તાનમાં જ છે.
ચાઉ એન લાઈ અને કિસિન્જરની મુલાકાત

ઇમેજ સ્રોત, AFP
કિસિન્જરનું પ્લેન બપોરે સવા બાર વાગ્યે બેઇજિંગના લશ્કરી ઍરપૉર્ટ પર લૅન્ડ થયું ત્યારે તેમનું સ્વાગત પોલિટ બ્યૂરોના સૌથી વરિષ્ઠ સભ્યો પૈકીના એક માર્શલ યેહ ચિએન ચિંગે કર્યું હતું.
બરાબર સાડા ત્રણ વાગ્યે ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઈ કિસિન્જરને મળવા માટે ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. તેમના દુબળા ભાવપૂર્ણ ચહેરા પર આત્મવિશ્વાસ ઝળકતો હતો. તેમણે કુશળતાપૂર્વક સીવવામાં આવેલું ટ્યુનિક પહેર્યું હતું.
કિસિન્જર લખે છે, "તેમણે મનમોહક સ્મિત વડે અમારું મન મોહી લીધું હતું. તેઓ બહુ સારી રીતે અંગ્રેજી સમજતા હોવાનો ખ્યાલ પણ મને આવી ગયો હતો. જોકે, તેઓ ચીની ભાષામાં વાત કરતા હતા."
"મેં ગેસ્ટ હાઉસના દરવાજે જઈ હાથ લંબાવીને તેમનું સ્વાગત કર્યું હતું. 27 વર્ષ પહેલાં અમેરિકાના વિદેશ પ્રધાન એલન ફૉસ્ટર ડલેસે તેમનો લંબાયેલો બાથ પોતાના હાથમાં લેવાનો કેવી રીતે ઇનકાર કર્યો હતો એ મને અને તેમને બન્નેને યાદ આવ્યું હતું."
"થોડીવારમાં મને સમજાઈ ગયું હતું કે ફિલસૂફી, ઐતિહાસિક પૃથ્થકરણ અને રમૂજી વાકપટુતામાં ચાઉ એન લાઇનો જોટો જડવો મુશ્કેલ હતો. અમેરિકામાંની ઘટનાઓ અને મારા પોતાના વિશેની તેમની જાણકારી ગજબની હતી."
કિસિન્જર પોતાના શર્ટ ઇસ્લામાબાદમાં ભૂલી ગયા

ઇમેજ સ્રોત, AFP
કિસિન્જર અને ચાઉ એન લાઈ વચ્ચેની મુલાકાત કલાકો સુધી ચાલી હતી.
સમગ્ર વાતચીત દરમિયાન ચાઉ એન લાઈની સામે એક નાનકડો કાગળ પડ્યો હતો. તેમાં તેઓ ટેલિગ્રાફિક ભાષામાં એક-બે શબ્દો લખતા હતા.
બાદમાં કિસિન્જરે ટિપ્પણી કરી હતી, "ફિલસૂફીના બે પ્રોફેસર એકમેકની સાથે સંવાદ કરી રહ્યા હોય એવી રીતે અમારી વચ્ચે વાતચીત ચાલી રહી હતી."
કિસિન્જરે તેમના સહાયક ડેવ હેલ્પેરિનને સૂચના આપી હતી કે આ લાંબી યાત્રા દરમિયાન, ખાસ કરીને ચીનની યાત્રા માટે, તેમના માટે બે સ્વચ્છ શર્ટ અલગ રાખવામાં આવે.
પરંતુ તેઓ કિસિન્જરને મૂકીને નથિયાવાલી જઈ રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી હતી કે એ શર્ટ તો તેઓ ઇસ્લામાબાદમાં જ મૂકીને આવ્યા છે. કિસિન્જરને તેની ખબર પ્લેનમાં જ પડી ગઈ હતી. તેમણે બેઇજિંગમાં લેન્ડ થતાં પહેલાં શર્ટ બદલવા વિચાર્યું ત્યારે તેમને ખબર પડી હતી કે એ શર્ટ તેમની સૂટકેસમાં નથી.
કિસિન્જર લખે છે, "મારે મજબૂરીમાં, છ ફૂટ, બે ઇંચ ઊંચા જોન હાલ્ડ્રિજનું એક શર્ટ ઉધાર લેવું પડ્યું હતું. એ સમયના ફોટોગ્રાફ્સ ઝીણવટથી નિહાળશો તો ખબર પડશે કે તેમાં મારી ગર્દન દેખાતી જ નથી, કારણ કે જોનની ગર્દન મારી ગર્દન કરતાં કમસેકમ એક ઇંચ નાની હતી."
કિસિન્જરે ભારતીય રાજદૂત લક્ષ્મીકાંત ઝાને ફોન કર્યો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
નિક્સનની ચીન યાત્રાની તૈયારી કરીને કિસિંજર 11 જુલાઈએ ઇસ્લામાબાદ પાછા પહોંચી ગયા હતા.
ઍરપૉર્ટથી પહેલાં તેમને નથિયાગલી લઈ જવામાં આવ્યા હતા, જેથી એવું લાગે કે તેઓ નથિયાગલીથી પાછા આવી રહ્યા છે.
સાંજે છ વાગ્યે કિસિન્જર અમેરિકા પાછા જવા માટે પોતાના પ્લેનમાં બેઠા હતા. અમેરિકામાં નિક્સન તેમની વ્યાકૂળતાથી રાહ જોતા હતા. તેમને ખબર હતી કે યાત્રા સફળ થઈ છે, કારણ કે વિમાનમાં બેસતાંની સાથે જ કિસિન્જરે તેમને અગાઉથી નિર્ધારિત કોડ ‘યુરેકા’ તેમને મોકલી આપ્યો હતો.
હેનરી કિસિન્જર ગુપ્ત રીતે ચીનની યાત્રા કરી આવ્યા છે, એવી જાહેરાત જે દિવસે અમેરિકા કરવાનું હતું એ દિવસે અમેરિકા ખાતેના ભારતના રાજદૂત લક્ષ્મીકાંત ઝાને એક ફોન આવ્યો હતો. એ વખતે તેઓ ઘરની બહાર હતા. તેમનો ભારતીય સુરક્ષા ગાર્ડ અંગ્રેજી જરાય જાણતો ન હતો. તેણે કહ્યું હતું, “સાહેબ બહાદુર માટે કિશન ચંદરજીનો ફોન આવ્યો હતો."
ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં પુપુલ જયકર લખે છે, "આ કિશન ચંદર કોણ છે તે ઝાને સમજાયું ન હતું. જે નંબર આપવામાં આવ્યો હતો તેના પર ફોન કરવા તેમણે તેમના સચિવને જણાવ્યું હતું. ફોન કર્યો ત્યારે ખબર પડી હતી કે એ ફોન કિસિન્જરે કર્યો હતો, જેને તેમનો ગાર્ડ કિશન ચંદર સમજતો હતો. એ વખતે કિસિન્જર લૉસ એન્જેલીસમાં હતા."
તેમણે ભારતીય રાજદૂતને પૂછ્યું હતું, "આજે રાતે સાડા આઠ વાગ્યે તમે ક્યાં હશો?" ઝાએ કહ્યું તેઓ એક રાત્રિભોજમાં હશે. કિસિન્જરે તેમનો નંબર લીધો હતો અને કહ્યું હતું કે તેઓ તેમને સાડા આઠ વાગ્યે ફોન કરશે. ફોન શા માટે કરશે એ તેમણે જણાવ્યું ન હતું. સાડા આઠે કિસિન્જરનો ફોન આવ્યો ત્યારે ઝાએ જાતે ઉઠાવ્યો હતો.
કિસિન્જરે કહ્યું હતું, "ભારત અને પાકિસ્તાનની યાત્રા દરમિયાન હું ગુપ્ત રીતે ચીન પણ ગયો હતો, તેની જાહેરાત પ્રમુખ નિક્સન અડધા કલાક પછી કરવાના છે. રાષ્ટ્રપતિ નિક્સન ઇચ્છે છે કે તેમનો આ સંદેશો વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સુધી પહોંચાડવામાં આવે. તમે એ લખી લો."
સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા ચીન સાથે સંબંધ સ્થાપિત કરી રહ્યું છે. ભારત તેનો વિરોધ કરશે તો તેને અમિત્રતાપૂર્ણ કાર્યવાહી ગણવામાં આવશે.
પ્રમુખ નિક્સન એવું માને છે કે ભારત તેનો વિરોધ કરશે.
ઇન્દિરા ગાંધીએ અમેરિકાના આ પગલા વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી.
તેમણે ચૂપચાપ મોસ્કો એક સંદેશો મોકલ્યો હતો. એ ઘટનાના બરાબર એક મહિના પછી 1971ની સાતમી ઑગસ્ટે ભારતે સોવિયેત સંઘ સાથે મૈત્રી કરાર પર સહી સિક્કા કર્યા હતા.












