વડા પ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું તે સુદર્શન સેતુની શું ખાસિયત છે?

ઇમેજ સ્રોત, @narendramodi
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે, જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટોનું લોકાપર્ણ કરશે.
વડા પ્રધાન મોદીએ 25 ફેબ્રુઆરીની સવારે બેટદ્વારકા ખાતે ભારતના સૌથી લાંબા કૅબલ-સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કર્યું.
આ બ્રિજ બેટદ્વારકા અને ઓખાને જોડે છે. અગાઉ બેટદ્વારકા જવા માટે બોટનો ઉપયોગ કરાતો રહ્યો છે.
ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં 4150 કરોડ રૂપિયાના વિકાસ માટેના પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે.
બેટદ્વારકાના પૂજારી જિજ્ઞેશ જોશીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત દ્વારકા દર્શન માટે આવી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે આ સેતુનું નામ ભગવાનના નામ સુદર્શન પરથી રાખવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ આ વાતને યાદ રાખશે.”
ત્યાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે એઇમ્સ હૉસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાન 48,100 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે અને એક જનસભાને સંબોધશે.
ઓખા અને બેટદ્વારકાને જોડતો બ્રિજ

ઇમેજ સ્રોત, X/@NARENDRAMODI
ઓખા અને બેટદ્વારકાને સૌપ્રથમ વખત જમીનમાર્ગે જોડતો લગભગ અઢી કિલોમીટરનો “સુદર્શન સેતુ” 978 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બંને બાજુ ફૂટપાથ પર સોલાર પૅનલ લગાડવામાં આવી છે, જે એક મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે.
આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ તથા શ્રીકૃષ્ણની અલગ-અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સેતુ બૃહદ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો ભાગ છે, જેના હેઠળ આ વિસ્તારમાં ધાર્મિક ઉપરાંત અન્ય પ્રકારના પર્યટનને પ્રોત્સાહન આપવાનો તથા અન્ય નવીન આકર્ષણોને ઉમેરવામાં આવશે.
સુદર્શન સેતુ એ 27.20 મીટર પહોળાઈ ધરાવતો ફોર-લેન પુલ છે, જેની બન્ને તરફ અઢી મીટર પહોળી ફૂટપાથ છે.
સમુદ્ર પર સેતુનિર્માણ પહેલાં શ્રદ્ધાળુઓ ગીચોગીચ ભરેલી બોટમાં જોખમી મુસાફરી કરતા હોય છે. જોકે હવે બ્રિજ બન્યા બાદ બોટમાં મુસાફરોની સંખ્યા ઘટે એવી ચિંતા સતાવી રહી છે.
અહીં બોટ ચલાવીને કમાણી કરનાર લોકોનું કહેવું છે હવે બ્રિજ બનવાથી અમારી રોજગાઈ છીનવાઈ જશે એવો ભય છે.
આથી કેટલાક લોકો સરકાર પાસે કોઈ અલગ વ્યવસ્થા થાય એવી પણ આશા સેવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે બોટથી 600-700 માણસોનો ગુજારો થાય છે.
તો કેટલાકનું લોકોનું કહેવું છે કે બ્રિજ બનવાથી રોજગારી વધશે, ગામમાં પહેલાં લાઇટ નહોતી રહેતી એ સમસ્યા પણ દૂર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર 2017માં આ સેતુનો શિલાન્યાસ કર્યો હતો.

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC
સુદર્શન સેતુની વિશેષતાઓ
- બ્રિજની લંબાઈ 2320 મીટર છે
- બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20x12 મીટરના ચાર મોરપંખ છે
- ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર
- આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ છે
- ફૂટપાથ પર લગાવેલી સોલર પૅનલથી વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગમાં થશે
- બ્રિજ પર કુલ 12 જગ્યાએ પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગૅલરીનું નિર્માણ કરવામાં આવ્યું છે
દ્વારકાની આજુબાજુનું આકર્ષણ
દાયકાઓથી તીર્થધામ દ્વારકા તથા તેની આસપાસનો વિસ્તાર ધાર્મિક અને કેટલાંક પુરાતત્ત્વીય સ્થળો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ દ્વારકાથી 27 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચને 'બ્લૂ ફ્લૅગ બીચ' તરીકે વિશ્વના પર્યટન નકશા પર સ્થાન મળતા પ્રવસનક્ષેત્રે સંભાવનાઓ પણ વધી છે.
શિવરાજપુરમાં લગભગ 200 કરોડનાં કામ થઈ રહ્યાં છે અને દ્વારકાથી શિવરાજપુર પહોંચવાનું સરળ બને તે માટે રસ્તાઓ વિકસાવાઈ રહ્યા છે.













