ગુજરાત : સુરતના નવા બંધાયેલા બ્રિજથી લઈ અમદાવાદના અટલ બ્રિજ સુધી નવા પુલોમાં પડતાં ગાબડાં શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, DHARMESH AMIN
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
40 દિવસ પહેલાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં તાપી નદી પર બનેલા વેડ-વરિયાવ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પણ ચોમાસાના પહેલા વરસાદમાં જ આ બ્રિજના રોડમાં તિરાડો પડી ગઈ છે.
સરકારી માહિતી મુજબ આ બ્રિજ 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો. ગુજરાતની ભાજપ સરકારના ટીકાકારો કહે છે કે જે પ્રકારે આ બ્રિજ પર તિરાડો પડી છે તે જોતાં લાગે છે કે ગુજરાતની પ્રજાના પરસેવાના 118 કરોડ રૂપિયા ચોમાસાના પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા.
આ બ્રિજ 1.5 કિલોમિટર લાંબો છે. તે વેડ અને વારિયાવને જોડે છે. આ ફોર લૅન બ્રિજને કારણે ઇચ્છાપોર, હજીરા, છાપરાભાટા અને વરિયાવના 8 લાખ લોકોનું સુરત આવવા-જવાનું અંતર ત્રીજા ભાગનું થઈ ગયું હતું.
જોકે સરકારી અધિકારીઓનું કહેવું છે કે બ્રિજના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નથી. માત્ર રોડનો ડામર બેસી ગયો હતો અને તેને રિપેર કરીને લોકો માટે ફરી ખુલ્લો મૂકી દેવાયો છે. આ બ્રિજ લોકો માટે સુરક્ષિત છે.
આ બ્રિજ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે 17 મે ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

બ્રિજનો એપ્રોચ રોડ કેમ બેસી ગયો?

ઇમેજ સ્રોત, DHARMESH AMIN
બુધવારે જ્યારે સુરતમાં વરસાદ પડ્યો ત્યારે વેડ-વરિયાવ બ્રિજ પર સુરતથી વારિયાવ જતા લૅન પર રસ્તામાં તિરાડો જોવા મળી હતી.
આ તિરાડોના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થયા અને લોકોને લાગ્યું કે બ્રિજ બેસી ગયો.
30-40 ફૂટના અંતર સુધી આ બ્રિજના છેડે આવેલો એપ્રોચ રોડ બેસી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકો ગભરાવા લાગ્યા અને બ્રિજ પરથી જવા-આવવાનું ટાળવા લાગ્યા.
આ બ્રિજના રોડ બેસી જવાના વીડિયો વાઇરલ થતા વિરોધ પક્ષના નેતાઓ અને લોકોની આલોચના સોશિયલ મીડિયા પર પોસ્ટ થવા માંડી.
મામલો ગંભીર બનતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે ઘસી ગયા.
તંત્રએ તાત્કાલિક વાહનવ્યહવાર બંધ કરાવ્યો. બ્રિજ પરનો જે રોડ બેસી ગયો હતો તેના એપ્રોચ રોડનું સમારકામ શરૂ કર્યું. જ્યાં તિરાડો હતી તેમાં રેતી-કપચી પૂરવામાં આવ્યાં. રોડનું લેવલિંગ કરવામાં આવ્યું.
અધિકારીઓનું કહેવું છે કે ચોમાસાના પહેલા વરસાદને કારણે પાણી અંદર જવાથી એપ્રોચ રોડનો કેટલોક ભાગ બેસી ગયો હતો.
સુરત મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર એ. જે. પંડ્યા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “બ્રિજને કોઈ નુકસાન નથી. માત્ર એપ્રોચ રોડ બેસી ગયો હતો. ચાર ઇંચ સુધી ડામરના રોડમાં તિરાડ હતી. બુધવારે જ તાત્કાલિક રોડનું સમારકામ કરીને બ્રિજ લોકો માટે ફરીથી ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. બ્રિજને કોઈ ખતરો નથી.”
શું આ મામલે ભ્રષ્ચાચાર થયો છે કે ગેરરીતિ થઈ છે અથવા તો બાંધકામમાં કોઈ કચાશ રહી ગઈ છે તેવા પ્રશ્નના જવાબમાં પંડ્યાએ જણાવ્યું, “અમે તપાસ કરી રહ્યા છીએ. અહેવાલ પણ મંગાવ્યો છે. કૉન્ટ્રેક્ટરને અને કન્સલ્ટન્ટને નોટિસ પણ ફટકારી છે.”
આ બ્રિજનું કામ વિજય મિસ્ત્રી કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવ્યું હતું તથા તેની ડિઝાઈન વડોદરાની ગ્રીન ડિઝાઇન કંપનીએ તૈયાર કરી હતી. સુરત મહાનગરપાલિકાએ બંનેને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે તેઓ બ્રિજના જોખમને ધ્યાનમાં રાખીને કૉન્ટ્રેક્ટર અને કન્સલ્ટન્ટ પાસે ખર્ચ વસૂલ કરવા, તેમના પર દંડાત્મક કાર્યવાહી કરવા અને તેમને બ્લૅકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરશે.

બ્રિજના રોડ બેસી જવા પર શરૂ થયું રાજકારણ

ઇમેજ સ્રોત, DHARMESH PATEL
બ્રિજનો રોડ બેસી જવા મામલે વિરોધી પાર્ટીઓએ ભાજપની સરકાર પર પસ્તાળ પાડી છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે, ‘ભાજપના ભ્રષ્ટાચારનો ભાર આ બ્રિજ સહન ન કરી શક્યો.’
કૉંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીએ અન્ય બ્રિજ અને રસ્તાના ફોટો સાથે ટ્વીટ કરતા લખ્યું છે કે સરકારે બનાવેલા બ્રિજની આ હાલત છે.
તેમણે ટીચકપુરા-વાલોડ બ્રિજ, વેડ-વરિયાવ બ્રિજ, કડોદરા અંડરપાસ, તાપી નદીનો પુલ અને ધમડાછાના અંબિકા નદી પરના પુલનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે છેલ્લા દોઢ મહિનામાં 6 બ્રિજમાં તિરાડો પડી, શું પીએમ મોદી ગુજરાતમાં સીબીઆઈ અને ઈડીને મોકલશે?
ઇસુદાને વધુ આરોપ લગાવતા કહ્યું, “ભાજપના શાસનમાં થતો ભ્રષ્ટાચાર ફરી સામે આવ્યો છે.”
તો ભાજપે વિરોધી પાર્ટીના આરોપોને ફગાવ્યા છે. ભાજપનું કહેવું છે કે બ્રિજને કોઈ નુકસાન નથી થયું. માત્ર માટી ધસી પડવાથી બ્રિજના એપ્રોચ રોડમાં તિરાડ પડી છે.
સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, “આ ભ્રષ્ટાચાર કેવી રીતે હોઈ શકે. તેમાં ભાજપની મિલિભગત કેવી રીતે હોઈ શકે. અમે તો આ ઘટનાને ગંભીરતાથી લઈને તેની તપાસના આદેશ આપ્યા છે. ભારે વરસાદ હોય તો માટી ધસી પડવાને કારણે આવું બનતું હોય છે.”
જોકે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સવાલ ઉઠાવતા કહ્યું, “સદ્ભાગ્યે આ બ્રિજનો છેડાનો ભાગ બેસી ગયો, પણ જો વચ્ચેથી બેસી ગયો હોત તો? આ ભાજપના ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી.”
“કડોદરા અંડરપાસમાં પણ ગાબડું પડી ગયું છે. કામરેજ પાસે તાપી નદી પરના પુલમાં એક જગ્યાએ બે સ્પાન વચ્ચે એક ફૂટનું અંતર પડી ગયું છે. તેના માટે કોણ જવાબદાર છે?”

બ્રિજ સામે સવાલો

ઇમેજ સ્રોત, DHARMESH AMIN
જાણકારો કહે છે કે સુરત મહાનગરપાલિકા આ પ્રકારનાં કામો કરાવવા PMC અને TPI નિયુક્ત કરે છે. PMC એટલે પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ કન્સલ્ટન્સી અને TPI એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન. બંનેને સુરત મહાનગરપાલિકા ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 1-1 ટકા કમિશન ચૂકવે છે. બંનેની જવાબદારી પ્રોજેક્ટ બનાવવાની અને તેની દેખરેખની છે. તેની ડિઝાઈન બરાબર છે કે નહીં, તેમાં વપરાયેલો સામાન યોગ્ય ગુણવત્તા ધરાવે છે કે નહીં, સુરક્ષાની દૃષ્ટિએ તે યોગ્ય છે કે નહીં, તે જોવાની જવાબદારી આ બંનેની છે.
નામ ન આપવાની શરતે એક જાણકારે સવાલો ઉઠાવ્યા કે જો PMC અને TPI કામ કરવાની હોય તો સુરત મહાનગરપાલિકાના એન્જિનિયરો અને તેની ટેકનિકલ ટીમ શું કરે છે?
જોકે સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે આ ખાનગી વ્યક્તિને જવાબદારી એટલા માટે આપવામાં આવે છે, જેથી નિષ્ણાતોની મદદથી ઉત્તમ કક્ષાનું કામ થાય.
પણ જાણકારો સવાલ ઉઠાવતા કહે છે કે આ પ્રકારની વ્યવસ્થામાં સરકારી અધિકારીઓની જવાબદારી ઓછી થઈ જાય છે.
સુરત મહાનગરપાલિકાની ટેકનિકલ ટીમ કહે છે કે જ્યાં બ્રિજ પર જ્યાં એપ્રોચ રોડનો ભાગ ધસી પડ્યો ત્યાં પહેલાં પાણીનાં વહેણ માટેની ખાડી હતી. ભારે વરસાદ થતા અહીંની માટી ધસી પડી તેથી એપ્રોચ રોડનો ડામર ઉખડી ગયો.
જાણકારો કહે છે કે જો ખાડી હોવાની પહેલાથી જાણ હતી તો બ્રિજના એપ્રોચ રોડની ડિઝાઈન એ પ્રકારે કેમ ન બનાવાઈ, તેની માટીનું પરિક્ષણ યોગ્ય રીતે કેમ ન થયું, માટીને સેટલ કરવા તેનું લેવલિંગ કે તેનું રોલરિંગ કેમ ન થયું, તેના પૂરાણ માટે યોગ્ય ગુણવત્તા ધરાવતું મટિરિયલ કેમ ન વાપરવામાં આવ્યું?
આ બધા સવાલો મામલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એક જ જવાબ આપે છે કે તમામ સ્તરે તપાસ થશે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કારણ આપતા કહે છે કે ભારે વરસાદને કારણે બ્રિજનો એપ્રોચ રોડમાં તિરાડ પડી.
અમિતસિંહ રાજપૂત બીબીસી ગુજરાતી સાથેની વાતમાં કહે છે, “બ્રિજ ઊતરીએ તે જગ્યાએ ભારે વરસાદને કારણે માટી ધસી ગઈ છે. રોડને રિપેર પણ કરી દેવામાં આવ્યો છે.”
સામે જાણકારો સવાલ ઉઠાવે છે કે સુરતમાં એટલો બધો વરસાદ પડ્યો જ નથી. બે ઇંચ વરસાદમાં આટલા ખર્ચે બનેલા બ્રિજનો ઍપ્રોચ રોડ તૂટી કઈ રીતે જાય?

અગાઉ પણ તાપી જિલ્લામાં મિંઢોળા નદી પરનો પુલ તૂટી ગયો હતો

ઇમેજ સ્રોત, ANI
મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2 કરોડના ખર્ચે તૈયાર થએલો તાપી જિલ્લાનો મિંઢોળા નદી પર બનેલો બ્રિજ 14મી જૂને તૂટી ગયો હતો. આ બ્રિજ ઉદ્ઘાટન માટે તૈયાર હતો.
આ બ્રિજ તૂટી ગયા બાદ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ આપ્યા હતા અને આ બ્રિજના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઍક્ઝિક્યૂટિવ એન્જિનિયર, ડૅપ્યુટી ઍક્ઝિક્યૂટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સુરત ખાતેના અક્ષય કન્સ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ કંપનીને ખરાબ મટીરિયલનો ઉપયોગ કરીને બ્રિજ બનાવવાના આરોપસર બ્લૅકલિસ્ટ કરવામાં આવી.
આ બ્રિજ 100 મીટર લાંબો અને 8.40 મીટર પહોળો હતો. તેના ત્રણ પિલર હતા અને બીજા અને ત્રીજા નંબરના પિલર વચ્ચેનો સ્લેબ તૂટી ગયો હતો. આ બ્રિજની ડિઝાઇન પણ ગ્રીન ડિઝાઇન ઍન્ડ એન્જિનિયરિંગને સોંપવામાં આવી હતી.
આ બ્રિજનો ઑર્ડર 5, ફેબ્રુઆરી, 2020ના રોજ આપવામાં આવ્યો અને તેનું બાંધકામ 11 મહિનામાં પુરું કરવાનું હતું. પરંતુ બાંધકામ સમયસર ન પુરું થતાં તેની સમયસીમા વધારવામાં આવી.

મોરબી બ્રિજ તૂટી પડવાને કારણે 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images
30 ઑક્ટોબર, 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં.
આ મામલે સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) જે પ્રાથમિક અહેવાલ આપ્યો તેનાં તારણો પ્રમાણે આ બ્રિજ યોગ્ય રીતે રિનોવેશન કર્યા વિના અને કોઈ પણ જાતના ટેસ્ટ કે પરવાનગી વગર પુલ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.
આ અહેવાલમાં બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણી મામલે ગંભીર ક્ષતિઓ સામે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ બ્રિજ સમારકામ બાદ ફરી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ બાદ જ તૂટી પડ્યો હતો.
નોંધપાત્ર બાબત એ હતી કે આ બ્રિજના ઉપયોગ માટે જરૂરી એવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વગર જ તેને ખુલ્લો મૂકી દેવાયો હતો.
આ દુર્ઘટનાના ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. જયસુખ પટેલ પહેલા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. પણ તેમની આગોતરા જામીન અરજી રદ થતાં તેમની ધરપકડ થઈ હતી.
આ મામલે કુલ 10 આરોપી છે. તે સમયે તમામની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં પણ બ્રિજના નિરીક્ષણ માટે પેનલ બનાવવામાં આવી

ઇમેજ સ્રોત, LAXMI PATEL
અમદાવાદના ખોખરામાં હાટકેશ્વર પાસેના 40 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરમાં પણ ગેરરીતિઓ બહાર આવી હતી. પાંચ જ વર્ષ પહેલા બનેલા આ બ્રિજને તોડી પાડવામાં આવશે. આ મામલે પણ સરકાર તરફથી આ બ્રિજનું બાંધકામની કૉન્ટ્રૅક્ટર કંપની અજય એન્જિનિયરિંગના ચૅરમૅન સહીત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
આ બ્રિજના નમૂનાનું જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેના બાંધકામમાં નબળી ગુણવત્તા ધરાવતું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા હતા.
અગાઉ અમદાવાદના મૂમતપુરા વિસ્તારમાં બનતા ઓવરબ્રિજના બે સ્પાન તૂટી ગયા હતા. તેમાં પણ હલકું મટીરિયલ વપરાયું હોવાના પૂરાવા મળ્યા હતા.
અમદાવાદમાં તમામ ઓવરબ્રિજ, રીવરબ્રિજ, અંડરબ્રિજ અને કેનાલનો કલ્વર્ટ તથા ફ્લાય ઓવરબ્રિજ મળીને કુલ 82 બ્રિજના ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન માટે ત્રણ કન્સલ્ટન્ટની પેનલ નક્કી થઈ હતી.
સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ બ્રિજનો કાચ પણ એક જ વર્ષમાં તૂટી ગયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૂટેલો ગ્લાસ બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી દેવામાં આવી હતી.
મોરબી દુર્ઘટના બાદ અટલ બ્રિજ પર દર કલાકે માત્ર 3 હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે બ્રિજની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12 હજાર લોકો અટલ બ્રિજ પર ઊભા રહી શકે છે.

ગુજરાતમાં કુલ 68 બ્રિજ એવા છે જેને સમારકામની જરૂર છે

ઇમેજ સ્રોત, DHARMESH BHANDARI
મોરબી દુર્ઘટના મામલે જ્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કેસ દાખલ કર્યો ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈને હાઈકોર્ટમાં એક ઍફિડેવિટ રજૂ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 23 બ્રિજની હાલત ખરાબ છે, 63 બ્રિજને સમારકામની જરૂર છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે 461 બ્રિજ અર્બન ડેવલપમૅન્ટ હેઠળ આવે છે. તે પૈકીના 398 બ્રિજ સારી સ્થિતિમાં છે અને તેને સમારકામની જરૂર નથી. જે પૈકી બે હૅન્ગિંગ બ્રિજ છે અને તે બંને રાજકોટ જિલ્લામાં આવેલા છે.
રાજ્ય સરકારના માર્ગ અને બાંધકામ વિભાગ પાસે કુલ 1441 બ્રિજની દેખરેખની જવાબદારી છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં દાખલ ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે. અર્બન ડેવલપમૅન્ટ વિભાગ હેઠળ આવતા કુલ 63 બ્રિજ એવા છે, જેને સમારકામની જરૂર છે જે પૈકી 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કૉર્પોરેશનની હદમાં છે. 29 બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે અને 33 બ્રિજનું સમારકામ થઈ ચૂક્યું છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટને એમ પણ કહ્યું હતું કે તેણે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને નગરનિગમો અંતર્ગત આવનારા મોટા અને નાના બ્રિજના નિરીક્ષણ અને જાળવણીના સબંધમાં 6 માર્ચના રોજ એક સરકારી પ્રસ્તાવ જારી કર્યો છે.
આ પ્રસ્તાવ અંતર્ગત રાજ્ય સરકાર વર્ષમાં બે વાર આ બ્રિજની સંરચનાનું નિરીક્ષણ કરશે. પહેલીવાર મે મહિનામાં અને બીજી વખત ઑક્ટોબર મહિનામાં.
આ નિરીક્ષણના આધારે બ્રિજમાં જરૂર લાગે તો તેની સામે ઉપચારાત્મક ઉપાયો કરવામાં આવશે તેવી ખાતરી પણ રાજ્ય સરકારે હાઈકોર્ટને આપી હતી.














