એલિયનનું ખરેખર કોઈ અસ્તિત્વ છે ખરું, તે ધરતી પર પાછા આવશે?

બીબીસી ગુજરાતી પરગ્રહવાસી એલિયન્સ અંતરિક્ષ બ્રહ્માંડ જીવન પૃથ્વી ગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images

રાત્રે આકાશમાં તારા જોતી વખતે તમે ક્યારેક વિચાર્યું હશે કે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય પણ જીવન છે કે નહીં. વિજ્ઞાન મુજબ પરગ્રહવાસીઓ (એલિયન્સ)ના અસ્તિત્વની શક્યતા ઘણી વધારે છે, પણ તેને શોધવામાં થોડો વધુ સમય લાગશે.

પૃથ્વી એ અસંખ્ય ગ્રહોની વચ્ચે નાનકડા કણ સમાન છે. તેથી માત્ર આપણે ત્યાં જીવન હોય તે કઈ રીતે શક્ય છે?

આપણી પૃથ્વી કદમાં ખૂબ જ નાની છે અને આકાશ અનંત છે. આ અનંત બ્રહ્માંડમાં આપણા સિવાય બીજું કોઈ છે કે કેમ તે જાણવું વિજ્ઞાન માટે એક મોટો પડકાર છે.

પૃથ્વીની આદર્શ પરિસ્થિતિ સિવાય બાહ્ય વાતાવરણમાં જીવન વિશે આપણે શું જાણીએ છીએ?

ઘણા નિષ્ણાતોના કહેવા મુજબ એલિયન્સના કોઈ નક્કર પુરાવા ન હોય તો પણ, આપણે સ્વીકારી લેવું પડશે કે તે અસ્તિત્વમાં છે. લગભગ 200 અબજ આકાશગંગા છે જેમાંથી એક આપણી આકાશગંગા છે. તેમાં લગભગ 300 અબજ તારા છે. સૂર્ય એ પૃથ્વી પર જીવન માટે ઊર્જાનો મુખ્ય સ્રોત છે.

વૈજ્ઞાનિકો સતત આવા તારાની આસપાસ પરિક્રમા કરતા ગ્રહોને શોધે છે જેને એક્સોપ્લેનેટ કહેવામાં આવે છે. અવકાશ વૈજ્ઞાનિક ડૉ. મેગી એડેરિન-પોકોક કહે છે કે, "અમને ખાતરી છે કે તે ત્યાં છે, તે ફક્ત શક્યતાની બાબત છે."

આધુનિક ટેકનૉલૉજી આપણને આ ગ્રહોનું વિગતવાર અભ્યાસ કરવાની સગવડ આપે છે. શક્તિશાળી ટેલિસ્કૉપની મદદથી વૈજ્ઞાનિકો આ ગ્રહોનું રાસાયણિક બંધારણ જોઈ શકે છે, તારાઓ જે ગ્રહોની પરિક્રમા કરે છે તેમાંથી પસાર થતા પ્રકાશને આધારે આ જાણી શકાય છે, જેને 'સ્પેક્ટ્રોસ્કૉપી' કહેવામાં આવે છે.

મહત્ત્વની બાબત એ છે કે પૃથ્વી જેવું રાસાયણિક બંધારણ ધરાવતી જગ્યા શોધવી. એટલે કે એવી કોઈ જગ્યા શોધવી જ્યાં આપણાથી હજારો પ્રકાશવર્ષ દૂર આપણા જેવું જીવન ટકી શકે.

જીવનના પુરાવા સાથેનો ગ્રહ 10 વર્ષમાં મળી જશે?

બીબીસી ગુજરાતી પરગ્રહવાસી એલિયન્સ અંતરિક્ષ બ્રહ્માંડ જીવન પૃથ્વી ગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૃથ્વી જેવું રાસાયણિક બંધારણ ધરાવતી જગ્યા શોધવી એ મોટો પડકાર છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેના સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે. યુકેની માન્ચેસ્ટર યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રના પ્રોફેસર ટિમ ઓ'બ્રાયન કહે છે, "આપણે એવા સેંકડો ગ્રહોને જાણીએ છીએ જે જીવન માટે યોગ્ય હોઈ શકે છે. આગામી 10 વર્ષમાં આપણે એક એવો ગ્રહ શોધી કાઢીશું જેમાં જીવનના પુરાવા મળવાની શક્યતા હોય."

પૃથ્વી પર જ વધુ આશાસ્પદ પુરાવા મળી આવ્યા છે. એવી જગ્યાએ પણ જીવન મળી આવ્યું છે, જ્યાં અગાઉ જીવન અત્યંત મુશ્કેલ માનવામાં આવતું હતું. આ એવી જગ્યાઓ છે જ્યાં સૂર્યપ્રકાશ કે ગરમી પહોંચતી નથી, આપણા મહાસાગરોની સૌથી ઊંડી ખાઈ તેનું ઉદાહરણ છે.

અગાઉ આપણે એવું માનતા હતા કે આપણી પૃથ્વીથી યોગ્ય અંતરે હોય (જ્યાં યોગ્ય પ્રમાણમાં રેડિયેશન હોય) માત્ર એવા ગ્રહો પર જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે, પૃથ્વી પર જીવન છે તેના કારણે આપણને ખ્યાલ આવ્યો કે માત્ર ગ્રહો પર જ નહીં, પરંતુ ઉપગ્રહ(ચંદ્ર) પર પણ જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે.

આનો અર્થ એવો નથી કે તેઓ જાણીતી ફિલ્મોમાં જોવા મળતા લીલા રંગના જીવો જેવા હશે. ફક્ત એટલું જ કે ત્યાં જીવન શક્ય છે અને ટકી રહેવા માટે સક્ષમ છે.

નિષ્ણાતો કહે છે કે બાહ્ય દુનિયામાં જીવન હોવાની શક્યતા ઘણી ઊંચી છે, પરંતુ તે જીવો બુદ્ધિશાળી છે કે નહીં તે જાણવાનું હાલમાં અશક્ય નહીં તો પણ મુશ્કેલ જરૂર છે.

પ્રોફેસર ઓ' બ્રાયન કહે છે કે "આપણી પૃથ્વી પર મોટા ભાગના સમયમાં જીવન સરળ હતું. હકીકતમાં અબજો વર્ષો સુધી તે માત્ર બૅક્ટેરિયા જેવું હતું."

આપણા ગ્રહ પર બહુકોષીય (મલ્ટિસેલ્યુલર) જીવોની ઉત્પત્તિ પણ કેટલાક સંજોગને આધારિત છે. પરગ્રહવાસી કે બીજા કોઈ જીવે આપણે સંપર્ક કરવો હોય તો તેઓ શારીરિક અને ટેકનૉલૉજીની રીતે આધુનિક હોવા જરૂરી છે.

એલિયન્સ આપણો સંપર્ક કરશે?

બીબીસી ગુજરાતી પરગ્રહવાસી એલિયન્સ અંતરિક્ષ બ્રહ્માંડ જીવન પૃથ્વી ગ્રહ
ઇમેજ કૅપ્શન, ડૉ. મેગી એડેરિન-પોકોક

આપણે જો આ બ્રહ્માંડમાં એકલા નહીં હોઈએ તો શું પરગ્રહવાસીઓ આપણી મુલાકાત લેશે એવી અપેક્ષા રાખી શકાય? આ સવાલનો જવાબ જટિલ છે.

કોઈ જીવે અત્યાર સુધી એક તારાથી બીજા તારા સુધી સફર નથી કરી. અત્યાર સુધી આવું કેમ નથી થયું?

ડૉ. મેગી એડેરિન-પોકોક કહે છે કે "આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણે ત્યાં માત્ર એક પ્રકારનું જીવન છે, અને તે પૃથ્વી પરનું જીવન છે."

ડૉ. એડેરિન-પોકોક જણાવે છે કે "તમે બહુ સક્રિય તારાની નજીક રહેતા હોવ તો તમારે કદાચ અંડરગ્રાઉન્ડ રહેવું પડે."

"તેનો અર્થ એવો નથી કે બીજે ક્યાંય બુદ્ધિશાળી જીવન નથી, પરંતુ તમારી પાસે સંદેશાવ્યવહાર કરવાનું સાધન નથી, કારણ કે તમે અંડરગ્રાઉન્ડ રહો છો."

કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે એક જ ભાષા અથવા એક જ બોલી બોલતા નથી.

પરગ્રહવાસીઓના સિગ્નલ મળવામાં હજારો વર્ષ લાગે

બીબીસી ગુજરાતી પરગ્રહવાસી એલિયન્સ અંતરિક્ષ બ્રહ્માંડ જીવન પૃથ્વી ગ્રહ

ઇમેજ સ્રોત, Robert Gendler/Science Photo Library/Getty

ઇમેજ કૅપ્શન, બ્રહ્માંડમાં ક્યાંય પરગ્રહવાસીઓ અસ્તિત્વમાં હશે તો તેમનો સંદેશ મેળવવામાં ઘણો સમય લાગી જશે

પ્રોફેસર ઓ 'બ્રાયન કહે છે કે આપણે 1960ના દાયકાથી જ પરગ્રહવાસીઓ તરફથી મોકલાતા સિગ્નલને પકડવા માટે રેડિયો ટેલિસ્કૉપનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કોઈ જીવ અલગ-અલગ રીતે સંકેત મોકલી શકે છે. તેથી ક્યારેય ક્યારેક આપણે કોઈ સિગ્નલ સાંભળી શકતા નથી.

આપણે અન્ય જીવો જેવી જ વેવલેન્થ (તરંગલંબાઈ) મેળવી લઈએ, તો પણ કોઈ સંદેશ મોકલતા અને તેનો જવાબ પાછો મેળવવામાં હજારો વર્ષ લાગી જશે (અક્ષરો દ્વારા સંદેશાવ્યવહાર હવે બધું ધીમું લાગે છે).

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલી ખાતે બ્રેકથ્રૂ લિસન નામના નવા પ્રોજેક્ટ દ્વારા વૈજ્ઞાનિકો નજીકના કરોડો તારા પર સંશોધન કરે છે અને મોકલવામાં આવેલા સંદેશમાંથી જવાબ શોધવાનો પ્રયાસ કરે છે.

તેઓ આપણી આકાશગંગાના કેન્દ્રમાં રહેલા તારા પર પણ નજર દોડાવી રહ્યા છે. આ તારા લગભગ 25 હજાર પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે આ તારા પરથી મોકલાયેલા સંદેશને આપણા સુધી પહોંચતા 25 હજાર પ્રકાશવર્ષ લાગી જશે.

જો બ્રહ્માંડમાં ક્યાંય પરગ્રહવાસીઓ અસ્તિત્વમાં હશે તો તેમનો સંદેશ સાંભળવામાં હજારો વર્ષ લાગી શકે છે.

એક તારા પરથી બીજા તારા પર પહોંચવું કેટલું મુશ્કેલ?

નજીકના ભવિષ્યમાં તારા વચ્ચે લાંબા અંતરનો પ્રવાસ કરવો શક્ય નથી લાગતો.

આપણે પ્રકાશની ગતિથી રેડિયો તરંગો મોકલી શકીએ, પરંતુ તે માત્ર અંતરીક્ષના વેક્યુમ (શૂન્યાવકાશ)માં પ્રવાસ કરે છે, પરંતુ કોઈ પણ અંતરીક્ષયાન તારાની વચ્ચે પ્રવાસ કરી શકતાં નથી.

આપણે કેટલીક ભૌગોલિક ચીજોને તપાસયાન અથવા લોકોના રૂપમાં મોકલીએ, તો તે બહુ પડકારજનક હોઈ શકે છે.

જો અત્યાર સુધી આપણે આવું ન કરી શક્યા, તો નિષ્ણાતોનું કહેવું છે કે અવકાશી કે પરગ્રહી પડોશી (એલિયન્સ) માટે આ સંભવ નથી. આપણે એ સંભાવનાનો પણ વિચાર કરવો જોઈએ કે ભલે આપણી પાસે તેમના સુધી પહોંચવાની ટેકનૉલૉજી ન હોય, છતાં તેઓ આમ કરવા ઇચ્છતા ન હોય.

તેના માટે અંતરીક્ષમાં નસીબ અથવા યોગ્ય સમયની જરૂર પડી શકે છે. આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા કેટલા સમયથી પૃથ્વી પર છે તે યાદ રાખવું મુશ્કેલ છે.

બીબીસી ગુજરાતી પરગ્રહવાસી એલિયન્સ અંતરિક્ષ બ્રહ્માંડ જીવન પૃથ્વી ગ્રહ

ઇમેજ સ્રોત, BBC/SOFIA ISMAIL

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિકો કેટલાય દાયકાથી અંતરિક્ષમાં જીવન શોધવાનો પ્રયાસ કરે છે

માનવી પાસે ઓછો સમય બચ્યો છે

પૃથ્વી પર 3.5 અબજ વર્ષોથી જીવન છે, પરંતુ આધુનિક માનવી માત્ર ત્રણ લાખ વર્ષથી પૃથ્વી પર છે. આ સંસ્કૃતિ અથવા સભ્યતા ટૂંકા ગાળામાં નષ્ટ થઈ શકે છે. તેથી સંપર્ક કરવાનો સમયગાળો બહુ ઓછો છે.

પરગ્રહવાસીઓએ ક્યારેય પૃથ્વીની મુલાકાત લીધી છે કે નહીં તે આપણે નથી જાણતા, પરંતુ આપણે ચોક્કસ કહી શકીએ કે પૃથ્વી પર માનવી આવ્યા ત્યારથી તેઓ કદાચ પૃથ્વી પર નથી આવ્યા.

ડૉ. એડેરિન પોકોકે કહ્યું કે આપણી સંસ્કૃતિ પરગ્રહવાસીના કલ્ચર સાથે મેચ ન થાય તો આપણે તેમને ક્યારેય નહીં મળીએ. તેઓ ઘણા સમય અગાઉ કદાચ આવ્યા હશે અથવા ભવિષ્યમાં આવી શકે છે, જ્યારે પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય.

જુરાસિક યુગમાં પરગ્રહવાસીઓ કદાચ ડાયનોસોરની સાથે રહ્યા હોઈ શકે, પરંતુ આપણે કદાચ તેને ક્યારેય નહીં જાણીએ.

(આ માહિતી બીબીસી રેડિયો 4ના કાર્યક્રમ 'ધ ઇનફિનિટ મંકી કેજ' પર આધારિત છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન