કિમ જોંગ ઉનની એ દીકરી જે કાયમ પિતા સાથે રહે છે, શું તે છે આગલી ઉત્તરાધિકારી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયા, નોર્થ કોરિયા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરી 2023માં કોરિયન પીપલ્સ આર્મીના સ્થાપના દિવસ નિમિત્તે કીમ જૂ-એએ પિતા કીમ જોંગ ઉન સાથે એક સમારોહમાં હાજરી આપી હતી
    • લેેખક, લુઈસ બારુચો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

કિમ જૂ-એ નામની એક છોકરીને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનની ઉત્તરાધિકારી ગણવામાં આવે છે, પણ એ કન્યા કોણ છે?

કિમ જોંગ-ઉનનાં સૌથી નાનાં દીકરી છે કિમ જૂ-એ. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી નૅશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (એનઆઈએસ) માને છે કે કિમ જૂ, કિમ જોંગ-ઉનનાં ઉત્તરાધિકારી બની શકે છે. આવો, કિમ જૂ-એ વિશે વધુ માહિતી મેળવીએ.

કિમ જોંગ-ઉન તેમના પરિવાર વિશેની કોઈ વિગત જાહેર થવા દેતા નથી. તેથી તેમના પરિવાર વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. તેમણે લગ્ન પછી પણ તેમનાં પત્ની રી સોલ-જૂને ગુપ્ત રાખ્યાં હતાં. રી સોલ-જૂ જાહેરમાં પહેલીવાર 2012માં જોવા મળ્યાં હતાં.

દક્ષિણ કોરિયન મીડિયાના અહેવાલો અનુસાર, તેમનાં લગ્ન 2009માં થયાં હતાં. 2010માં તેમને ત્યાં એક સંતાનનો જન્મ થયો હતો. રી સોલ-જૂ, કિમ જૂ-એનાં પણ માતા હોવાનું માનવામાં આવે છે. કિમ જૂ-એનો જન્મ કેટલાંક વર્ષો પછી થયો હતો.

કોણ છે કિમ જૂ-એ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયા, નોર્થ કોરિયા

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, કીમ જૂ-એ તેમના પિતા કિમ જોંગ ઉન સાથે મિસાઇલ લૉન્ચર બનાવતી ફૅક્ટરી ખાતે

સોલ સ્થિત કૂકમિન યુનિવર્સિટીમાં ઉત્તર કોરિયન રાજનીતિ વિશે સંશોધન કરી રહેલા ફ્યોદોર ટ્રેટસ્કીએ આ બાબતે બીબીસી સાથે વાત કરી હતી.

તેમના કહેવા મુજબ, "ઉત્તર કોરિયન મીડિયામાં પણ કિમ જૂ-એનો ઉલ્લેખ માત્ર કિમ જોંગ-ઉનની દીકરી તરીકે કરવામાં આવે છે. તેઓ તેમનું નામ કે વય જણાવતા નથી. તેથી તેમના વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી. કિમ જૂ-એ કદાચ 10 વર્ષનાં છે."

એનઆઈએસએ ગયા વર્ષે દક્ષિણ કોરિયાના નેતાઓને વ્યક્તિગત રીતે જણાવ્યું હતું કે કિમ જૂ-એ કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતાં નથી. તેઓ ઘરે રહીને જ ભણે છે. તેમને ઘોડેસવારી, સ્વીમિંગ અને સ્કીઈંગનો શોખ છે.

આઈએનએસના બ્રિફિંગમાં સામેલ એક વ્યક્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે કિમ જોંગ-ઉન તેમની આ દીકરીના ઘોડેસવારીના કૌશલ્યથી સંતુષ્ટ છે.

આઈએનએસના જણાવ્યા અનુસાર, કિમ જૂ-એને એક મોટોભાઈ અને એક નાની બહેન પણ છે. એ બન્ને ક્યારેય જાહેરમાં જોવા મળ્યાં નથી.

કિમ જૂ-એ પહેલીવાર જાહેરમાં ક્યારે જોવા મળ્યાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયા, નોર્થ કોરિયા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કીમ જૂ-એએ જાન્યુઆરી 2024માં પિતા સાથે ચિકન ફાર્મની મુલાકાત લીધી હતી

2022માં એક મિસાઇલ પરીક્ષણ દરમિયાન કિમ જૂ-એ તેમના પિતા સાથે જાહેરમાં જોવા મળ્યાં હતાં. એ પછી અનેક સૈન્ય તથા નાગરિક કાર્યક્રમોમાં તેઓ તેમના પિતા સાથે જોવા મળ્યાં છે.

2023ની પહેલી મેએ નવા વર્ષની પૂર્વસંધ્યાએ પ્યોંગયાંગના એક સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં કિમ જૂ-એ તેમના પિતાના ગાલ પર ચૂંબન કરતાં જોવાં મળ્યાં હતાં. ત્યારથી તેઓ તેમના પિતા સાથે અવારનવાર જોવા મળતાં રહ્યાં છે.

રેડિયો ફ્રી એશિયાએ ફેબ્રુઆરી 2023માં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયન સરકારે કિમ જૂ-એ નામ ધરાવતા અન્ય તમામ લોકોને તેમના નામ બદલવાનો આદેશ આપ્યો છે.

નિરીક્ષકોના જણાવ્યા મુજબ, કિમ જૂ-એને ઉત્તર કોરિયામાં હવે "પ્રિય દીકરી"ને બદલે "આદરણીય દીકરી" કહેવામાં આવે છે. ઉત્તર કોરિયામાં આદરણીય વિશેષણનો ઉપયોગ માત્ર ઉચ્ચ સન્માનિત વ્યક્તિઓ માટે જ કરવામાં આવે છે.

કિમ જોંગ-ઉન ઉત્તર કોરિયાના આગામી નેતા હશે તેવો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી તેમને "આદરણીય કોમરેડ" એવું સંબોધન કરવામાં આવતું હતું.

આગામી શાસક કોણ હશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયા, નોર્થ કોરિયા

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, નૉર્થ કોરિયાના મિલટરી સેટેલાઇટ પ્રોગામની ચર્ચા દરમિયાન કીમ જૂ-એ તેમના પિતા સાથે હાજર રહ્યાં હતાં

ઉત્તર કોરિયા વિશે બહારની દુનિયા બહુ ઓછું જાણે છે. તેથી કિમ જૂ-એ તેમના પિતા સાથે વારંવાર શા માટે જોવા મળે છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

કેટલાક વિશ્લેષકો માને છે કે પોતાની દીકરીને આટલી નાની વયે જાહેરમાં લાવવાનું પગલું, સત્તાના સૂત્રો સંભાળતા પહેલાં તેમને યાદગાર બનાવવાની કિમ જોંગ-ઉનની વ્યૂહરચનોનો ભાગ હોઈ શકે છે.

અન્ય લોકો માને છે કે કિમ જોંગ-ઉન પિતૃસત્તાક સમાજને કદાચ એવો સંદેશો આપવા ઇચ્છે છે કે પોતે એક રક્ષક હોવાથી આવું કરી રહ્યા છે.

1948માં સ્થાપના થઈ ત્યારથી ઉત્તર કોરિયામાં કિમ પરિવારના પુરુષો શાસન કરે છે. કિમ જૂ-એ આગામી શાસક બનશે તો તેઓ દેશનું નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા હશે.

કિમ જોંગ-ઉનનાં બહેન કિમ યો-જોંગને પણ તેમના પિતાની રાજગાદીના રાજકીય વારસદાર માનવામાં આવે છે. તેમનું નામ માર્ચ 2014માં પહેલીવાર સરકારી મીડિયામાં આવ્યું હતું. તેઓ સત્તાધારી વર્કર્સ પાર્ટી ઑફ કોરિયાનાં એક વરિષ્ઠ પદાધિકારી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન