ગૂગલને 233 અબજ રૂપિયાનો દંડ શા માટે થયો?

ઇમેજ સ્રોત, Shivaun and Adam Raff
- લેેખક, સિમોન ટુલેટ
- પદ, બીબીસી સંવાદદાતા
"ગૂગલે અમને ઇન્ટરનેટ પરથી લગભગ અદૃશ્ય કરી દીધા હતા." આ ફરિયાદ છે શિવોન રૅફ અને તેમના પતિ એડમ રૅફની.
2006માં આ દંપતીએ પોતાની સારા પગારવાળી નોકરી છોડી દીધી અને ભાવની સરખામણી કરતી વેબસાઇટ ફાઉન્ડેમ શરૂ કરી.
પરંતુ પછી સર્ચ ઍંજિનના એક ઑટોમૅટિક સ્પેમ ફિલ્ટરના કારણે ગૂગલે સર્ચ પેનલ્ટી લગાવી. તેનાથી તેમની વેબસાઇટના બિઝનેસને અસર થઈ.
વાસ્તવમાં આ પેનલ્ટીના કારણે ફાઉન્ડેમ ઇન્ટરનેટ પર ‘પ્રાઇસ કમ્પેરિઝન’ અને ‘કમ્પેરિઝન શૉપિંગ’ જેવા સર્ચ રિઝલ્ટની યાદીમાં ઘણી પાછળ રહી ગઈ હતી.
આમ તો સ્ટાર્ટઅપ શરૂ કરનારા લોકો માટે સ્ટાર્ટઅપની શરૂઆતનો પ્રથમ દિવસ ઉત્સાહ અને આશંકાઓથી ભરેલો હોય છે.
પરંતુ, શિવોન અને એડમ માટે તે બહુ ખરાબ હતું.
કારણ કે આ બંનેએ જ્યારે ફાઉન્ડેમ વેબસાઇટ શરૂ કરી, ત્યારે તેમને ખ્યાલ નહોતો કે આવનારો સમય તેમના સ્ટાર્ટઅપ માટે સારો નહીં રહે.
વાસ્તવમાં ફાઉન્ડેમ પર ગૂગલ સર્ચ પેનલ્ટીના કારણે રેફ દંપતીની વેબસાઇટને પૈસા કમાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઉન્ડેમનું રેવન્યૂ મૉડલ એવું હતું કે જ્યારે કોઈ ગ્રાહક અન્ય વેબસાઇટ પરથી તેમના પ્રોડક્ટ લિસ્ટિંગ પર ક્લિક કરે ત્યારે આ દંપતીની વેબસાઈટ તેમની પાસેથી ફી વસૂલતી હતી.
ગૂગલ પર દંડ લાદવામાં આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એડમ કહે છે, "અમે અમારા પેજ પર નજર રાખતા હતા કે તેનું રૅન્કિંગ કેવું છે. પછી અમે જોયું કે લગભગ બધાં જ ઘટી ગયાં હતાં."
ફાઉન્ડેમ માટે પહેલો દિવસ આયોજન મુજબ ન રહ્યો. તેના કારણે એક કાનૂની લડાઈ શરૂ થઈ જે 15 વર્ષ સુધી ચાલી.
અંતે આ દંપતીનો વિજય થયો અને ગૂગલને 2.4 અબજ પાઉન્ડનો વિક્રમજનક દંડ ફટકારવામાં આવ્યો. આ મામલે એવું માનવામાં આવ્યું કે ગૂગલે માર્કેટમાં પોતાના પ્રભાવનો દુરુપયોગ કર્યો છે.
આ કેસને ગૂગલના વૈશ્વિક નિયમનમાં એક ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવ્યો.
જૂન 2017માં જારી કરાયેલા નિર્ણય સામે ગૂગલ પણ કોર્ટમાં સાત વર્ષ લાંબી લડાઈ લડ્યું હતું. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં યુરોપની સર્વોચ્ચ અદાલત યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસે ગૂગલની અપીલ ફગાવી દીધી હતી.
આ ચુકાદા પછી શિવોન અને એડમે રેડિયો 4ના ધ બોટમલાઇનને જણાવ્યું કે તેઓ શરૂઆતમાં વિચારતા હતા કે તેમની વેબસાઇટની ખોડંગાતી શરૂઆત માત્ર એક ભૂલ હતી.
55 વર્ષીય શિવોને કહ્યું, “શરૂઆતમાં અમને લાગ્યું કે અમારી વેબસાઈટને ભૂલથી સ્પામ ગણવામાં આવી છે. અમે વિચાર્યું કે અમે યોગ્ય જગ્યાએ ફરિયાદ કરીશું તો આ ભૂલ સુધારી લેવામાં આવશે."
58 વર્ષીય એડમે આ મામલે કહ્યું, "તમને કોઇપણ પ્રકારનો ટ્રાફિક ન મળે તો તમને બિઝનેસ પણ ન મળે."
રેફ દંપતીએ આ પ્રતિબંધ હટાવવા માટે ગૂગલને ઘણી ઘણી વિનંતી કરી હતી. પરંતુ, બે વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો અને ગૂગલ તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો.
શિવોને કહ્યું કે અન્ય સર્ચ ઍંજિન પર તેમની વેબસાઈટ સંપૂર્ણ રીતે સામાન્ય રીતે રૅન્કિંગ કરતી હતી, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો ન હતો કારણ કે મોટાભાગના લોકો ગૂગલનો ઉપયોગ કરતા હતા.
જો કે, પાછળથી આ દંપતીને ખબર પડી કે ગૂગલ દ્વારા નુકસાન થયું હોય તેમની વેબસાઇટ માત્ર તેમની એકલાની નથી.
2017માં જ્યારે ગૂગલને દોષી ઠેરવવામાં આવ્યું અને દંડ ફટકારવામાં આવ્યો હતો, ત્યારે એવું જાણવા મળ્યું કે તેમના ઉપરાંત કેલ્કુ, ટ્રિવાગો અને યેલ્પ સહિત લગભગ 20 દાવેદારો હતા જેમની સાથે આવું થયું હતું.
યુરોપિયન કમિશને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
એડમે સુપર કોમ્પ્યુટિંગમાં પોતાની કારકિર્દી બનાવી હતી. તેઓ કહે છે કે તેમની અગાઉની ઑફિસની બહાર સિગારેટ પીતી વખતે તેમને ફાઉન્ડેમ બનાવવાનો વિચાર આવ્યો હતો.
તે સમયે પ્રાઈસ કમ્પેરિઝન કરતી વેબસાઈટ્સ હજુ પ્રારંભિક અવસ્થામાં હતી. તે સમયે દરેક વેબસાઇટ ચોક્કસ ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી હતી.
પરંતુ ફાઉન્ડેમ આ બધાથી અલગ હતી. તેમાં ગ્રાહકોને કપડાંથી લઈને ફ્લાઇટ સુધીની કિંમતોની તુલના કરવાની તક મળતી હતી.
શિવોને પોતે ઘણી વૈશ્વિક બ્રાન્ડ્સ માટે સૉફ્ટવૅર કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે. તેઓ કહે છે, "બીજું કોઈ અમારી વેબસાઇટની નજીક પણ નહોતું."
યુરોપિયન કમિશને આ મામલે પોતાના 2017ના ચુકાદામાં જણાવ્યું કે તેને જાણવા મળ્યું છે કે ગૂગલે સર્ચ રિઝલ્ટમાં તેની પોતાની કમ્પેરિઝન ળૉપિંગ સર્વિસને ગેરકાયદે રીતે પ્રોત્સાહન આપ્યું હતું અને સ્પર્ધાત્મક વેબસાઇટ્સને બહાર ધકેલી દીધી હતી.
દસ વર્ષ પહેલાં જ્યારે ફાઉન્ડેમની સ્થાપના કરવામાં આવી હતી, તે સમયને યાદ કરતા એડમ કહે છે કે ઑનલાઇન શૉપિંગની વાત આવે ત્યારે ગૂગલ ઇરાદાપૂર્વક સ્પર્ધા વિરોધી હતું તે માનવાનું કોઈ કારણ ન હતું અને તે સમયે અમે આ સેક્ટરમાં ગંભીર ખેલાડી ન હતા.
દંપતીને કઈ રીતે શંકા ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
2008ના અંત સુધીમાં દંપતીને શંકા ગઈ કે કંઈક ખોટું થાય છે. નાતાલનાં ત્રણ અઠવાડિયાં પહેલાં આ દંપતીને એક મૅસેજ મળ્યો હતો.
તેમાં ચેતવણી અપાઈ હતી કે તેમની વેબસાઇટ લોડ થવામાં અચાનક ધીમી પડી ગઈ છે.
એડમ આ વિશે હસીને કહે છે, "પહેલા તો તેમને લાગ્યું કે આ એક સાઇબર હુમલો છે, પરંતુ વાસ્તવમાં એવું થયું કે દરેક વ્યક્તિએ અમારી વેબસાઇટની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું હતું."
ચેનલ 5 ના ધ ગેજેટ શોમાં ફાઉન્ડેમને લંડનની શ્રેષ્ઠ પ્રાઇસ કમ્પેરિઝન વેબસાઇટ ગણાવવામાં આવી હતી.
શિવોન કહે છે, “તે ખરેખર મહત્ત્વનું હતું. કારણ કે તે પછી અમે ગૂગલનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે જુઓ, ગૂગલના વપરાશકર્તાઓને અમારી વેબસાઇટ શોધવામાં કોઈ ફાયદો નથી મળી રહ્યો, કારણ કે તમે વપરાશકર્તાઓ માટે અમને શોધવાનું કામ અશક્ય બનાવી દીધું છે.”
એડમ કહે છે, "આમ છતાં ગૂગલે અમારી વાત ન સાંભળી. તે ક્ષણે અમને સમજાયું કે હવે અમારે લડવું પડશે.
દંપતીએ પ્રેસ સમક્ષ પોતાની વાત મૂકી, પરંતુ તેમને મર્યાદિત સફળતા મળી. ત્યાર પછી તેમણે બ્રિટન, અમેરિકા અને બ્રસેલ્સના નિયમનકારો સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો.
ત્યાર પછી યુરોપિયન કમિશનમાં આ મામલો આગળ વધ્યો. વર્ષ 2010માં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ દંપતીએ બ્રસેલ્સમાં એક કેબિનમાં નિયમનકારો સાથે તેમની પ્રથમ મુલાકાત કરી હતી.
તે સમયને યાદ કરતાં શિવોન કહે છે, "રેગ્યુલેટરે એક વાત મને કહી હતી કે જો આ સિસ્ટમની સમસ્યાનો મામલો હોય તો આની ફરિયાદ કરનારા તમે પ્રથમ કેમ છો?"
તેમણે કહ્યું, "અમે જણાવ્યું કે અમને 100 ટકા ખાતરી નથી, પરંતુ અમને શંકા છે કે લોકો ભયભીત છે, કારણ કે ઇન્ટરનેટ પરના તમામ બિઝનેસ અનિવાર્યપણે ગૂગલ તરફથી મળતા ટ્રાફિક પર આધારિત હોય છે."
"અમને ધમકાવનારાઓ પસંદ નથી"

ઇમેજ સ્રોત, Getty Images
આ દંપતી બ્રસેલ્સમાં એક હોટલના રૂમમાં રોકાયું હતું, જે કમિશનની ઓફિસથી સો વારના અંતરે આવેલ છે.
તે સમયે કૉમ્પિટિશન કમિશનર માર્ગ્રેથ વેસ્ટેગરે આખરે એ નિર્ણય આપ્યો જેના માટે શિવોન અને એડમ ઉપરાંત અન્ય શોપિંગ વેબસાઇટ્સ પણ રાહ જોઈ રહી હતી.
ચુકાદો આવ્યા પછી તેની ઉજવણી કરવાને બદલે બધાનું ધ્યાન યુરોપિયન કમિશન તેના નિર્ણયને ઝડપથી લાગુ કરે તે સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત થયું.
શિવોન કહે છે, "ગૂગલે અમારી સાથે જે કર્યું તે તેના માટે દુર્ભાગ્યપૂર્ણ છે."
તેમણે કહ્યું, "અમે બંને કદાચ એવા ભ્રમમાં ઉછર્યા છીએ કે અમે પરિવર્તન લાવી શકીએ છીએ, અને અમને ખરેખર ધમકાવનારા પસંદ નથી."
ગયા મહિને ગૂગલની હાર થવા છતાં આ દંપતીની લડાઈ હજી પૂરી થઈ નથી.
તેમનું માનવું છે કે ગૂગલનું વલણ હજુ પણ સ્પર્ધા વિરોધી છે અને યુરોપિયન કમિશન આ મામલે તપાસ કરી રહ્યું છે.
આ વર્ષે માર્ચમાં યુરોપિયન કમિશને તેના નવા ડિજિટલ માર્કેટ ઍક્ટ હેઠળ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ સામે તપાસ શરૂ કરી હતી.
તેનો હેતુ એ જાણવાનો હતો કે શું ગૂગલ હજુ પણ સર્ચ રિઝલ્ટમાં પોતાની સેવાઓને પ્રાથમિકતા આપે છે કે કેમ.
ગૂગલ શું કહે છે?
ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે, "યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસનો નિર્ણય માત્ર એ વાત સાથે સંકળાયેલ છે કે 2008 અને 2017 વચ્ચે અમે ઉત્પાદન પરિણામો કેવી રીતે પ્રદર્શિત કર્યાં હતાં."
તેમણે ઉમેર્યું, "યુરોપિયન કમિશનના નિર્ણયનું પાલન કરવા માટે અમે 2017માં જે ફેરફાર કર્યા હતા તેણે સાત વર્ષ કરતાં વધુ સમયથી સારી રીતે કામ કર્યું છે. 800થી વધુ કમ્પેરિઝન શૉપિંગ સર્વિસ વેબસાઇટ્સ પર અબજો ક્લિક્સ મળી છે."
"આ કારણોસર અમે ફાઉન્ડેમના દાવાઓનો આકરો વિરોધ કરવાનું ચાલુ રાખીશું અને કોર્ટ જ્યારે આ કેસને ધ્યાનમાં લેશે ત્યારે પણ અમે તેમ કરીશું."
રોફ દંપતી પણ ગૂગલ સામે સિવિલ દાવો કરવાનું છે જેની સુનાવણી 2026ની શરૂઆતમાં થવાની છે.
પરંતુ આ દંપતીને છેલ્લી જીત મળે તો પણ તેમને ખાસ ફાયદો નહીં થાય, કારણ કે તેમણે 2016માં પોતાની વેબસાઇટ ફાઉન્ડેમ બંધ કરવાની ફરજ પડી હતી.
ગૂગલ સામેની આ લાંબી લડાઈ આ દંપતી માટે પણ મુશ્કેલ રહી છે.
એડમ કહે છે, "મને લાગે છે કે જો અમને ખબર હોત કે આ લડાઈ આટલાં વર્ષો સુધી ચાલશે, તો અમે કદાચ લડવાનો નિર્ણય લીધો ન હોત."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












