અમદાવાદના જુહાપુરામાં ટૅક્સી ડ્રાઇવરે અકસ્માત કરતા લોકોએ 'માર માર્યો અને મોત થયું', શું છે સમગ્ર મામલો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના જુહાપુરામાં રોષે ભરાયેલા ટોળાએ કથિત રીતે માર માર્યા બાદ એક ટૅક્સી ડ્રાઇવરનું મૃત્યુ થઈ ગયું હતું.

પોલીસે આપેલી માહિતી અનુસાર ટૅક્સી ડ્રાઇવરે એક બાઇક અને રિક્ષા સાથે કાર અથડાવી દીધી હતી અને કથિત રીતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ આ ઘટના બની હતી.

પોલીસ અનુસાર બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ અને ઑટોરિક્ષાને નુકસાન થયું છે.

અમદાવાદ પોલીસે બુધવારે જણાવ્યું હતું કે કેટલાંક વાહનો સાથે અથડાયા બાદ રોષે ભરાયેલા ટોળાએ ટૅક્સી ડ્રાઇવરને માર માર્યો હતો અને ટેક્સી ડ્રાઇવરનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી.

પોલીસે મૃતક ટૅક્સી ડ્રાઇવરના ભાઈની ફરિયાદ પર કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

મંગળવારે રાત્રે જુહાપુરામાં શું થયું હતું

અમદાવાદ પોલીસ અનુસાર જુહાપુરામાં સીસીટીવી મુજબ રાત્રે 8.15 વાગ્યે અર્ટિગા કાર લઈને કૌશિક ચૌહાણ જુહાપુરાના તીન બત્તી વિસ્તારમાં અકસ્માત સર્જીને ભાગી રહ્યા હતા. તેમની કાર પર એક વ્યક્તિ ચઢીને તેને રોકવાનો પ્રયાસ કરી રહી હતી અને તેને રોકવા માટે ટોળું ભેગું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પોલીસને જાણ થતા અમે આયેશા મસ્જિદ પાસે પહોંચ્યા ત્યારે અકસ્માત કરીને ભાગેલા કાર ડ્રાઇવર કૌશિક ચૌહાણ ઈજાગ્રસ્ત હાલતમાં હતા. એમના પર બોથડ પદાર્થથી હુમલો થયો હતો. એમને અમે તાત્કાલિક વી.એસ.હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં એમનું મૃત્યુ નીપજ્યું હતું."

ઇન્સ્પેકટર આર.એમ. ચૌહાણે કહ્યું હતું કે, "અમે હાલ કૌશિકનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું છે જેમાં મૃત્યુનું કારણ જાણવા મળશે. એટલું જ નહીં આ તૂટેલી કારનું પંચનામું કરતા શંકાશ્પદ પ્રવાહીની વાસ આવતી એક પ્લાસ્ટિકની બોટલ મળી છે, જેનું પરીક્ષણ કરવા અમે એફએસએલમાં મોકલી છે."

તેમણે આગળ જણાવ્યું કે, આ ઉપરાંત કૌશિક ક્યાંથી કાર લઈને આવી રહ્યા હતા આગળ એમણે કોઈ બીજા અકસ્માત કર્યા છે કે કેમ? એની તપાસ કરી રહ્યા છીએ.

બીજી બાજુ મૃતક કૌશિકના ભાઈ કિશોર ચૌહાણે અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જ્યાર બાદ પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

ઇન્સપેક્ટર આર.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, "અમે આખાય વિસ્તારના સીસીટીવી કૅમેરા તપસ્યા છે. સીસીટીવી કૅમેરામાં કાર પર હુમલો કરવાનો પ્રયાસ કરનારાઓ અને કાર પર ચઢી ગયેલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, ધરપકડ કરાયેલા લોકોમાં અકીલ લંઘા, સલમાન શેખ, ઇર્શાદ શેખ અને ઇમદાદુલ્લાહ સૈયદ સામેલ છે."

પોલીસે આ મામલે અન્ય આઠ લોકોની અટકાયત પણ કરી છે.

મૃતક ડૅક્સી ડ્રાઇવર કોણ હતો?

અમદાવાદ ખાતે ઇસનપુરના વિશાલનગરમાં રહેતા અને કપડાંની દુકાનમાં મજૂરી કામ કરતા કૌશિકના ભાઈ કિશોર ચૌહાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારો 39 વર્ષનો ભાઈ અપરિણીત હતો. એ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને મારાં માતાને લકવાની અસર છે. મારા પિતાની પણ તબિયત નાદુરસ્ત છે."

તેઓ આગળ કહે છે કે, "અમારા ઘરમાં મારાં માતા-પિતા, મારાં ત્રણ બાળકો, મારી પત્ની સાથે આઠ માણસોનું કુટુંબ છે. આર્થિક સ્થિતિને કારણે એ ઘરમાં લાઇટ અને ગૅસનું બિલ ચૂકવતો હતો અને અમે મહિનો ટૂંકો કરતા હતા. પણ હવે ભાઈના ગયા પછી મારાં માતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. હવે મારા માટે ઘર ચલાવવા કરતાં મારાં વૃદ્ધ માતાપિતાની સારવારની જવાબદારી વધુ આવી ગઈ છે. અમે આશા રાખીએ કે પોલીસ અમને ન્યાય અપાવે."

આટલી વાત કરતા કિશોર ચૌહાણનું ગળું ભરાઈ જાય છે.

અમે પકડાયેલા ચાર આરોપી અકીલ લંઘા, ઇર્શાદ શેખ, સલમાન શેખ અને સૈયદના કુટુંબી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તો તેમણે વધુ કંઈ કહેવાનો ઇન્કાર કરતા કહ્યું કે, "અમારાં બાળકો નિર્દોષ છે. ન્યાયતંત્ર પર ભરોસો છે, એ એમનું કામ કરશે."

હિટ ઍન્ડ રન કેસમાં આરોપીઓ પર હુમલા કેમ થાય છે?

ગુજરાતમાં હાલનાં વર્ષોમાં અન્ય હિટ ઍન્ડ રન કેસ સામે આવી ચૂક્યા છે.

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે અમદાવાદમાં 2023-2024માં હિટ ઍન્ડ રનના 344 કેસ સામે આવ્યા છે જેમાં 117 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદમાં 20 જુલાઈ 2023ની રાત્રે તથ્ય પટેલ નામના યુવાને પોતાની પૂરપાટ ઝડપે દોડતી ગાડીના અડફેટે સંખ્યાબંધ લોકોને લીધા હતા જેમાં નવ લોકોનાં મોત થયાં હતાં. આ લોકો અન્ય એક અકસ્માતના સ્થળે ઊભા હતા જ્યારે તથ્ય પટેલે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ગાડીએ તેમને અડફેટે લઈ લીધા હતા, તેને રોકીને લોકોએ તેને મારવા લીધો હતો પરંતુ તેના પિતા પ્રજ્ઞેશ પટેલે તેને બચાવ્યો હતો.

જ્યારે 13 માર્ચ 2025ના રોજ વડોદરાના રક્ષિત ચૌરસિયા હિટ ઍન્ડ રન કેસમાં પણ લોકોએ આરોપીને ઘેરીને માર માર્યો અને પોલીસને સોંપી દીધો હતો.

આવા કિસ્સાઓમાં 'રોષે ભરાયેલા ટોળા' દ્વારા માર મારવાના મુદ્દે ગુજરાત પોલીસ વિભાગના મનોચિકિત્સક ગોપાલ ભાટિયા કહે છે કે, "બધા અકસ્માતો જેમાં રાહદારીઓનું મૃત્યુ થયું હોય એવા મામલામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં ડ્રાઇવરને ઉશ્કેરાયેલું ટોળું માર મારીને પોલીસને હવાલે કરે છે પણ અમદાવાદના જુહાપુરામાં બે વ્યક્તિને ઈજા કરનાર ટૅક્સીચાલકને લોકોએ કથિત રીતે એટલી હદે માર્યો કે એનું મૃત્યુ થયું."

"આનું મુખ્ય કારણ એ લાગે છે કે આ વિસ્તારમાં લોકોમાં હતાશા અને ગુસ્સાનું પ્રમાણ વધુ હોય અને ત્યાં સીસીટીવીનું પ્રમાણ ઓછું હોય અને રસ્તા સાંકડા હોય."

ગુજરાત સરકારની રોડ સેફટી ઑથોરિટીએ ગુજરાતમાં વધી રહેલા અકસ્માત પર એક અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસ કરતી ટીમના સદસ્ય ગોપાલ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રોડ ઍક્સિડન્ટ થાય છે ત્યારે અકસ્માતના સ્થળે લોકો ભેગા થાય અને ટોળું થતાં જ મૉબ સાયકોલૉજી બદલાઈ જાય છે."

તેઓ આગળ કહે છે કે, "એ સમયે એકત્રિત થયેલા લોકોમાં કોઈ વ્યક્તિ સાથે અકસ્માત કરનાર ડ્રાઇવર થોડું તુમાખી ભર્યું વર્તન કરે અથવા બીજા વાહનને નુકશાન પહોંચાડી કે કોઈને ઈજા પહોંચાડીને ભાગી જવાનો પ્રયાસ કરે ત્યારે હાજર ટોળું વધુ ઉશ્કેરાઈ જાય છે તથા શારીરિક હુમલા કરી બેસે છે."

"આ ઉપરાંત જો વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની તકલીફ હોય એટલે કે નિયત અંતરે સીસીટીવી કૅમેરા ના લાગ્યા હોય, વિસ્તાર સાંકડો હોય અને સ્થાનિકો જાણતા હોય કે પોલીસને પહોંચવામાં સમય લાગશે ત્યારે આવી ઘટના બની શકે છે."

"બાકી સામાન્ય સંજોગોમાં એકત્રિત થયેલું ટોળું અકસ્માત સર્જનાર પર ઉશ્કેરાઈ હુમલો કરે છે પણ જાનથી મારી નથી નાખે એવું ઓછું જોવા મળે છે. અમદાવાદમાં બનેલા આ કિસ્સામાં સીસીટીવીનો અભાવ અને સાંકડા રસ્તા તથા (કથિત) અકસ્માત સર્જીને ડ્રાઇવરનો ભાગવાનો પ્રયાસ મુખ્ય જવાબદાર છે."

વારંવાર થતા અકસ્માત અને હિટ ઍન્ડ રન કેસ

ગુજરાત સરકારના રોડ ઍન્ડ ઑથોરિટી વિભાગે કરેલા અભયસમાં પણ એક તારણ એ આવ્યું છે કે, ગુજરાતમાં સૌથી ઓછા અકસ્માત નૅશનલ હાઇવે પર થાય છે. ત્યાર બાદ સ્ટેટ હાઇવે અને સૌથી વધુ અકસ્માત શહેરી વિસ્તારના રસ્તાઓ પર થાય છે.

આ તારણમાં બતાવાયું છે કે અમદાવાદના સોલા ટ્રાફિક ડિવિઝનમાં સૌથી વધુ અકસ્માત થાય છે. ત્યાર બાદ રામોલ, સૅટેલાઇટ તથા વેજલપુર વિસ્તારમાં થાય છે જયારે કારંજ ખમાસા વિસ્તારમાં ફેટલ ઍક્સિડન્ટનું પ્રમાણ નહીંવત્ છે.

આની પાછળના કારણ સમજાવતા રિટાયર્ડ ટ્રાફિક એસીપી દીપક વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એનું મુખ્ય કારણ એ છે વાહનોની વધતી સંખ્યા, સાંકડા રસ્તા અને જયારે અકસ્માત થાય ત્યારે ડ્રાઇવર જો ઈજાગ્રસ્તને દવાખાને લઈ જવા તૈયાર હોય તો કોઈ ગંભીર ઈજા નથી કરતું. બીજું કે સૌથી વધુ અકસ્માત અમદાવાદમાં જે જે વિસ્તારમાં વધુ વાહનો છે, ત્યાં થાય છે."

તેઓ આગળ કહે છે કે, "ટ્રાફિક ના હોય એવા રિંગ રોડ પર નવી ટેકનૉલૉજીનાં વાહનો પૂર ઝડપે દોડતાં હોય છે એના કારણે અકસ્માત વધુ સર્જાય છે, જયારે અમદાવાદના કારંજ, ખમાસા દરિયાપુર જેવા વિસ્તારમાં હિટ ઍન્ડ રન એટલે ઓછા થાય છે કે કારણ કે ત્યાં જવા માટે રસ્તા સાંકડા હોય છે."

"જયારે રામોલ વટવા નારોલ વગેરે વિસ્તારમાં હેવી વાહનો જેમકે ટ્રક વગેરેથી વધુ અકસ્માત થાય છે કારણ કે ઇન્ડસ્ટ્રિયલ એરિયા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.