ગુજરાતમાં ભારે વરસાદ : દરિયામાં બનશે ચોમાસા પછીનું બીજું વાવાઝોડું, ક્યાં ફૂંકાશે ઝડપી પવન?

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે, પરંતુ કેટલાક ભાગોમાં હજુ વરસાદ પડે છે અને આગામી ત્રણ-ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.

ચોમાસા પછી સમુદ્રમાં બીજું એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે અને તેની સાથે સાથે ઝડપી પવન પણ ફૂંકાશે.

બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર એરિયાની રચના થવાના કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વ ભાગમાં એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે. તે આવતીકાલ (રવિવાર) સુધીમાં તીવ્ર બની શકે છે.

શનિવારથી આ લો પ્રેશર એરિયા પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે છે. તેના કારણે આવતીકાલે 26 ઑક્ટોબરે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશનની રચના થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગ શું કહે છે?

હવામાન વિભાગ જણાવે છે કે 27 ઑક્ટોબરની સવારે તે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે.

વિશાખાપટ્ટનમ સાયક્લોન વૉર્નિંગ સેન્ટરે બીબીસીને જણાવ્યું હતું કે આ વાવાઝોડાની અસર હેઠળ આંધ્ર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડશે અને લોકોએ સતર્ક રહેવું જોઈએ.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર એરિયા રચાયો છે તે 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધે છે અને 27મી ઑક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશન સર્જાશે.

આંધ્ર પ્રદેશમાં ગત બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આગામી પાંચેક દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

ભારતમાં પાંચ વર્ષ અગાઉ 2020માં એમ્ફન વાવાઝોડું ત્રાટક્યું હતું જે સૌથી વિનાશક વાવાઝોડામાં સ્થાન ધરાવે છે. એમ્ફન વાવાઝોડું જમીન પર પહોંચ્યું ત્યારે તેમાં પવનની ઝડપ 155 કિમી પ્રતિ કલાક હતી.

હવામાન વિભાગે 25 ઑક્ટોબરે સવારે 11 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ડિપ્રેશનનો એરિયા પૉર્ટ બ્લેરથી 420 કિમી, વિશાખાપટ્ટનમથી 990 કિમી દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈથી 990 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, કાકિનાડા (આંધ્રપ્રદેશથી) 1000 કિમી દક્ષિણપૂર્વમાં અને ઓડિશાના ગોપાલપુરથી 1040 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે.

27મીની સવાર સુધીમાં તે સાઇક્લોનિક સ્ટૉર્મ એટલે કે ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થાય તેવી શક્યતા છે.

આંધ્ર પ્રદેશ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીનું કહેવું છે કે 'મોંથા' મંગળવારે સાંજેકના સમયે આંધ્ર પ્રદેશના કાકીનાડા ખાતે લૅન્ડફોલ કરશે. 'મોંથા'નો અર્થ 'સુગંધી ફૂલ' એવો થાય છે.

એ સમયે 90થી 110 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. એ સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન આંધ્ર પ્રદેશના માછીમારોને દરિયો નહીં ખેડવાની તથા પોતાની બોટોને સલામત રીતે લાંગરી દઈને આગામી સૂચના ન મળે ત્યાર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે.

હવામાન વિભાગે ખેડૂતોને જણસને સાચવી રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.

પવનની ઝડપ કેટલી રહેશે?

હવામાન વિભાગના 25 ઑક્ટોબરના બુલેટિન પ્રમાણે હાલમાં અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગમાં પણ એક ડિપ્રેશન છે.

આ ડિપ્રેશન ગોવાથી 340 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં અને મુંબઈથી દક્ષિણપશ્ચિમમાં 400 કિમી દૂર છે, જ્યારે મેંગલોરના દરિયાકિનારાથી તે 580 કિમી અને લક્ષદ્વીપથી 610 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધશે.

આ દરમિયાન કર્ણાટક, કોંકણ-ગોવા અને ગુજરાતના પ્રદેશમાં કેટલીક જગ્યાએ 25થી 27 ઑક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે.

હાલમાં આ સિસ્ટમની આસપાસ પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 25 અને 26 ઑક્ટોબરે દરિયાકિનારાના વિસ્તારમાં 55 કિમી પ્રતિ કલાક કરતા વધુ ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે આજથી બે દિવસ સુધી સમુદ્રમાં કરન્ટ જોવા મળશે. માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવે છે.

આ દરમિયાન ગુજરાત, કર્ણાટક, કોંકણ અને ગોવામાં પવનના કારણે ઝાડની ડાળીઓ તૂટી જાય, છોડ અને ખેતીને નુકસાન થાય, કાચાં મકાનોને નુકસાન થાય, જમીન ધસી પડે, ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન