સંજય ગોરડિયાના ગુજરાતી નાટક 'ત્રંબક ત્રણ બાયડીવાળો'ના પોસ્ટરથી વિવાદ કેમ થયો?

ગુજરાતી નાટક, ગુજરાત, નાટક, સંજય ગોરડિયા, રંગભૂમિ, મહિલા

ઇમેજ સ્રોત, Sanjay Goradia/FB/social media

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતી તખ્તાના જાણીતા નાટ્ય ડિરેક્ટર અને અભિનેતા સંજય ગોરડિયાના એક નાટકના પોસ્ટરથી વિવાદ થયો છે. વિવાદ થતા હવે પોસ્ટર હઠાવી દેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયામાં લોકો આ પોસ્ટર અને સંજય ગોરડિયાની તરફેણમાં અને વિરોધમાં પોતાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.

સંજય ગોરડિયાના નાટકનું શીર્ષક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ છે. જેના એક પોસ્ટરમાં અભિનેતા સંજય ગોરડિયા ત્રણ નાયિકાનો ચોટલો પકડીને ઊભા છે. આ પોસ્ટરને મહિલાઓ માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે. વિવાદ પછી સંજય ગોરડિયાએ તે પોસ્ટર હઠાવી દીધું છે

આ નાટકનો પ્રીમિયર એટલે કે પ્રથમ શો મુંબઈમાં 10 નવેમ્બરે યોજાવાનો છે.

નાટકમાં અભિનય ઉપરાંત દિગ્દર્શન પણ સંજય ગોરડિયાનું છે. નાટકની કથા ગોરડિયાની છે, નાટક લખ્યું છે રાહુલ પટેલે.

સંજય ગોરડિયાએ સોશિયલ મીડિયા પરથી પોસ્ટર હઠાવી દીધું

ગુજરાતી નાટક, ગુજરાત, નાટક, સંજય ગોરડિયા, રંગભૂમિ, મહિલા

ઇમેજ સ્રોત, social media

ઇમેજ કૅપ્શન, નાટકનું પોસ્ટર, જેના પર વિવાદ થયા બાદ હવે સોશિયલ મીડિયા પરથી હઠાવી લેવામાં આવ્યું છે

નાટકનાં પોસ્ટર અને શીર્ષક વિવાદ પર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સંજય ગોરડિયાએ કહ્યું હતું કે, “કેટલાક લોકોને મારા આગામી નાટકનું પોસ્ટર અરુચિકર લાગ્યું હતું. તેમનો જે કંઈ વિરોધ છે તેની સામે કોઈ પણ દલીલ કર્યા વગર તે વિરોધ મેં પૂર્ણરૂપે સ્વીકાર્યો છે અને પોસ્ટર મેં બીજા જ દિવસે સોશિયલ મીડિયા પરથી હઠાવી દીધું હતું."

"મારા નાટકના પોસ્ટરનો વિરોધ કરવા પાછળ કોઈ હિતશત્રુ કે કોઈ સ્થાપિત હિત હશે એવું પણ હું નથી માનતો, કેમ કે મેં નાટ્યક્ષેત્રે લોકોને ખૂબ પ્રેમ કર્યો છે અને મને લોકોનો પ્રેમ ખૂબ મળ્યો છે. પોસ્ટરના વિરોધ પાછળ કોઈ કાવતરું પણ હું નથી માનતો. મેં પોસ્ટર ડિલીટ કરી નાખ્યું, હવે વિવાદ ક્યાં રહ્યો?"

ગુજરાતી નાટક, સંજય ગોરડિયા, મહિલા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, fb/bbc

હિન્દી કવિ દુષ્યન્તકુમારની પંક્તિ ટાંકીને ગોરડિયા આગળ કહે છે કે, ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.’

તેમનું કહેવું છે કે કેટલાક લોકોને સૂરત બદલવા સાથે કોઈ લેવાદેવા નથી હોતી, હંગામો જ ખડો કરવો હોય છે. મને તકલીફ ત્યાં છે.

તેઓ બોલીવૂડનું ઉદાહરણ આપતાં કહે છે, "સલમાન ખાન અને માધુરીને ચમકાવતી ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં એક દૃશ્યમાં સલમાન ખાન મહિલાનો ચોટલો પકડીને ઊભો છે તો ત્યાં કોઈ વિરોધ નહોતો થયો અને મારા નાટકના પોસ્ટરનો વિરોધ થઈ રહ્યો છે."

નાટ્યપ્રેમી અને અમદાવાદમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક નેહા શાહે જણાવ્યું હતું કે, "સલમાને ખાને કર્યું તો એના લીધે બીજાને લાઇસન્સ ન મળી જાય એ પણ ખોટું જ હતું અને આ પણ ખોટું જ છે. ત્રીસ વર્ષ પહેલાં એ ફિલ્મ રજૂ થઈ હતી એટલે વિવાદ ન થયો, આજે સમાજ ત્રીસ વર્ષ આગળ વધી ગયો છે એટલે વિરોધ થાય પણ ખરો. એ વખતે સોશિયલ મીડિયા પણ નહોતું."

ગુજરાતી નાટકોમાં મહિલાના ચિત્રણ અંગે તજજ્ઞોનું શું માનવું છે?

ગુજરાતી નાટક, સંજય ગોરડિયા, મહિલા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, social media

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં નાટક હવે 'ત્રંબક ત્રણ બૈરીવાળો'ના નામે રજૂ થશે, આ નાટકનું નવું પોસ્ટર છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતી ડાયરા અને નાટકોમાં સ્ત્રીની ખાસ કરીને પત્નીની ઠેકડી ઉડાડતા પ્રસંગ રજૂ થતા હોય છે અને સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થઈ રહી છે.

સંજય ગોરડિયા કહે છે કે, “આ સિવાય, મારા એક પણ નાટકમાં સ્ત્રીને ઊતરતી દર્શાવવામાં આવી હોય તો પુરાવો આપો.”

ગોરડિયા ઉમેરે છે કે, “આ દુનિયા મેં બનાવી નથી. પતિ-પત્નીના જૉક સાંભળવાની લોકોને મજા આવે છે, એવું મારું માનવું છે. એમાં કોઈ સ્ત્રીને ઉતારી પાડવાની વાત જ નથી. એમાં જે લોકોને લાગી આવે તેમને તો મારે કંઈ કહેવું જ નથી.”

અમદાવાદનાં નાટ્યકાર, કવયિત્રી અને કર્મશીલ સરૂપ ધ્રુવ બીબીસી ગુજરાતીને કહે છે કે, “સંજયભાઈની એક વાત બહુ સાચી છે કે સરેરાશ ગુજરાતી પ્રજાને પતિ-પત્નીના સસ્તા જૉક વગેરે ખૂબ ગમે છે. મેં નાટકો - ફિલ્મોમાં પણ ગર્લફ્રેન્ડ અને પત્ની વિશે આવા સંવાદ સાંભળ્યા છે. આપણે ગુજરાતીઓ બહુ દંભી પ્રજા છીએ. કોઈ જુવાનિયા પ્લેબૉય જેવા મૅગેઝિન રાખતા હોય તો એની ટીકા કરીએ છીએ, પણ સ્ત્રીની ઠેકડી ઉડાડતા કે ગલગલિયાંવાળા સંવાદો આપણે પત્ની સાથે બેસીને સાંભળીએ છીએ અને ખડખડાટ હસીએ છીએ.”

“આ માનવસહજ કે પુરુષ સહજ પણ હોઈ શકે છે. પણ એ બધાની ઉપર જઈને એ વાત સમજવાની જરૂર છે કે મૂળે તો એ ખોટું છે અને એને એ રીતે જોવું જોઈએ અને ટીકા કરવી જોઈએ, જે નથી થતી. એની સામે બોલવું જોઈએ. તેથી નાટકના પોસ્ટરમાં મહિલાના ચોટલા ખેંચતું ચિત્રણ છે એ ખોટું છે અને એની સામે બોલવું જ જોઈએ.”

સરૂપબહેન કહે છે કે, “સંજયભાઈએ ગુણિયલ નાટકો આપ્યાં છે તેથી ધારાધોરણની અપેક્ષા પણ આપણે તેમની પાસે રાખીએ છીએ. આપણે ગાંધીવાદી ચોખલિયા થવાની જરૂર નથી, પણ નૈતિકતાનું સ્તર તળિયે જઈ રહ્યું હોય ત્યાં તો બોલવું જ જોઈએ.”

'નાટકોમાં સ્ત્રી-પુરુષના સસ્તા જૉક સમાજની માનસિકતાનું ચિત્રણ'

ગુજરાતી નાટક, સંજય ગોરડિયા, મહિલા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, fb/bbc

સ્ત્રી-પુરુષના સસ્તા જૉક લોકોને પસંદ પડતા હોય તો પણ તે નાટક, ડાયરા કે સ્ટેન્ડઅપ કૉમેડીમાં રજૂ ન થવા જોઈએ, કારણ કે સરવાળે તો એ ‘પસંદ’ના ઓઠા હેઠળ એક પ્રકારની ‘માન્યતાને મહોર’ લાગે છે એવું નેહા શાહ માને છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “લોકોને ગમે છે એવો બચાવ કરીએ ત્યારે આપણે એ માનસિકતા પર મહોર મારીએ છીએ, જેને અંગ્રેજીમાં કન્ફર્મિંગ મેન્ટાલિટી કહે છે. પુરુષપ્રધાન માનસિકતા, સામાજિક પૂર્વર્ગહો જે છે તે જૉક, સ્વાભાવિક રીતે થતી વાતો તેમજ નાટક વગેરે આર્ટમાં પ્રતિબિંબિત થાય છે. અને એ જ વસ્તુને તમે પોસ્ટર કે ટાઇટલથી કેપિટલાઇઝ કરો છો. સ્ત્રી-પુરુષના જૉક લોકોને સાંભળવા ગમે જ છે. ગમે છે એટલે આપણે એને રિપીટ કરવું, કરતા રહેવું એ માનસિકતાને કન્ફર્મ કરવા જેવી વાત છે.”

તેઓ વધુમાં કહે છે, “એક જમાનામાં સ્ત્રી સતી થતી હતી અને આજે પણ કેટલાક એવા લોકો મળી આવશે કે એ પ્રથાના તરફદાર હોય, તો શું આપણે એને રીકન્ફર્મ કરશું? એ પ્રથાની પડખે ઊભા રહીને ઊજવશું? સમાજ આગળ વધતો જાય તેમ તેમ સ્વસ્થ સમાજનું લક્ષણ એ છે કે ખરાબ રિવાજ છોડતો જાય અને સારા જે રિવાજ હોય તે સાથે રહે. ખરાબને ઘૂંટ્યા ન કરવાનું હોય. તમે જ્યારે તેને ઘૂંટો છો ત્યારે તેને માન્યતા મળતી હોય છે. તેથી પોસ્ટરનો બચાવ ન થઈ શકે.”

ગુજરાતી નાટક અને સંજય ગોરડિયા

ગુજરાતી નાટક, ગુજરાત, નાટક, સંજય ગોરડિયા, રંગભૂમિ, મહિલા

ઇમેજ સ્રોત, Sanjay Goradia/FB

ઇમેજ કૅપ્શન, અભિનેતા - દિગ્દર્શક સંજય ગોરડિયા

નાટકના ટાઇટલમાં 'બાયડી' શબ્દ છે તેની સામે પણ વાંધો ઊઠ્યો છે.

સંજય ગોરડિયા કહે છે કે, “આ અગાઉ સુંદર 'બે બાયડીવાળો' કે 'બૈરાઓનો બાહુબલી' વગેરે નામ સાથે મેં નાટકો કર્યાં હતાં અને ખૂબ સારાં ચાલ્યાં હતાં. ત્યારે કેમ કોઈ વાંધાનો સૂર નહોતો નીકળ્યો? પોસ્ટરથી શરૂ કર્યું અને ટાઇટલ સુધી લઈ ગયા.”

ગુજરાતમાં નાટકનું શીર્ષક હવે 'ત્રંબક ત્રણ બાયડીવાળો'માંથી સેન્સર દ્વારા 'ત્રંબક ત્રણ બૈરીવાળો' કરી દેવામાં આવ્યું છે.

જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ બોર્ડના સભ્ય છે.

તેમણે સોશિયલ મીડિયા પર કૉમેન્ટ કરી હતી કે, "સંસ્કારિતાના સામાન્ય અને માન્ય નિયમો મુજબ બાયડી શબ્દ જ અરુચિકર છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રજનીકુમારે કહ્યું હતું કે, "મેં પણ એ ટાઇટલ સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે નાટકનું ટાઇટલ બદલાઈ ગયું છે. બાયડી શબ્દ હઠાવી દેવામાં આવ્યો છે. રહી વાત પોસ્ટરની તો ચોટલાવાળું જે પોસ્ટર હતું તે પણ અણછાજતું હતું."

સંજય ગોરડિયાએ કહ્યું છે કે ગુજરાતમાં જ નાટકનું ટાઇટલ બદલવામાં આવ્યું છે. ગુજરાત બહાર મુંબઈ સહિત બીજે ક્યાંય શો થશે તો એનું જૂનું ટાઇટલ જ રહેશે.

નેહા શાહ અને સરૂપ ધ્રુવ એક સૂરમાં કહે છે કે, “બાયડી કે બૈરી એ મહિલા માટેના ખૂબ અપમાનજનક શબ્દો છે. કઈ મહિલાને આ પ્રકારનો શબ્દ પોતાના માટે ગમતો હોય?”

પોસ્ટર અને ટાઇટલના વિવાદ વચ્ચે સંજય ગોરડિયાના સમર્થનમાં પણ કેટલાક લોકોએ સૂર પૂરાવ્યો છે.

નાટ્યલેખક વિનોદ સરવૈયાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "સંજય ગોરડિયાના નવા નાટકના પોસ્ટર બાબત જે વિરોધ થઈ રહ્યો છે તે પોસ્ટર સુધી જ સીમિત હોત તો વાંધો નહોતો, પણ અમુક પર્સનલ કૉમેન્ટ કરી રહ્યા છે તેમનો કોઈ વિરોધ નથી કરી રહ્યું. બાકી આ જ સંજય ગોરડિયાએ 'બા રિટાયર થાય છે', 'મમ્મી મારી માઇન્ડ બલૉઇન્ગ', 'દેરાણી જેઠાણી' જેવાં સ્ત્રીલક્ષી નાટકોનું નિર્માણ કર્યું છે. સંજયભાઈએ ભજવેલાં તમામ નાટકમાં ક્યાંય પણ એમણે દ્વિઅર્થી સંવાદ વાપર્યો હોય તેવું જણાતું નથી. અને 'ત્રંબક ત્રણ બાયડીવાળો' નાટકની વાર્તા હું જાણું છું, તેમાં ત્રંબકના કયા સંજોગોમાં ત્રણ વાર લગ્ન થાય છે અને તેના ફરતે જે નિર્દોષ હાસ્ય ઉત્પન્ન થાય છે તેની વાર્તા છે. નાટક જોશો એટલે જાણ થઈ જશે. ફક્ત એક પોસ્ટર જોઈ નાટકની ગુણવત્તા પર ટીકા ના કરવી જોઈએ."

સરૂપ ધ્રુવે કહ્યું હતું કે, “સંજય ગોરડિયા એક ઉમદા અભિનેતા છે. ગુજરાતી ફિલ્મ કમઠાણ અને હિન્દી ફિલ્મ મહારાજમાં તેમના અભિનયના ઓજસ જોઈ શકાય છે. વાત પોસ્ટર અને ટાઇટલ સામે નૈતિકતાની છે. સંજયભાઈ પર કોઈ પર્સનલ કૉમેન્ટ કરતું હોય તો એ દુખની બાબત છે.”

સંજય ગોરડિયા કહે છે કે, “મને બા રિટાયર થાય છે કે ડૉક્ટર મુક્તા કે લાલીલીલા કે બાએ મારી બાઉન્ડરી જેવાં મારાં નાટકો માટે જેટલો ગર્વ છે એટલો જ ગર્વ ત્રંબક ત્રણ બાયડીવાળા માટે છે. અને હું એના બચાવ તરીકે બા રિટાયર થાય છે વગેરે નાટકો મૂકવાં નથી માગતો. મારું એટલું જ કહેવું છે કે તમે નાટક જુઓ અને પછી અભિપ્રાય રજૂ કરો. મેં નાટકમાં મહિલાને કોઈ અન્યાય જ નથી કર્યો. પોસ્ટર સામે વાંધો હતો તે મેં હઠાવી જ દીધું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.