ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે, ક્યારથી વરસાદની આગાહી?

ગુજરાતમાં ફરી ભરઉનાળે ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાવા જઈ રહ્યો છે. રાજ્યમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 27 એપ્રિલથી રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થવાની છે. જે બાદ આ વરસાદી રાઉન્ડ પણ લાંબો ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં હાલ ભારે ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે સતત કમોસમી વરસાદને કારણે રાજ્યને ભારે ગરમીમાંથી રાહત મળી છે.

બીજી તરફ માર્ચ મહિનામાં થયેલા માવઠાએ ખેતીના પાકને ભારે નુકસાન કર્યું હતું. હવે ફરી થનારો વરસાદ પણ ઉનાળુ પાકને નુકસાન કરે તેવી શક્યતા છે.

ગુજરાતમાં મે અને જૂન મહિનાના દિવસોમાં સામાન્ય રીતે ગરમીનો પારો 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતો હોય છે. પરંતુ આ વર્ષે વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

હવામાન વિભાગે હાલ ચારથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. પરંતુ વેધર મૉડલ્સ પ્રમાણે રાજ્યમાં 6થી 7 મે સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.

શરૂઆતમાં વરસાદ શરૂ થયા બાદ તેનો વ્યાપ વધશે અને વધારે વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હાલ લાગી રહી છે.

ગુજરાતમાં 15 જૂનની આસપાસથી ચોમાસુ શરૂ થતું હોય છે. જે પહેલાં ઉનાળુ પાક લેવાતો હોય છે અને ખેડૂતો ચોમાસા પહેલાંની ખેતીની તૈયારી શરૂ કરી દેતા હોય છે.

એક તરફ આ કમોસમી વરસાદ રાજ્યમાં લોકોને વધતી ગરમીથી રાહત આપશે પરંતુ બીજી તરફ કમોસમી વરસાદનો રાઉન્ડ ઉનાળુ ખેતી કરી રહેલા ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં આવનારા દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

ગુજરાતમાં 27 એપ્રિલના રોજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરના વિસ્તારો અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

જે બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

30 એપ્રિલથી ગુજરાતમાં વરસાદનો વ્યાપ અને જોર બંને વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, કોઈ નાના વિસ્તારોમાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે છે.

30 એપ્રિલથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન પલટાવાની અને કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે તે બાદ વરસાદમાં ઘટાડો આવશે અને ફરી બે કે ત્રણ દિવસ બાદ વરસાદમાં વધારો થઈ શકે છે.

મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાને કારણે રાજ્યમાં લગભગ અડધા મે મહિના સુધી ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના છે.

આગામી ચોમાસામાં કેવો થશે વરસાદ, શું છે આગાહી?

હવામાન વિભાગે એપ્રિલમાં જ આગામી ચોમાસાનું અનુમાન જારી કરી દીધું છે. એ મુજબ આવનારું ચોમાસુ દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. 'સામાન્ય ચોમાસા'નો અર્થ એ છે કે દેશમાં સરેરાશ સારો વરસાદ થશે.

ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થાય છે અને સપ્ટેમ્બર મહિના સુધી તે લંબાય છે. આ ચાર મહિનામાં પડતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 96% વરસાદ થવાની સંભાવના છે. લાંબા ગાળાની સરેરાશ એટલે જૂનથી સપ્ટેમ્બર સુધી પડતો વરસાદ.

ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું ખૂબ મહત્ત્વનું હોય છે, જેના પર ભારતની ખેતીનો સમગ્ર આધાર છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાનું અનુમાન જારી કર્યું છે, તેમના અનુમાન અનુસાર દેશમાં આગામી ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે.

સ્કાયમેટના અનુમાન અનુસાર લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ચોમાસામાં 94 ટકા વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટના કહેવા અનુસાર ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અપૂરતો વરસાદ થવાની શક્યતા છે.