અનિલ દુજાના: 18 મર્ડર, કોર્ટમાં સગાઈ, જામીન પર લગ્ન, યુપીના ગૅંગસ્ટરની કહાણી

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ગૅંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને મેરઠમાં થયેલી અથડામણમાં મારી નાખ્યાનો દાવો કર્યો છે.

યુપી એસટીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ અમિતાભ યશે કહ્યું, ‘વૉન્ટેડ અપરાધી અનિલ દુજાનાને અમારી ટીમે ગુરુવારે બપોરે મેરઠના એક ગામમાં ઘેરી લીધો હતો. તેણે ભાગી છૂટવાના ઈરાદાથી અમારી ટીમ પર ગોળી ચલાવી અને પ્રતિક્રિયા રૂપે થયેલા ફાયરિંગમાં તેનું મૃત્યુ થયું હતું.’

યુપી પોલીસના એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંતકુમારે મીડિયાને કહ્યું કે, ‘એસટીએફ અને બદમાશો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ગૅંગસ્ટર અનિલ દુજાના ઘાયલ થયો હતો. ત્યારપછી તેનું મૃત્યુ નીપજયું હતું. એ કારમાં સવાર હતો અને તેના પાસેથી બે પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ જપ્ત થઈ છે.’

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટા ગૅંગસ્ટરોમાંથી એક ગણાતો અનિલ દુજાના એક અઠવાડિયા પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો.

યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આવેલા એક ગામમાં અનિલ દુજાના રહેતો હતો. તેના પર હત્યા, લૂંટ, બળજબરીપૂર્વક વસૂલી, જમીન પર કબજો કરી લેવો જેવા સંગીન આરોપો હતા અને તેના પર 65 કેસ દાખલ હતા.

દુજાના પર નેશનલ સિક્યૉરિટી એક્ટ, આર્મ્સ ઍન્ડ ગૅંગસ્ટર એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

એવું મનાય છે કે અનિલ દુજાનાના નામનો ડર દિલ્હી-એનસીઆરમાં પણ ફેલાયેલો હતો. યુપી પોલીસે તેના પર ઈનામ પણ જાહેર કર્યું હતું.

અનિલ દુજાનાની કુખ્યાત માફિયા સુંદર ભાટી અને તેની ગૅંગ સાથે પણ દુશ્મનાવટ રહી છે.

આ દુશ્મનાવટમાં આમ તો અત્યાર સુધી અનેક હત્યાઓ થઈ ચૂકી છે. પરંતુ જ્યારે અનિલ દુજાનાએ અપરાધની દુનિયામાં પગ મૂક્યો ત્યારે તેઓ બંને સાથે કામ કરી રહ્યા હતા.

મિત્રો કેવી રીતે બની ગયા દુશ્મન?

પશ્ચિમી યુપીમાં ગૅંગવૉરની શરૂઆત મહેન્દ્ર ફૌઝી અને સતબીર ગુર્જરની દુશ્મનીથી થઈ હતી. બંને 1990ના દાયકામાં માર્યા ગયા હતા.

ત્યારપછી સતબીર ગુર્જરના જ બે સાથીદારો નરેશ ભાટી અને સુંદર ભાટીની ગૅંગવૉર ખૂબ ચર્ચામાં રહેવા રહેતી હતી.

વર્ષ 2000 પહેલાં અનિલ દુજાના એ સુંદર ભાટી માટે ગેરકાનૂની રૂપે સળિયાનો ધંધો કરતો હતો.

આ ધંધાથી જે આવક થતી હતી એનો અમુક ભાગ એ સુંદર ભાટીને આપી દેતો.

એ સમયે અનિલ દુજાના બહુ ચર્ચાસ્પદ નામ ન હતું. દુજાનાએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે સુંદર ભાટીના નામનો સહારો લીધો અને ધીરેધીરે તેનું નામ પણ થવા લાગ્યું.

જોકે આ બધું બહુ લાંબો સમય ન ચાલ્યું અને આ ગેરકાનૂની સળિયાઓના ધંધાને લઈને જ તેમના વચ્ચે અણબનાવ થયો અને બંને છૂટા પડી ગયા.

આ વચ્ચે અનિલ દુજાનાના સબંધો રણદીપ ભાટીના ગૅંગ સાથે સારા થઈ ગયા હતા.

ત્યારબાદ દુજાનાએ નરેશ ભાટીની ગૅંગ સાથે મળીને લૂંટફાટ, અમીરો અને કારોબારી વર્ગ પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કરી દીધું હતું.

યુપી એસટીએફે એવું પણ કહ્યું છે કે અનિલ દુજાનાએ અનેક અપરાધોમાં સક્રિય થઈને પોતાના સાથીઓની મદદથી પૈસા લઈને હત્યાઓ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

સુંદર ભાટી ગૅંગ સાથે જૂની દુશ્મની

વર્ષ 2004ની આ વાત છે જ્યારે સુંદર ભાટી ગૅંગે નરેશ ભાટીની હત્યા કરી હતી.

યુપી એસટીએફ અનુસાર તેના પછીના જ વર્ષે 2005માં નરેશ ભાટીની હત્યાનો બદલો લેવા તેના નાના ભાઈ રણપાલ ભાટીએ સુંદર ભાટીના ભત્રીજા લાલા ફૌજીની હત્યા કરી દીધી.

વર્ષ 2006માં રણપાલ ભાટીને યુપી પોલીસે અથડામણમાં મારી નાખવાનો દાવો કર્યો હતો. તેના પછી નરેશ ભાટી ગૅંગની કમાન તેના નાના ભાઈ રણદીપ ભાટી અને ભાણેજ અમિત કસાનાએ સંભાળી હતી. બંનેએ ફરીથી ગૅંગ બનાવી અને કામ શરૂ કર્યું.

તે દરમિયાન અનિલ દુજાના પણ ગૅંગમાં ભળી ગયો. ત્યારથી અનિલ દુજાના અને સુંદર ભાટી ગૅંગ વચ્ચે ગૅંગવૉર ચાલી આવતી હતી.

વર્ષ 2011માં સુંદર ભાટીને મારવા માટે તેના ભાણેજનાં લગ્નમાં જ રણદીપ ભાટી અને અમિત કસાનાએ અનિલ દુજાના સાથે મળીને AK-47થી ગોળીઓ વરસાવી.

પરંતુ તે સમયે સુંદર ભાટી બચી ગયો અને એ હુમલામાં ત્રણ લોકોનાં મૃત્યુ થઈ ગયાં.

સુંદર ભાટીને મારવા માટે વરસાવામાં આવેલી ગોળીઓથી જે મોત થયાં એ મામલામાં અનિલ દુજાનાને 2012માં પોલીસે પકડ્યો અને પછી જેલમાં મોકલી દેવામાં આવ્યો.

ગૅંગવૉરનો આ સિલસિલો ક્યારેય અટક્યો નહીં.

વર્ષ 2014માં સુંદર ભાટીએ પોતાના પર થયેલા હુમલાનો બદલો લીધો અને અનિલ દુજાનાના ભાઈની હત્યા કરી.

જ્યારે 21 વર્ષ પહેલાં દાખલ થયો હત્યાનો પહેલો કેસ

વર્ષ 2002માં ગાઝિયાબાદના કવિનગરમાં હરબીર પહેલવાનની હત્યા થઈ હતી.

અહીંથી અનિલ દુજાનાના અપરાધોની કહાણીઓ શરૂ થાય છે.

આ પહેલી ઘટના હતી કે જેમાં અનિલ દુજાના સામે હત્યાનો કેસ દાખલ થયો હતો.

ધીમેધીમે આ મામલાઓ વધતાં ગયા અને અત્યારે યુપી પોલીસ અનુસાર અનિલ દુજાના પર હત્યાના 18 મામલા દાખલ થયેલા છે.

કોર્ટમાં પેશી દરમિયાન સગાઈ, પછી જામીન પર લગ્ન

દુજાનાએ જેલમાં રહીને અનેક બીજી ગૅંગ સાથે મળીને પોતાનું કામ શરૂ રાખ્યું હતું.

કહેવાય છે કે દુજાના તેની ગૅંગમાં સતત નવા સદસ્યો પણ જોડતો રહેતો હતો.

ધીમેધીમે અનિલ દુજાનાના ગૅંગની ધાક સમગ્ર પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વર્તાવા લાગી હતી.

જેલમાં રહીને જ અનિલ દુજાના વર્ષ 2015માં જિલ્લા પંચાયતના સભ્યની ચૂંટણી લડ્યો અને જીત્યો હતો.

જોકે પછી, ગૌતમ બુદ્ધ નગરની ચૂંટણીને જ રદ્દ કરી દેવામાં આવી હતી.

અનિલ દુજાનાનાં લગ્નનો કિસ્સો પણ એટલો જ રસપ્રદ છે. જોકે અમુક લોકો આ લગ્નને 'મજબૂરી' તરીકે ઓળખાવે છે.

હકીકતમાં બાગપતના રહેવાસી લીલુનો રાજકુમાર સાથે 40 વીઘા જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

કહેવાય છે કે રાજકુમારે લીલુ સામે મુકાબલો કરવા માટે પોતાની બે દીકરીનાં લગ્ન જાણીતા અપરાધી હરેન્દ્ર ખડખડા અને તેના ભાઈ સાથે કરી દીધાં હતાં. તેમની સામે લીલુ નબળો પડી રહ્યો હતો.

આ જ કારણે લીલુએ પોતાની દીકરી પૂજાનાં લગ્ન હરેન્દ્રથી પણ મોટા અપરાધીથી કરવાનું નક્કી કરી લીધું હતું.

તેની નજર સુનીલ રાઠી પર હુમલો કરનારા ગૅંગસ્ટર અનિલ દુજાના પર મંડાયેલી હતી અને તેની દીકરી પૂજાનાં લગ્ન દુજાના સાથે કરાવી દીધાં.

જોકે એ સમયે અનિલ દુજાના જેલમાં હતો અને સવાલ એ હતો કે હવે લગ્ન કઈ રીતે થશે.

ત્યારપછી એક મામલામાં તેને 16 ફેબ્રુઆરી, 2019ના દિવસે કોર્ટમાં હાજર કરાયો હતો અને અને ત્યાં કોર્ટમાં જ તેણે પૂજા સાથે સગાઈ કરી લીધી.

પછી ફેબ્રુઆરી 2021માં એ જામીન પર બહાર નીકળ્યો અને પૂજા સાથે લગ્ન કરી લીધાં.

નોઇડા અને તેની આસપાસ બનતી ઘટનાઓને કવર કરનાર પત્રકાર સુજિત રાઠીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે અનિલ દુજાનાની પત્ની તેને મળવા માટે જેલ જતી હતી અને બંનેને એક દીકરી પણ છે.

‘સુંદર ડાકુ’ના જ ગામનો હતો અનિલ દુજાના

બાદલપુરના દુજાના ગામને આજે ભલે અનિલ દુજાનાને કારણે લોકો ઓળખે છે, પરંતુ અનેક દાયકા પહેલાં પણ આ ગામનું નામ લોકોના કાનમાં ગૂંજ્યા કરતું હતું.

યુપીના ગૌતમ બુદ્ધ નગર એટલે કે નોઇડાના બાદલપુર પોલીસ થાણા નીચે દુજાના ગામ આવે છે. અહીં 1970-80ના દશકમાં સુંદર નાગર ઉર્ફે સુંદર ડાકુ બહુ ચર્ચિત ચહેરો હતો.

‘ક્રાઇમ તક’ વેબસાઇટ પ્રમાણે સુંદર ડાકુએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે, ઘણી વાર ધરપકડ થયા બાદ પોલીસ સાથે થયેલી અથડામણમાં તેનું પણ મૃત્યુ થયું હતું.

પહેલી વાર જ્યારે અનિલ નાગર જેલ ગયો ત્યારે તેણે પોતાના નામ પાછળથી નાગર હટાવીને દુજાના કરી દીધું હતું.

કહેવાય છે કે દુજાના પશ્ચિમી યુપીમાં જમીન પર કબજો કરવો, કબજો છોડાવવો, લૂંટ અને ખંડણી વસૂલવામાં માહેર થઈ ગયો હતો.

અનિલ દુજાના પર નોઇડા પોલીસે 50 હજાર અને બુલંદશહર પોલીસે 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત સપ્તાહે જેલમાંથી બહાર આવતા જ અનિલ દુજાનાએ તેની સામે જુબાની આપનાર લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.

એસટીએફએ દુજાનાની શોધખોળ ચાલુ કરી દીધી હતી અને ગુરુવારે અથડામણમાં તેનું મૃત્યુ થયું હોવાનો દાવો કર્યો છે.