દુનિયાભરની બૅન્ક, મીડિયા સમૂહો અને વિમાનસેવા કેમ પ્રભાવિત થયાં? ક્રાઉડસ્ટ્રાઇક શું છે?

માઇક્રોસૉફ્ટ, આઇટી સેવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરના અનેક મીડિયાસંસ્થાન, ઍરલાઇન્સ કંપનીઓ તથા બૅન્કોએ તેમની આઈટી સેવાઓમાં અવરોધ ઊભો થયો હોવાની ફરિયાદ કરી છે, જેના કારણે તેમની સેવાઓમાં પણ સમસ્યાઓ ઊભી થઈ છે.

શા માટે આ સમસ્યા ઊભી થઈ છે, તેના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, છતાં આઈટી આઉટેજનો સામનો કરી રહેલી અનેક કંપનીઓએ માઇક્રોસૉફ્ટ પીસી ઑપરેટિંગ સિસ્ટમમાં આવેલી ખામીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર માઇક્રોસૉફ્ટ 365એ તેના સત્તાવાર હૅન્ડલ ઉપરથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લખ્યું કે તેમની સેવાઓમાં અપડેટ કરવામાં આવ્યા છે, "માઇક્રોસૉફ્ટ 365, તેની અલગ-અલગ ઍપ્સ તથા સેવાઓનો ઉપયોગ કરવામાં વપરાશકર્તાઓને મુશ્કેલી પડી રહી છે અમે તેમની સમસ્યાઓની તપાસ ચાલુ કરી દીધી છે."

માઇક્રોસૉફ્ટના એક પ્રવક્તાએ શુક્રવારે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે થોડાં કલાક પહેલાં જ મોટાભાગની સેવાઓ બહાલ થઈ ગઈ છે.

આ આઈટી સંકટની ઑસ્ટ્રેલિયા ઉપર વિશેષ અસર થઈ છે. દેશના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આ આઈટી સંકટ એક સાયબલ સિક્યૉરિટી ફર્મ સાથે જોડાયેલો છે, જોકે ઑસ્ટ્રેલિયાની સાયબર સિક્યૉરિટી ઉપર નજર રાખતી સરકારી એજન્સીનું કહેવું છે કે આની પરિસ્થિતિ માટે કોઈ સાયબરહુમલો જવાબદાર હોય એમ નથી લાગતું.

કઈ સેવાઓ પ્રભાવિત થઈ?

માઇક્રોસૉફ્ટ, આઇટી સેવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કમ્પ્યૂટર સિસ્ટમમાં એક મોટી ખામીને કારણે દુનિયાભરમાં ટ્રાન્સપોર્ટ, બ્રૉડકાસ્ટ, હૉસ્પિટલ અને અન્ય ક્ષેત્રોની સેવાઓ અટકી પડી હતી.

દુનિયાભરમાં અનેક ફ્લાઇટ્સ રદ્દ થઈ હતી અને અનેક ઉડાણોનો ટાઇમ આગળ વધારવામાં આવ્યો હતો.

અમેરિકી એરલાઇનનું કહેવું છે કે આ સમસ્યાનું કારણ સાઇબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈક છે.

સાઇબરસ્ટ્રાઇકે કહ્યું છે કે તેમને સમસ્યાનું મૂળ ખબર પડી ગઈ છે અને એ સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવ્યું છે.

અમેરિકાના અલાસ્કા રાજ્યએ કહ્યું હતું કે તેમની ઇમરજન્સી સેવાઓનું નેટવર્ક પણ પ્રભાવિત છે.

ભારતના ઍરપૉર્ટ પર પણ સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી ઍરપૉર્ટ પર પણ ઉડાણોના ગેટની જાણકારી વ્હાઇટબૉર્ડ પર લખવામાં આવી રહી છે.

પેરિસ ઑલિમ્પિકની આઇટી સિસ્ટમ પણ પ્રભાવિત થઈ છે.

ક્રાઉડસ્ટ્રાઇક શું છે?

માઇક્રોસૉફ્ટ, આઇટી સેવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Georje Kurtz/X

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સંવાદદાતા ટૉમ ગેરકનનાં જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ ખ્યાલ આવ્યો ન હતો કે દુનિયાભરમાં આઈટી સેવાઓ પ્રભાવિત થવાનું કારણ શું છે.

પરંતુ અમેરિકન ઍરલાઇને આ માટે ક્રાઉડસ્ટ્રાઇક નામની સાઇબર સિક્યોરિટી કંપનીને જવાબદાર ગણાવી છે. હવે સ્વિટ્ઝરલૅન્ડની સાઇબર સિક્યોરિટી એજન્સીએ પણ આ જ કંપની પર સવાલો ઉઠાવ્યાં છે.

ક્રાઉડસ્ટ્રાઇક એક સાઇબરસિક્યોરિટી કંપની છે જેની સ્થાપના વર્ષ 2011માં થઈ હતી. ક્રાઉડસ્ટ્રાઇક દુનિયાભરની કંપનીઓ અને હાર્ડવેરને સાઇબર એટેકથી બચાવવાની કોશિશ કરે છે.

આ કંપની ઍડપોઇન્ટ સિક્યોરિટીમાં માહેર છે અને કૉર્પોરેટ નેટવર્કથી કનેક્ટ થનારાં ઉપકરણો, જેમ કે ફૉન અને લૅપટોપ વગેરેને વાઇરસ કે માલવેયરથી બચાવી શકે છે.

તે એવી કંપનીઓને પણ સુરક્ષા પ્રદાન કરે છે કે જે ક્લાઉડ નેટવર્ક મારફત કામ કરે છે. તે આવી કંપનીઓના ડેટાની સુરક્ષા કરે છે.

ટેક્સાસ સ્થિત ફર્મની આ સ્થાપના ઉદ્યમીઓ જ્યૉર્જ અને દમિત્રી અલ્પેરોવિચે કરી હતી. કંપની 2019માં ટેક હેવી નાસડેક સ્ટૉક ઍક્સચૅન્જ પર લિસ્ટેડ થઈ હતી. લૉન્ચ થયા બાદ જ કંપનીએ સાઇબર હુમલાઓની તપાસ કરવામાં મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે.

2016માં આ કંપનીને યુએસ ડેમોક્રેટિક નેશનલ કમિટીએ પોતાના કમ્પ્યૂટર નેટવર્કની તપાસ માટે બોલાવી હતી.

સાઇબરસ્ટ્રાઇકના સહસંસ્થાપક જ્યૉર્જ કુર્ત્ઝે ઍક્સ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ક્રાઉડસ્ટ્રાઇક વિન્ડૉઝ એ હોસ્ટથી પ્રભાવિત ગ્રાહકો માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. તેના કારણે મૅક અને લિનક્સ હૉસ્ટ પ્રભાવિત થયા નથી. આ કોઈ સાઇબર હુમલો નથી. સમસ્યા ઓળકી લેવામાં આવી છે અને તેનું સમાધાન મળી ગયું છે. "

"અમે ગ્રાહકોને અપડેટ માટે હૅલ્પ પૉર્ટલ બનાવવાની વિનંતી કરીએ છીએ. અમે અમારી વેબસાઇટ પર નિરંતર અપડેટ કરવાનું શરૂ રાખીશું. અમારી સલાહ છે કે કંપનીઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ અધિકૃત ચેનલોના માધ્યમથી ક્રાઉડસ્ટ્રાઇક પ્રતિનિધિઓના સંપર્કમાં રહે. ક્રાઉડસ્ટ્રાઇકની ટીમ ગ્રાહકોની સિક્યોરિટી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સક્રિય રહે."

ભારતમાં વિમાનસેવાઓ પ્રભાવિત

માઇક્રોસૉફ્ટ, આઇટી સેવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં પણ આઈટી સેવાઓને અસર પડી છે તથા દેશના અનેક ઍરપૉર્ટ્સે ઍડ્વાઇઝરી બહાર પાડીને મુસાફરોને સાવચેત કર્યા છે.

ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "ગ્લોબલ આઉટેજ મુદ્દે અમારો વિભાગ માઇક્રોસૉફ્ટ સાથે સંપર્કમાં છે. આમ થવા પાછળનું કારણ જાણી લેવાયું છે અને તેને પહોંચી વળવા માટે કામ ચાલુ છે. સીઈઆરટી (ભારતની કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ) ટેક્નિકલ ઍડ્વાઇઝરી બહાર પાડશે. ભારતનાં એનઆઈટી નૅટવર્ક પર તેની કોઈ અસર નથી થઈ."

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઍરપૉર્ટ ઉપર ચૅક-ઇન માટેના તમામ ટર્મિનલ બંધ છે. બીબીસી સંવાદદાતા સમીરા હુસૈન ઍરપૉર્ટ પર પહોંચ્યાં હતાં, જ્યાં તેમને કોરા બૉર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા, જેની ઉપર પેનથી માહિતી ભરવા માટે કહેવામાં આવ્યું હતેં. આ પ્રકારના બૅગ્સના ટૅગ્સમાં પણ હાથેથી માહિતી ભરવામાં આવી હતી.

ઍરપૉર્ટના ત્રણ નંબરના ટર્મિનલ ઉપર એક વ્યક્તિ હાથેથી વ્હાઇટ બોર્ડ ઉપર માહિતી લખતી જોવા મળી હતી. ઍરપૉર્ટે તેના ઍક્સ હૅન્ડલ ઉપર લખ્યું, "ગ્લોબલ આઈટી મુશ્કેલીને કારણે દિલ્હી ઍરપૉર્ટની અમુક સેવાઓમાં હંગામી અવરોધ ઊભો થયો છે. આ અસરને ઓછી કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. યાત્રિઓને વિનંતી છે કે તેઓ ઍરલાઇન્સના સંપર્કમાં રહે. અસુવિધા બદલ ખેદ છે."

મુંબઈની છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટે પણ તેના મુસાફરો માટે ઍડ્વાઇઝરી જાહેર કરી છે. તેણે પોતાના ઍક્સ હૅન્ડલ પર લખ્યું, "ગોલબલ આઈટી સમસ્યાને કારણે અમુક કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો છે. આ ગાળા દરમિયાન બુકિંગ, ચૅક-ઇન અને બૉર્ડિંગ પાસ ઈશ્યુ કરવા જેવી સેવાઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. મહેરબાની કરીને ઍરલાઇન્સ કંપનીનો સંપર્ક સાધો."

ઍર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ તથા અલાસ્કા સોશિયલ મીડિયા ઉપર તમના નિવેદન મૂકીને કેટલીક સેવાઓમાં વિક્ષેપ ઊભો તવાની વાત કહી છે. દરેકે આને માટે ખેદ વ્યક્ત કર્યો છે. એમાંથી અમુકે માઇક્રોસૉફ્ટના સર્વરમાં મુશ્કેલી ઊભી થવાને કારણે આમ થયું હોવાનું જણાવ્યું છે.

તત્કાળ સેવાઓને અસર

માઇક્રોસૉફ્ટ, આઇટી સેવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાની સાયબર સિક્યૉરિટી ઉપર નજર રાખતી એજન્સીએ નિવેદન બહાર પાડીને જણાવ્યું, "અત્યારસુધી અમારી પાસે જે માહિતી છે, તે મુજબ થર્ડ પાર્ટી સૉફ્ટવૅર પ્લૅટફૉર્મમાં ખામી ઊભી થઈ છે, જેના કારણે તેનો ઉપયોગ કરતી કંપનીઓને અસર પહોંચી છે."

બીજી બાજુ, અમેરિકાના રાજ્ય અલાસ્કામાં અધિકારીઓનું કહેવું છે કે ઇમર્જન્સી સેવાઓ માટેની 911 તથા આપાતકાલીન ન હોય તેવી કેટલીક સેવાઓના કૉલસૅન્ટર બરાબર રીતે કામ નથી કરી રહ્યાં. ઇમર્જન્સી સેવાઓને પણ અસર પડવાની પણ શક્યતા છે.

વિશ્વભરમાં અનેક ઍરલાઇન્સ કંપનીઓએ તેમની વિમાનસેવાઓને અટકાવવી પડી હતી જ્યારે અનેક ઉડ્ડાણોમાં મોડું થયું છે.

ઑસ્ટ્રેલિયાના સુપરબજાર ઠપ થઈ ગયા છે તથા અનેક દેશોમાં મીડિયાસંસ્થાઓએ સિસ્ટમ ફેલ થવાને કારણે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બ્રિટનના સ્કાય ન્યૂઝે તેનું પ્રસારણ અટકાવી દેવું પડ્યું હતું.

માઇક્રોસૉફ્ટ, આઇટી સેવાઓ, બીબીસી ગુજરાતી

ટૅક્નૉલૉજી આઉટેજને કારણે વિશ્વભરની ફ્લાઇટો અને મીડિયા કંપનીઓને સમસ્યા ઊભી થઈ છે.

વિશ્વભરની મોટી બૅન્કો, મીડિયા હાઉસ અને ઍરલાઇન કંપનીઓ ટૅક્નૉલૉજી આઉટેજને કારણે આ સમસ્યાનો સામનો કરી રહી છે.

ઑસ્ટ્રેલિયાના સિડની હવાઇમથક પર ફ્લાઇટો રોકવામાં આવી છે. આ ઉપરાંત લંડન સ્ટૉક ઍક્સચેન્જ ગ્રૂપના પ્લૅટફૉર્મ પર પણ આઉટેજ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત બ્રિટેનમાં ટ્રેન, જર્મનીના બર્લિન ઍરપૉર્ટ પર ફ્લાઇટો પર આ આઉટેજની અસર જોવા મળી રહી છે. અમેરિકાની યુનાઇટેડ, ડેલ્ટા અને અમેરિકન ઍરલાઇન્સે પોતાની બધી જ ફ્લાઇટો રોકી દીધી છે.

માઇક્રોસૉફ્ટે જાણકારી આપી હતી કે કંપની અમેરિકાની ક્લાઉડ સર્વિસમાં આવેલી સમસ્યા વિશે તપાસ કરી રહી છે. આ કારણે કેટલીક ઍપ્સ અને સર્વિસને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

માઇક્રોસૉફ્ટના પદાધિકારીઓનું કહેવું છે કે તેઓ આ સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ભારતમાં રાજધાની દિલ્હીના ઍરપૉર્ટે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે વૈશ્વિક આઈટી સંકટને કારણે તેની સેવાને પણ અસર પહોંચી છે.

દિલ્હી ઍરપૉર્ટના જણાવ્યા પ્રમાણે તેમના કર્મચારીઓ યાત્રિકોની પરેશાની દૂર થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

ઍરઇન્ડિયાએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી કે માઇક્રોસૉફ્ટના સર્વરમાં તકલીફ હોવાને કારણે તેમની સિસ્ટમ પણ પ્રભાવિત થઈ છે. ઍરઇન્ડિયાએ યાત્રીકોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.