સેનામાં ઑફિસર બનવાના આટલા રસ્તા છે, પરંતુ સિલેક્ટ થવા માટે શું કરવું, કેવી તૈયારી કરવી પડે?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય સેના વિશ્વની પાંચ સૌથી મોટી સેનાઓ પૈકી એક ગણાય છે એવું વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યૂનો રિપોર્ટ કહે છે. આ રિપોર્ટમાં વસ્તી, અર્થતંત્ર, આરોગ્ય વગેરેના આંકડા સરળ રીતે રજૂ કરાય છે.

ભૂમિદળ, વાયુસેના અને નૌકાદળ- એમ ત્રણેયનો સરવાળો કરીએ તો 2024માં ભારતમાં કુલ 15 લાખ લોકો સેનામાં સક્રિય સર્વિસ કરતા હતા.

ભારતીય સેનામાં ભરતી થવાના આમ તો ઘણા રસ્તા છે, પરંતુ તમે ઑફિસર બનવા માગતા હોવ તો આ કામ એનડીએ (નૅશનલ ડિફેન્સ એકૅડેમી) અને સીડીએસ (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિસ) દ્વારા થઈ શકે છે.

પરંતુ તેના માટેની પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી અને આ કેડેટ્સને પસંદ કરવામાં આવે ત્યારે તેમાં કેવી કેવી ખૂબીઓ જોવામાં આવે છે.

આ સવાલોના જવાબ મેળવવા અમે મેજર જનરલ (રિટાયર્ડ) સંજીવ ડોગરા સાથે વાત કરી. તેઓ રિટાયર થયા તે અગાઉ એનડીએમાં ડેપ્યુટી કમાન્ડન્ટ અને ચીફ ઇન્સ્ટ્રક્ટર જેવા મહત્ત્વના હોદ્દા પર રહ્યા છે.

એનડીએ અને સીડીએસ માટે શેની જરૂર પડે?

NDA અને CDS એ આર્મી, નેવી અને ઍરફોર્સ માટે કેડેટ્સની પસંદગી કરે છે અને તેમને ઑફિસર બનવા માટે તાલીમ આપે છે. એનડીએની તાલીમ સંસ્થા પૂણેના ખડકવાસલામાં આવેલી છે.

એનડીએ અને સીડીએસ - બંનેની પ્રવેશ પરીક્ષાઓ UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. NDAની પહેલી પરીક્ષા માટેનું જાહેરનામું જાન્યુઆરીમાં અને બીજું નોટિફિકેશન જૂનમાં બહાર પાડવામાં આવે છે. સીડીએસ માટે એપ્રિલ અને સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવે છે.

એનડીએ માટે ધોરણ 12 પાસ કરનારા યુવકો અને યુવતીઓ અરજી કરી શકે જેમની ઉંમર 16 વર્ષથી 19 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તથા અપરિણીત હોવા જોઈએ.

ધોરણ 12મું ભણતા હોય તેવા યુવાનો પણ તેના માટે ફૉર્મ ભરી શકે અને લેખિત પરીક્ષા આપી શકે છે.

સીડીએસ માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. આ બંને વચ્ચે તફાવત છે.

સીડીએસ માટે અરજી કરવા ઉમેદવારની ઉંમર 19 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

આ પરીક્ષાઓ કોણ આપી શકે?

એનડીએની પરીક્ષા માટે ઉંમર ઉપરાંત આ શરતો પણ પૂરી કરવી જરૂરી છેઃ

ઉમેદવાર ભારતીય નાગરિક હોવા જોઈએ

નેપાળના નાગરિક પણ ચાલે (અમુક શરતો સાથે)

તિબેટના રેફ્યુજી હોય જેઓ પહેલી જાન્યુઆરી, 1962 અગાઉથી ભારત આવ્યા હોય

ભારતીય મૂળની વ્યક્તિ જે પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા, ઝામ્બિયા, ઇથોપિયા અથવા વિયેતનામથી ભારતમાં કાયમી સ્થાયી થવાના ઇરાદાથી સ્થળાંતર કરીને આવ્યા હોય

ઍરફોર્સ અને નેવી માટે 12મા ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મૅથ્સ હોવું જોઈએ

નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ

કોઈ બીમારી, સિન્ડ્રોમ કે વિકલાંગતા હોવી ન જોઈએ

કોઈ ઉમેદવાર સામે અગાઉ આર્મ્ડ ફોર્સીસની કોઈ તાલીમ એકૅડેમીમાં પહેલેથી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હોય, તો તેઓ અરજી ન કરી શકે

સીડીએસની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય છે, જે યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. તેમાં નાગરિકતાની શરતો એનડીએ જેવી જ હોય છે.

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, જો કોઈ વ્યક્તિ ચેન્નાઈ સ્થિત ઇન્ડિયન મિલિટરી એકૅડેમી અને OTAમાં જવા માગતા હોય, તો ઉમેદવાર કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જરૂરી છે.

ઇન્ડિયન નેવલ એકૅડેમીમાં પ્રવેશ ઍન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ઍરફોર્સ એકૅડેમી માટે ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગણિત જરૂરી છે. કેટલીક ટેકનિકલ પોસ્ટ્સ પર ભરતી માટે ઍન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ.

પરીક્ષા કેવા પ્રકારની હોય?

નૅશનલ ડિફેન્સ એકૅડેમી (એનડીએ)ની પ્રવેશ પરીક્ષા લેખિતમાં હોય છે. ત્યાર પછી ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટૅસ્ટ લેવાય છે.

લેખિતમાં બે પરીક્ષા હોય છે.

  • ગણિત
  • જનરલ એબિલિટી ટૅસ્ટ

સીડીએસ માટે લેખિત પરીક્ષા હોય છે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેવાય છે જેમાં ઇંગ્લિશ, જનરલ નૉલેજ અને એલિમેન્ટરી મેથમેટિક્સની પરીક્ષા સામેલ છે. ઓટીએ માટે ગણિતની પરીક્ષા નથી લેવાતી.

લેખિત પરીક્ષા પછી યુપીએસસી દ્વારા મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ મેળવનારા ઉમેદવારોની યાદી બનાવાય છે.

ત્યાર બાદ ઉમેદવારોને ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટૅસ્ટ માટે એસએસબી (સર્વિસિસ સિલેક્શન બોર્ડ) સમક્ષ ઉપસ્થિત થવાનું હોય છે. એસએસબી પાંચ દિવસ સુધી ચાલનારી પ્રક્રિયા છે.

CDS OTAના કૅડેટ્સ શૉર્ટ સર્વિસ કમિશન (SSC) માટે પાત્ર હોય છે. તેમનો સર્વિસનો સમયગાળો 10 વર્ષનો હોય છે. જોકે, તેઓ આ સમયગાળા પછી કાયમી કમિશન મેળવવા માંગતા હોય, તો તેઓ તેના માટે અરજી કરી શકે છે.

એનડીએની ત્રણ વર્ષની તાલીમ પછી કૅડેટ્સ જે એકૅડેમી માટે પસંદ કરવામાં આવ્યા હોય, ત્યાં તાલીમ લે છે. આ તાલીમ NDA કૅડેટ્સ માટે એક વર્ષ ચાલે છે. આનો અર્થ એ થાય કે NDA કૅડેટ્સ ચાર વર્ષની તાલીમ પછી કમિશન્ડ ઑફિસર બને છે.

સીડીએસની તાલીમ કેટલી લાંબી ચાલશે તેનો આધાર આ તાલીમ કઈ એકૅડેમીમાં અપાય છે તેના પર રહેલો છે. જેમ કે ઇન્ડિયન મિલિટરી એકૅડેમી (આઈએમએ), ઇન્ડિયન નેવલ એકૅડેમી (આઈએનએ) અને ઍરફોર્સ એકૅડેમીમાં 18 મહિનાની તાલીમ હોય છે, જ્યારે ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીની તાલીમ લગભગ 11 મહિનાની હોય છે.

જે કૅડેટ્સને આર્મી માટે પસંદ કરવામાં આવે તેઓ આઈએમએ જાય છે, વાયુસેનાના કૅડેટ્સને ઍરફૉર્સ એકૅડેમી (એએફએ) મોકલવામાં આવે છે. જ્યારે નેવીવાળા કૅડેટ્સ (આઈએનએ)માં જાય છે. એનડીએની તાલીમ પૂરી થાય ત્યારે તેમને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની બેચલર્સ ડિગ્રી પણ મળે છે. સીડીએસ કરનારાઓને મૅનેજમેન્ટ કોર્સનો ડિપ્લોમા આપવામાં આવે છે.

કઈ વાતોનું ધ્યાન રાખવું?

રિક્રૂટમેન્ટનો આધાર પરીક્ષા, એસએસબી ઇન્ટરવ્યૂ/પર્સનાલિટી ટેસ્ટ, ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ હોય છે.

આ બધું એનડીએમાં ભરતી પહેલાં જરૂરી હોય છે. પરંતુ એનડીએમાં સિલેક્ટ થવા માટે કેવા કૌશલ્યની જરૂર પડે?

મેજર જનરલ (રિટાયર્ડ) સંજીવ ડોગરાએ જણાવ્યું કે સિલેક્શનમાં માત્ર ભણતર નહીં, પરંતુ લીડરશિપ ક્વૉલિટી દેખાડવી પડે છે. કારણ કે આગળ જતા તેમણે મિલિટરી લીડર બનવાનું હોય છે.

તેમના કહેવા મુજબ આ લીડરશિપ ક્વૉલિટીને ત્રણ રીતે આંકવામાં આવે છે.

લીડર કેવા છે? તેમાં નૈતિકતા, ઇમાનદારી જેવા વ્યક્તિત્વના મહત્ત્વના પાસાને જોવામાં આવે છે.

લીડર શું જાણે છે? એટલે કે તેના નૉલેજનો આધાર શું છે, કરન્ટ અફેર્સ પર કેટલી પકડ છે, કેટલું જનરલ અવેરનેસ ધરાવે છે.

લીડર શું કરે છે? એટલે કે તેનો વ્યવહાર અને પરીક્ષામાં કેવું પ્રદર્શન છે.

કૅડેટ કઈ રીતે ચૂંટાય છે?

સંજીવ ડોગરા કહે છે કે એસએસબીમાં ચાલતી પાંચ દિવસની પ્રક્રિયાનો હેતુ ઉમેદવારોમાં ઑફિસર જેવી ક્વૉલિટી એટલે કે ઓએલક્યુને આંકવાનો હોય છે.

આનું આકલન ત્રણ રીતે કરવામાં આવે છે.

જેમ કે કૅડેટના મનમાં શું ચાલે છે તે જાણવા સાયકોલૉજી ટેસ્ટ થાય છે.

વ્યવહાર અને ટીમવર્કની ભાવનાને ચકાસવા માટે ગ્રૂપ ટાસ્ક હોય છે.

બોલચાલ અને વિચાર જાણવા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવાય છે.

આ બધાને પાસ કરે તેની મેડિકલ ફિટનેસ જોવામાં આવે છે.

અંતમાં લેખિત અને એસએસબીના ગુણ મેળવીને મેરિટ લિસ્ટ બને છે. ત્યાર પછી ઍરફોર્સ, નેવી અને આર્મીમાં ખાલી જગ્યાઓ ભરવા કૅડેટ્સ પસંદ કરાય છે.

કેવી રીતે તૈયારી કરવી?

સંજીવ ડોગરાનું કહેવું છે કે ભારતીય સેનાને ટૉપર જોઈએ છે એવું નથી. પરંતુ તે જવાબદાર અને શિસ્તબદ્ધ કૅડેટ હોવા જોઈએ.

તેઓ કહે છે કે તમે જે હોવ તે બની રહો. તમારા વ્યવહારમાં એવાં કોઈ પાસાં દેખાડવાનો પ્રયાસ ન કરો, જે વાસ્તવમાં તમારા વ્યક્તિત્વમાં ન હોય.

તેથી ઉમેદવારોએ અસલ, ઇમાનદાર અને જવાબદાર રહેવું. મહેનતુ અને શિસ્તબદ્ધ રહેવું. કોઈ હૉબી વિકસાવો અને કોઈ સ્પોર્ટમાં રસ પેદા કરો.

પુસ્તકો વાંચો, મોબાઇલ પર સમય ગાળવાના બદલે લોકો સાથે જોડાવ.

સંજીવ ડોગરા કહે છે, સેનામાં જવાનું સપનું જોતા દરેક બાળકે આજથી જ લીડર જેવો વ્યવહાર કરવો જોઈએ. નૈતિક મૂલ્યોને અપનાવો અને પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન આપો.

સંજીવ ડોગરાનું કહેવું છે કે કોઈ સારી વ્યક્તિ હોય તો આ વાત ઇન્ટરવ્યૂ દરમિયાન સિલેક્ટર્સ સુધી પહોંચવી જોઈએ. કારણ કે સેનાની તાલીમ એવી હોય છે કે તે કોઈને પણ પોતાના હિસાબે ઢાળી શકે છે. તેથી કૅડેટ્સે પોતાની વાત સ્પષ્ટ રીતે રાખવી જોઈએ.

ફી કેટલી હોય અને કેટલો ગ્રોથ થાય?

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે એનડીએ અને સીડીએસ બંને માટે કોઈ તાલીમની ફી નથી હોતી. કૅડેટ્સની તાલીમ, રહેવા-જમવા, તબીબી સારવાર સહિતનો બધો ખર્ચ સરકાર ઉપાડે છે.

હા, આ વર્ષે એનડીએની પરીક્ષા માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, તેમાં જણાવાયું છે કે કૅડેટ્સની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન કપડા, પૉકેટ અલાઉન્સ, ગ્રૂપ ઇન્શ્યૉરન્સ ફંડ વગેરે માટે લગભગ 35 હજાર રૂપિયા એકૅડેમીને આપવાના હોય છે.

પરંતુ એનડીએની તાલીમનાં ત્રણ વર્ષ પછી કૅડેટ સ્પેશિયલાઇઝ્ડ એકૅડેમીમાં પહોંચે ત્યારે તેમને સ્ટાઇપેન્ડ તરીકે એક રકમ મળે છે. સીડીએસના ટ્રેઇની માટે પણ આવો જ નિયમ છે.

સીડીએસ અને એનડીએ બંનેના તાલીમાર્થીને દર મહિને સ્ટાઇપેન્ડ તરીકે 56 હજાર રૂપિયાની આસપાસ મળે છે.

જોકે, સૈન્ય અધિકારીએ જણાવ્યું કે સીડીએસની સરખામણીમાં એનડીએ માટે એસએસબીને પાસ કરવાનું વધારે સરળ છે.

તેમણે કહ્યું કે, "તેનું કારણ છે કે એનડીએના કૅડેટ્સની ઉંમર ઓછી હોય છે. સ્વભાવિક રીતે તેમાં મૅચ્યૉરિટી પણ સીડીએસના કૅડેટની તુલનામાં ઓછી હોય છે. તેથી ભૂલ થવાની શક્યતા પણ ઘટી જાય છે."

કૅડેટ્સને શરૂઆતમાં લેફ્ટનન્ટના પદ પર કમિશનિંગ મળે છે.

સીડીએસ અને એનડીએમાંથી ગ્રોથના હિસાબે શું વધારે યોગ્ય છે, તેવું પૂછવામાં આવે તો એનડીએ આગળ છે.

કારણ કે એનડીએના કૅડેટ્સની ઉંમર ઓછી હોય છે. પ્રમોશન દ્વારા હાઈ રૅન્ક સુધી પહોંચવા માટે સીડીએસના કૅડેટની તુલનામાં તેની પાસે ત્રણથી ચાર વર્ષનો વધારે સમય હોય છે.

અન્ય રસ્તા પણ છે

સેનામાં ઑફિસર તરીકે જોડાવા માટે એનડીએ અને સીડીએસ ઉપરાંત બીજા રસ્તા પણ છે.

આર્મીમાં જોડાવા માટે પીસીએમના સ્ટુડન્ટ માટે ટેક્નિકલ ઍન્ટ્રી સ્કીમ હોય છે. આ ઉપરાંત કાયદાના ગ્રેજ્યુએટ્સ માટે જજ ઍડ્વોકેટ જનરલ (જેએજી) જેવા રસ્તા છે.

નેવીમાં શૉર્ટ સર્વિસ કમિશન માટે ઇન્ડિયન નેવી ઍન્ટ્રન્સ ટેસ્ટ (INET) લેવાય છે જેને ગ્રેજ્યુએટ્સ આપી શકે છે.

ઍરફોર્સમાં ભરતી માટે ઍરફોર્સ કૉમન એડમિશન ટેસ્ટ (AFCAT) લેવાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન