IPL : ઋષભ પંત સૌથી મોંઘા ખેલાડી કેવી રીતે બન્યા?

ઋષભ અને શ્રેયસ જેવા ભારતીય ખેલાડીઓ આઇપીએલની હરાજીમાં છવાયેલા રહેવા પાછળનાં કારણો શું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋષભ અને શ્રેયસ જેવા ભારતીય ખેલાડીઓ આઇપીએલની હરાજીમાં છવાયેલા રહેવા પાછળનાં કારણો શું છે
    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે

આઈપીએલની હરાજીમાં દરેક વખતે એવું કશુંક અણધાર્યું જોવા મળે છે, જેની આશા ન રાખી હોય.

આ વખતે આઈપીએલની ટીમોએ વિદેશી ખેલાડીઓના બદલે ભારતીય ખેલાડીઓ પર નાણાં લગાડવાનો નિર્ણય કર્યો.

એનું જ પરિણામ છે કે આ લિલામીમાં સૌથી વધારે કિંમતે ખરીદવામાં આવેલા ટોચના પાંચ ખેલાડીઓમાં એક પણ વિદેશી ખેલાડી નથી.

ઋષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, અર્શદીપ સિંહ અને યુજર્વેન્દ્ર ચહલ પછી છઠ્ઠા નંબરે જોસ બટલર છે.

વૉટ્સઍપ

પંત સૌથી મોંઘા ખેલાડી કેવી રીતે બન્યા?

ઋષભ પંત

ઇમેજ સ્રોત, Getty Images

ધુંઆધાર અંદાજની બૅટિંગ ઋષભ પંતની ઓળખ છે. સાથે જ તેઓ દેશના નંબર વન વિકેટકીપર પણ છે.

તેમણે આઇપીએલ હરાજીમાં 27 કરોડ રૂપિયા મેળવીને એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. આની પહેલાં આટલી મોટી રકમ અન્ય કોઈ ખેલાડીને ક્યારેય નથી મળી.

લખનઉ સુપર જાયન્ટ્સ પોતાની ટીમના કૅપ્ટનને શોધતી હતી અને તે પંતના યુપી સાથેના જોડાણનો લાભ મેળવવા પણ માગે છે. હકીકતમાં, તેઓ ક્યારેક યુપીનો હિસ્સો રહ્યા, રુરકી સાથે સંબંધ ધરાવે છે.

તેઓ હમેશા દિલ્હી માટે જ ક્રિકેટ રમ્યા છે પરંતુ એવું કહેવાય છે કે તેઓ યુપી તરફથી રમવા માટે પણ ટ્રાયલ આપી ચૂક્યા છે.

પંતની બોલી એટલા માટે પણ જુસ્સાદાર રહી, કેમ કે, તેઓ ઘણી બધી ખૂબી ધરાવે છે. તેઓ ધમાકેદાર ઇનિંગ રમીને એકલા હાથે મૅચનું પરિણામ પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.

જો વિકેટકીપિંગની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ ધોની પછી તેમને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. લખનઉને કેએલ રાહુલના ગયા પછી સુકાનીની શોધ હતી, તે પણ તેમની કિંમતમાં ઉછાળો લાવી.

આ પ્રકારના ખેલાડી ખરીદવા કોઈ દાવેદાર ન હોવાના લીધે તેમની કિંમત આકાશને આંબતી ગઈ. એક સમયે તો એવું લાગ્યું કે લખનઉને તેઓ 20.75 કરોડ રૂપિયામાં મળી શકે તેમ હતા.

આ પ્રસંગે દિલ્હી કૅપિટલ્સને રાઇટ ટૂ મૅચનો ઉપયોગ કરવાની તક મળી, પરંતુ લખનઉના સંજીવ ગોયન્કાએ 27 કરોડની બોલી લગાવીને દિલ્હી કૅપિટલ્સને પાછી હટવા મજબૂર કરી દીધી.

શ્રેયસની હિમ્મતે અપાવી સફળતા

શ્રેયસ અય્યર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્રેયસ ગઈ વખતની આઇપીએલનો એવૉર્ડ જીતનારી કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન હતા.

એવું ભાગ્યે જ જોવા મળે છે કે ચૅમ્પિયન ટીમનો કૅપ્ટન ફ્રેન્ચાઇઝી છોડીને લિલામીમાં ઊતરે.

હકીકતમાં, શ્રેયસ અને કેકેઆર મૅનેજમેન્ટ વચ્ચેની પૈસા વધારવાની વાતચીત આગળ ન વધી શકી અને તેમણે લિલામીમાં ઊતરવાનો નિર્ણય કર્યો.

શ્રેયસને પોતાની ક્ષમતા પર વિશ્વાસ હતો અને આ ભરોસો તેમને માલદાર બનાવવામાં સફળ રહ્યો. તેમને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા.

આ રીતે તેઓ ગયા વર્ષે 24.75 કરોડ રૂપિયાનો રેકૉર્ડ બનાવનાર મિચેલ સ્ટાર્કના રેકૉર્ડને તોડવામાં સફળ થયા. જોકે, તેમનો આ રેકૉર્ડ થોડાક જ સમયમાં ઋષભ પંતે તોડી નાખ્યો.

શ્રેયસ પંજાબ કિંગ્સ દ્વારા લેવાયા તેની પાછળનું એક કારણ એ પણ છે કે તેમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ છે અને તેઓ દિલ્હી કૅપિટલ્સના કોચ હતા તે સમયે શ્રેયસ સાથે કામ કરી ચૂક્યા છે.

કોચ–કૅપ્ટનની આ જોડી પંજાબ કિંગ્સનું ભાગ્ય બદલી શકે છે.

શ્રેયસ ભલે ને છેલ્લા થોડાક સમયથી ભારતીય ટીમનો ભાગ નથી, પરંતુ, તેઓ ઘરેલુ ક્રિકેટમાં આજકાલ જબરજસ્ત પ્રદર્શન કરી રહ્યા છે.

તેમણે મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં 57 બૉલમાં અણનમ 130 રનની ઇનિંગ રમી બતાવી છે. તો બીજી તરફ, તેઓ રણજી ટ્રૉફીની આ સીઝનની ચાર મૅચમાં એક બેવડી સદી સાથે 452 રન નોંધાવી ચૂક્યા છે.

કેએલ રાહુલ

કે.એલ.રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કે.એલ.રાહુલ

કેએલ રાહુલને ખૂબ સારા ખેલાડી અને સારા દૃષ્ટિકોણવાળા કૅપ્ટન માનવામાં આવે છે. પરંતુ, તેઓ પોતાની આ ખૂબીઓ છતાં ક્યારેય કોઈ એક ફ્રેન્ચાઇઝીનો ભાગ નથી રહી શક્યા.

તેમની કરિયર પરેશાનીભરી રહી છે, કેમ કે, તેઓ ઈજાઓની સમસ્યાના શિકાર બનતા રહ્યા છે.

ગઈ વખતે એલએસજી સાતમા સ્થાને જતી રહી તે કારણે તેમના ફેન્ચાઇઝી માલિક સંજીવ ગોયન્કા સાથે તેમનો વિવાદ થયો, જેણે ચકચાર પણ મચાવી હતી. આ વિવાદના કારણે તેમની વાપસી ન કરાઈ.

દિલ્હી કૅપિટલ્સે તેમને 14 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની કૅપ્ટનશિપની ખોટ પૂરી કરી લીધી છે. ઋષભ પંત જવાના કારણે તેમને પોતાની ટીમના સુકાનીની શોધ હતી.

કેએલ રાહુલને બધી ફૉર્મેટના ખેલાડી મનાય છે. તેઓ આઇપીએલમાં ઘણી સીઝનમાં પોતાના બેટનું કૌવત બતાવી ચૂક્યા છે.

2018માં તેમણે 659 રન, 2020માં 670 રન અને 2021માં 626 રન નોંધાવ્યા છે.

કેએલ રાહુલના દિલ્હી ટીમમાં સામેલ થવાથી તેમની કૅપ્ટનશિપ, ઓપનિંગ અને વિકેટકીપિંગની સમસ્યાનો નિવેડો આવી જશે.

અર્શદીપ

અર્શદીપસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્શદીપસિંહ

અર્શદીપ સિંહે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક એવા બૉલરની ઇમેજ ઊભી કરી છે જેનાથી સામેની ટીમ ડર અનુભવતી રહે છે.

તેઓ સતત 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બૉલને સ્વિંગ કરવાની આવડત ધરાવે છે. આ ખૂબીએ જ તેમને 18 કરોડ રૂપિયા અપાવ્યા છે.

હમણાં થોડા દિવસ પહેલાં ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન સિરીઝ જીતવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

હકીકતમાં, તેઓ શરૂઆતની ઓવર્સમાં વિકેટ ખેરવવા ઉપરાંત ડેથ ઓવર્સમાં પોતાના યૉર્કર્સથી બેટ્સમૅન્સને બાંધી રાખવાની (રન નહીં કરવા દેવાની) ક્ષમતા ધરાવે છે.

પંજાબ કિંગ્સે તેમને રિટેન નહોતા કર્યા, પરંતુ, તેમની યોજનાનો ભાગ હતા, તે કારણે તેમને પંજાબ કિંગ્સે રાઇટ ટૂ મૅચના માધ્યમથી 18 કરોડ રૂપિયામાં લઈ લીધા.

ભારત માટે રમેલી 60 મૅચમાં તેઓ 95 વિકેટ લઈ ચૂક્યા છે.

અર્શદીપની બાબતમાં બોલી ઊંચી જવાના કારણે તેમને ખરીદવામાં સીએસકે, દિલ્હી કૅપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને આરસીબી રસ ધરાવતી હતી.

છેલ્લે બોલીમાં સામેલ થયેલી એસઆરએચ 15.75 કરોડ રૂપિયામાં તેમને ખરીદવામાં સફળ થઈ. પરંતુ પંજાબ કિંગ્સ આરટીએમનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં ખરીદી ગઈ.

આટલી વધુ બોલી લગાવવા પાછળનું તર્ક

તર્ક

ઇમેજ સ્રોત, Getty Images

આઈપીએલમાં દરેક વખતે થતી હરાજીમાં કેટલાક ખેલાડીઓને અપેક્ષા કરતાં વધારે રકમ મળી જાય છે અને ઘણા એવા ખેલાડીઓ પણ છે જેઓ દુનિયામાં પોતાની રમતની છટા દેખાડનારા ખેલાડીઓમાં સામેલ હોવા છતાં મામૂલી રકમમાં ખરીદાય છે.

એવા જ ખેલાડીમાં વેંકટેશ અય્યરનું નામ સામેલ કરી શકાય છે. તેમને કેકેઆરે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

એ ખરું છે કે ઇનિંગની શરૂઆત કરવાની ક્ષમતા સાથે પેસ બૉલિંગ પણ કરે છે અને જરૂરિયાત ઊભી થતાં કૅપ્ટનશિપ પણ કરી શકે છે.

વેંકટેશ અય્યર પર બોલી લગાડવા બાબતે એક કમેન્ટેટર મજાકમાં કહી રહ્યા હતા કે કેકેઆરએ અય્યરને લઈને કદાચ ભૂલ કરી નાખી.

વેંકટેશ અય્યરે આઈપીએલની પોતાની કેટલીક ઇનિંગ્સથી પ્રભાવિત ચોક્કસ કર્યા છે.

પરંતુ વેંકટેશ અય્યરનું પ્રદર્શન એવું નથી કે જેની ચર્ચાઓ થઈ હોય. તેમણે 50 આઈપીએલ મૅચમાં 1,326 રન નોંધાવ્યા છે.

કેકેઆરે તેમને 2020માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા અને ચાર વર્ષમાં તેમની કિંમતમાં આ ઉછાળો મહત્ત્વનો ગણાય.

ઑસ્ટ્રેલિયન બેટ્સમૅન ગ્લેન મૅક્સવેલને પણ આ શ્રેણીમાં રાખી શકાય છે. તેમની આક્રમક બેટિંગ અને ઑફ સ્પિન કરવાની ખૂબી તેમને વધારે મહત્ત્વના બનાવે છે.

ગઈ વખતે તેમને આરસીબીએ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પરંતુ ટીમનું ચૅમ્પિયન બનવાનું સપનું સાકાર ન કરાવી શક્યા એટલે તેમને રિટેન નહોતા કરાયા.

મૅક્સવેલને પંજાબ કિંગ્સે 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ ટીમ સાથે રિકી પોન્ટિંગ જોડાયેલા છે, તેથી તેઓ તેમનો સારો ઉપયોગ કરી શકે છે.

જો તેઓ આગામી સીઝનમાં હુકમનો એક્કો સાબિત થાય તો બાકીની ફ્રેન્ચાઇઝીઓને તેમને નહીં લીધાનો અફસોસ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.