આઇસક્રીમ લોકોને કેમ ભાવે છે અને સતત ખાવાથી શું અસર થાય?

પહેલો આઇસક્રીમ કોણે બનાવ્યો એ આજે પણ વિવાદનો વિષય રહ્યો છે. જેટલા ફ્લેવર છે, તેટલી કહાણી છે. તેમાં હાલમાં ઘોડીના દૂધમાંથી બનેલો આઇસક્રીમ પણ સામેલ થઈ ગયો છે. આપણને આઇસક્રીમ કેમ આટલો ભાવે છે, આ એક વૈજ્ઞાનિક વિષય છે.

શોધકોએ તેના (આઇસક્રીમ) પોષણ સંબંધી ફાયદા અને માનવીના શરીર પર થનારી ઓછી સ્વાસ્થ્યપ્રદ અસર પર ધ્યાન આપ્યું છે.

આઇસક્રીમ આપણા મૂડ પર કેવી અસર કરે છે, એના અંગે અધ્યયન પણ થયેલું છે.

લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રીએ 2011માં જાણ્યું કે લોકોનું ઑબ્રિટોફ્રન્ટલ કૉર્ટેક્સ (મગજનો એ ભાગ, જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ છે) એક વાર આઇસક્રીમ ખાધા બાદ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દે છે.

અન્ય અધ્યયન જણાવે છે કે સારી ગુણવત્તાવાળા આઇસક્રીમમાં પોષકતત્ત્વો જેવાં કે પ્રોટીન અને ફૅટ મોટી માત્રામાં હોય છે. આ આપણા મૂડને સ્તરને વધારે છે અને આપણા સેરોટોનિન (એક સામાન્ય મૂડ બૂસ્ટર)નું સ્તર વધે છે.

વિકાસે (ઇવેલ્યુશન) એક મોટી ભૂમિકા ભજવી છે. એ જણાવે છે કે માનવી નિયમિત રીતે ગળી ચીજો ખાવાની ઇચ્છા કેમ રાખે છે.

આ ફ્રોજન ડેઝર્ટની ઉત્પત્તિને લઈને ખાદ્ય ઇતિહાસકારો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે.

ખાંડ, ફૅટ અને બરફનો ઠંડો અહેસાસ આઇસક્રીમ ખાનારના મોઢાને એક આનંદદાયક સ્વાદ આપે છે.

આ ચર્ચામાં એ વાત પર સહમતિ સધાઈ છે કે આઇસક્રીમની ઉત્પત્તિ વીજળી અને રેફ્રીજરેટરથી પહેલાંની વાત છે.

એ જાણવા મળ્યું છે કે બરફથી સમૃદ્ધ અનેક સંસ્કૃતિઓએ ફ્રોજન ડેઝર્ટ કે પેયનાં કેટલાંક રૂપોનું આવિષ્કાર કર્યું, જેને આઇસક્રીમના શરૂઆતના તબક્કા તરીકે જોવામાં આવે છે.

એવું કહેવાય છે કે પહેલી સદીમાં રોમન સમ્રાટ નીરોએ ફળોના જ્યૂસ માટે બરફ લાવવા માટે દોડવીરોને પહાડો પર મોકલ્યા હતા.

જૂના ચીનમાં તંગ રાજવંશ ((618-907 ઇસવીસન)ના સમ્રાટોના કેટલાક રેકૉર્ડ પણ છે, જે અનુસાર તેઓ જામેલા દૂધનો દાવતોમાં ઉપયોગ કરતા હતા.

પોતાના પુસ્તક 'આઇસક્રીમ: અ વર્લ્ડ હિસ્ટરી'માં લૌરા બી. વાઇઝે એક મિશ્રણ અંગે લખ્યું કે 'ગાય, બકરી કે ભેંસના દૂધને લોટ અને કપૂર નાખીને ગરમ કરાતું હતું, જેથી તેને વધુ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવી શકાય. આ મિશ્રણને ઠંડું કર્યા બાદ ધાતુની એક ટ્યૂબમાં નાખવામાં આવ્યું અને તેને બરફના પૂલમાં દબાવી દીધું. આજે ભારતીય કુલ્ફી જેવી રીતે બને છે એ પ્રમાણેનું આ હતું.'

આઇસક્રીમનો ઇતિહાસ શું છે?

'આઇસક્રીમ, શરબત અને જિલાટી: ધ ડેફિનેટિવ ગાઇડ'ના લેખક રૉબિન વેયરે સૂચન કર્યું છે કે જો આપણે બે સંકેત જોઈએ તો તેનાથી એ જાણવામાં મદદ મળી શકે કે ફ્રૉઝન ડેઝર્ટનો આવિષ્કાર કોણે કર્યો.

પ્રથમ તો તમારે એ જાણવું જોઈએ કે આઇસક્રીમ શું છે.

વેયરે 2022માં બીબીસી રેડિયોના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સાદા શબ્દોમાં કહીએ તો આઇસક્રીમમાં ડેરી અને ક્રીમ છે, જ્યારે શબરતમાં આ બંને નથી.

જિલાટો (જે ઇટાલીનું છે)માં બહુ ઓછો અથવા કોઈ ક્રીમ નથી હોતો. તેની જામવાની પ્રક્રિયા ધીમી હોય છે, જેના કારણે અંતિમ ઉત્પાદમાં ઓછી હવા હોય છે.

'મને આઇસક્રીમનો વિષય આકર્ષક લાગે છે, કેમ કે તેમાં કેટલીક સામગ્રી સામેલ છે. સાકર, પાણી, દૂધ કે ક્રીમ અને ફ્લેવર્સ. બધું એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેની કેવી રીતે મિલાવો છો.'

આઇસક્રીમની ઉત્પત્તિને જાણવા માટે વિયરનું બીજું સૂચન એ દર્શાવવાનું છે કે મનુષ્યોએ ઍન્ડોથર્મિક પ્રભાવની શોધ ક્યારે કરી. ઍન્ડોથર્મિક સિદ્ધાંતમાં બરફના તાપમાનને ફ્રિઝિંગ પૉઇન્ટ 0C (32F)થી ઓછું કરવા માટે બરફમાં મીઠું મિલાવવાની વાત કરાઈ છે.

આઇસક્રીમ બનાવવા ઉત્તમ તાપમાન માઇનસ 10c ડિગ્રી સેલ્સિયસથી માઇનસ 20c ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે.

લૉરી બી. વાઇઝ લખે છે કે ચીન, આરબ અને ભારતીયોએ ઇતિહાસમાં કોઈએ કોઈ રીતે ઍન્ડોથર્મિક પ્રભાવના સિદ્ધાંત અંગે પોતાની સમજ દર્શાવી છે.

જોકે તેનો ચોક્કસ સમય ઇતિહાસકારોને હજુ પણ ખબર નથી.

ઈરાનમાં યખચલ- એક ડોમનુમા આકારનો ઢાંચો (જેને ઇસવીસન 400 પૂર્વે જમીનની નીચે બનાવાયો હતો) બરફના ભંડાર માટે કરેલા નિર્માણ તરીકે જોવાય છે.

ત્યાં આવા ઘણા ઢાંચા છે, પણ એ સવાલ હજુ અનુત્તર છે કે પ્રાચીનકાળમાં ફારસી લોકોએ તેનું નિર્માણ બરફના ભંડાર માટે કેમ કર્યું હતું.

શું તેઓ ઍન્ડોથર્મિક ઇફેક્ટ (ઉષ્માશોષી અસર) અંગે જાણતા હતા અને ફ્રૉઝન ડેઝર્ટ બનાવવા બરફનો ભંડાર કરતા હતા?

લંડનમાં લા ગ્રોટ્ટા બરફનાં સંસ્થાપક કિટ્ટી ટ્રેવર્સ 'નેચરલ ફ્લેવર્સ'ની આઇસક્રીમ બનાવતાં વિશેષજ્ઞ છે. તેઓ ફળો, શાકભાજી અને હર્બ્સના ફ્લેવરનો ઉપયોગ આઇસક્રીમ બનાવવા કરે છે.

તેઓ વિસ્તારથી જણાવે છે કે કેવી રીતે તેમણે આઇસક્રીમ બનાવવાની પારંપરિક ઍન્ડોથર્મિક વિધિના પ્રયોગ કર્યા.

તેમણે બીબીસીને જણાવ્યું, "વર્ષો પહેલાં હું આઇસક્રીમ બનાવવાના ઇતિહાસ સંબંધિત રીતો પર એક કોર્સ કરવા ગઈ હતી."

"અમારી પાસે બરફના ટુકડાથી ભરેલી લાકડીની ડોલ રહેતી. તેના પર નમકની ઝીણી ભૂકી હતી. અમે ડોલની અંદર પારમેસન ચીજોથી ભરેલી બરણીને રાખીને બાદમાં મિશ્રણને હાથથી મિલાવી દીધું."

"તેનું મિશ્રણ કરવા મારા ઇલેક્ટ્રિક મશીને બહુ ઝડપી કામ કર્યું. આઇસક્રીમનો સ્વાદ પણ શાનદાર થઈ ગયો."

"આથી સૈદ્ધાંતિક રીતે જો તમે પ્રકૃતિમાં બરફના ટુકડા બનાવી શકો તો આઇસક્રીમ બનાવવા તમારે વીજળીની જરૂર નથી."

યુરોપમાં એક કહાણી પ્રચલિત છે કે માર્કો પોલો (1254-1324) વિવિધ ભોજનની સાથે ફ્રૉઝન ડેઝર્ટ બનાવવાની રેસિપી ચીનથી પોતાની સાથે લાવ્યા હતા.

પરંતુ શું માર્કો પોલો ખરેખર ચીન પહોંચી શક્યા હતા? આ વિવાદનો વિષય રહ્યો છે.

ઑક્સફોર્ડ કમ્પેનિયન ટુ શુગર ઍન્ડ સ્વીટ્સ સહિત ખાનપાન વિષય સંબંધિત અનેક પ્રકાશનોએ એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે ભોજન પર ઍન્ડોથર્મિક અસર અંગે સોળમી સદી સુધી યુરોપીય લોકોને માહિતી નહોતી.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે રેફ્રીજરેટર (ઠંડું કરવું) સસ્તું થયું ત્યારે આઇસક્રીમ બનાવાનું ઔદ્યોગિક સ્તરે બિઝનેસરૂપે શરૂ થયું.

સ્થાનિક ફ્લેવર્સની અસર

બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્લૅટફૉર્મ 'સ્ટેટિસ્ટા' અનુસાર, આજે આઇસક્રીમ એક વૈશ્વિક ઉદ્યોગ છે, જેણે 2014માં 103.4 બિલિયન ડૉલરની કમાણી કરી છે.

જ્યારે ચૉકલેટ અને કૉફીની કમાણી તેની તુલનામાં 133.6 બિલિયન ડૉલર અને 93.46 બિલિયન ડૉલર રહી છે.

પારંપરિક વૅનિલા અને ચૉકલેટથી આગળ નીકળીને (આઇસક્રીમ) ફ્લેવર્સની વિવિધતા વધી રહી છે. કેટલાક ફ્લેવર સ્થાનિક ફૂડ કલ્ચર પણ દર્શાવે છે.

તાપિવા ગુઝહા સાઉથ આફ્રિકાના કૅપટાઉનમાં કિચન કાફે ચલાવે છે. 2022માં તેઓ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યાં હતાં. તેનું કારણ તેમણે બનાવેલી સૉલ્ટી ડ્રાય ફિશ અને સ્કૉચ બોનેટ ચિલી આઇસક્રીમ હતું.

ઝિમ્બાબ્વેમાં જન્મેલા મૉલિક્યુલર બાયૉલૉજિસ્ટ પોતાને વૈજ્ઞાનિક મગજવાળા ફૂડી ગણાવે છે.

તેમણે બીબીસીને કહ્યું, "હું વિચિત્ર કે અલગ રીતની ફ્લેવર બનાવાનો પ્રયાસ નહોતો કરતો, પણ એવું કરવા માગતો હતો કે તેમાં આફ્રિકા મહાદ્વીપના સ્થાનિક સ્વાદની ઝલક જોવા મળે."

"મારી વાનગી મહાદ્વીપમાં વિભિન્ન જનજાતિઓનાં ખાનપાન અને એક સંયુક્ત થીમને દર્શાવે છે."

ઘોડીના દૂધની આઇસક્રીમ

આઇસક્રીમના ઘટનાક્રમમાં તાજેતરમાં પોલૅન્ડની ખાસ ચર્ચા છે. સ્ઝેસીનમાં વેસ્ટ મોમેરેનિયન યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજીના શોધકોએ ઘોડીના દૂધમાંથી યોગર્ટ આઇસક્રીમ બનાવ્યો છે. જે ગાયના દૂધમાંથી બનતા આઇસક્રીમ જેવો જ છે.

ઑગસ્ટમાં પ્રકાશિત એક અધ્યયનથી જાણવા મળ્યું કે ઘોડીનું દૂધ વ્યક્તિની પાચનશક્તિ સુધારી શકે છે. પણ તેમાં હજુ વધારે સંશોધનની જરૂર છે.

સૅન્ટ્રલ એશિયામાં લાંબા સમયથી ફરમેન્ટેડ ઘોડીના દૂધનું સેવન કરાઈ રહ્યું છે. પણ તેમનાથી ફ્રોઝન ડેઝર્ટ બનાવવું એક નવો પ્રયોગ છે.

કિટ્ટી ટ્રેવર્સે પૉલિશ શોધકોની આ રેસિપીને ચાખી છે, પણ તેમને એ પાતળી અને સારી નથી લાગી.

જ્યારે બીબીસીએ ઑગસ્ટના અંતમાં તેમની સાથે મુલાકાત કરી તો તેમણે ઘોડીના દૂધને ફ્લેવર આપવા માટે પીયર (બબુપોચા)ની છાલ, વરિયાળીની ભૂકી અને બીજનો ઉપયોગ કરીને એક બૅઝ બનાવ્યો હતો.

એક અઠવાડિયા બાદ તેમણે એક પાર્ટીમાં નવું ફ્લેવર રજૂ કર્યું હતું, જેને તેમના મિત્રોએ વખાણ્યું હતું.

તો હવે તમે તમારા નજીકના આઇસક્રીમ પાર્લરમાં આવનાર નવા ફ્લેવર અને નવા પ્રકારના આઇસક્રીમ માટે તૈયાર થઈ જાવ!

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.